Friday, 27 February 2015

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પરંપરા અને મૂલ્યની સાથે જોડાયેલા વિવિધ તથ્યો : સમિત્પાણિ


‘સમિત્પાણિ’ શ્રી બળવંતભાઈ જાનીના વિવેચન અને મધ્યકાલીન સાહિત્ય સંશોધનક્ષેત્રના પરિપાકરૂપે મળેલ ગ્રંથ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પરમ્પરા અને મૂલ્યની સાથે જોડાયેલા વિવિધ તત્ત્વો અને તથ્યોનું આ સંગ્રહમાં તેમને સ્વાધ્યાયરૂપી વિદ્યાસંગીભાવથી સંકલન કર્યું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કર્તા વિશે, પ્રવાહદર્શન વિશે કે સંપાદન-વિવેચન ક્ષેત્રે, કૃતિલક્ષી અઢાર લેખોને ગ્રંથસ્થ કરી મૂક્યા છે.
‘ભરતેશ્વર બાહુબલી રાસ: પુરોગામીઓના સ્વાધ્યાયની સમીક્ષા’ લેખમાં ગુજરાતી-હિન્દીમાં મળીને ‘ભરતેશ્વર બાહુબલી રાસ’ વિષયક જે ત્રણ સંપાદનો ઉપલબ્ધ થાય છે તેના વિશેની છણાવટ કરીને, અભ્યાસ કરીને તેના ગુણ અને ખામીઓને, અર્થઘટનમાં વર્તાતા ભેદને તુલનાત્મક રીતે મૂકી આપે છે, જેમાં કે.કા.શાસ્ત્રી, ડૉ. ભારતી વૈદ્ય અને હરિવલ્લભ ભાયાણીના પાઠભેદોની પ્રમાણભૂતતા વિષયક ચર્ચા અહીં કરી છે.
‘વસંતવિલાસ’માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી તથા અજ્ઞાત કવિ કૃત આ ફાગુકાવ્યના કેટલાંક અનભિજ્ઞ પાસાઓ તરફ બળવંતભાઈ ધ્યાન દોરે છે. એ સમયના ભક્તિયુગની લાક્ષણિકતાઓથી અલાયદું-વિશિષ્ટ સ્ટ્રક્ચર ધરાવતું આ ફાગુકાવ્યની કડીએ કડીએ જે જીવંતતા અને ચિત્તની દુર્લભ અનુભૂતિ અનુભવાય છે તેના અર્થઘટનના પ્રશ્નોની અહીં સદ્રષ્ટાંત ચર્ચા કરી છે.
‘વસંતવિલાસ’માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી તથા અજ્ઞાત કવિ કૃત આ ફાગુકાવ્યના કેટલાંક અનભિજ્ઞ પાસાઓ તરફ ડો. બળવંતભાઈ ધ્યાન દોરે છે. એ સમયના ભક્તિયુગની લાક્ષણિકતાઓથી અલાયદું – વિશિષ્ટ સ્ટ્રક્ચર ધરાવતી આ ફાગુ રચનાની કડીએ કડીએ જે જીવંતતા અને ચિત્તની અનુભૂતિને સ્થાન મળ્યું છે તેના અર્થઘટનના પ્રશ્નોની અહીં સદ્રષ્ટાંત ચર્ચા થઇ છે.
મધ્યકાલીન રામ ભક્તિના કાવ્યો રચનારા તરીકે ખ્યાતી મેળવનાર ભાલણના જીવનની ટૂંકી છતાં ક્રમબદ્ધ અને સસંદર્ભ માહિતી ‘ભાલણ’ પ્રતિમા: જીવન, કવન અને સર્જકતાના સંદર્ભમાં’ લેખમાં પ્રસ્તુત છે. ભાલણની વિવિધ સીમાચિન્હોની ઉચિત પરિપેક્ષ્યમાં થયેલ નિરૂપણ ચકાસે છે.
‘ભોજો ભગત અને તેની પદરચનાઓ’માં ડો. બળવંત જાની અંતિમ સ્તબકના કવિઓની સાથે અનુસંધાન પૂરું પાડી ભોજો ભગતની સર્જકતાને બિરદાવે છે. જ્ઞાન-ભક્તિધારાના લબ્ધપ્રતિષ્ઠિત સંત કવિશ્રીના જન્મથી લઇ તેમને ઘડનારા પરિબળો તેમજ તેમના સર્જન વિશેનો ઉપદેશમૂલક વાણી-પદોના ઝૂમખાં સહિત અભ્યાસ અહીં રજુ કરાયો છે.
‘મધ્યકાલીન ગુજરાતી કથામૂલક કૃતિઓ-સંપાદનો : ઉપલબ્ધિઓ અને ઉણપો, લેખમાં મધ્યકાલીન સાહિત્યક્ષેત્રે સમાન કથાનક ધરાવતી કૃતિઓના સંપાદનોને તુલનાત્મક રીતે જોવાનો અભિગમ છે. ક્યારેક ઘણા સંપાદનોને ઐતિહાસિક ચરિત્રોની દ્રષ્ટિએ, કેટલાંક લોકસાહિત્યના સંપાદનોને, વ્યાકરણના સંપાદનો કે પછી નરસિંહ પૂર્વેના કૃષ્ણ પરંપરાના પરિચય કરાવતા મહત્વના કે ઉલ્લેખનીય સંપાદનોના સમગ્ર કાર્યને પોતાની દ્રષ્ટિથી મૂલવવાનો વિવેચકનો પ્રયાસ અહીં પ્રસ્તુત છે. વ્યવસાયે વકીલ એવા સ્વધર્મ ઉપાસક અને સાહિત્યના ઊંડા અભ્યાસી એવા ‘મોહનલાલ દલીચંદ દેસાઈની’ મધ્યકાલીન સાહિત્ય-સંપાદન-સ્વાધ્યાય પદ્ધતિને વિસ્તારપૂર્વક અવલોકવાનો પણ તેમણે ઉપક્રમ કર્યો છે.
ભારતીય સાહિત્યમાં અત્યંત પ્રચલિત એવા અહલ્યાના પાત્રને વિવિધ પૌરાણિક અને મધ્યકાલીન ગ્રંથોના આધારે સમય અને તેના વિશેના કથાવસ્તુનો તુલનાત્મક અભ્યાસ ‘ભારતીય કથાસાહિત્યમાં અહલ્યા-કથાનકનાં રૂપાંતરો’ લેખમાં કર્યો છે.
‘મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કાવ્ય-વિવેચન : એક નોંધ’માં ઋગ્વેદકાળના ઈશ્વરવાદથી આરંભી, મધ્યયુગના રહસ્યવાદ સુધી અને તે પછી મધ્યકાલીન ભક્તીયુગમાં વહેતા જ્ઞાનથી લઈ અર્વાચીનયુગ સુધી જ્ઞાનમાર્ગી કાવ્યધારાને વિસ્તારી છે. આ સાથે ઝવેરચંદ મેઘાણી, મકરંદ દવે, અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ, ડો. સુભાષ દવે, ભુપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી, જયંતીલાલ આચાર્ય, ડો. રાજેન્દ્ર સિંહ રાયજાદા અને ડો. સુરેશ જોષીના આ ક્ષેત્રના વિશિષ્ટ વિગતો અને સમીક્ષાને ચકાસીને અનુબંધ જોડી આપ્યો છે.
ઈ.સ.૧૪૮૨ની આસપાસ જૈન સાધવી પદ્મશ્રીની રચેલ ‘ચારૂદત્તચરિત્ર’ નામની ૨૫૪ કડીની એક રચનાથી મધ્યકાલીન સ્ત્રી કવિઓની આરંભની ધારાને વિવેચક ઓગણીસમી સદીની સ્ત્રી કવિઓ સુધી વિસ્તારે છે. પુષ્ટિમાર્ગ વૈષ્ણવ-જૈન, જ્ઞાનમાર્ગી, શાક્તસંપ્રદાયમાં પોતાના ભક્તિગીતો દ્વારા અમૂલ્ય યોગદાન કરી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર સ્ત્રીકવિઓની પરમ્પરાનો ખૂબ સુંદર ઉલ્લેખ કર્યો છે.
‘કર્તૃત્વ નિયત કરવા સંદર્ભે કેટલાંક પ્રશ્નો: એક નોંધ’ લેખમાં લિખિત પરમ્પરાની રચનાઓમાંની કર્તૃત્વની સમસ્યાઓ ઉપરાંત મૌખિક પરમ્પરાની રચનાઓમાં તો કર્તૃત્વની અનેક સમસ્યાઓ જોવા મળે છે. કર્તૃત્વની સમસ્યાઓમાં એક અજ્ઞાત કર્તૃત્વવાળી રચના કે લોકગીતના રચયિતાનું નામ એક સરખા નામો અથવા નામમાં આંશિક સામ્ય, રચયિતાનું નામ મૂકવાની વિવિધ રીતિઓના જ્ઞાનના અભાવે ઊભી થતી સમસ્યાઓ, છદ્મ નામથી પ્રકાશિત રચનાઓ, તખલ્લુસ સંદર્ભે ઊભી થતી સમસ્યાઓ જેવી વિવિધ સમસ્યાઓને સદ્રષ્ટાંત સમજાવી છે.
