Wednesday 7 March 2018

નારી જીવનના વિવિધ રંગોના તરજુમાને પ્રગટ કરતો વાર્તાસંગ્રહ: ‘વૅન્ટિલેટર’


નારી શબ્દ વ્યકિતના ગર્વના અનુભવ મતે પર્યાપ્ત છે. નારી એટલે સંવેદનાનો સાગર, લાગણીઓનું ધસમસતું પૂર, સમપર્ણની પ્રતિમૂર્તિ વગેરે વગેરે... નાચેના જીવનન ઘણા પાસાંઓ છે, જેને વિવિધ રંગો પણ કહી શકાય. આપની આસપાસ જીવન પર્યન્ત નારી વિવિધ ભૂમિકાઓ નિભાવતી રહે છે. આ સમગ્ર ભૂમિકાઓના તરજુમાને- અનુભવને શબ્દરૂપે કલમ દ્વારા કાગળ પર ઉતારવાનું બીડું આ ‘વૅન્ટિલેટર’ વાર્તાસંગ્રહના લેખિકા રેણુકા પટેલે ઝડપ્યું છે. વાર્તાસંગ્રહની વાર્તાઓના નિચોડને આપતું ઢસડાતી સંવેદનાઓની વણઝારાની સ્પંદન- કથાઓ’-સાર્થક થતું જણાય.

રેણુકા પટેલના ‘વૅન્ટિલેટર’ વાર્તાસંગ્રહમાં કુલ સત્તર વાર્તાઓને સ્થાન આપે છે. પ્રથમ વાર્તા ‘સ્વજન નામે’ માં અદિતિ પોતાના પુત્રના ભગ્ન લગ્નજીવનને સાંધવા માટે પોતાના પતિના વિરોધ થતાં વિદેશ પુત્ર પાસે જાય છે. ત્યાં પુત્રવધૂ વિદેશી હોવાથી અને પુત્રના કહ્યાં પ્રમાણે તેને જ દોષી માને છે, ઘણીવાર ભાંડે છે; પરંતુ, પુત્રની ગેરહાજરીમાં નાનપણથી એકલી રહેલી સંવેદનશીલ રિબેકા(પુત્રવધૂ)ની કુટુંબ ઝંખના અને પતિ-સંતાન પ્રત્યેના પ્રેમને જોઇને અદિતિનું સ્ત્રી મન પીગળે છે. પોતાનો પુત્ર બીજી સ્ત્રી સાથે સંબંધ બનાવી બેઠો છે, જેના કારણે તેમના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે તે જાણી અદિતિને આઘાત તો લાગે છે; પરંતુ, સ્વસ્થ થઇ એક સ્ત્રી તરીકે રિબેકાને સાથ આપે છે અને રિબેકાની ઈચ્છા પ્રમાણે ભારતમાં કૌટુંબિક સ્વજનો સાથે રહેવાની બાંયધરી આપે છે ને તૈયારી બતાવે છે.
વાર્તાસંગ્રહની બીજી વાર્તા ‘સીમંત’માં નાયિકા લજ્જાને સંતાનસુખ નથી, જેના કારણે તેનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે. પતિ એને બને એટલો સ્વસ્થ થવા સાથ આપે છે. આમ છતાં, તે સાસુ સસરાની અનુમતિ ન હોવાથી બાળક દત્તક લઈ શકતી નથી. લજ્જાની મા કાવેરી દીકરીની મમતાને સાચી દિશા આપવા માટે આખરે શહેરથી થોડે દૂર એક ભૂલકાગૃહમાં લઈ જાય છે. આ સ્થળે લજ્જાની માતૃત્વને તૃપ્તિ તો મળે જ છે; પરંતુ, તેનો મમતા ભર્યો વહાલ કોઈ એક બાળકને માત્ર ન મળતાં આખાં ભૂલકાગૃહના બાળકોને મળતો થાય. અહીં હતાશ લજ્જાને જીવનનો ઉદ્દેશ મળતો લાગે છે, તેથી જ તો આંધળી ખિસકોલી રમતા બાળકોને સ્મિત સાથે લજ્જા ‘મને રમાડશો?’ એમ કહી ભળે છે. સમાજને દિશા ચીંધવાના શુભ વિચાર દ્વારા વાર્તાનો સુખદ અંત આવે છે.
