Wednesday 7 March 2018

સાહિત્ય અને લોકમાધ્યમો


માનવી જ્યારથી સભ્ય-સંસ્કૃતિમાં દાખલ થયો ત્યારથી સાહિત્યનું સર્જન કરતો થયો છે. સાહિત્યમાં પોતાની લાગણીઓ, મનોભાવનાઓ, સામાજિક-સાંસ્કૃતિક-ભૌગોલિક પરિસ્થિતિઓનો ચિતાર સમયે સમયે આપતો જ રહ્યો છે; આ ઉપરાંત પણ સાહિત્ય નવા યુગના મંડાણમાં પણ મહત્વનો ફાળો આપે છે. આપણે આ દુનિયામાં જે નવા અભિગમો, સંશોધનો કે આયામો રચતા હોઈએ છીએ તે રચવામાં વિવિધ પ્રકારનું સાહિત્ય અને માનવીની કલ્પનાશક્તિનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે.
        તમને એમ પણ થાય કે, આ બધું સાહિત્યમાં સમાવી શકાય ખરું! તો જવાબ હા, આપવો પડે. સાહિત્ય વૈશ્વિક સમાજનું હંમેશા પ્રતિબિંબ ઝીલતું રહ્યું છે. આ સાથે જ આવનારા સમાજ અને તેની પ્રગતિની કલ્પના સૌપ્રથમ સાહિત્યના માધ્યમ દ્વારા જ શબ્દબદ્ધ થતી રહી છે. આજ દિન આ માધ્યમ પહેલા મૌખિક પરંપરા દ્વારા ચાલ્યું અને પછી લેખિતની પરંપરા આવી. મધ્યકાલીન કે પ્રાચીન હસ્તપ્રતો, તામ્રપત્ર, તાડપત્રો જેવાં માધ્યમો દ્વારા આ પરંપરા આગળ ચાલતા છાપખાનામાં ઢગલાબંધ પ્રતો પર નિર્ભર રહેવા લાગી. શિક્ષિત માનવસમાજની વાંચનની ટેવ કેળવવામાં આવતી અને છાપકામ દ્વારા સમાચારપત્રો કે સામયિકો દ્વારા સમાજ-દેશમાં વૈચારિક પ્રવાહ ફેલાવા લાગ્યા. પહેલા પત્રકારત્વ દ્વારા અને હવે વૈચારિક કોલમિસ્ટ દ્વારા આ માધ્યમ, સમૂહમાધ્યમોના ઉપયોગથી જગતમાં અનેક ક્રાંતિઓ પણ થઈ. આ સમગ્રથી આગળ વધીએ તો, આજે આપણે જે યુગમાં જીવી રહ્યાં છીએ તેમાં આજની પેઢીનો પુસ્તક વાંચનનો જે શોખ છે, જે કાગળ સાથેની નિસ્તબનું સ્થાન કમ્પ્યૂટરે લીધું છે. કમ્પ્યૂટરને આખો દિવસ ફાળવતા વ્યક્તિઓની સંખ્યામાં દિવસે દિવસે વૃદ્ધિ થઇ રહી છે.
        આજે આપણે સમૂહમાધ્યમોની ચર્ચા કરીએ તો રેડિયો, ટેલીવિઝન જેવા ઇલેક્ટ્રોનિક મીડિયાનો વ્યાપ અને વિકાસ હરણફાળ ભરી રહ્યો છે. ઈલેક્ટ્રોનિક મીડિયામાં રેડિયો, ટેલીવિઝન, ઈન્ટરનેટ, સર્ચ એન્જીન, લેપટોપ, ટેબલેટ, મોબાઈલનો ફાળો અદ્ભુત છે. હવે આપણે વિચારીએ તો, આ બધા સંસાધનને સાહિત્ય સાથે શો સંબંધ? તો આજના યુગમાં તમે જોતા હશો કે તાર અને ટપાલનો ક્યાં જમાનો રહ્યો જ છે? આજે તો બહેન, ભાઈને રક્ષાનો પત્ર પણ લોકમાધ્યમો એટલે કે સોશ્યલ મીડિયા દ્વારા પહોંચાડે છે. કાગળ પર પોતાના હસ્તાક્ષર સાથે બહેન પોતાના ભાઈને સુખી થવાના વચનો કે કોડ લખી મોકલતી ત્યારે જે ભાવ સાથે ભાઈ વળતી ટપાલ કે તાર કરતો, જેને સ્થાને આજે તત્કાલીન સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી જાત જાતના મેસેજ, કવિતાઓ કે ચિત્રો(ઈમેજીસ) મોકલીને પોતાના ભાવની અભિવ્યક્તિ ખૂબ સામાન્ય બાબત થઇ ચૂકી છે.