‘મધ્યકાલીન બારમાસા કાવ્ય-પરમ્પરા અને દયારામ કૃત બારમાસી રચનાઓ’ વિષેના લેખમાં મધ્યકાલીન બારમાસાના સ્વરૂપને આલેખી મધ્યકાલીન ગુજરાતીમાં, જૈન બારમાસાથી આરંભાયેલ બારમાસા સાહિત્યમાં નર્મદ, દલપતરામ કે પછી આજના કવિશ્રી રાજેન્દ્ર શુક્લની રચેલ બારમાસા કાવ્યધારા સુધી પરમ્પરાને વિસ્તારી છે. આ અનુસંધાને મધ્યકાલીન બારમાસા કાવ્યપરમ્પરામાં કવિશ્રી દયારામને ચાર બારમાસી રચના રચી છે. જે ‘દયારામ રસસુધા’ અને ‘દયારામ રસધારા’માં પ્રકાશિત થયેલી છે તેનું ઉદાહરણ અને સમજુતી સહિત સસંદર્ભ માહિતી અને તેની સમૃદ્ધિને દર્શાવી છે.
‘સંતવાણીનું ઉપનિષદોની સાથે અનુસંધાન’ લેખમાં સસંદર્ભ, સંસ્કૃત, હિન્દી અને જૂની ગુજરાતી સાહિત્યના વિવિધ જ્ઞાન-ભજનવાણીના ઉદાહરણોનો સમન્વય કરી છણાવટ કરી છે. ઉપનિષદનું તત્વદર્શન જાણે કે આત્મિક વિકાસ કે ઉન્નતી માટે છે, જયારે ભજનવાણીનું તત્વદર્શન જનસામાન્યને ભ્રામક અવસ્થાઓમાંથી બહાર કાઢીને સદાચારી બનાવવા માટેની આરતનું પરિચાયક છે. આ વાતને અહીં બળવંતભાઈએ સુપેરે સમજાવી છે.
‘ભજનની વાતું બહુ ઝીણીયું
મોટા કુહાડા કાંય ન કાપે
લોઢા કાપે શીણીયું- શીણીયું
ભાઈ ભજનની વાત બહુ ઝીણીયું’ (પૃ.૯૭)
જૈન સર્જક શાલીભદ્રસૂરી રચિત ‘ભરતેશ્વર બાહુબલી રાસ’થી શરુ થયેલ જૈન સાહિત્ય ‘જૈન સર્જકોના પ્રદાનના શ્રધ્ધેય ચિત્ર’ લેખમાં બળવંતભાઈએ કુલ ગુજરાતી સાહિત્યના ૨૧૦૦ જેટલા મધ્યકાલીન સર્જકોમાંથી ૧૬૦૦ જેટલા જૈન સર્જકો અને ત્રણેક હજાર જેટલી મહત્વની કૃતિઓમાંથી બે-એક હજાર જેટલી જૈન રચનાઓનો ઉલ્લેખ તો કર્યો છે તે ઉપરાંત જૈનોએ ૯૦ જેટલા સ્વરૂપોમાં જે ખેડાણ કર્યું છે તેનો પણ અહીં સંશોધકે ઉલ્લેખ કર્યો છે. આવા સમૃદ્ધ જૈન સાહિત્યની આછી-પાતળી રૂપરેખા અહીં આપવામાં આવી છે. મધ્યકાલીન ગુજરાતી ભાષા-સાહિત્યના ઊંડા અભ્યાસી શ્રી જયંત કોઠારીનો એક Mono-graph લઘુ અભ્યાસલેખ ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન’નો અહીં અભ્યાસ કરવાનું બળવંતભાઈનું પ્રયોજન જણાય છે.
જૈન કથાસાહિત્યની પરમ્પરામાં અત્યંત રસપ્રદ એવા ‘આરામશોભા’ના કથાનકની સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી અને કંઠસ્થ પરમ્પરામાંથી પ્રાપ્ત થતી કૃતિઓની વિશદ સ્વાધ્યાયના સંશોધનમૂલક એવા સંપાદનગ્રંથ ‘આરામશોભા રાસમાળા’- સંપા. જયંત કોઠારી છે. જેમાં તેમણે આરામશોભા રાસમાળાની સમયાનુક્રમે મળતી છ રચનાની વિશદ સમીક્ષા કરી છે. જે ગ્રુપનું બળવંતભાઈએ ગહન વિવેચન આદર્યું. આજ રીતે ‘મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્યના મહત્વના વિષયોનો સંશોધનમૂલક સ્વાધ્યાય’ લેખમાં ડો.હસુ યાજ્ઞિક દ્વારા મળતા પુસ્તક ‘મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્ય’ પુસ્તક વિષે ચર્ચા કરી છે. આ પુસ્તકમાં મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્યનું ઐતિહાસિક અભિગમથી મૂલ્યાંકન કરતા લેખો, સ્વરૂપ વિષયક સૈધાંતિક પીઠિકા રચી આપતા લેખો, વિષય સામગ્રીને આધારે મૂલ્યાંકન કરતા લેખો એમ ચારેક પ્રકાર મળીને અગિયાર સંશોધનમૂલક સ્વાધ્યાયલેખોની વિશદ ચર્ચા સદ્રષ્ટાંત મૂકી આપી છે. વિષયને અનુરૂપ અન્ય કૃતિઓ તથા જે-તે કૃતિવિષયક વિવિધ સંદર્ભ-સામગ્રી એકત્ર કરીને તેને ક્રમશ: મુદ્દાસર અને ચોક્કસ પ્રકારની પદ્ધતિથી તેમણે પોતાનો પ્રતિભાવ રજુ કર્યો છે.
‘મીરાંના પદો’ લેખમાં ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી સંપાદિત ‘મીરાંના પદો’ની આવૃત્તિમાં જે પદો આલેખાયા છે તેમાંથી મીરાંના કર્તૃત્વ વિષે ઘણા શંકાસ્પદ પદોનો તુલનાત્મક અભ્યાસ સદ્રષ્ટાંત કરાયો છે. આ અભ્યાસ દ્વારા ‘રાધે તારા’ પદ મીરાંનું છે – તે વિશેની ગહન તપાસનો અહીં સાર બળવંતભાઈ સમજાવે છે.
‘જૈન ગૂર્જર કવિઓ’ના સંવર્ધિત ગ્રંથો : ગુજરાતનું ભારતને પ્રદાન’ લેખમાં ‘જૈન ગૂર્જર કવિઓ’- મધ્યકાલીન જૈન સર્જકો અને એમની કૃતિઓનો વિગતે પરિચય આપતા ગ્રંથોની સંવર્ધિત આવૃત્તિ વિશેની સમીક્ષા છે. આ ઉપરાંત તેમાં દર્શાવેલ કેટલાંક ઉમેરણ, શુદ્ધિ-વૃદ્ધિ પણ જયંત કોઠારી સંપાદિત આ ગ્રંથમાં સામેલ છે, જે અભ્યાસુઓ માટે ઉપયોગી ઘટના થઇ શકે.
આ સંગ્રહનો છેલ્લો લેખ ‘ત્રણ કાવ્યાસ્વાદો’માં નરસિંહનું પદ ‘શૃંગારની વ્યંગ મધુર પદરચના’, દયારામની બારમાસી ‘વહાલમજીના મહિના’ અને તેમની જ રચના ‘લોચન મનનો ઝગડો’ ત્રણ મધ્યકાલીન કાવ્યોનો રસપ્રદ આસ્વાદ છે.

આમ, ‘સમિત્પાણિ’ સમગ્ર પુસ્તક સંશોધન અને સ્વાધ્યાયની ઊંડી સમૃદ્ધિ ધરાવતું અને પોતાના શીર્ષકને સાર્થકતા અર્પતું ડો. બળવંત જાનીના વર્ષોના અધ્યયનના નીચોડ રૂપે આપણી સમક્ષ પ્રસ્તુત થાય છે. આ સાથે આ પુસ્તક નવા સંશોધનના અને ભાષાના અભ્યાસુ માટે સીમાસ્તંભરૂપ છે.  ડૉ. હેતલ કિરીટકુમાર ગાંધી

આરોહ-અવરોહ વચ્ચે અટવાતા અલગારીની કથા ‘સ્પંદન’


       ગુજરાતમાં રાજેન્દ્ર ‘સાગર’થી વાચકોમાં જાણીતા થયેલા રાજેન્દ્રકુમાર પાટણવાડિયાએ પંદર જેટલી નવલકથા લખી છે. લેખક પોતે સરકારી નોકરીમાં હોવાથી ઘણા સ્થળોની મુલાકાત કે પરિચય થયાનો અંદાજ તેમની આ ‘સ્પંદન’ નવલકથાના ઘટના સ્થળના સંદર્ભમાંથી મળી રહે છે. નવલકથાની શરૂઆત ‘ગતિ...પ્રગતિ... ગતિ... એટલે ગતિ...ગતિ વગરની જિંદગી નકામી...’ કે પછી ‘A life has no any importance which has no any particular motion.’થી થાય છે. જીવનમાં આવતા ઝંઝાવાતો, તોફાનો કે મુશ્કેલીઓ ડગલે ને પગલે આવવાના જ પણ જયારે નિયતિ શાંત-સ્થિર પાણીમાં અચાનક પથરો ફેંકીને કરુણતાના જલતરંગો ઉભા કરે તો જીવન જીવવું દુર્ભર બની જાય. ગતિની દિશા અલગારી વલણ અખત્યાર કરે ને માનવી બરબાદીના પંથે ખેંચતો જાય. તેમાંથી ટીપતા, ઉગારવાનો માર્ગ જેને જડે તે સાચો સિદ્ધ પુરુષ બને.