‘નિકષ’ વાર્તામાં દામિની જે અવિવાહિત છે. તેની જીવનસાથી મેળવવાની ઝંખનાની ઉત્પતિ અને વિચારો તરફની ગતિ માટે બનતી ઘટનાઓની તથા વાતાવરણની હારમાળા છે. કૉલેજકાળ દરમ્યાન પિતાનું અવસાન થવાથી ઘરની અને નાના ભાઈની જવાબદારી ઉપાડી લેતી, તેને ભણાવીને તેના લગ્ન પણ કરાવે છે; પરંતુ, ભાઈ મોહિત અને સ્વાતિના નવા લગ્નજીવનના પ્રેમને જોઇ આટલા વર્ષે તેને પોતાની જાત, પોતાની જરૂરિયાત- સંતોષનું ભાન થાય છે. તેથી જ તો અંતે મેરેજબ્યુરોમાં નામ નોંધાવવા તત્પર બને છે. સામાન્ય લાગતી; પરંતુ, સ્ત્રીના હ્રદયની અતૃપ્ત સંવેદનાઓને માવજતથી ઉજાગર કરે છે.
        ‘અપૂર્ણ’ વાર્તામાં ભારતીય નારીને નાનપણથી જ એમ સમજાવવામાં આવે છે કે, ‘પતિ એ જ પરમેશ્વર’. આ વિચારને મૂર્ત કરતી અપર્ણાએ આ નશાના હેંગઓવરમાં તથા પ્રેમ અને ભક્તિની બેહોશીમાં હોશ ખોઈ કેટલાય વર્ષો વીતાવી દીધા. પતિનો પડ્યો બોલ ઝીલતી અપર્ણાને તો ખબર જ ન હતી કે હાડચામડાનો બનેલો, માનવસહજ મર્યાદાઓ અને દૂષણોથી ભરેલો પતિ હોઈ શકે. તેના પતિ કાર્તિક તેનાથી કાંઈ પણ છૂપાવતો નહીં. તેથી જ તો તેના જીવનમાં આવેલી બીજી સ્ત્રીની વાત પણ કબૂલે છે. જેનાથી ક્ષતવિક્ષત થયેલી અપર્ણાને તેની અસ્તિત્વનું અને આત્મસન્માનનું ભાન થાય છે. તે ઘર છોડવાનો નિર્ણય કરે. લેખિકા નાયિકાના મુખે અદભુત વાકય બોલાવે છે, “આડંબર અને ખોટા ભપકાથી અંજાઈ ગયેલી એવી હું લાગે છે કે કુંભકર્ણની જેમ એક લાંબી નિંદ્રામાંથી જાગી છું...મારું અપર્ણા તરીકેનું અસ્તિત્વ હજી અપૂર્ણ હતું હવે કદાચ પૂર્ણ થાય!
        જે વાર્તાના નામ પરથી વાર્તાસંગ્રહનું નામ છે તે વાર્તા ‘વૅન્ટિલેટર’માં સુષ્માના મોટાભાઈ,  જેમણે માતા-પિતાના અવસાન પછી આખી જિંદગી અપાર સ્નેહ વરસાવ્યો છે તે વૅન્ટિલેટરને સહારે જીવે છે. સુષ્માને જરા જેટલી તકલીફ ન થવા દીધી, તે ભાઈને પોતે અનિલના પ્રેમમાં પડી છે અને લગ્ન કરવાની વાત છુપાવવા બદલ આખી જિંદગી આત્મગ્લાનિ અનુભવે છે. વૅન્ટિલેટરના સહારે જીવતા મોટાભાઈની તકલીફ ન જોવાતા વૅન્ટિલેટરમાંથી પોતે જ ચૂપચાપ મુક્તિ આપી દે છે.
