મનોવિજ્ઞાનને માનવજાતના જીવન અને
રહેણીકરણી સાથે ઘણો સંબંધ છે. મનોવિજ્ઞાન એ મનુષ્યના મનોસંચોલનોનું વિજ્ઞાન છે.
માનવીની સંવેદનાના વહેણો પારખીને અભ્યાસ કરે છે. એટલે એમ કહી શકાય કે સાહિત્ય જે
માનવીના મનના ભાવોને શબ્દોમાં પ્રસ્થાપિત કરવાનું કાર્ય કરે છે, તે પછી તેને
વ્યાખ્યાયિત કરવાનું કાર્ય મનોવિજ્ઞાન કરે છે. સાહિત્ય એ માનવના જીવનનું પ્રતિબિંબ
પાડે છે અને મનોવિજ્ઞાન એ પ્રતિબિંબની છણાવટ કરવાનું શક્ય બનાવે છે. આપણે આપણી
આસપાસ જે જગત જોઈએ છીએ, અનુભવીએ છીએ એ દરેક ભાવોને યુગોથી કોઈને કોઈ સ્વરૂપે
સાહિત્યમાં સ્થાન મળતું આવ્યું છે. એટલે માનવીના મનના અને સાહિત્ય દ્વારા શબ્દોથી
રંગાયેલા-ઢંકાયેલા ગૂઢ ભાવોને અને સાથે બીજા મનુષ્યોની માનસિકતાને સમજવામાં મનોવિજ્ઞાનની
સહાયતા ખૂબ જરૂરી છે. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર ઘૂમકેતુ સાચું જ કહે
છે કે, ‘આપણે જગતને બીજાની દ્રષ્ટિથી જોઈએ તો અડધું જગત આમ જ શાંત થઇ જાય.’
આપણે જગતમાં જે પણ સમસ્યાઓનો સામનો
કરતા હોઈએ છીએ એ મોટાભાગની સમસ્યાઓના મૂળ માનવીય વૃત્તિઓ અને માનસિકતાની જડતામાં
પડેલા જોવા મળે છે. આ વૃત્તિઓને નાટકના સ્વરૂપમાં સમાજ સામે રજૂ કરવાનું કાર્ય
સતીશ વ્યાસે તેમના નાટકોમાં કર્યું છે. તેમણે પોતાના નાટકોમાં માનવીય મનની ગૂઢતાને
ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. અહીં તેમના ચાર નાટક ‘પશુપતિ’, ‘કામરૂ’,
‘અંગુલીમાલ’ અને ‘અમે અહીંથી નહીં જઈએ’ નો મનોવૈજ્ઞાનિક અભિગમથી અભ્યાસ મુખ્ય
લક્ષ્ય છે. આ અભ્યાસ દરમ્યાન જગતમાં દરેક વ્યક્તિની જિંદગીમાં બનતી ઘટનાઓ કે તેની
આસપાસના જગતમાં બનતી ઘટનાઓની સાથે જોડાયેલા મનુષ્યના આંતરજગત, આદિમતા,
વૃત્તિ-પ્રવૃત્તિ, ત્રસ્ત માનસિકતા, પશુતા, નિરાશામાંથી જન્મતી જીવવાની ઝંખના અને
નવા સ્વપ્નોની ઉત્પત્તિમાંથી નિર્માણ પામતા વ્યક્તિગત મનોજગતના ચક્રને સમજવાનો
અવકાશ ઊભો થાય છે. હિન્દીના એક શેર દ્વારા આખી વાત કહીએ તો,
एक मुद्दत बाद मिली कैद से
आजादी, पर किस्मत तो देखो...
जब आज़ादी मिली तो पिंजरे से प्यार हो गया |
માનવી જગતમાં જન્મ લે છે ત્યારે અહીં આવ્યાના દુ:ખમાં રડે છે, તો
મુત્યુ વખતે આ દુનિયાને છોડવાના દુ:ખમાં રડતો હોય છે.