        નવલકથા નાનકડા શહેર ડાકોર અને તેમાં અધ્યાપક એવા આકાશ ભટ્ટના જીવન અને જગત વચ્ચે ઝોલા ખાતી, પડતી-આખડતી, તૂટતી-ફૂટતી, સુખ કરતા પણ દુ:ખના પડછાયામાં ઘેરાતી આકાશના અલગારી બનવાની સાથે આગળ વધતી જાય. ‘આકાશ ભટ્ટ  એમ માનતો કે જે દેશનું યૌવન કોઈ પણ જાતની બરકત વગરનું હોય કે શિસ્ત-સંસ્કાર વગરનું હોય તે દેશની...પ્રગતિની કોઈ સાચી દિશા હોતી નથી...’(પૃ.૦૩) આ વિચારો આકાશના વ્યક્તિત્વની ચાડી ખાય છે. વિનય-સદભાવ-સદચારના સંસ્કારથી શોભતો આકાશ ભટ્ટ, પિતા ગિરધરભાઈ ગોતાવાળા, જેમની  ડાકોરમાં મીઠાઈ-ફરસાણની દુકાન હતી અને રણછોડરાયમાં અપાર શ્રદ્ધા રાખતી મા ગૌમુખીની પ્રેમાળ છાયામાં ઉછેર પામી પ્રોફેસર બન્યો. ઉંમરલાયક થતા ગિરધરભાઈ આકાશના લગ્ન તેમના મિત્ર શિવશંકરની મોટી દીકરી શ્વેતા સાથે કરે છે. તેમના લગ્ન વિષે લેખક લખે છે કે, ‘શ્વેતા અને આકાશનો સરવાળો એટલે પહેલા અંકમાં રાહુ અને બીજા અંકમાં કેતુ. એક પ્રોફેસર અને બીજા માસ્તરાણી!’(પૃ.૧૨) આ વાક્ય સાથે તેમના લગ્ન, સંતાનો, કારકિર્દીનો ચિતાર આપી દે છે. અહીં નવલકથાકાર આકાશ ભટ્ટનો પરિચય આપતા લેખક લખે છે,‘વિશાળ હૃદયનો, સદા હસમુખો અને પ્રસન્નવદન એનો મસ્ત મૌજીલો ત્રીસ-બત્રીસી વટાવી ગયેલ એક યુવાન પ્રોફેસર!’ (પૃ.૨) જયારે શ્વેતાનો પરિચય ‘શ્વેતાનો સ્વભાવ જ એવો બૂમો પાડવાનો, કકળાટ કરવાનો અને દાદાગીરી કરવાનો..’(પૃ.૧૨)આ શબ્દોમાં આપે છે. લગ્ન પછી પત્નીના કાળા કકળાટથી દૂર ભાગવા ઈચ્છતો આકાશ ગોમતી તળાવ કે પછી પિતાની દુકાન કે પછી રણછોડરાયનો દરબાર કે નોકરીમાં ધ્યાન રાખવા પ્રયત્ન કરી રહ્યો હોય છે ત્યાં તેના પુત્ર રાહુના અકસ્માત મૃત્યુની ગોજારી ઘટના બને છે. શ્વેતા આ બનાવ સસરાની દુકાન પાસે બન્યો હોવાથી તેમને દોષી માનતી રહે છે અને પુત્ર દુ:ખમાં આકાશને માતા-પિતાથી અલગ થવા સૂચવે છે. ઉમરલાયક માતા-પિતાના એકના એક સંતાન તરીકે આકાશ આ વાત નકારે છે. પુત્ર દુ:ખમાં વેદનાથી ભાનભૂલેલી શ્વેતા નાના પુત્ર કેતુનેલઇ પિયર ચાલી જાય છે. આમ ને આમ શ્વેતાની દાદાગીરી અને આકાશની અડગતા વચ્ચે ત્રણ વર્ષ નીકળી જાય. ફરીથી આકાશના જીવનમાં વમળ ઉઠે અને આ વખતે ભોગ લેવાય કેતુ તેના બીજા પુત્રનો. આ હૃદયદ્રાવક ઘટના પછીની જિંદગીને લેખક શબ્દોમાં મુકતા લખે છે, ‘નિર્જન કેડીએ કોઈ આવનાર નહીં-કોઈ જનાર નહીં- કોઈ બોલનાર નહીં- કોઈ બોલાવનાર નહીં. વસંતઋતુ વીતી ગયા પછી જે હાલત બગીચાઓની અને બગીચાની રખેવાળી કરનાર, બગીચાના નાના મોટા છોડવાઓને પાણી પાઈ ઉછેરનારની થાય તેવી કરુણ હાલત આકાશ-શ્વેતા-ગૌમુખી-ગિરધારકાકાની થઇ.’(પૃ.૫૦,૫૧) આકાશ-શ્વેતા ફરી સાથે તો રહે છે પણ એકરૂપતા કેળવી શકતા નથી ને એક દિવસ પોતાની જાતને કોસતી શ્વેતા ઘર છોડી ચાલી જાય છે. ત્યારબાદ ઘટનાઓ બનતી જાય તેમાં શ્વેતાના માતા-પિતા-બહેન-બનેવી બધા મૃત્યુ પામ્યા. આમ આકાશની જિંદગીમાં સ્વજનોની બાદબાકી થતી જ રહે. ત્રણ-ત્રણ વર્ષ સુધી શ્વેતા પાછી ન આવતા ગિરધારકાકા અને ગૌમુખીના અત્યંત આગ્રહને લીધે આકાશ જીવન સાથે સમજુતી કરી ડાકોરના રણછોડરાય મંદિરના મેનેજર નરહરિભાઈ પંડ્યાની એકની એક વિધવા દીકરી સ્નેહા સાથે લગ્ન કરે છે. સ્નેહા તેની સાથે તેના પુત્ર જગતને સાથે લઇ આવે છે. આ સંદર્ભમાં લેખક આકાશની સ્થિતિ વ્યક્ત કરતા કહે છે, ‘આકાશ એકલા અભિમન્યુની માફક સંસારના સમરાંગણ મધ્યે-કોઠાયુદ્ધ લડી રહ્યો હતો.’(પૃ.૯૪) સ્નેહા-આકાશના પુત્ર ચિરાગના આગમન પછી થોડા સમયમાં ગિરધારભાઈ અને ગૌમુખી પણ વૈકુંઠવાસી થયા. પ્રોફેસોર આકાશનું ગૃહજીવન સુખેથી ચાલતું હતું ત્યાં ફરી શ્વેતાના આગમનથી વમળ ઉઠે છે અને શ્વેતાના આગમનથી સ્નેહને અણગમો થતા તે ઘર છોડી ચાલી જાય. આ આકશની પરિસ્થિતિને લેખક ‘નિશાન કે લક્ષ્ય વગરનું બાણ, ગતિ વગરની પ્રગતિ કે જળ વગર માછલીના અસ્તિત્વ સાથે સરખાવે.’ ત્યારબાદ શ્વેતા માંદગીમાં, સ્નેહા-જગત-ચિરાગ પ્લેન અકસ્માતમાં મૃત્યુ પામે. અર્થહીન જીવન જીવતા આકાશને તેના એક હિતેચ્છુ ગોમતીપુર કેળવણી મંડળના વહીવટ જવાબદારી સોપી લઇ જાય. ત્યાં પણ જિંદગીની થાપટો ખાતો આકાશ ચેનથી રહી શકતો નથી. ત્યાં ગંગા નામની એક દલિત કન્યા, જે તેના ઘરમાં કામવાળી તરીકે કામ કરતી હોય છે તેની સાથે આકાશના કોઈ સંબંધ હોવાની અફવા ફેલાઈ છે. આ બદનામીમાંથી આકાશ ગંગાને દૂર લઇ જઈ ભરૂચની નારી કેન્દ્રમાં મૂકી આવે છે, પણ આકાશને પ્રેમ કરતી અને તેની વિદાય જોઈ ન શકતી ગંગા ભરૂચના ગોલ્ડન બ્રીજ પરથી હનુમાન કૂદકો લગાવે છે. આ વાતની જાણ થતા અને ગંગાની લાશ ન મળતા આકાશ ગંગાના આ પગલા માટે પોતાને જવાબદાર ગણે છે, અને તે ગંગાની શોધમાં નર્મદા પરિક્રમા કરવા નીકળી પડે છે. તે રણાપુર ગામ આવે છે ત્યાં કમળાબેન, પ્રાણસુખલાલ, વિદ્યા, રણછોડ જેવા સારા વ્યક્તિઓની મદદથી ગંગા સુધી પહોંચે તો છે પણ આ ગોલ્ડેનબ્રીજ થી શરુ થયેલી ગંગાની સફર રૂપના સોદાગર એવી ગોલ્ડેનગેંગના પંજામાં પૂરી થાય છે. આ ગેન્ગના હાથમાંથી ગંગાને છોડવવા આકાશ ખૂબ જહેમત ઉઠાવે છે અને ગંગાને પણ ખૂબ આગ્રહ કરે છે પણ ગંગા રડતા જવાબ આપે છે કે, ‘આકાશબાબુ મને માફ કરી દો- તમારી ગંગા મેલી થઈ ગઈ છે. મને મારા હાલ પર મારી બદકિસ્મતી પર છોડી દો. હું હવે મારી બદનામ વસ્તીમાં જ ખોવાઈ જવા માગું છું.’(પૃ.૩૯૩) અને ગંગા વિદેશ જવા નીકળી જાય. આકાશ એરલાઈન્સનું એ વિમાન અદ્રશ્ય બની જતા જુએ, ‘અને નીચે-આકાશ-અરમાન વગરનો આદમી અને ભગીરથ- ઊભા ઊભા જોઈ રહ્યા-શૂન્ય મનસ્ક ભાવ સાથે...!’(પૃ.૩૯૬). અહીં નવલકથા પૂર્ણ થાય અને કરુણ-ટ્રેજડીને વાસ્તવિકતાના અંચળામાં લપેટી વાચક સમક્ષ નવલકથાકાર પ્રસ્તુત કરે છે.