        ‘જન્માક્ષર’ વાર્તામાં આખી જિંદગી જન્માક્ષરમાં લખેલા ભવિષ્યકથનને મૂલવતા રહ્યાં અને લખ્યાં પ્રમાણે થયું પણ ખરું. એમાં છેલ્લે લખ્યું હતું કે પાંસઠ વર્ષની ઉમરે મૃત્યુ થશે. તેથી તે જન્મદિન સુધી મૃત્યુની રાહ જોવા રહ્યાં, રાત્રે સૂતી વખતે કાલે ઉઠાશે નહીં એ ભાવનાથી સૂઈ રહ્યાં પરંતુ અહીં એ વાત ભારતીય સંદર્ભની આવે છે તે છે સતી સાવિત્રીનો. સવિતાબહેન સતી સાવિત્રીની જેમ મનીષભાઈના પ્રાણ યમની પાસેથી લઈ આવશે. તે વાસ્તવિક ભૂમિકા પર નાયકને સાચું લાગતું નથી, પણ ભારતીય દર્શનની ચાહક લેખિકા અંતમાં નાયકનો સવારે સૂર્યના દર્શન કરે છે; પરંતુ, તેમના પત્ની આંખો ખોલતા નથી. આ અંત સાથે પતિ ભક્તિ અને પતિવ્રતા પત્ની સંદર્ભે ચમત્કૃતિ દર્શાવી છે.
        ‘ખૂંધ’ વાર્તામા આશુતોષ પોતાના નામ પાછળ લાગતું માના ચારુલતા મુનશીના નામનો ભાર ઉપાડતાં ખૂંધ નીકળી છે અને નિરંતર વધતી હોય એવો અનુભવ કરે છે. આશુતોષની મા પર બળાત્કાર થયો હતો તેથી તે માતાનું અણજોઈતું સંતાન હતો, આ તેણે જાણેલું અર્ધસત્ય હતું. તેથી તેના હૃદય પર તેને આ ભાર લાગતો, પરંતુ, માની બીમારીના સમાચાર સાંભળી ત્યાં ગયાં પછી મનની સઘળી ગાંઠો ખૂલી જાય છે. તે અંગે નાયિકા કહે છે, ‘ભગવાને મારી તરફ કરેલા આ અન્યાયને સહન કરવાનું મારું સહેજેય ગજું ન હતું. આત્મહત્યા કરવાનું મન થતું હતું અને ત્યારે જ માને ખબર પડી કે મારા ઉદરમાં તારું બીજ રોપાયું હતું. એ સત્ય છે કે જયારે સ્ત્રી પર બળાત્કાર થાય ત્યારે શરીરની સાથે એનો આત્મા પણ ઘાયલ થાય છે. પરંતુ એક સત્ય એ પણ છે કે માતૃત્વ સ્ત્રીને સંપૂર્ણ સ્ત્રી બનાવે છે. બે અંતિમ છેડાના સત્યમાંથી મને મારા જીવનનું સત્ય મળ્યું...મેં માત્ર મારા શરીરથી નહીં આત્માથી પણ તને જન્મ આપ્યો છે...’(પૃ. ૭૪,૭૫)
        ‘તમે છો હજી...’ વાર્તામાં તેની નાયિકા પ્રભા જે ઘરમાં લગ્ન કરીને જાય છે ત્યાં લગ્નજીવનના થોડાક જ વર્ષોમાં તેના સસરા અપંગ બને છે ત્યાર પછી તેઓ પુત્રવધૂને જે રીતે વ્હાલ અને સ્નેહ આપે છે તે પ્રભા મતે જિંદગીનું સંભારણું છે. સ્મૃતિપટ પર જયારે ધરતીકંપની ગોઝારી ઘટનાનો પ્રસંગ ઉભરે છે ત્યારે પ્રભા વ્યાકુળ થઇ જાય છે અને પોતાની જાતને માફ નથી કરી શકતી કે ધરતીકંપ વખતે તેની આંખ સામે બિલ્ડીંગ ધરાસાયી થાય અને બાપુજી અપંગ હોવાને કારણે બહાર આવી શક્યા નહીં અને મૃત્યુ પામ્યા. આમ છતાં બાપુજી પ્રભાના આંતરમનમાંથી તો કયારેય ગયા જ નહીં. અહીં સંબંધોના નવા જ પરિમાણોને વાર્તાકાર પ્રયત્ક્ષ કરે છે.
