Friday 27 February 2015

આરોહ-અવરોહ વચ્ચે અટવાતા અલગારીની કથા ‘સ્પંદન’


       ગુજરાતમાં રાજેન્દ્ર ‘સાગર’થી વાચકોમાં જાણીતા થયેલા રાજેન્દ્રકુમાર પાટણવાડિયાએ પંદર જેટલી નવલકથા લખી છે. લેખક પોતે સરકારી નોકરીમાં હોવાથી ઘણા સ્થળોની મુલાકાત કે પરિચય થયાનો અંદાજ તેમની આ ‘સ્પંદન’ નવલકથાના ઘટના સ્થળના સંદર્ભમાંથી મળી રહે છે. નવલકથાની શરૂઆત ‘ગતિ...પ્રગતિ... ગતિ... એટલે ગતિ...ગતિ વગરની જિંદગી નકામી...’ કે પછી ‘A life has no any importance which has no any particular motion.’થી થાય છે. જીવનમાં આવતા ઝંઝાવાતો, તોફાનો કે મુશ્કેલીઓ ડગલે ને પગલે આવવાના જ પણ જયારે નિયતિ શાંત-સ્થિર પાણીમાં અચાનક પથરો ફેંકીને કરુણતાના જલતરંગો ઉભા કરે તો જીવન જીવવું દુર્ભર બની જાય. ગતિની દિશા અલગારી વલણ અખત્યાર કરે ને માનવી બરબાદીના પંથે ખેંચતો જાય. તેમાંથી ટીપતા, ઉગારવાનો માર્ગ જેને જડે તે સાચો સિદ્ધ પુરુષ બને.
        નવલકથા નાનકડા શહેર ડાકોર અને તેમાં અધ્યાપક એવા આકાશ ભટ્ટના જીવન અને જગત વચ્ચે ઝોલા ખાતી, પડતી-આખડતી, તૂટતી-ફૂટતી, સુખ કરતા પણ દુ:ખના પડછાયામાં ઘેરાતી આકાશના અલગારી બનવાની સાથે આગળ વધતી જાય. ‘આકાશ ભટ્ટ  એમ માનતો કે જે દેશનું યૌવન કોઈ પણ જાતની બરકત વગરનું હોય કે શિસ્ત-સંસ્કાર વગરનું હોય તે દેશની...પ્રગતિની કોઈ સાચી દિશા હોતી નથી...’(પૃ.૦૩) આ વિચારો આકાશના વ્યક્તિત્વની ચાડી ખાય છે. વિનય-સદભાવ-સદચારના સંસ્કારથી શોભતો આકાશ ભટ્ટ, પિતા ગિરધરભાઈ ગોતાવાળા, જેમની  ડાકોરમાં મીઠાઈ-ફરસાણની દુકાન હતી અને રણછોડરાયમાં અપાર શ્રદ્ધા રાખતી મા ગૌમુખીની પ્રેમાળ છાયામાં ઉછેર પામી પ્રોફેસર બન્યો. ઉંમરલાયક થતા ગિરધરભાઈ આકાશના લગ્ન તેમના મિત્ર શિવશંકરની મોટી દીકરી શ્વેતા સાથે કરે છે. તેમના લગ્ન વિષે લેખક લખે છે કે, ‘શ્વેતા અને આકાશનો સરવાળો એટલે પહેલા અંકમાં રાહુ અને બીજા અંકમાં કેતુ. એક પ્રોફેસર અને બીજા માસ્તરાણી!’(પૃ.૧૨) આ વાક્ય સાથે તેમના લગ્ન, સંતાનો, કારકિર્દીનો ચિતાર આપી દે છે. અહીં નવલકથાકાર આકાશ ભટ્ટનો પરિચય આપતા લેખક લખે છે,‘વિશાળ હૃદયનો, સદા હસમુખો અને પ્રસન્નવદન એનો મસ્ત મૌજીલો ત્રીસ-બત્રીસી વટાવી ગયેલ એક યુવાન પ્રોફેસર!’ (પૃ.૨) જયારે શ્વેતાનો પરિચય ‘શ્વેતાનો સ્વભાવ જ એવો બૂમો પાડવાનો, કકળાટ કરવાનો અને દાદાગીરી કરવાનો..’(પૃ.