        આખી નવલકથામાં પાત્રોનું અને સ્થળનું ઘણું વૈવિધ્ય જોવા મળે છે. પણ અંતે તો દરેક પાત્ર જાણે નવલકથાના નાયક આકાશના વ્યક્તિત્વને ઉજાગર કરવા, તેની કારુણ્યભરી સ્થિતિને વધુ ગાઢ બનાવવા અને એક સામાન્ય માણસને યોગી પુરુષ બનાવતી ઘટનાઓનો કાફલો રચતા લાગે. સહનશીલતાની કોઈ સીમા હોય પણ અહીં તો, ‘કાળી કાળી જોગી જેવી દાઢી ઘરાવતો પાણીદાર આંખોવાળો પ્રોફેસર આકાશ સફેદ લેંઘો અને સફેદ પહેરણમાં સજ્જ પ્રોફેસર કયારેક બજારમાં પોતાના બાપુજીની દુકાને બેસી ભજન-કીર્તનમાં મસ્ત રહેતો. તો ક્યારેક આ દુકાનની સામે આવેલા ટાવરની બાજુએ સફેદ ગાડી નીચે ચગદાઈને મારી ગયેલા રાહુને શોધતો. ક્યારેક ગોમતી કિનારે લટાર મારતાં-મારતાં ગોમતી તળાવમાં પડી ડૂબી ગયેલા સુકેતને શોધતો. ત્યારબાદ ઉંચે આકાશમાં સ્નેહા, જગત, ચિરાગ પોતાના માતા-પિતા અને શ્વેતાને શોધતી આકાશની શૂન્ય, ભાવ વગરની આંખો.’(પૃ.૧૬૩)આ બધું સહન કરતો આકાશ શ્રી રામ જેવા દૈવી પાત્ર હોવાનો વાચકને આભાસ કરાવતો રહે.
તેની એકલતાની પરિસ્થિતિનો અહેસાસ કરાવવા નવલકથાકાર ડાકોર, મહેસાણા(ગોમતીપુર), સુરત, વડોદરા, ભરૂચ અને તેની આસપાસના નર્મદા કિનારાના ગામડઓના દરેક પરિવેશને ગોઠવીને નવલકથાની ક્ષિતિજ વધારે છે. આ સાથે સમાજમાં ચાલતા સામાજિક ભેદભાવને પણ ગંગાના પાત્ર દ્વારા ખોલી આપે. અને છેલ્લે, નવકથાકાર અંધારી આલમના ગોરખધંધા અને લોહીના વ્યાપારની વાસ્તવિકતા સુધી આકાશને સફર ખેડાવે. નવલકથાકાર સંસ્કારી બ્રાહ્મણ કુટુંબથી લઇ ગોલ્ડનગેંગે સુધીની સમાજયાત્રાનો ભાવકને પરિચય કરાવી દે. આખી નવલકથા ત્રીજા પુરુષના કથનકેન્દ્રમાં લખાયેલી હોવા છતાં કેટલીકવાર લેખક પોતે પાત્ર જીવતા લાગે તો કોઈવાર પાત્રો બોલકા લાગે કે ઘણીવાર સમાજને સીધો ઉપદેશ આપતા પણ લાગે. નવલકથાકારની લેખનશૈલીના ચમકારા જોઈએ તો,
-‘...હિબકાં- હિબકાં ભરી રડતું હતું, કકળતું હતું, કાળો કલ્પાંત કરતું હતું...એક ભૂલે-બેદરકારીએ-નાના ઉછરતા એવા મોગરાના ફૂલ જેવા-મઘ-મઘતા-બાળકને કચડી નાખ્યું હતું...’(પૃ.૧૯)
-‘શ્વેતા એટલે ગુલાબનાં ફૂલો વગરની બની ગયેલી કોઈ સૂકી ડાળી...નિર્જીવ શીલા..’(પૃ.૫૮)
-‘જિંદગી એનું નામ છે જેમાં દુ:ખના પોટલાં વધારે અને સુખનો સુંવાળો સાથ ઓછો હોય છે.’(પૃ.૧૫૨)
-‘રોહિત વણકર’ છીએ બાપલીયા ત્યારે વિદ્યુત કરંટ લાગે કે તરત જ હાથ ખસેડી લઈએ તેમ તરત જ પ્રશ્ન પૂછનારો પાછો હઠી જતો.’(પૃ.૧૯૦)
-‘કાદવ મધ્યે ખીલેલ કમલ એટલે ગંગા...અમાસની રાત્રે ઘ્રુવનો તારો એટલે ગંગા...ભૂરા-ભૂરા આકાશમાં સફેદ-સફેદ રૂ ના ઢગલા જેવી એકાદ-આકાશમાં ઘેરાયેલી વાદળી એટલે ગંગા...!’(પૃ.૨૫૨)
        નવલકથામાં કારુણ્યરસનો ભારોભાર પ્રભુત્વ જણાય આવે. ‘આકાશના જીવનમાં જુદીજુદી પરિસ્થિતિઓ આકાર લેતી હોય છે, જન્મતી હોય છે, ઉદભવે અને સ્વયમ સંચાલિત અદ્રશ્ય બની જતી... આકાશના હૃદયમાં દુ:ખ, દરદ અને વિષાદના મોંજાઓથી તોફાન ઉઠતું અને ક્યારેક ઉઠેલ તોફાન શાંત થઇ જતું.’(પૃ.૫૯) પણ અંતે તો કોઈપણ રસ શાંત રસમાં જઈ મળે એ રીતે કોઈ સમસ્યાનો ઉકેલ નહીં, પરિસ્થિતિનો સુધારો નહીં અને દરેક વ્યક્તિ પોતાની જિંદગીની વાસ્તવિકતાને કમને પણ સ્વીકારી લે. પ્રેમ હોવા છતાં સમર્પણ મોટું બને, સમાજની બદીઓ દેખાતી હોવા છતાં સુધારણા કોઈ બ્યુગલ નહીં અને આખરે તો નવલકથા શાંતરસમાં જ વિલીન થાય. ગુજરાતી સાહિત્યની અવિરતપણે સેવા કરતા રાજેન્દ્ર ‘સાગર’ પોતાની ‘સ્પંદન’ નવલકથામાં જીવનની વાસ્તવિક સ્થિતિનો અનુભવજન્ય ચિતાર આપી બ્રહ્મતત્વનો મહિમા વ્યક્ત કરે છે.

ડો. હેતલ કિરીટકુમાર ગાંધી

જાગૃત વિવેચકની જ્ઞાનવાણીનો પરિચય આપતી કૃતિ :‘સાહિત્યમાં સાત્વિકતા અને અન્ય લેખો’



શ્રી ચંદ્રકાન્ત શેઠની ઘડાયેલી કલમમાંથી નીકળેલો એક વધુ વિવેચનસંગ્રહ એ ‘સાહિત્યમાં સાત્વિકતા અને અન્ય લેખો’ વિષયની દ્રષ્ટીએ ત્રણ ભાગમાં વહેંચી શકાય તેવા આ સંગ્રહમાં કુલ અઢાર લેખોનો સમાવેશ થયો છે. આ સંગ્રહમાં આપણને સાહિત્યના વિવિધ પાસાની વિભાવના, કૃતિલક્ષી સંશોધન અને આસ્વાદન તથા ભાષા-શિક્ષણ-વ્યવહાર વિશેના વિવિધ રસસ્થાનો અને તત્વમૂલક અર્થઘટનોનો અનુભવ થાય છે.
‘સાહિત્યમાં સાત્ત્વિકતા’ લેખમાં સાહિત્યના સર્જન તેમજ વિવેચનમાં સાત્ત્વિકતાના ભાવને વ્યક્ત કરતા સંસ્કૃત સાહિત્ય મીમાંસાનો ઉલ્લેખ કરે છે. અહીં.સર્જનમાં સાત્ત્વિકતા ત્યારે જ જણાય જયારે સર્જક પક્ષે પારદર્શિતા હોય, તાટસ્થ્યપૂર્વકનું તન્મયતા ભર્યું, સ્થિર પ્રજ્ઞાવાળું વલણ હોય. સત વિના સત્વ નથી ને સત્ત્વ વિના સાત્ત્વિકતા નથી. સાહિત્યના જીવનસાપેક્ષ ક્ષેત્રનો મહિમા વિવેચકે સાહિત્યમાંથી જ લીધેલા ઉદાહરણો આપી સમજાવ્યા છે.