        ‘મીતાબહેનનો ચિ.’ આ વાર્તામાં ‘ચિ.’ એટલે ‘ચિન્મય’ પુત્રને અપાર પ્રેમ કરતા માતા, પુત્રના લગ્ન કરવાના નિર્ણયને પોતાની ઈચ્છા ન હોવા છતાં અનુમતિ આપે છે. પુત્રના લગ્ન બાદ પુત્રવધૂને ઘરની જવાબદારી સોંપે છે પણ પુત્રવધૂના સત્તાશીલ સ્વાભવથી આઘાત તો અનુભવે છે, એક હદ સુધી સહન પણ કરે છે; પરંતુ જયારે વાત સંસ્કાર, સભ્યતા અને પોતાની અને પૌત્રીની લાગણીની આવે ત્યારે ફરી એકવાર ‘આ ઘર મારું છે.’ એમ કહી પોતાની ગરિમાને જાળવી રાખે છે. અહીં આ વાર્તામાં સ્ત્રી મમતાની મૂર્તિ છે તો બીજી તરફ ચંડી પણ છે, તે સાર્થક કર્યું છે.
        ‘મુક્તિ’માં બચપણના પ્રતિકૂળ સંજોગોનો ઉછેર અર્ચના પર સતત ઝબૂળ્યા કરતો અને તેનો સ્વભાવ જિદ્દી અને મનનું ધાર્યું કરનારી સ્વતંત્ર નારી છે. તે પોતાના સ્વતંત્ર નિર્ણયો કરવાની ટેવના લીધે પતિને ગાંઠતી નથી, પણ પતિ ખૂબ જ સમજદાર છે. બચપણમાં ઘોડીને ચાલી નીકળેલી મા જયારે વર્ષો પછી પત્ર લખી જિંદગીના અંતિમ દિવસોમાં પોતાની પાસે બોલાવે છે ત્યારે પતિના કહેવાથી જાય છે અને ત્યાં તેની માની પોતાની દીકરી તરફની ઝંખના જોઈ તેને આ ભઠ્ઠીમાંથી માફ કરે છે. માતાને દીકરીને અણદીઠી ભઠ્ઠીમાં નાખવાં બદલ જે દુઃખ છે તેમાંથી પણ અર્ચના મુક્તિ આપે છે અને તેની મા ત્યાં જ દેહ છોડે છે.
        ‘શ્રાવણી’ વાર્તાની નાયિકા શ્રાવણી નોકરી કરવાની ઈચ્છા લઈને મુંબઈ આવે છે. ત્યાં દીપકંર સાથે પ્રેમ થાય છે, લગ્ન કરવાની ઈચ્છા પણ છે, છતાં દીપકંરને વિદેશમાં નોકરી મળી હોવાથી વિદેશ જવા સજ્જ છે. આ બાબતે શ્રાવણી પોતાના મતા-પિતાને છોડી જવા તૈયાર નથી. તેથી દીપકંરના વેધક સવાલનો જવાબ આપતાં કહે છે કે, ‘રર કલાક પછી અહીં પહોંચીને કોલ્ડસ્ટોરેજમાં મૂકેલાં મારાં પેરેન્ટ્સનાં ડેડ બોડી જોવાની મારી તૈયારી નથી’.(પૃ.૧૨૨) એમ કહી પ્રેમનો માતા-પિતા માટે ત્યાગ કરે છે. આધુનિકયુગના સંતાનોની ઘેલછા પર અહીં જબરદસ્ત કટાક્ષ કર્યો છે.