૧૨)આ શબ્દોમાં આપે છે. લગ્ન પછી પત્નીના કાળા કકળાટથી દૂર ભાગવા ઈચ્છતો આકાશ ગોમતી તળાવ કે પછી પિતાની દુકાન કે પછી રણછોડરાયનો દરબાર કે નોકરીમાં ધ્યાન રાખવા પ્રયત્ન કરી રહ્યો હોય છે ત્યાં તેના પુત્ર રાહુના અકસ્માત મૃત્યુની ગોજારી ઘટના બને છે. શ્વેતા આ બનાવ સસરાની દુકાન પાસે બન્યો હોવાથી તેમને દોષી માનતી રહે છે અને પુત્ર દુ:ખમાં આકાશને માતા-પિતાથી અલગ થવા સૂચવે છે. ઉમરલાયક માતા-પિતાના એકના એક સંતાન તરીકે આકાશ આ વાત નકારે છે. પુત્ર દુ:ખમાં વેદનાથી ભાનભૂલેલી શ્વેતા નાના પુત્ર કેતુનેલઇ પિયર ચાલી જાય છે. આમ ને આમ શ્વેતાની દાદાગીરી અને આકાશની અડગતા વચ્ચે ત્રણ વર્ષ નીકળી જાય. ફરીથી આકાશના જીવનમાં વમળ ઉઠે અને આ વખતે ભોગ લેવાય કેતુ તેના બીજા પુત્રનો. આ હૃદયદ્રાવક ઘટના પછીની જિંદગીને લેખક શબ્દોમાં મુકતા લખે છે, ‘નિર્જન કેડીએ કોઈ આવનાર નહીં-કોઈ જનાર નહીં- કોઈ બોલનાર નહીં- કોઈ બોલાવનાર નહીં. વસંતઋતુ વીતી ગયા પછી જે હાલત બગીચાઓની અને બગીચાની રખેવાળી કરનાર, બગીચાના નાના મોટા છોડવાઓને પાણી પાઈ ઉછેરનારની થાય તેવી કરુણ હાલત આકાશ-શ્વેતા-ગૌમુખી-ગિરધારકાકાની થઇ.’(પૃ.૫૦,૫૧) આકાશ-શ્વેતા ફરી સાથે તો રહે છે પણ એકરૂપતા કેળવી શકતા નથી ને એક દિવસ પોતાની જાતને કોસતી શ્વેતા ઘર છોડી ચાલી જાય છે. ત્યારબાદ ઘટનાઓ બનતી જાય તેમાં શ્વેતાના માતા-પિતા-બહેન-બનેવી બધા મૃત્યુ પામ્યા. આમ આકાશની જિંદગીમાં સ્વજનોની બાદબાકી થતી જ રહે. ત્રણ-ત્રણ વર્ષ સુધી શ્વેતા પાછી ન આવતા ગિરધારકાકા અને ગૌમુખીના અત્યંત આગ્રહને લીધે આકાશ જીવન સાથે સમજુતી કરી ડાકોરના રણછોડરાય મંદિરના મેનેજર નરહરિભાઈ પંડ્યાની એકની એક વિધવા દીકરી સ્નેહા સાથે લગ્ન કરે છે. સ્નેહા તેની સાથે તેના પુત્ર જગતને સાથે લઇ આવે છે. આ સંદર્ભમાં લેખક આકાશની સ્થિતિ વ્યક્ત કરતા કહે છે, ‘આકાશ એકલા અભિમન્યુની માફક સંસારના સમરાંગણ મધ્યે-કોઠાયુદ્ધ લડી રહ્યો હતો.’(પૃ.૯૪) સ્નેહા-આકાશના પુત્ર ચિરાગના આગમન પછી થોડા સમયમાં ગિરધારભાઈ અને ગૌમુખી પણ વૈકુંઠવાસી થયા. પ્રોફેસોર આકાશનું ગૃહજીવન સુખેથી ચાલતું હતું ત્યાં ફરી શ્વેતાના આગમનથી વમળ ઉઠે છે અને શ્વેતાના આગમનથી સ્નેહને અણગમો થતા તે ઘર છોડી ચાલી જાય. આ આકશની પરિસ્થિતિને લેખક ‘નિશાન કે લક્ષ્ય વગરનું બાણ, ગતિ વગરની પ્રગતિ કે જળ વગર માછલીના અસ્તિત્વ સાથે સરખાવે.’ ત્યારબાદ શ્વેતા માંદગીમાં, સ્નેહા-જગત-ચિરાગ પ્લેન અકસ્માતમાં મૃત્યુ પામે. અર્થહીન જીવન જીવતા આકાશને તેના એક હિતેચ્છુ ગોમતીપુર કેળવણી મંડળના વહીવટ જવાબદારી સોપી લઇ જાય. ત્યાં પણ જિંદગીની થાપટો ખાતો આકાશ ચેનથી રહી શકતો નથી. ત્યાં ગંગા નામની એક દલિત કન્યા, જે તેના ઘરમાં કામવાળી તરીકે કામ કરતી હોય છે તેની સાથે આકાશના કોઈ સંબંધ હોવાની અફવા ફેલાઈ છે. આ બદનામીમાંથી આકાશ ગંગાને દૂર લઇ જઈ ભરૂચની નારી કેન્દ્રમાં મૂકી આવે છે, પણ આકાશને પ્રેમ કરતી અને તેની વિદાય જોઈ ન શકતી ગંગા ભરૂચના ગોલ્ડન બ્રીજ પરથી હનુમાન કૂદકો લગાવે છે. આ વાતની જાણ થતા અને ગંગાની લાશ ન મળતા આકાશ ગંગાના આ પગલા માટે પોતાને જવાબદાર ગણે છે, અને તે ગંગાની શોધમાં નર્મદા પરિક્રમા કરવા નીકળી પડે છે. તે રણાપુર ગામ આવે છે ત્યાં કમળાબેન, પ્રાણસુખલાલ, વિદ્યા, રણછોડ જેવા સારા વ્યક્તિઓની મદદથી ગંગા સુધી પહોંચે તો છે પણ આ ગોલ્ડેનબ્રીજ થી શરુ થયેલી ગંગાની સફર રૂપના સોદાગર એવી ગોલ્ડેનગેંગના પંજામાં પૂરી થાય છે. આ ગેન્ગના હાથમાંથી ગંગાને છોડવવા આકાશ ખૂબ જહેમત ઉઠાવે છે અને ગંગાને પણ ખૂબ આગ્રહ કરે છે પણ ગંગા રડતા જવાબ આપે છે કે, ‘આકાશબાબુ મને માફ કરી દો- તમારી ગંગા મેલી થઈ ગઈ છે. મને મારા હાલ પર મારી બદકિસ્મતી પર છોડી દો. હું હવે મારી બદનામ વસ્તીમાં જ ખોવાઈ જવા માગું છું.’(પૃ.૩૯૩) અને ગંગા વિદેશ જવા નીકળી જાય. આકાશ એરલાઈન્સનું એ વિમાન અદ્રશ્ય બની જતા જુએ, ‘અને નીચે-આકાશ-અરમાન વગરનો આદમી અને ભગીરથ- ઊભા ઊભા જોઈ રહ્યા-શૂન્ય મનસ્ક ભાવ સાથે...!’(પૃ.૩૯૬). અહીં નવલકથા પૂર્ણ થાય અને કરુણ-ટ્રેજડીને વાસ્તવિકતાના અંચળામાં લપેટી વાચક સમક્ષ નવલકથાકાર પ્રસ્તુત કરે છે.
        આખી નવલકથામાં પાત્રોનું અને સ્થળનું ઘણું વૈવિધ્ય જોવા મળે છે. પણ અંતે તો દરેક પાત્ર જાણે નવલકથાના નાયક આકાશના વ્યક્તિત્વને ઉજાગર કરવા, તેની કારુણ્યભરી સ્થિતિને વધુ ગાઢ બનાવવા અને એક સામાન્ય માણસને યોગી પુરુષ બનાવતી ઘટનાઓનો કાફલો રચતા લાગે. સહનશીલતાની કોઈ સીમા હોય પણ અહીં તો, ‘કાળી કાળી જોગી જેવી દાઢી ઘરાવતો પાણીદાર આંખોવાળો પ્રોફેસર આકાશ સફેદ લેંઘો અને સફેદ પહેરણમાં સજ્જ પ્રોફેસર કયારેક બજારમાં પોતાના બાપુજીની દુકાને બેસી ભજન-કીર્તનમાં મસ્ત રહેતો. તો ક્યારેક આ દુકાનની સામે આવેલા ટાવરની બાજુએ સફેદ ગાડી નીચે ચગદાઈને મારી ગયેલા રાહુને શોધતો. ક્યારેક ગોમતી કિનારે લટાર મારતાં-મારતાં ગોમતી તળાવમાં પડી ડૂબી ગયેલા સુકેતને શોધતો. ત્યારબાદ ઉંચે આકાશમાં સ્નેહા, જગત, ચિરાગ પોતાના માતા-પિતા અને શ્વેતાને શોધતી આકાશની શૂન્ય, ભાવ વગરની આંખો.’(પૃ.૧૬૩)આ બધું સહન કરતો આકાશ શ્રી રામ જેવા દૈવી પાત્ર હોવાનો વાચકને આભાસ કરાવતો રહે.