આ વિવેચનસંગ્રહનો સૌથી ઉત્ત્તમ લેખ કહી શકાય એવા – ‘ભારતીય સાહિત્ય’ લેખમાં વિવેચકે આધ્યાત્મ્ય–ચિંતન-દર્શનનો અને સાહિત્યસર્જનનો એવા ત્રિવેણી સંગમની વિસ્તારપૂર્વક મીમાંસા કરી છે. વિવિધ બોલી-ભાષા અને લેખિત-મુદ્રિત કે કંઠસ્થ સાહિત્યના વિવિધ આયામોથી લઇ વૈશ્વિક ભૂમિકાએ પણ મહત્વનું બની રહે તેવા પ્રાચીન ભારતીય સાહિત્યને પણ સ્થાન આપ્યું છે. શિષ્ટ સંસ્કૃત સાહિત્યથી લઇ ભારતીય આર્ય ભાષાના ત્રણ તબક્કાઓ, વિવિધ ભાષાની પ્રારંભની ભૂમિકા, જુદા-જુદા સાહિત્યપ્રકારો, ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યની સાધના ધારાઓ, સંસ્કારધારા, દર્શન પરમ્પરા, લોકસાહિત્યની વિકાસયાત્રાને ઉદાહરણ સહિત ઉલ્લેખે છે. રામાયણ-મહાભારતના મહાકાવ્યની તેલુગુ, કન્નડ, પંજાબી, બંગાળી જેવી ભારતીય ભાષાઓમાં થયેલા ગદ્ય-પદ્યાનુવાદ, એક ભાષામાંથી બીજી ભાષામાં થતા ભાવાનુવાદ, સારાનુવાદ કે અનુવાદની મહત્વની દરેક કેડીને સાંકળવાની કોશીશ કરી છે. આ ઉપરાંત હિંદુ પરમ્પરાથી લઇ ઉર્દૂ તેમજ સૂફી પરમ્પરાની પ્રેમકથાઓ, નીતિબોધ સાહિત્ય, ધર્મ માટેના સાહિત્ય, છંદ-રાસાનું સાહિત્ય, પ્રશસ્તિ સાહિત્ય તેમજ લોકમનોરંજક સાહિત્ય અને ભારતીય સાહિત્યપ્રકારોની આછી-પાતળી રેખાઓનો અહીં ખ્યાલ મળતો રહે  છે. ભારતના ઉત્તર-દક્ષિણમાં રહેલા ભાષાભેદો છતાં તેમના સાહિત્યમાં રહેલા સમય-ભેદ, એકબીજાથી મળતા સાહિત્યપ્રકારો, વ્યાકરણગત વિશેષતાઓ, ભાષાકીય અને કેળવણીગત સાહિત્યની ખાસિયતોની સાથે પ્રાચીન થી માંડી અર્વાચીન સાહિત્યના વ્યાપની પૃષ્ઠભૂમિ પર રચાયેલા ગદ્ય-પદ્ય સાહિત્યની ઉપલબ્ધિઓને વિસ્તારથી આલેખી છે. તેની સાથે પ્રાદેશિક ઉપરાંત પશ્ચિમના સાહિત્યને પણ આ પ્રસ્તુત લેખમાં જરૂરી સ્થાન મળ્યું છે.
‘બાલસાહિત્યની સમસ્યાઓ અને ઉકેલ’ લેખમાં વિવેચક બાળસાહિત્યની સમસ્યાઓને હલ કરવા માટે બાળકો પ્રત્યેના ભરપૂર પ્રેમને પૂર્વશરત ગણે છે. તેઓ બાલસાહિત્યના ક્ષેત્રે થયેલ ઉદાસીન વલણ પ્રત્યે પોતાની ચિંતા વ્યક્ત કરે છે, ગૂજરાત વિદ્યાપીઠમાં ચાલતા બાલનાટકના સ્વતંત્ર અભ્યાસક્રમ, હરીશ નાયકના બાલકથાઓ પર થયેલા કાર્યકમો, કઠપૂતળીના ખેલ, શેરી નાટક અને લોકસાહિત્યમાં બાલસાહિત્યને સ્થાન, બાલઘર અને બાલઘરો પ્રત્યેની સભાનતા અને બાલસાહિત્યની ધારાને સમૃદ્ધ કરનાર સર્જકોના કાર્યને પણ તેમણે અહીં બિરદાવ્યા છે. આમ, ‘બાલદેવો ભવ’ની ભાવનાનું પૂરું પ્રકટીકરણ અને વિસ્તારણ માટેની કટીબધ્ધતા વ્યક્ત કરી છે.
વિવેચકના બાલસાહિત્ય પ્રત્યેના અપાર પ્રેમને વ્યક્ત કરતો ‘ગુજરાતી બાલસાહિત્ય : એક ઝાંખી’ લેખમાં બાલસાહિત્યમાં રસપ્રદ અને આનંદપ્રદ સર્જન કેમ થઇ શકે? તેની ભૂમિકા આપ્યા બાદ ગુજરાતી વાચનમાળાની પ્રથમ શ્રેણી ૧૮૬૦થી શરુ કરી, બાળસાહિત્યમાં સીમાસ્તંભ ગણાતા સર્જક ગીજુભાઈ બધેકાની સર્જનયાત્રા વિષે, તથા બાળસાહિત્ય પરત્વે કાર્ય કરતી સંસ્થાઓ, પ્રકાશન ટ્રસ્ટ, તથા બાળસાહિત્યમાં ગીત, નાટક, ઉખાણાં, ટૂચકા, હાલરડાં, જોડકણાં, જેવા સાહિત્યપ્રકારોની વિગતે ચર્ચા કરી છે.
‘ગુજરાતી કાવ્યપ્રકારો’ નામના લેખમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે શ્રી ડોલરરાયે જે પાંચ વ્યાખ્યાન આપ્યાં તે પુસ્તકની સમીક્ષા કરી છે. જેમાં કાવ્યના પ્રકારો, સંસ્કૃત-પાશ્ચત્ય કાવ્યસિદ્ધાંતો, મહાકાવ્યો અને આખ્યાનની શૈલી અને તેના લક્ષણો, ખંડકાવ્યોની મીમાંસા, લઘુકાવ્ય અને લિરિક અંગેના સત્વને ખોલી આપ્યું છે.
આ ઉપરાંત આ પુસ્તકમાં કૃતિની સમીક્ષા અને આસ્વાદલક્ષી લેખ ‘અનંગ રાગ- અનુ – રાગની પરાકાષ્ઠાની સંવેદનકથા’માં શ્રી શિવકુમાર જોષીની નવલકથા ‘અનંગરાગ’ વિશે, પ્રેમલ-અનિમેષ-અનુરાધાના સંબંધોના ખેંચાણ-તણાવના અટપટા સંવેદનોના પડળોને તર્કબદ્ધ રીતે ઉકેલે છે. આપણી સંસ્કૃતિને જોવા-મૂલવવા માટે, મનુષ્ય પ્રેમ, નીતિ ઘડતર અને સદાચારના રાજમાર્ગને પામવા, યુવાનોના પ્રશ્નોના કલ્યાણકારી ઉકેલ, મર્મસ્પર્શી નીતિસુત્રો સાથે ફાધર વાલેસના ‘સદાચાર’ અને ‘નવીપેઢી(તરુણાશ્રમ)’ ભાગ પહેલો એમ બે પુસ્તકોના મર્મને ‘વ્યક્તિ ઘડતરની દ્રષ્ટિએ બે મૂલ્યવાન પુસ્તકો’ લેખમાં વિવેચક ઉજાગર કરે છે.
જીવનચરિત્રો વિષયક પુસ્તકોનો પરિચય કરાવતા ‘તીર્થોદકની અંજલિ’ લેખમાં શ્રી મોહનભાઈ પટેલ ‘આલ્બર્ટ સ્વાઈત્ઝર’ પુસ્તકનો પરિચય છે જયારે ‘માનવતાથી માટીમાં કંડારાયેલાં રેખાચિત્રો’ લેખમાં શ્રી તુષારભાઈ ભટ્ટ કૃત ‘રેતીમાં રેખાચિત્રો’ પુસ્તકનો તટસ્થતાપૂર્વકનો પરિચય આપ્યો છે. અહીં જીવનચરિત્રના સાહિત્યસ્વરૂપની લાક્ષણિકતાઓની ઝલક પણ સુપેરે દર્શાવી છે. 
ત્યારબાદ ‘પાનગોષ્ઠી’ લેખમાં ધૂમકેતુના ‘પાનગોષ્ઠી’ નિબંધસંગ્રહની વ્યવસ્થિત છણાવટ કરી છે. તેમાં ધૂમકેતુના ગદ્ય અને તેમની ગંભીર પ્રકૃતિથી વિરુદ્ધ હાસ્યકારની અદાને ચકાસવાનું વલણ જણાય છે. તેઓ હાસ્યવૃત્તિને વાર્તારસિક ધૂમકેતુની મર્યાદા ગણવાનું ઉચિત ગણે છે. પારદર્શિતાથી કરેલ તપાસને અંતે હાસ્યલેખક તરીકે ધૂમકેતુ સફળ થયા નથી અને કરુણતા તરફના ઝોકના ઔચિત્યને સ્પષ્ટ કરે છે. આ ઉપરાંત ‘હું’નાં મૂળ, ‘હું’નાં ફૂલ’ લેખમાં પ્રફ્ફુલ રાવલના ‘હું અને....’ નિબંધસંગ્રહમાં સ્પષ્ટ રીતે વ્યક્ત થતા લેખકના અંતરમુર્ખી ‘હું’ની વાત, ‘હું’ પ્રત્યેનો પ્રેમ, ‘હું’ સાથે જોડાયેલા સંસ્મરણો અને ‘હું’ સાથે ઘૂંટાયેલી નિખાલસતાને સચોટ રીતે વ્યક્ત કરે છે. આ નિબંધસંગ્રહ વિષે ચંદ્રકાન્તભાઈ લખે છે કે, ‘પોતે જે જીવ્યા, પોતે જે અનુભવ્યું, પોતે જ પામ્યા ને પોતે જ વેઠ્યું, તેની યેનકેનપ્રકારેણરાગદારી એમની આત્મવીણા પર છેડાતી પમાય છે.’(પૃ.૧૨૯/૧૩૦)
‘મધુરસની પ્યાલીઓ’માં ચંદ્રકાન્ત શેઠ દિનેશભાઈએ લખેલ ‘લઘુ પત્રનિબંધ’ વિશે ઋતુ, રંગ, ભાષા અને કવિત્વભાવની મૌલિક ચર્ચા સાથે સ્નેહસ્મરણ પાઠવતા જણાય છે. ‘ખુશનુમા તડકાનો રંગ’ લેખમાં ‘પેટછૂટી વાત’ કહી દેનારા અશોક દવેની હાસ્ય સર્જકતાને ઉકેલવાનો-માણવાનો ઉપક્રમ યોજે છે. તેમના માટે ચંદ્રકાન્તભાઈ ‘માણસ હૂંફાળો ને હસમુખો’ એમ બિરુદ આપે છે. તેમના હાસ્ય તીરની ગતિ અને દિશાને માપવાનો પ્રયાસ કરી, તેમના વિવિધ હાસ્યનિબંધમાં દેખાતી પાત્ર અનુરૂપ શૈલીના ભારોભાર વખાણ કરતા જણાય છે. ચંદ્રકાન્તભાઈ આ હાસ્યસર્જકની વાત ‘હ્યુમર ઓફ ડ્રેક્યુલા’ને તેમની શક્તિઓનો સ્તંભ માન છે.