        સેલું’ વાર્તામાં સુમેધાની માતા જન્મતાની સાથે મૃત્યુ પામી ત્યારે સુમેધાના ઉછેર ખાતર અને મોટેરાઓની દબાણને વશ થઇ જદુનાથ(સુમેધાના પિતા) સાથે લગ્ન કરે છે પણ તેના મન પરથી અણજોઇતા લગ્નનો ભાર આખી જિંદગી રહે છે તથા લગ્ન તો આર્ય સમાજની વિધિથી થયા; પરંતુ લગ્નનું ‘સેલું’ પણ નવું ન મળ્યું; ‘તે પણ પતિની જેમ ઊતરેલું જ મળ્યું’. આ રોષનો ભોગ સુમેધા બને છે પણ તે તેની માસી(મા)ની લાગણી સમજે છે પોતાની નોકરીની પહેલી કમાઈમાંથી માને ‘સેલું’ ખરીદી આપે છે, પોતાના લગ્નમાં પહેરવા. ત્યાં જ કાલિન્દીના જીવનભરના અણગમાનો ભાર ઉતારીને તે સુમેધાને દિલથી અપનાવે છે. માતૃત્વ પ્રેમ કોઈ પણ અહમ ઓગાળવા સક્ષમ છે, આ વાર્તા તેની સાબિતી આપે છે.
        ‘પરિપૂર્ણ’ વાર્તામાં નાયિકા નંદિતા લગ્ન કર્યા વિના રોહિત સાથે રહી છે એ પણ પિતાની મરજી ન હોવા છતાં રોહિત દગો દઇ ચાલતો થાય છે. પિતા આ નિરાશા ભર્યા સમયમાંથી નંદિતાને બહાર કાઢવાના ઘણા પ્રયત્નો કરે છે, સમજાવે છે પણ આખરે નંદિતા જ દગો દેનારા રોહિતનો સામાન વાર્તામાં અંતમાં કચરો લેવા આવનાર જમાદારને આપી સ્મૃતિઓ ખંખેરી દે છે, નવા જીવનની રાહ પર.
        ‘ભઠ્ઠી’ વાર્તામાં ઇતિહાસના પ્રોફેસર રફીકના અનુસંધાને લેખિકાએ ભાવનાને સાહિત્યના માધ્યમ દ્વારા પ્રસારિત કરી છે. આ ઉત્કૃષ્ટ ભારતીય ભાવના સાથે રમખાણોનું વાતાવરણ આવે, આદર્શ જીવન અને ચરિત્ર ધરાવતા પ્રો. રફીકના એક રાતની એક નબળી ક્ષણના લીધે મનોરમા એ સલમા બને છે. એ હિંદુ છોકરી રફીકની વાસનાઓ ભોગ બની અને પછી જો કે રફીકે પાપ કર્યું છે અને તેના પ્રાયશ્ચિતરૂપે લગ્ન કર્યા. મનોરમાએ મુસ્લિમ ધર્મ સ્વેસ્છાએ અંગીકાર કર્યો અને સલમા બની પણ પેલી જિંદગી પલટી નાખનારી ઘટનાનો રોષ નમાજ પઢતી વખતે તેની આંખોમાં દેખાય છે તે આજેય રફીક સહી શકતો નથી. હવે તેમની દીકરી માસૂમ પણ હિંદુ યુવક સાથે લગ્ન કરવાની છે, ત્યારે રફીકના મનમાં ધર્મભેદનો ડર જન્માવે છે, તેથી જ લેખિકા વાર્તામાં બોલાવે છે, ‘ધર્મની દીવાલ કેટલી ઊંચી અને કેટલી ખરબચડી હોય છે તે સમજાતી નથી. એ તો જાણે એ દીવાલ ચડી-ચડીને ઓળંગી હોય એ જ જાણે. શરીર અને આત્મા બંને ઠેક-ઠેકાણેથી છોલાઇ જાય છે’.(પૃ.૧૫૧) આ વાત દ્વારા સ્ત્રીની લાચારી અને આંખોમાં સળગતા અણઈચ્છિત જિંદગીના અંગારાને સ્થાન આપ્યું છે. સ્ત્રીની સહનશક્તિ અપાર છે. આજ શક્તિથી તે વાણી-વર્તન દ્વારા વ્યક્તિને સળગાવી પણ શકે છે. જે દેખાય છે લેખિકાના શબ્દોમાં, ‘કેટલાંક વર્ષોથી એ સલમાની આ ઠંડી ઉપેક્ષા અને ઓરમાયું વર્તન સહન કરી રહ્યાં હતાં... છાતીમાં નિરંતર સતત એક ભઠ્ઠી સળગ્યાં કરતી હતી અને એ સળગતી ભઠ્ઠીના અંગાર સલમાનું જીવન હતાં’.(પૃ.૧૫૮)