        આ સમયમાં આપણને પળે પળે અહેસાસ થાય કે, દુનિયા નાની થતી જાય છે. મુઠ્ઠીમાં સમાતી જાય છે. એક મોબાઈલમાં, એક લેપટોપમાં કે એક કમ્પ્યૂટરમાં સમાય જતી લાગે છે. આ સંજોગોમાં કાગળ-કલમ સાથે જેની નિસ્બત છે તેવા સાહિત્યની વાત જોખમમાં મૂકાઈ ગઈ હોય એમ આપણને લાગે છે. ખરેખર જેમ માનવી સમય સંજોગો પ્રમાણે પોતાની સગવડમાં ફેરફાર કરી શકે છે ત્યારે સાહિત્ય પણ સમય સાથે પોતાના માધ્યમોમાં બદલાવ લાવી જ શકે છે અને આમ, જોવા જોઈએ તો આવું થયું પણ છે.
        ચાલો, આ ફેરફારને વિસ્તારપૂર્વક જોઈએ, સમજીએ તો, લેખક પોતાની કૃતિ પહેલા સમાચાર પત્રોમાં હફ્તાવાર પ્રગટ કરતા, હજી પણ કરે જ છે! પણ હવે સમાચારપત્ર રૂપે તો આવે છે તેની સાથે ઈ-પેપરરૂપે પણ પ્રગટ થાય છે. જેના ત્યાં કમ્પ્યૂટર છે, ઈન્ટરનેટ છે, તેઓ વેબસાઈટ ખોલે ને જે મનગમતું ન્યુઝપેપર-છાપું હોય તેને કાગળનો બચાવ કરીને વાંચી લે. માહિતી/જાણકારી તો મેળવી જ લે, સાથે સાહિત્યનો રસાસ્વાદ પણ માણે. હું તો એટલે સુધી કહીશ કે જો કોઈ વસ્તુ વાસ્તવિકતાથી સંગ્રહ કરવાની જ નહીં. હાર્ડકોપી રાખવી જ નહીં અને છતાં જયારે ઈચ્છા થાય ત્યારે કમ્પ્યૂટરની મદદથી સોફટકોપીમાંથી માહિતી મેળવી લેવાની. આ તો થઇ છાપામાં આવતી હપ્તાવાર પ્રગટ થતા સાહિત્યની વાત કે સમાચારપત્રોમાં આવતી વિગતોની વાત.
        હવે આપણે જોઈએ તો, વૈશ્વિક સાહિત્ય ઘણા મોટા પ્રમાણમાં લખાયેલું છે-રચાયેલું છે. આ સાહિત્યને આપણે મેળવવું છે. ચાલો ઉદાહરણ તરીકે લઈએ તો, રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્ય કે પછી મહાત્મા ગાંધીજીના સાહિત્યને તો દુનિયામાં જેટલી ભાષામાં એ સાહિત્ય અનુવાદ થયેલ છે કે ઉપલબ્ધ છે અને એ ભાષા આપણને ઉકેલતા આવડે છે તો પછી કોઈની જરૂર નથી. સર્ચ એન્જીનમાં સર્ચ કરો પોતાના કોઈપણ વિષય વિશે લખો અને તે વિશેના ઉપલબ્ધ પુસ્તકો, લેખો, સંશોધનો, વાર્તાલાપો, ટિપ્પણીઓ તથા પરિચય અને તે લગતી બધી જ માહિત જે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે તે ઘેર બેઠા મળી જાય. આપણે તો ફક્ત બટન દબાવવાના છે. એક કમાલની વાત કહું તો, હવે તો આ પુસ્તકો ‘કીન્ડલ’ એડીશન એટલે કે સોફ્ટકોપીમાં પણ મળે છે. સીધી જ કમ્પ્યૂટરની સોફ્ટકોપીમાં ‘કિન્ડલ’ એડીશનને રૂપિયાથી ખરીદવાની અને કાયમ માટે કમ્પ્યૂટરમાં સ્ટોર કરવાની કે સીડી/ડીવીડીમાં રાખવાની અને જયારે જરૂર પડે વાંચવાની તથા પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ પણ કાઢી ઉપયોગમાં લઇ શકાય. જરૂરી મુદ્દાઓ ઉપર ધ્યાન પણ દોરી શકાય. બુકમાર્ક દ્વારા ટિપ્પણીઓ પણ લખી શકાય. અંગ્રેજીમાં તો લગભગ બધા પુસ્તકો આ ફોરમેટમાં ઉપલબ્ધ છે.