‘વાલ્મીકીય હાસ્યચટકા’ લેખમાં સાહિત્યક્ષેત્રે તેમજ પત્રકારત્વક્ષેત્રે પ્રસિદ્ધિ પામેલા વાલ્મીક મહેતાના લેખસંગ્રહ ‘મીકિ મીકિ વાલ્મીકિ’નું હળવું આસ્વાદન કરાવે છે. તેઓ કહે છે કે વાલ્મીકભાઈનાં આ લેખસંગ્રહના અનેક લેખોમાં હાસ્યને શૃંગાર સાથે કે શૃંગારને હાસ્ય સાથે રજૂ કરવાનો તથા દુ:ખને હસીને હળવા થવાનો આકર્ષક કીમિયો અજમાવ્યો છે. તારક મહેતાના ભાઈ એવા વાલ્મીકભાઈનો ટૂંકો પરિચય આપી વિવેચક આ લેખમાં હાસ્ય નિરૂપણની વિવિધ તરેહો અને હાસ્ય સામગ્રીનાં મૂળને ચકાસે છે.
ભાષા-સાહિત્ય સાથે વર્ષોથી સંકળાયેલા પૂ.મુનિરાજ શ્રી હિતવિજયજી મહારાજના સારસ્વતધર્મનું તપ સમુ ‘ગુજરાતી લિપિ’ પુસ્તકનો પરિચય અહીં ‘ગુજરાતી લિપિ વિશેની અનુભવયુક્ત સમજણને ઉદાહરણ સહિત સમજાવે છે. જયારે ‘માધ્યમિક કક્ષાએ માતૃભાષાનું શિક્ષણ’ લેખમાં શિક્ષણતંત્ર, શિક્ષણપ્રદાન કરનારા શૈક્ષણિક વર્તુળોનો પરિચય, વિદ્યાર્થીઓમાં માતૃભાષા વિશેના શ્રવણ-સંસ્કારોના સિંચનના ઉપાયો, કથન-અભિવ્યક્તિ માટેના પ્રયત્નો, વાંચન –લેખનશક્તિ વિકસાવવાના ઉપાયો, અને શિક્ષણ કે શિક્ષકની વિદ્યાર્થીઓને માતૃભાષા શીખવા-શીખવવાની વાંછના સાથેના વૈજ્ઞાનિક અભિગમનો સમાવેશ થયો છે.
‘આપણું રાજ્યતંત્ર અને અસરકારક ભાષાવ્યવહાર’ લેખમાં તંત્ર-સંચાલક અધિકારીઓએ પોતાના તંત્રને વધુ લોકાભિમુખ કરવાના પ્રયત્નો વિશેની વિશદ ચર્ચા કરાવે છે. ભાષામાં થતા રોજિંદા વ્યવહારને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ એક વિશ્વભાષા તરીકે, ઉત્તમ સાહિત્ય અને ચિંતન-વિચારની મહાન ભાષા તરીકેનું મૂલ્ય પારખી તેને સમૃદ્ધ કરવા બનતા બધા પ્રયાસ કરવાનું ચંદ્રકાન્તભાઈ આગ્રહપૂર્વક જણાવે છે.
આ લેખસંગ્રહનો અંતિમ લેખ, એક મોટા વિવિધ વિષયોમાં શંભુમેળામાં ફરીને સંગ્રહનો ઉપસંહાર કરતો હોય એમ સંસ્કાર ‘માતૃભૂમિ’ ગરવી ગુજરાત અને તેની સંસ્કૃતિ-સાહિત્યનો સુભગ સમન્વય કરી ઉદભાવ્યો હોય તેમ લાગે છે. ગુજરાતના મોંઘેરા વારસાને દર્શાવતા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘ગુજરાત’ ગ્રંથના પ્રારંભિક લેખની સમીક્ષાને ચંદ્રકાન્તભાઈ ‘ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતી’ લેખમાં પ્રસ્તુત કરે છે. જેમાં ગુર્જર પ્રદેશની ભાષા, પ્રજા, સંસ્કૃતી, રસધારાઓ અને ગુર્જર સપૂતોને જાણે ચંદ્રકાન્તભાઈ અંજલી ન આપતા હોય !
છેલ્લે, ચંદ્રકાન્ત શેઠની જીવનિકા સાથે ગ્રંથનું સમાપન, તેમની અનુભવયુક્ત જ્ઞાન સરવાણીને પ્રમાણભૂતતા  અર્પે છે. એક સક્ષમ વિવેચકની નજરમાંથી પસાર થતો આ વિવેચનસંગ્રહ સાહિત્યના અભ્યાસીઓ માટે સંશોધન, સમીક્ષા, આસ્વાદન અને વિવેચનની પાતળી ભેદરેખાનો પરિચય કરાવે છે. 
ડૉ. હેતલ ગાંધી

સતીશ વ્યાસના નાટકોમાં મનોવૈજ્ઞાનિક અભિગમની મોજણી


        મનોવિજ્ઞાનને માનવજાતના જીવન અને રહેણીકરણી સાથે ઘણો સંબંધ છે. મનોવિજ્ઞાન એ મનુષ્યના મનોસંચોલનોનું વિજ્ઞાન છે. માનવીની સંવેદનાના વહેણો પારખીને અભ્યાસ કરે છે. એટલે એમ કહી શકાય કે સાહિત્ય જે માનવીના મનના ભાવોને શબ્દોમાં પ્રસ્થાપિત કરવાનું કાર્ય કરે છે, તે પછી તેને વ્યાખ્યાયિત કરવાનું કાર્ય મનોવિજ્ઞાન કરે છે. સાહિત્ય એ માનવના જીવનનું પ્રતિબિંબ પાડે છે અને મનોવિજ્ઞાન એ પ્રતિબિંબની છણાવટ કરવાનું શક્ય બનાવે છે. આપણે આપણી આસપાસ જે જગત જોઈએ છીએ, અનુભવીએ છીએ એ દરેક ભાવોને યુગોથી કોઈને કોઈ સ્વરૂપે સાહિત્યમાં સ્થાન મળતું આવ્યું છે. એટલે માનવીના મનના અને સાહિત્ય દ્વારા શબ્દોથી રંગાયેલા-ઢંકાયેલા ગૂઢ ભાવોને અને સાથે બીજા મનુષ્યોની માનસિકતાને સમજવામાં મનોવિજ્ઞાનની સહાયતા ખૂબ જરૂરી છે. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર ઘૂમકેતુ સાચું જ કહે છે કે, ‘આપણે જગતને બીજાની દ્રષ્ટિથી જોઈએ તો અડધું જગત આમ જ શાંત થઇ જાય.’
આપણે જગતમાં જે પણ સમસ્યાઓનો સામનો કરતા હોઈએ છીએ એ મોટાભાગની સમસ્યાઓના મૂળ માનવીય વૃત્તિઓ અને માનસિકતાની જડતામાં પડેલા જોવા મળે છે. આ વૃત્તિઓને નાટકના સ્વરૂપમાં સમાજ સામે રજૂ કરવાનું કાર્ય સતીશ વ્યાસે તેમના નાટકોમાં કર્યું છે. તેમણે પોતાના નાટકોમાં માનવીય મનની ગૂઢતાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. અહીં તેમના ચાર નાટક ‘પશુપતિ’, ‘કામરૂ’, ‘અંગુલીમાલ’ અને ‘અમે અહીંથી નહીં જઈએ’ નો મનોવૈજ્ઞાનિક અભિગમથી અભ્યાસ મુખ્ય લક્ષ્ય છે. આ અભ્યાસ દરમ્યાન જગતમાં દરેક વ્યક્તિની જિંદગીમાં બનતી ઘટનાઓ કે તેની આસપાસના જગતમાં બનતી ઘટનાઓની સાથે જોડાયેલા મનુષ્યના આંતરજગત, આદિમતા, વૃત્તિ-પ્રવૃત્તિ, ત્રસ્ત માનસિકતા, પશુતા, નિરાશામાંથી જન્મતી જીવવાની ઝંખના અને નવા સ્વપ્નોની ઉત્પત્તિમાંથી નિર્માણ પામતા વ્યક્તિગત મનોજગતના ચક્રને સમજવાનો અવકાશ ઊભો થાય છે. હિન્દીના એક શેર દ્વારા આખી વાત કહીએ તો,
एक मुद्दत बाद मिली कैद से आजादी, पर किस्मत तो देखो...
जब आज़ादी मिली तो पिंजरे से प्यार हो गया |
માનવી જગતમાં જન્મ લે છે ત્યારે અહીં આવ્યાના દુ:ખમાં રડે છે, તો મુત્યુ વખતે આ દુનિયાને છોડવાના દુ:ખમાં રડતો હોય છે.