        ‘કોશેટો’ વાર્તામાં મોટીબહેન રાજવીના સાનિધ્યમાં પોતાનો અલગ નિર્ણય ન લઈ શકતી નાનીબહેન વનિતાની વાત છે. વનિતાના જીવનમાં રાજવીના હસ્તક્ષેપને લીધે તેનું લગ્નજીવન ભાંગે છે, પુત્ર મનસ્વીથી તે દૂર થાય છે, વર્ષો પછી પૌત્ર પિન્ટુ અને પતિને ફરી મળે છે, હવે પતિ-સંતાન તેની ભાવના સમજી તેને પાછા ઘરે આવવા વીનવે છે ત્યારે આ વનિતા નામનું નારી હૃદય પોતાની બહેનની અકથ્ય એકલતાને ઓળખે છે જેને લીધે હવે તે ચોરીછૂપીથી પોતાના સ્વજનોને મળવા આવવા તૈયાર છે પણ પોતાની બહેન રાજવીનો સાથ છોડવા તૈયાર નથી. અહીં આ વાર્તામાં લોહીના સંબંધો લાગણીમાં તણાતા જણાય છે. આ વાર્તા લાગણીશીલ વનિતાની છે તો નારીવાદી અભિગમ દર્શાવતી રાજવીની પણ છે.
                શેષ સંબંધ’ વાર્તામાં સ્ત્રીના આક્રોશનો ભોગ બનતો પતિ અવિનાશ અને પોતાના હક્કો વિશે જાગૃત અવનીની ગુસ્સા પર કાબુ ન હોવાને કારણે ઘરનો ત્યાગ કરતી, પતિના લાખ પ્રયત્ન છતાં પાછી ઘરે ન ફરતી, પુત્રને પોતાની સાથે લઈ જતી અવનીને તેનો પુત્ર વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે ત્યારે તેણે ત્યજી દીધેલો એ જ પતિ તેને પોતાની સાથે લઈ જવા વર્ષો પછી પાછો આવે છે ત્યારે અનુભવેલી ભાવવિભોર લાગણીને હળવાશ ભર્યા સંવાદોથી વાચા મળી છે.
        આ સંગ્રહની છેલ્લી વાર્તા ‘સુવર્ણદીપ’માં પિતા પોતાનો વેપાર-ધંધો આગળ વધારવા પોતાની દીકરીને જ મંત્રીને ત્યાં મોકલે છે. દીકરી સોનું આવા ખોટા કામ કરવા તૈયાર નથી; ત્યારે તે પિતાના બદઇરાદા પર કટાક્ષ વ્યકત કરતા કહે છે, ‘પ્રકાશિત થવા માટે સુંદરતાનો ભોગ લેવો તો જરૂરી નથી’.(પૃ.૧૮૫) એવી પુત્રી તરીકે પિતાને સાચી વાત સંભળાવી દેવાની હિંમત રાખે છે. પોતાના રખડેલ મિત્રોએ ભેગા થઇને જે નાનકડા ધંધો શરૂ કર્યો છે તેને આગળ વધારવાનું કાર્ય કરવાનું સોનું નક્કી કરે છે. તે પિતાની ધમધોકાર ચાલતી ઇન્ડસ્ટ્રીઓને જાકારો આપે છે. તેમાં સહજતાથી માતાના અસ્તિત્વને પણ માન આપવી સાંકળી લેતા કહે છે, ‘મોમ પણ અમને હેલ્પ કરશે..’ પિતા માની નિરર્થકતાની હાંસી ઉડાવે છે, ત્યારે જવાબમાં સોનું કહે છે કે, ‘કયારેક કોઈવાર જો નાસીપાસ થઇને કોઈ ખોટું કામ કરવા અમારા પગ ઊપડી જાય, અમે રસ્તો ભૂલી જઈએ તો એ અમને રોકશે, અમારા કાન આમળશે, અમારું ધ્યાન રાખશે... ખરું ને મોમ?’(પૃ.૧૯૨)