        આજે મહાત્મા ગાંધીજી, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોષી, ક.મા.મુનશી, નરસિંહ-મીરાંના પદો, સુરેશ દલાલ, નિરંજન ભગત, પન્નાલાલ પટેલનું અમર સાહિત્યસર્જન હોય ગુજરાતીમાં આપણને ઓનલાઈન ઉપલબ્ધ છે. આ તો થોડા ઉદાહરણ છે આજે ઓનલાઈન ઘણું સાહિત્ય ગુજરાતી ભાષામાં આપણને મળી રહ્યું છે, જેના દ્વારા આપણે ગુજરાતી પુસ્તકોને ઘરે લાવવાની, સંગ્રહ કરવાની કે પછી કાળજી રાખવાની રહેતી નથી. એવી ઘણી વેબસાઈટ છે જેમાં આજે પણ યુદ્ધના ધોરણે ગુજરાતી સાહિત્ય e-book દ્વારા online મૂકાય રહ્યું છે. તમે e-bookની લાઈબ્રેરીની વેબસાઈટ પર જાવ, log in થાવ કે સભ્ય બનો અને તમને અમુક સમય માટે એ પુસ્તક કમ્પ્યૂટર કે લેપટોપ કે ટેબલેટ કે પછી મોબાઈલમાં વાંચી શકો. જાતે સ્ક્રોલ કરી શકો તથા જાણે પુસ્તકના પાનાં પલટાવતાં હોય તેવી સુવિધા પણ આપવામાં આવે છે. આનાથી પણ મજાની વાત તમને કહું તો, આ e-bookમાં તમે Book Mark દ્વારા ટિપ્પણી પણ લખી શકો અને તમારા માટે મહત્વના મુદ્દા ટાંકી પણ શકો. જયારે તમે એક બટન દબાવો તો બધા Book-mark અને બધી ટાંકેલી કે underline કરેલી વિગતો એક સાથે તમે તમારી સ્ક્રિન પર જોઈ શકો. બોલો હવે આવી સુવિધા જો આ પેપરલેસ ટેકનોલોજી આપણને આપતી હોય તો કાગળનો બને એટલો ઉપયોગ ઘટાડીને Eco-friendly વાતાવરણ બનાવવામાં આપણો ફાળો આપણે ચોક્કસ આપી શકીએ.
        આ ઉપરાંત સોશ્યલ મીડિયા રેડિયો પર પણ રેડિયો નાટક કે આજે તમે નવી ટેકનોલોજી વિશે સાંભળીને શીખી રહ્યાં છો, તેમ સાહિત્યનો આસ્વાદ પણ માણી શકો છો. રહી વાત ટેલીવિઝનની તો, ટેલીવિઝન દ્વારા તમે સાહિત્યકૃતિઓ પર બનતી સિરિયલો કે ફિલ્મોને પણ online નિહાળી શકો છો. આ ઉપરાંત રેડિયો અને ટેલીવિઝનથી મેળવાતી દરેક માહિતી કે જાણકારી કે આસ્વાદ તમે કમ્પ્યૂટરમાં રહેલ ઈન્ટરનેટના માધ્યમ દ્વારા મેળવી જ શકો છો. હવે તમને કહું કે ઘણી યુનિવર્સિટીઓ દ્વારા પોતાની Internet Radio અને Television Chanal પણ ચલાવવામાં આવે છે. તે દ્વારા પણ તમે તમારા જ્ઞાનમાં વૃધ્ધિ કરી શકો છો. નવી માહિતી અને સાહિત્યની મજા પણ માણી શકો છો. આ ઉપરાંત દૃશ્ય-શ્રાવ્ય માધ્યમનો ઉપયોગ કમ્પ્યૂટર, ટેબલેટ, લેપટોપ કે મોબાઈલમાં કરી શકો છો તો ઈન્ટરનેટ દ્વારા લોકમાધ્યમો મારફતે સાહિત્યકૃતિઓ, લોકકલાઓ, સંસ્કૃતિ-ઈતિહાસ કે સંસ્કૃતના સુભાષિતો તથા આપણા ચતુર્વેદના શ્લોકો અને પોતાની ભાષામાં તેની સમજૂતી પણ મેળવી શકો છો. આ ઉપરાંત એ શ્લોકોનાં ઉચ્ચારણોને પણ સાંભળી સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથોને પોતાના સુધી સરળતાથી પહોંચાડી શકો છો. અરે, આ લોકમાધ્યમોના ઉપયોગથી તમારી સર્જનાત્મકતાને દુનિયા સમક્ષ મૂકી પણ શકો છો. આ લોકમાધ્યમોમાં કેબલ ટેલીવિઝન, વિડીયો, ઉપગ્રહ પ્રત્યાયન પદ્ધતિ, વેબસાઈટ, બ્લોગ અને બીજા અનેક લોકમાધ્યમોનો દિન-બ-દિન ઉપયોગ વધતો જાય છે. તેમાં તમે પોતાના વિચારો, પોતાની સર્જનાત્મકતાને આખા વિશ્વની માનવજાતિ સમક્ષ મૂકી શકો છો. તે ઉપરાંત બીજા વ્યક્તિઓના સર્જન તથા કાર્યોની નોંધ લેવા સાથે તે વિશે ટિપ્પણી કરી શકો, તેને share કરી શકો, પ્રેરણા લઇ શકો અને તેથી વધુ કોઈ મુદ્દા પર તમે Review પણ આપી શકો. પરિચય પણ આપી શકો. આ માધ્યમ તમને જાણીને આશ્ચર્ય થશે કે સાહિત્યના ઘણા વાદો તથા સાહિત્યના વિવિધ અભિગમો વિશે પોતાના વિદ્યાર્થીને દુનિયામાં કોઈપણ ખૂણે બેસીને જ્ઞાન આપી શકો. પોતે કરેલા સંશોધનો કે મેળવેલ માહિતીને આખી દુનિયા સાથે વહેંચી શકશો, જેથી તમે જાણો જ છો કે કેટલી ઝડપથી એક નાનકડી માહિતી આખી દુનિયામાં પહોંચાડી શકાય છે.
        મેં જે આખી વાત કરી તેમાં તમે એમ વિચારશો કે આ બધું કમ્પ્યૂટર દ્વારા થઇ શકે પણ કમ્પ્યૂટરમાં લખાય કેમ? તેના માટે તો typewriter વગેરેની માહિતી જોઈએ. પણ મિત્રો, હવે, એવું રહ્યું નથી. હવે તો, તમે સરળતાથી તમારી ભાષામાં યુનિકોડ ફોન્ટમાં લખી શકો અને આ યુનિકોડ ફોન્ટની ખાસિયત શું છે ખબર છે? આ ફોન્ટ આખી દુનિયામાં જે તે કમ્પ્યૂટરમાં એવા ને એવા જ અક્ષર અને ભાષામાં સામે રહેલા વ્યક્તિને દેખાય છે. તેના માટે જોનાર વ્યક્તિએ કોઈ વિશિષ્ટ ફોન્ટ download કરવાની જરૂર રહેતી નથી. આ તો કેટલું સહેલું થયું કે પોતાની ભાષામાં પોતાની માહિતી સરળતાથી પહોંચાડી શકાય. અંગ્રેજી કે બીજી કોઈ ભાષા ફરજિયાતપણે શીખવાની કોઈ જરૂર જ નથી.
        તમે કહેશો કે ઈન્ટરનેટ પર સાહિત્ય મૂકવું તો છે પણ લખી શકાય કે ટાઇપ કરી શકાય તેવી કોઈ આવડત નથી, પરિસ્થિતિ નથી, તો; શું કરવું? તો પોતાના અવાજમાં પોતાના વિચારો, પોતાની વાત કે પોતાનું સર્જન રકોર્ડ કરો અને વિડીયો કે ઓડિયો ફાઈલ તૈયાર કરી લોકમાધ્યમની કોઈપણ સાઈટ પર પોતાના log in Id દ્વારા upload કરી દો, દુનિયા સુધી તમારી ભાષામાં એ સહેલાઇથી પહોંચી જશે, એ પણ તમારા આવજમાં શબ્દબદ્ધ થયેલી વાત ફરતી થશે.. હવે તમે કહેશો કે મારો અવાજ સારો નથી તેથી મારા અવાજ સાથે મને મારી વાત નથી કહેવી, લખીને જ મૂકવી છે તો speech Recognize technology દ્વારા તમે બોલો અને આપો આપ કમ્પ્યૂટરનું સોફ્ટવેર તમારી બોલેલી વાતને અક્ષરનું આવરણ આપી લખતું જશે.