મનોવિજ્ઞાનનો અભ્યાસ અને તેનો સમજણપૂર્વકનો ઉપયોગ માનવીને તેના ઉમદા જીવનની પરિકલ્પનામાં ભરપૂર સહાયતા કરી શકે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સતીશ વ્યાસના નાટકો છે. જેમાં જીવનમાં આવતી ચિત્ર વિચિત્ર સમસ્યાઓ તથા તેમાંથી નિરુપિત થતા માનવીના સ્વભાવ અને માનસિકતાની નવી-જૂની ઘરેડ. કેટલીક સમસ્યાઓના મૂળ અને તેનો ગુઢાર્થ તો રોજબરોજની જિંદગીમાં ગુંથાતો જણાય પરુંત કેટલીક સમસ્યા માનવીની આદિમ વૃત્તિને ઉજાગર કરવાનું કામ કરતા હોય છે, વ્યવહારમાં વ્યક્તિ પોતાને પણ જેનો ખ્યાલ ન હોય તેવા માનસિક વલણો વિશેષ ઊંડાણપૂર્વકના અભ્યાસ પર્યંત દ્રષ્ટિગોચર થતા હોય છે. એવા જ કૈક નવા પણ દરેકના જીવનમાં વત્તે-ઓછે અંશે અનુભવતા આપણી આદિમ વૃત્તિ, સમાધાનની માનસિક પ્રવૃત્તિ, નકારમાંથી ઉદભવતી એષણાઓ, તીવ્ર આવેગિક મનોવૃત્તિ, વિરોધમાંથી ઉદભવતો આક્રોશ જેવી વગેરે વૃત્તિ-પ્રવૃત્તિમાંથી જન્મતા આખરે તો માનવીને તેના મત મુજબ ઉમદા જીવનની શોધ અને ગતિના ભાગરૂપે જાણાતા હોય છે.
કોઈપણ સાહિત્યકૃતિ યુગપરિવેશનું નિર્માણ સ્વરૂપ છે. કૃતિના જન્મ પાછળ ફક્ત સર્જકના સૂક્ષ્મ સંચલનો કારણભૂત નથી પણ સર્જકની આંતરિક ભૂમિકાને ઘડનાર આખા સમાજની સ્વસ્થ માનસિકતા જવાબદાર હોય છે. એવા જ એક કથાબીજ(theme)ને સતીશ વ્યાસે તેમના નાટક ‘પશુપતિ’માં સ્થાન આપ્યું છે. લગ્નનું સામાજિક કાર્ય બે વ્યક્તિઓના જીવનમાં આવતા પરિવર્તન સાથે તેઓના માનસિક પરિપેક્ષ્યનું, સમજણનું, સાહચર્ય તથા સમાયોજનનું જીવનપર્યંત ચાલતું ભગીરથ કાર્ય છે. લગ્નની ધામધૂમથી પ્રારંભ થતા આ નાટકમાં લગ્નની પ્રથમ રાત્રિએ જ  નાયિકા મલ્લિકાના પતિ ઋષભનું ઋષભ(આખલા)માં પરિવર્તન થાય અને જાણે એનામાં કોઈ પશુનો પ્રવેશ થાય, આ સમયે ઋષભ છીંકોટા કરવા લાગે, આ જોઇને ડરેલી મલ્લિકા ચીસો પાડી ઓરડાની બહાર નીકળી જાય, સાસુ-સસરા-નણંદ-દિયરને પહેલા તો વિશ્વાસ બેસતો ન હતો, મલ્લિકાની આ પરિસ્થિતિ દિયર સમજે અને થોડા દિવસ અલગ સૂવાનું સૂચન કરે, પણ બે-ચાર દિવસ પછી આ ઘટના ફરી બને, ભૂવાને બોલાવાય, માદળિયું વહુને બંધાય, પરંતુ વૃષભનું આખલામાં રૂપાંતર થતું રહે અને મલ્લિકા તે આખલાના સ્વરૂપથી ટેવાતી જાય, તેને પ્રેમ કરતી થાય, ભાદરવે મહીને ગોત્રટનું મલ્લિકા વ્રત કરે અને ત્યાં નાટ્યાત્મક સ્થિતિ સર્જાય અને ઋષભનું પશુત્વ અદ્રશ્ય થાય, જે મલ્લિકાને રુચતું નથી તેને તો આ આખલાસ્વરૂપ વગરનો વૃષભ પોતાનો પતિ લાગતો નથી, ત્યારબાદ મલ્લિકાના આ બદલાયેલા ભાવને શાંત કરવા વેદરાજ આવે, તે મલ્લિકાના ઈલાજને બહાને એકાંતનો લાભ લઇ મલ્લિકા પર બળાત્કાર કરવાની કોશિશ કરે, મલ્લિકાની ચીસ સાંભળી ઋષભ અંદર ધસી જાય અને આ પરિસ્થિતિમાં વેદરાજ રૂપી આખલો અને વૃષભ રૂપી આખલાનું દ્વંદ્વ ખેલાય અને વૃષભ વેદને મહાત કરે, મલ્લિકા આખલામાં રૂપાંતરિત થયેલા વૃષભને અભિનંદે, ત્યાં નાટક તો પૂરું થાય પણ નાયિકાની જિન્સી એષણાઓ, એણે જે  સ્વરૂપમાં પતિને અનુભવ્યો છે સ્વરૂપમાંથી પતિ આદર્શવાદીવલણ અપનાવે તો એ પરિવર્તન ન સહી શકતી સ્ત્રીને સહજતાથી પ્રાપ્ત એવી adjustment કરવાની(ટેવવશ થવાની) પ્રકૃતિને આધારે પુરુષની પાશવી વૃત્તિઓનું સ્વીકાર્ય, આધિનતાનો સ્વીકાર કરવાની વૃત્તિ અને પતિ એ જ પરમેશ્વર(એટલે જ તો પરપુરુષનો સ્પર્શ પણ નાયિકાને કઠે છે)ની ભારતીય સંસ્કારિત માનસિકતાનો નાટ્યાત્મક અનુભવ થતો રહે તથા પુરુષ પાત્રોની અંદર છુપાયેલા પશુત્વનું પ્રગટીકરણ, આવેગોની તીવ્રતાનું નિરૂપણ, વૃષભનું બૌધિક જગત તો ઉજાગર થાય પરંતુ જયારે પત્નીના રક્ષણ માટે જરૂર પડે તો ફરી આખાલામાં રૂપાંતરિત થવાનું પુરુષ(પતિ)નું વલણ પણ ભારતીય સંસ્કારિતાના પુરુષ પક્ષને ન્યાય અપાવે છે. આ માનસિકતા એક આખા સમાજની જીવનરીતિ, રૂઢ થયેલી મનોવૃત્તિ અને સૂક્ષ્મ સંચલનોનું પ્રતિબિંબ આપે છે.
સતીશ વ્યાસના સ્ત્રીઓની માનસિકતા અને નકારમાંથી ઉદભવતી એષણાઓ અને સાહજિક, નૈસર્ગિક માનવીની ઐહિક જરૂરિયાતો વિષેના ઊંડાણપૂર્વક કરેલા અભ્યાસના તારણ સમું નાટક એટલે ‘કામરૂ’. અહીં મિથ- ફેન્ટસીનો ઘણોખરો ઉપયોગ કરાયો છે. માનસિક સંકુલતા અને સંવેગોને પ્રગટાવવા માટે પ્રયોગાત્મક થીયરીને કામે લગાડી છે. ‘કામરૂ’ જેવા પ્રદેશમાં, જ્યાં કેવળ નારીઓનું વર્ચસ્વ છે. અહીં પુરુષ શબ્દ જ અપશબ્દ ગણાય, કેવળ નારી જીવનને સ્વીકારતો આ દેશ કડક નિયમોથી જકડાયેલો છે. નાટકની શરૂઆતમાં પતિના ત્રાસથી ભાગી આવેલી ભામિની અહીં આવ્યા પછી આ નારી અભયારણ્યમાં પોતાની દીકરીને યાદ કરી દુ:ખી થાય છે, કારણ અહીં સ્ત્રીઓને સાહજિક-રુચિપૂર્ણ સાજ-શણગાર તો ઉપલભ્ધ છે પણ આંતરમનમાં ચાલતા સ્ત્રીના સાહજિકભાવોને અહીં બળપૂર્વક, કામિનીદેવીના કડક શાસન નીચે કચડાવવું પડે છે. અહીં માનવસહજ માનસિક મનોવૃત્તિને કારણે જેનો નિષેધ હોય તે જ વૃત્તિ આંતરિક મનમાં કબજો જમાવી બેઠી હોય તથા ‘પુરુષ’ શબ્દના નિષેધ માટે પડેલી કુતુહલવૃત્તિને કારણે કામિનીદેવીનો ભય ઓસરતો જણાય, લવંગિકાના રૂપમાં નાટકમાં પુરુષ પાત્ર સ્ત્રી બની આવે અહીં ‘નારી બનતા નર’ની વાત, મચ્છંદરનાથની કથા દ્વારા નવનાથોના અકુદરતી જન્મની વાત, લવંગિકાના સમાગમ બાદ યામિની અને કામિનીદેવીના સગર્ભાવસ્થાની વાત અને નાટકના અંતમાં યામિનીમાં પ્રગટ સ્ત્રીની માતા તરીકેની વાત્સલ્યમૂર્તિને કારણે કામિનીદેવીનું હ્રદય પરિવર્તનની ઘટના, કામરૂ દેશના કાયદા પ્રમાણે ‘પુરુષવાચક’ શબ્દનો પણ નિષેધ હોય તો તેવી અસાહજિક ભાષાથી પણ વ્યક્તિ ટેવાઈ શકે તે માનસિક વલણ કે માનવજીવન ટેવવશ સ્થિતિની વાત ઉપરાંત અલકનંદાના પાત્ર અને સંવાદ દ્વારા પુરુષ વિના ટેવાયેલું મન રાત્રિની ક્ષણોમાં સહજતા કેળવી શકતું નથી તે નારી સહજ્ભાવો અને વાસ્તવિકતાને દર્શાવતું આ નાટક બંધનમાંથી જન્મેલા નકારાત્મક કે વિરોધાભાસી આકર્ષણની મનોવૃત્તિને સાબિત કરી આપે છે. આમ, આટઆટલા સંઘર્ષો પછી પણ નારીદેશની પરિકલ્પના કે પછી પુરુષપ્રધાન જડ માનસિકતા ઘરાવતા એક તરફી ભાવના દર્શાવતા દેશમાં સુધારા કે વિરોધના બ્યુગલ વાગવાના જ એ માનવસ્વભાવના પરિવર્તનશીલ લાગણીનો આ નાટકમાં પડઘો પડે છે. આ સાથે જીવનચક્રની પરિવર્તનશીલ અને સહસંબંધાત્મક અવિરત ગતિનો તાગ મળે છે.