મનોવિજ્ઞાનનો અભ્યાસ અને તેનો
સમજણપૂર્વકનો ઉપયોગ માનવીને તેના ઉમદા જીવનની પરિકલ્પનામાં ભરપૂર સહાયતા કરી શકે
તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સતીશ વ્યાસના નાટકો છે. જેમાં જીવનમાં આવતી ચિત્ર વિચિત્ર
સમસ્યાઓ તથા તેમાંથી નિરુપિત થતા માનવીના સ્વભાવ અને માનસિકતાની નવી-જૂની ઘરેડ.
કેટલીક સમસ્યાઓના મૂળ અને તેનો ગુઢાર્થ તો રોજબરોજની જિંદગીમાં ગુંથાતો જણાય પરુંત
કેટલીક સમસ્યા માનવીની આદિમ વૃત્તિને ઉજાગર કરવાનું કામ કરતા હોય છે, વ્યવહારમાં
વ્યક્તિ પોતાને પણ જેનો ખ્યાલ ન હોય તેવા માનસિક વલણો વિશેષ ઊંડાણપૂર્વકના અભ્યાસ
પર્યંત દ્રષ્ટિગોચર થતા હોય છે. એવા જ કૈક નવા પણ દરેકના જીવનમાં વત્તે-ઓછે અંશે
અનુભવતા આપણી આદિમ વૃત્તિ, સમાધાનની માનસિક પ્રવૃત્તિ, નકારમાંથી ઉદભવતી એષણાઓ, તીવ્ર
આવેગિક મનોવૃત્તિ, વિરોધમાંથી ઉદભવતો આક્રોશ જેવી વગેરે વૃત્તિ-પ્રવૃત્તિમાંથી
જન્મતા આખરે તો માનવીને તેના મત મુજબ ઉમદા જીવનની શોધ અને ગતિના ભાગરૂપે જાણાતા
હોય છે.
કોઈપણ સાહિત્યકૃતિ યુગપરિવેશનું
નિર્માણ સ્વરૂપ છે. કૃતિના જન્મ પાછળ ફક્ત સર્જકના સૂક્ષ્મ સંચલનો કારણભૂત નથી પણ
સર્જકની આંતરિક ભૂમિકાને ઘડનાર આખા સમાજની સ્વસ્થ માનસિકતા જવાબદાર હોય છે. એવા જ
એક કથાબીજ(theme)ને સતીશ વ્યાસે તેમના નાટક ‘પશુપતિ’માં સ્થાન આપ્યું છે. લગ્નનું
સામાજિક કાર્ય બે વ્યક્તિઓના જીવનમાં આવતા પરિવર્તન સાથે તેઓના માનસિક પરિપેક્ષ્યનું,
સમજણનું, સાહચર્ય તથા સમાયોજનનું જીવનપર્યંત ચાલતું ભગીરથ કાર્ય છે. લગ્નની
ધામધૂમથી પ્રારંભ થતા આ નાટકમાં લગ્નની પ્રથમ રાત્રિએ જ નાયિકા મલ્લિકાના પતિ ઋષભનું ઋષભ(આખલા)માં
પરિવર્તન થાય અને જાણે એનામાં કોઈ પશુનો પ્રવેશ થાય, આ સમયે ઋષભ છીંકોટા કરવા
લાગે, આ જોઇને ડરેલી મલ્લિકા ચીસો પાડી ઓરડાની બહાર નીકળી જાય,
સાસુ-સસરા-નણંદ-દિયરને પહેલા તો વિશ્વાસ બેસતો ન હતો, મલ્લિકાની આ પરિસ્થિતિ દિયર
સમજે અને થોડા દિવસ અલગ સૂવાનું સૂચન કરે, પણ બે-ચાર દિવસ પછી આ ઘટના ફરી બને,
ભૂવાને બોલાવાય, માદળિયું વહુને બંધાય, પરંતુ વૃષભનું આખલામાં રૂપાંતર થતું રહે