        નારીજીવન તેના અનુભવતાં સ્પંદન અને નારીવાદી વલણની તીવ્રતા આ બંને આ વાર્તાસંગ્રહમાં જુદા જુદા તરતા દેખાય. પાત્રો કયાંક કયાંક નારીવાદી વલણ અપનાવે, પ્રતિરોધ કરતા જણાય, સંઘર્ષ અનુભવે; પરંતુ, આખરે તો બધું સંવેદનાના શાંત પાણીમાં સમાય જતું જ લાગે. જેમકે, ‘સેલું’ વાર્તાની કાલિન્દીને બનેવી સાથે પરણવું પડ્યું, ત્યારે પ્રતિરોધ- સંધર્ષ થાય, પ્રશ્નો થાય, રોષ ઉત્પન્ન થાય; પરંતુ, નાની સુમેધાને રડતા કે સુમેધાનો અનાદર કરવા છતાં છેલ્લે સુમેધાની પ્રેમની લાગણીમાં તણાયને તેનું વહાલ નારીવાદી વલણને સાવ ઓગળીને પાત્રને ભારતીય નારીના પ્રવાહમાં ગોઠવી દેય.
        સ્ત્રીનું જીવન આર્થિક, સામાજિક, શારીરિક, કૌટુંબિક એવાં કેટલાંય પડકારો ઝીલીને પણ અડીખમ ઉભું છે. પ્રશ્ન થાય શા માટે.? મોટી કંપનીઓની સૂત્રધારથી લઈ ફક્ત પોતાના ઘરની સૂત્રધાર બનતી ગૃહિણી સુધી વિવિધ રંગો તેના જીવનના અનુભવાતા હોવા છતાં બધી સ્ત્રીઓ એક જ વેવલેકથ પર કેમ જીવે છે? આ તરંહના બધા પ્રશ્નોના જવાબમાં એ જ જરૂર કહી શકાય કે સ્ત્રી પ્રેમ કરવાનું છોડી શકતી નથી. પછીએ વાર્તાસંગ્રહની વિદેશી સ્ત્રી રિબેકા, બાળકને ઝંખતી લજ્જા, કોઈનો સાથ ઈચ્છતી દામિની, પોતાના અસ્તિત્વની ખોજમાં નીકળતી અપર્ણા મોટાભાઈ પ્રત્યેના અહોભાવને લીધે મનોમંથન કરતી સુષ્મા, પતિના મૃત્યુને સાવિત્રીની જેમ ઓઢી લેતી સવિતા, બળાત્કારની વેદના પછી ફૂલરૂપ પુત્રને સહેલાવતી ચારુલતા, સસરાની સાથેના લાગણીના સંબંધોની સ્મૃતિમાં જીવતી પ્રભા, મા અને ઘરની કર્તાહર્તા તરીકે પોતાની ગરિમાને પુન:પ્રાપ્ત કરતી મીતાબહેન, માના અભાવે રોષમાં જીવતી સ્વતંત્ર નિર્ણય કરવા સક્ષમ નારી અર્ચના, માતા-પિતા માટે પોતાના પ્રેમનું બલિદાન આપતી શ્રાવણી, સ્ત્રીના મનને સચોટ રીતે પારખતી સુમેધા, જીવનના પૂર્ણવિરામ-અલ્પવિરામ વચ્ચે પ્રેમ અને હૂંફને ઝંખતી નંદિતા, આંખો દ્વારા જિંદગીભરનો શેષ પ્રગટ કરતી સલમા, મોટી બહેનની આભાના કોશેટોમાં આખી જિંદગી કેદ થઇને રહેતી વનિતા, ગુસ્સાને લીધે ઘર છોડી જતી આધુનિક નારી જે જીવનસંધ્યાએ પાછી ફરતી અવની, પિતાના બદઇરાદાને પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વથી ડામી દેતી સોનું અને રસ્તો ભૂલેલાને પ્રેમાળ વર્તનથી માર્ગ બતાવતી માલિની જ કેમ ન હોય! નારી-સ્ત્રી ગમે તે યુગમાં ગમે તેટલી પ્રગતિ કરે, સમય સંજોગ પ્રમાણે કઠોરતા ધારણ કરે, સ્વતંત્ર નિર્ણય કરવા સક્ષમ હોવા છતાં આખરે તો સ્પંદનોના ઘરની માલિક જ રહેવાની. આ વાર્તાસંગ્રહમાં સ્ત્રી ફક્ત આધુનિક નારી બની ન રહેતા, ભારતીય નારીના સ્નેહ, ત્યાગ, પ્રેમ, સમપર્ણ જેવા તત્વોની ઝાંખી કરાવતી રહે છે. સંઘર્ષ નારીના જીવનની ભૂમિકા છે, તો મક્કમતા અને સંવેદના તેનું શરત. તે જયારે ઈચ્છે ત્યારે સપ્રમાણ અને તટસ્થપણે તેનો ઉપયોગ કરી શકે, પોતાની, પરિવાર, સમાજ અને સંસ્કૃતિની મુક્તિ માટે.
        નારી શક્તિનો મહિમા આ તમામ વાર્તાઓમાં વિવિધ રંગો દ્વારા ચિતયૌ છે. એમ નથી કે, દર વખતે પોતાના અસ્તિત્વની ચિંતામાં નારી ઉગ્ર બને, નારીવાદી અભિગમ અપનાવે, પુરુષને ધિક્કારે, પુરુષ જાતિ પ્રત્યે અણગમો રાખે, આ પ્રકારનું સુંદર ઉદાહરણ આ વાર્તાઓ છે. જેમાં ‘શેષ સંબંધ’નો અવિનાશ, ‘કોશેટો’નો સુધીર, ‘ભઠ્ઠી’ વાર્તાનો રફીક, ‘મુક્તિ’નો વિનય, ‘વૅન્ટિલેટર’ના મોટાભાઈ કે પછી ‘સીમંત’નો વેદાંત જેવા પુરુષ પાત્રો સ્ત્રીને માન આપતા, તેના અસ્તિત્વને સ્વીકારતા અને તેને આગળ લઈ જવા સહયોગી બનતા સમજદાર અને તેને આગળ લઈ જવા સહયોગી બનતા સમજદાર પાત્રો પણ આવે. આખા સંગ્રહમાં મોટાભાગની બધી વાર્તામાં સ્મૃતિપટની પ્રયુક્તિનું સામ્રાજ્ય જણાય છે. ફલેશબેકમાં વાર્તા કહેવાતી હોય. ઘણીવાર વાર્તામાં ભૂતકાળ અને વર્તમાનકાળ બંને એક સાથે એક જ ટ્રેક પર ચાલતા હોય અને ભાવકને હંમેશા જાગૃત રાખે, વચ્ચે કયાંક ઘટનાને ચોટ મળતી રહે, ઘટનાઓ ઉતાર-ચઢાવ સાથે ભાવકની આંખ સામેથી પસાર થતી રહે છે. ભાષાના લહેકા બધી વાર્તાઓમાં એક સમાજ જ રહેતા લાગે, જાણે બધા પાત્રો અલગ નથી પણ બધા અનુભવો લેખિકાના પોતાના જ છે, એક જ નાયિકા છે, આખા સંગ્રહની તે રેણુકા પટેલ. છેલ્લે કોઈ બિંદુએ નજર કરે એમ વાર્તા અંતમાં અચાનક કરી જાય.
        આમ, આ વાર્તાસંગ્રહ અનુઆધુનિક નારીવાદી વલણ કરતા નારીજીવનના વિવિધ તબક્કા-સ્તર અને જીવનના વિવિધ પરિમાણીય દર્શ્યોને અલગ-અલગ વાર્તા દ્વારા સાહિત્યના મંચ પર ઊભા કરી આપે છે.
-હેતલ ગાંધી

No comments:

Post a Comment