ઇ.સની છઠ્ઠી સદી પૂર્વે ભગવાન બુદ્ધના ઉપદેશથી અંગુલીમાલ પરિવર્તન પામી સત્કાર્ય તરફ વળે છે તેવા ઉલ્લેખો જાતકકથાઓમાં મળે છે. તે પૌરાણિક પાત્રને આધુનિક માનવીની સંવેદનામાં ઢાળીને સતીશ વ્યાસ ‘અંગુલીમાલ’ નાટક રચે છે. પૌરાણિક અંગુલીમાલને તો બુદ્ધ જેવા જ્ઞાની પુરુષ મળ્યા પણ આજના આધુનિક યુગમાં અંગીરામ જેવા માનવી કેવળ બાહ્ય પરિસ્થિતિને વશ થઇ પરિવર્તન પામે છે. તે સામાજિક, પ્રતિષ્ઠિત તથા રાજકીય વગ ધરાવતા માણસોની લોભ, દમન, અહમ, સત્તા ભોગવાની સ્વાર્થી મનોવૃત્તિના ખેલનો હિસ્સો બને છે. નાટકના પૂર્વાર્ધમાં આળસુ અંગીરામને પિતા હરીરામ, માતા તારા, પત્ની સવિતા અને બે બાળકો ઘણા પ્રસંગે સત્માર્ગે-મહેનતના માર્ગે વળવા પ્રયાસ કરે છે પણ બધા પ્રયાસ વ્યર્થ નીવડે છે. છેલ્લે માતા-પિતા, પત્ની તથા બાળકો સદાવ્રતનું અન્ન ન આરોગવા કટિબદ્ધ થયા તો પણ અંગીરામ એ અન્ન આરોગી જડતાને સાબિત કરે છે. પત્ની બાળકો સાથે ગૃહ ત્યાગ કરે છે તો પણ તેના પેટનું પાણી હાલતું નથી. આખો સમાજ, ગામ અને કુટુંબ તેને ધિક્કારે છે. તેના તરફ આંગળીઓ ચીંધે છે. આ તેની સામે ઉઠેલી આંગળીઓથી તે અકળાય છે અને માર્ગદર્શન વગરનો અંગીરામ અંગુલીમાલ બનવા તરફની નિમ્નગતિ કરે છે. નાટકના ઉત્તરાર્ધમાં દુ:ખ, ભૂખ, વિડંબનાથી વિરુદ્ધ તેનામાં અહંકાર, ધિક્કાર, લોભવૃત્તિ, ધનકેન્દ્રીપણું પ્રવેશતું જાય છે. આંગળી ને સ્થૂળ રીતે કાપવાને સ્થાને અંગીરામ નવા વેશે કોઈકની જરૂરિયાતો પૂરી કરી, ધાક-ધમકીથી, ચાલાકીથી પોતાની ઈચ્છા અનુસારનું કાર્ય કરાવતો થાય છે. આંગળી કાપવાની રીત બદલાય છે, વૃત્તિ સદીઓ પછી પણ બદલાય નથી. પૌરાણિક અંગુલીમાલ આંગળી કાપીને ગળે માળા પહેરતો પણ આધુનિક અંગુલીમાલ પ્રજાને છેતરીને ત્રાહિમામ કરીને, યેનકેન પ્રકારેણ પોતાની સ્વાર્થીવૃત્તિને પોસાતો- સંતોષતો રહે છે. આ નાટકમાં આંગળીઓ ચીંધવાનું કાર્ય માનસિક બદલાવ તો લાવે છે પણ તે બદલાવ નકારાત્મકતાનો છે.
માનવ મનના ઊંડાણને નાટકીય ઢબથી રજૂ કરતું નાટક છે ‘અમે અહીંથી નહીં જઈએ’. આ નાટકમાં સતીશ વ્યાસ ફક્ત બે પાત્રો દ્વારા માનવીના જીવન અને તેની મૂળભૂત જરૂરિયાતનો ઝીણવટપૂર્વકની દ્રષ્ટીએ ખ્યાલ આપે છે. પાત્રોના નામ યુવક અને યુવતી. એટલે કે દુનિયાના સમગ્ર યુવક અને યુવતીને પાત્ર તરીકે લેવાનો લેખકનો ઉદ્દેશ્ય છે. નાટકની શરૂઆતમાં એક યુવતી એક ખૂબ મોટા અને ઊંડા ખાડામાં પડી છે. ત્યાં એક યુવક પહેલેથી હાજર છે, જે ઘણા લાંબા સમયથી ત્યાં વસેલો છે. અહીંથી બહાર નીકળવાનો યુવતી ઘણો પ્રયાસ કરે છે પણ ન તો તે બહાર નીકળી શકે છે ન તો તેનો મદદ માટેનો અવાજ બહાર જઈ શકે છે. યુવક અહીં ઉપરથી અન્યાસે લોકોએ ખાડામાં ફેકેલી-વધેલી-બચેલી-તૂટેલી-નકામી વસ્તુઓ અને ખોરાકથી પોતાનું ગુજરાન ચલાવે છે. નગરપાલિકાનું દિવસમાં બે વાર પાણી આવે તેનો પાઈપ ત્યાં ખાડામાં ગળતો હતો તેનાથી નાહતો અને પાણી પીતો હતો. શરૂઆતમાં તો યુવતીને આ સમગ્ર પ્રક્રિયા ગંદી અને ગોબરી લાગતી હતી, યુવક તેનું શારીરિક શોષણ કરશે એવો ભય સતાવતો હતો પણ સમય જતા નાની મોટી લોકોએ ફેકેલી વસ્તુઓ અને ખોરાકથી તે પણ પોતાનું જીવન ટકાવતી થઇ જાય છે. આ યુવક-યુવતીને દીકરી પણ અવતરે છે અને છતાં આ અભાવવાળું જીવન બંનેને સ્વર્ગ જેવું લાગે છે. નાટકના અંતે આ સુધી દંપતીને ખાડાની ઉપરની બાજુ કૈક ખળભળાટ સંભળાય છે. ખાડાની ઉપરનો મોટો પથ્થર મજુરો હટાવતા હોય છે ત્યારે મજુરો નીચે ખાડામાં આ પરિવારને જોઈ આશ્ચર્ય તો અનુભવે છે પણ પછી તેમને આ જગ્યા છોડી જવાનું કહે છે. ત્યારે દંપતી ઘણા સમયથી આ જગ્યા પર અમે રહીએ છીએ એમ જણાવે છે. તેના જવાબમાં મુકાદમ આ જગ્યા તેના માલિકે ખરીદી છે તેથી ખાલી કરવા કહે છે. ત્યારે પહેલા જે જગ્યા યુવતીને ગંદી-ગોબરી, વિચિત્ર, ખરાબ લગતી હતી તે જગ્યા પરથી ન કાઢવા વિનંતી કરે છે અને તેને પોતાના પરિવારનું સ્વર્ગ ગણાવે છે અને ‘અમે અહીંથી નહીં જઈએ’ એમ રટણ કયું કરે છે. આ નાટકમાં જે જગ્યા કે જે વ્યક્તિ સાથે આપણે લાંબો સમય રહીએ તે વ્યક્તિ અને જગ્યા બંને નિમ્નકક્ષાના હોવા છતાં માનવીનું મન પોતાને તેનાથી અનુકુળ કરી દેતું છે. પરિસ્થિતિને અનુકુળ થવાની અને બનાવવાની જે માનવ મનની ખૂબી છે તેને બખૂબી દર્શાવી છે.
આમ, સતીશ વ્યાસે માનવ મનનો જાણે ખૂબ ઊંડો અભ્યાસ કરીને આ નાટકોને વાચા આપી હોય તેવો સતત અનુભવ થતો રહે છે. માનવીની આદિમ વૃત્તિ, પરિસ્થિતિને અનુકૂળ થવાની મૂળભૂત વૃત્તિ, મનુષ્યના સકારાત્મક અને નકારાત્મક વિચારોનું ભાવ વિશ્વ, કુતુહલવૃત્તિ વગેરે જેવી માનવ મનની વિવિધ પ્રવૃત્તિઓને નાટકના કથાવસ્તુમાં સુયોગ્ય રીતે ગોઠવી છે. અહીં સંકુલ અને અપૂર્ણ જિંદગીને પૂર્ણતા તરફ લઇ જવાની મથામણ દરેક નાટકમાં જોવા મળે છે.
(IJSSL International Journal of Social Science and Language Vol.01 Issue:02 Oct,Nov,Dec-2014)