અને મલ્લિકા તે આખલાના સ્વરૂપથી ટેવાતી જાય, તેને પ્રેમ કરતી થાય, ભાદરવે મહીને
ગોત્રટનું મલ્લિકા વ્રત કરે અને ત્યાં નાટ્યાત્મક સ્થિતિ સર્જાય અને ઋષભનું પશુત્વ
અદ્રશ્ય થાય, જે મલ્લિકાને રુચતું નથી તેને તો આ આખલાસ્વરૂપ વગરનો વૃષભ પોતાનો પતિ
લાગતો નથી, ત્યારબાદ મલ્લિકાના આ બદલાયેલા ભાવને શાંત કરવા વેદરાજ આવે, તે
મલ્લિકાના ઈલાજને બહાને એકાંતનો લાભ લઇ મલ્લિકા પર બળાત્કાર કરવાની કોશિશ કરે,
મલ્લિકાની ચીસ સાંભળી ઋષભ અંદર ધસી જાય અને આ પરિસ્થિતિમાં વેદરાજ રૂપી આખલો અને
વૃષભ રૂપી આખલાનું દ્વંદ્વ ખેલાય અને વૃષભ વેદને મહાત કરે, મલ્લિકા આખલામાં
રૂપાંતરિત થયેલા વૃષભને અભિનંદે, ત્યાં નાટક તો પૂરું થાય પણ નાયિકાની જિન્સી
એષણાઓ, એણે જે સ્વરૂપમાં પતિને અનુભવ્યો
છે સ્વરૂપમાંથી પતિ આદર્શવાદીવલણ અપનાવે તો એ પરિવર્તન ન સહી શકતી સ્ત્રીને સહજતાથી
પ્રાપ્ત એવી adjustment કરવાની(ટેવવશ થવાની) પ્રકૃતિને આધારે પુરુષની પાશવી
વૃત્તિઓનું સ્વીકાર્ય, આધિનતાનો સ્વીકાર કરવાની વૃત્તિ અને પતિ એ જ પરમેશ્વર(એટલે
જ તો પરપુરુષનો સ્પર્શ પણ નાયિકાને કઠે છે)ની ભારતીય સંસ્કારિત માનસિકતાનો
નાટ્યાત્મક અનુભવ થતો રહે તથા પુરુષ પાત્રોની અંદર છુપાયેલા પશુત્વનું પ્રગટીકરણ,
આવેગોની તીવ્રતાનું નિરૂપણ, વૃષભનું બૌધિક જગત તો ઉજાગર થાય પરંતુ જયારે પત્નીના
રક્ષણ માટે જરૂર પડે તો ફરી આખાલામાં રૂપાંતરિત થવાનું પુરુષ(પતિ)નું વલણ પણ
ભારતીય સંસ્કારિતાના પુરુષ પક્ષને ન્યાય અપાવે છે. આ માનસિકતા એક આખા સમાજની
જીવનરીતિ, રૂઢ થયેલી મનોવૃત્તિ અને સૂક્ષ્મ સંચલનોનું પ્રતિબિંબ આપે છે.
સતીશ વ્યાસના સ્ત્રીઓની માનસિકતા અને
નકારમાંથી ઉદભવતી એષણાઓ અને સાહજિક, નૈસર્ગિક માનવીની ઐહિક જરૂરિયાતો વિષેના
ઊંડાણપૂર્વક કરેલા અભ્યાસના તારણ સમું નાટક એટલે ‘કામરૂ’. અહીં મિથ- ફેન્ટસીનો
ઘણોખરો ઉપયોગ કરાયો છે. માનસિક સંકુલતા અને સંવેગોને પ્રગટાવવા માટે પ્રયોગાત્મક
થીયરીને કામે લગાડી છે. ‘કામરૂ’ જેવા પ્રદેશમાં, જ્યાં કેવળ નારીઓનું વર્ચસ્વ છે.
અહીં પુરુષ શબ્દ જ અપશબ્દ ગણાય, કેવળ નારી જીવનને સ્વીકારતો આ દેશ કડક નિયમોથી જકડાયેલો
છે. નાટકની શરૂઆતમાં પતિના ત્રાસથી ભાગી આવેલી ભામિની અહીં આવ્યા પછી આ નારી
અભયારણ્યમાં પોતાની દીકરીને યાદ કરી દુ:ખી થાય છે, કારણ અહીં સ્ત્રીઓને
સાહજિક-રુચિપૂર્ણ સાજ-શણગાર તો ઉપલભ્ધ છે પણ આંતરમનમાં ચાલતા સ્ત્રીના
સાહજિકભાવોને અહીં બળપૂર્વક, કામિનીદેવીના કડક શાસન નીચે કચડાવવું પડે છે. અહીં
માનવસહજ માનસિક મનોવૃત્તિને કારણે જેનો નિષેધ હોય તે જ વૃત્તિ આંતરિક મનમાં કબજો
જમાવી બેઠી હોય તથા ‘પુરુષ’ શબ્દના નિષેધ માટે પડેલી કુતુહલવૃત્તિને કારણે કામિનીદેવીનો
ભય ઓસરતો જણાય, લવંગિકાના રૂપમાં નાટકમાં પુરુષ પાત્ર સ્ત્રી બની આવે અહીં ‘નારી
બનતા નર’ની વાત, મચ્છંદરનાથની કથા દ્વારા નવનાથોના અકુદરતી જન્મની વાત, લવંગિકાના
સમાગમ બાદ યામિની અને કામિનીદેવીના સગર્ભાવસ્થાની વાત અને નાટકના અંતમાં યામિનીમાં
પ્રગટ સ્ત્રીની માતા તરીકેની વાત્સલ્યમૂર્તિને કારણે કામિનીદેવીનું હ્રદય
પરિવર્તનની ઘટના, કામરૂ દેશના કાયદા પ્રમાણે ‘પુરુષવાચક’ શબ્દનો પણ નિષેધ હોય તો
તેવી અસાહજિક ભાષાથી પણ વ્યક્તિ ટેવાઈ શકે તે માનસિક વલણ કે માનવજીવન ટેવવશ
સ્થિતિની વાત ઉપરાંત અલકનંદાના પાત્ર અને સંવાદ દ્વારા પુરુષ વિના ટેવાયેલું મન
રાત્રિની ક્ષણોમાં સહજતા કેળવી શકતું નથી તે નારી સહજ્ભાવો અને વાસ્તવિકતાને
દર્શાવતું આ નાટક બંધનમાંથી જન્મેલા નકારાત્મક કે વિરોધાભાસી આકર્ષણની મનોવૃત્તિને
સાબિત કરી આપે છે. આમ, આટઆટલા સંઘર્ષો પછી પણ નારીદેશની પરિકલ્પના કે પછી
પુરુષપ્રધાન જડ માનસિકતા ઘરાવતા એક તરફી ભાવના દર્શાવતા દેશમાં સુધારા કે વિરોધના
બ્યુગલ વાગવાના જ એ માનવસ્વભાવના પરિવર્તનશીલ લાગણીનો આ નાટકમાં પડઘો પડે છે. આ
સાથે જીવનચક્રની પરિવર્તનશીલ અને સહસંબંધાત્મક અવિરત ગતિનો તાગ મળે છે.
ઇ.સની છઠ્ઠી સદી પૂર્વે ભગવાન બુદ્ધના
ઉપદેશથી અંગુલીમાલ પરિવર્તન પામી સત્કાર્ય તરફ વળે છે તેવા ઉલ્લેખો જાતકકથાઓમાં
મળે છે. તે પૌરાણિક પાત્રને આધુનિક માનવીની સંવેદનામાં ઢાળીને સતીશ વ્યાસ
‘અંગુલીમાલ’ નાટક રચે છે. પૌરાણિક અંગુલીમાલને તો બુદ્ધ જેવા જ્ઞાની પુરુષ મળ્યા
પણ આજના આધુનિક યુગમાં અંગીરામ જેવા માનવી કેવળ બાહ્ય પરિસ્થિતિને વશ થઇ પરિવર્તન
પામે છે. તે સામાજિક, પ્રતિષ્ઠિત તથા રાજકીય વગ ધરાવતા માણસોની લોભ, દમન, અહમ,
સત્તા ભોગવાની સ્વાર્થી મનોવૃત્તિના ખેલનો હિસ્સો બને છે. નાટકના પૂર્વાર્ધમાં
આળસુ અંગીરામને પિતા હરીરામ, માતા તારા, પત્ની સવિતા અને બે બાળકો ઘણા પ્રસંગે
સત્માર્ગે-મહેનતના માર્ગે વળવા પ્રયાસ કરે છે પણ બધા પ્રયાસ વ્યર્થ નીવડે છે.