તેની એકલતાની પરિસ્થિતિનો અહેસાસ કરાવવા નવલકથાકાર ડાકોર, મહેસાણા(ગોમતીપુર), સુરત, વડોદરા, ભરૂચ અને તેની આસપાસના નર્મદા કિનારાના ગામડઓના દરેક પરિવેશને ગોઠવીને નવલકથાની ક્ષિતિજ વધારે છે. આ સાથે સમાજમાં ચાલતા સામાજિક ભેદભાવને પણ ગંગાના પાત્ર દ્વારા ખોલી આપે. અને છેલ્લે, નવકથાકાર અંધારી આલમના ગોરખધંધા અને લોહીના વ્યાપારની વાસ્તવિકતા સુધી આકાશને સફર ખેડાવે. નવલકથાકાર સંસ્કારી બ્રાહ્મણ કુટુંબથી લઇ ગોલ્ડનગેંગે સુધીની સમાજયાત્રાનો ભાવકને પરિચય કરાવી દે. આખી નવલકથા ત્રીજા પુરુષના કથનકેન્દ્રમાં લખાયેલી હોવા છતાં કેટલીકવાર લેખક પોતે પાત્ર જીવતા લાગે તો કોઈવાર પાત્રો બોલકા લાગે કે ઘણીવાર સમાજને સીધો ઉપદેશ આપતા પણ લાગે. નવલકથાકારની લેખનશૈલીના ચમકારા જોઈએ તો,
-‘...હિબકાં- હિબકાં ભરી રડતું હતું, કકળતું હતું, કાળો કલ્પાંત કરતું હતું...એક ભૂલે-બેદરકારીએ-નાના ઉછરતા એવા મોગરાના ફૂલ જેવા-મઘ-મઘતા-બાળકને કચડી નાખ્યું હતું...’(પૃ.૧૯)
-‘શ્વેતા એટલે ગુલાબનાં ફૂલો વગરની બની ગયેલી કોઈ સૂકી ડાળી...નિર્જીવ શીલા..’(પૃ.૫૮)
-‘જિંદગી એનું નામ છે જેમાં દુ:ખના પોટલાં વધારે અને સુખનો સુંવાળો સાથ ઓછો હોય છે.’(પૃ.૧૫૨)
-‘રોહિત વણકર’ છીએ બાપલીયા ત્યારે વિદ્યુત કરંટ લાગે કે તરત જ હાથ ખસેડી લઈએ તેમ તરત જ પ્રશ્ન પૂછનારો પાછો હઠી જતો.’(પૃ.૧૯૦)
-‘કાદવ મધ્યે ખીલેલ કમલ એટલે ગંગા...અમાસની રાત્રે ઘ્રુવનો તારો એટલે ગંગા...ભૂરા-ભૂરા આકાશમાં સફેદ-સફેદ રૂ ના ઢગલા જેવી એકાદ-આકાશમાં ઘેરાયેલી વાદળી એટલે ગંગા...!’(પૃ.૨૫૨)
        નવલકથામાં કારુણ્યરસનો ભારોભાર પ્રભુત્વ જણાય આવે. ‘આકાશના જીવનમાં જુદીજુદી પરિસ્થિતિઓ આકાર લેતી હોય છે, જન્મતી હોય છે, ઉદભવે અને સ્વયમ સંચાલિત અદ્રશ્ય બની જતી... આકાશના હૃદયમાં દુ:ખ, દરદ અને વિષાદના મોંજાઓથી તોફાન ઉઠતું અને ક્યારેક ઉઠેલ તોફાન શાંત થઇ જતું.’(પૃ.૫૯) પણ અંતે તો કોઈપણ રસ શાંત રસમાં જઈ મળે એ રીતે કોઈ સમસ્યાનો ઉકેલ નહીં, પરિસ્થિતિનો સુધારો નહીં અને દરેક વ્યક્તિ પોતાની જિંદગીની વાસ્તવિકતાને કમને પણ સ્વીકારી લે. પ્રેમ હોવા છતાં સમર્પણ મોટું બને, સમાજની બદીઓ દેખાતી હોવા છતાં સુધારણા કોઈ બ્યુગલ નહીં અને આખરે તો નવલકથા શાંતરસમાં જ વિલીન થાય. ગુજરાતી સાહિત્યની અવિરતપણે સેવા કરતા રાજેન્દ્ર ‘સાગર’ પોતાની ‘સ્પંદન’ નવલકથામાં જીવનની વાસ્તવિક સ્થિતિનો અનુભવજન્ય ચિતાર આપી બ્રહ્મતત્વનો મહિમા વ્યક્ત કરે છે.

ડો. હેતલ કિરીટકુમાર ગાંધી

No comments:

Post a Comment