        આ પછી તમને ભાષાની શુદ્ધિ વિશે શંકા છે, જોડણી ચકાસવી છે, વાક્યરચના ચકાસવી છે, speel cheakનો ઉપયોગ કરો. તે ટેબના ઉપયોગથી જોડણી કે વાક્યરચનાની ભૂલ સમજાવી શકશો તથા સાચી જોડણીનો કે અર્થનો વિકલ્પ પણ મળશે. જો કોઈ કમ્પ્યૂટરમાં તમારી ભાષામાં spell cheakની વ્યવસ્થા ન હોય તો, પણ ગભરાવાની જરૂર નથી; online ઘણીબધી શબ્દકોશ(dictionary)ની વેબસાઈટ ઉપલબ્ધ છે. સર્ચ એન્જીનમાં શબ્દ લખો તેની સાચી જોડણી સાથે તેના વિવિધ ભાષામાં અર્થની પણ જાણકારી મળી જશે. આ જ રીતે કોઈ મુદ્દા કે લખાણને બીજી ભાષામાં અનુવાદ કરવું હોય તો પણ Internet Search Engine તમને ખૂબ મદદરૂપ થાય એમ છે.
        આજે તો વગર કોઈ ચાર્જ ભર્યે ઘણું બધું સાહિત્ય ઓનલાઈન વિવિધ પ્રકારની વેબસાઈટ પરથી મળી શકે છે. જેનો ભરપૂર ઉપયોગ આપણે વિવિધ લોકમાધ્યમો દ્વારા કરી શકીએ છીએ. આમ, આજે કમ્પ્યૂટર, લેપટોપ, ટેબલેટ કે મોબાઈલના માધ્યમથી આપણે વિવિધ લોકમાધ્યમો સાથે જોડાઈને રહેવાથી દેશ-દુનિયાની માહિતીથી પણ જોડાઈને રહી શકીએ છીએ. આગળ આપણે E-Book કે Kindle Editionની વાત કરી તે પ્રકારમાં સાહિત્ય પણ ઘણી વેબસાઈટ પર મૂકવામાં આવ્યું છે, તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ બધું આપણી આસપાસની દુનિયામાં કમ્પ્યૂટરના માધ્યમથી હાથવગુ છે; પરંતુ. હવે આપણે તે વિશેના ખતરાઓથી પણ પરિચિત થવાની જરૂર ઊભી થઇ છે. સાઈબર ક્રાઈમની સંખ્યા દિવસે દિવસે વધતી રહી છે. પણ મારું તો માનવું છે કે સૂઝબૂઝથી કરેલા કોઇપણ માધ્યમનો ઉપયોગ કયારેય વિનાશકારી કે નુકસાનકારી પગલાં તરફ દોરતું નથી. આપણે જાણીએ જ છીએ કે ‘અતિની ગતિ નહીં’ તેવી જ રીતે દરેક માધ્યમો લાભકારી છે પણ જ્યાં અતિરેક થાય ત્યાં આટલા મોટા જનસમૂહના સમાયોજનથી તેના વિશેની ખોટી ધારણા કે અનિષ્ટકારી વલણો તો પેદા થવાના જ. હવે આપણે તેનાથી બચવું હોય તો જરૂરિયાત મુજબનો યોગ્ય ઉપયોગ કરો. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કમ્પ્યૂટરના માધ્યમથી સર્ચ એન્જીનથી મળેલ માહિતી ભૂલ ભરેલી હોય, ક્યાંક સદંતર ખોટી હોય, પૂર્વગ્રહયુક્ત પણ હોય તો તેમાંથી સાચી હોય એટલી જ માહિતી ગ્રહણ કરવી કે તેનો આપણા હેતુ માટે ઉપયોગ કરવો. આમ છતાં આ બધા સંસાધનો છે, માધ્યમો છે સાહિત્ય સુધી પહોંચવાના. નવા નવા રસ્તા તો આવતા જ રહેવાના અને આપણે સમયે સમયે તેની સાથે વિના સંકોચે ચાલતા જ રહેવું, પ્રવાહિત જ રહેવું અને મૂળ સાથે જોડાયેલા રહેવું.


-હેતલ ગાંધી

No comments:

Post a Comment