છેલ્લે માતા-પિતા, પત્ની તથા બાળકો સદાવ્રતનું અન્ન ન આરોગવા કટિબદ્ધ થયા તો પણ
અંગીરામ એ અન્ન આરોગી જડતાને સાબિત કરે છે. પત્ની બાળકો સાથે ગૃહ ત્યાગ કરે છે તો
પણ તેના પેટનું પાણી હાલતું નથી. આખો સમાજ, ગામ અને કુટુંબ તેને ધિક્કારે છે. તેના
તરફ આંગળીઓ ચીંધે છે. આ તેની સામે ઉઠેલી આંગળીઓથી તે અકળાય છે અને માર્ગદર્શન
વગરનો અંગીરામ અંગુલીમાલ બનવા તરફની નિમ્નગતિ કરે છે. નાટકના ઉત્તરાર્ધમાં દુ:ખ,
ભૂખ, વિડંબનાથી વિરુદ્ધ તેનામાં અહંકાર, ધિક્કાર, લોભવૃત્તિ, ધનકેન્દ્રીપણું
પ્રવેશતું જાય છે. આંગળી ને સ્થૂળ રીતે કાપવાને સ્થાને અંગીરામ નવા વેશે કોઈકની
જરૂરિયાતો પૂરી કરી, ધાક-ધમકીથી, ચાલાકીથી પોતાની ઈચ્છા અનુસારનું કાર્ય કરાવતો
થાય છે. આંગળી કાપવાની રીત બદલાય છે, વૃત્તિ સદીઓ પછી પણ બદલાય નથી. પૌરાણિક
અંગુલીમાલ આંગળી કાપીને ગળે માળા પહેરતો પણ આધુનિક અંગુલીમાલ પ્રજાને છેતરીને
ત્રાહિમામ કરીને, યેનકેન પ્રકારેણ પોતાની સ્વાર્થીવૃત્તિને પોસાતો- સંતોષતો રહે
છે. આ નાટકમાં આંગળીઓ ચીંધવાનું કાર્ય માનસિક બદલાવ તો લાવે છે પણ તે બદલાવ
નકારાત્મકતાનો છે.
માનવ મનના ઊંડાણને નાટકીય ઢબથી રજૂ કરતું
નાટક છે ‘અમે અહીંથી નહીં જઈએ’. આ નાટકમાં સતીશ વ્યાસ ફક્ત બે પાત્રો દ્વારા
માનવીના જીવન અને તેની મૂળભૂત જરૂરિયાતનો ઝીણવટપૂર્વકની દ્રષ્ટીએ ખ્યાલ આપે છે.
પાત્રોના નામ યુવક અને યુવતી. એટલે કે દુનિયાના સમગ્ર યુવક અને યુવતીને પાત્ર
તરીકે લેવાનો લેખકનો ઉદ્દેશ્ય છે. નાટકની શરૂઆતમાં એક યુવતી એક ખૂબ મોટા અને ઊંડા
ખાડામાં પડી છે. ત્યાં એક યુવક પહેલેથી હાજર છે, જે ઘણા લાંબા સમયથી ત્યાં વસેલો
છે. અહીંથી બહાર નીકળવાનો યુવતી ઘણો પ્રયાસ કરે છે પણ ન તો તે બહાર નીકળી શકે છે ન
તો તેનો મદદ માટેનો અવાજ બહાર જઈ શકે છે. યુવક અહીં ઉપરથી અન્યાસે લોકોએ ખાડામાં
ફેકેલી-વધેલી-બચેલી-તૂટેલી-નકામી વસ્તુઓ અને ખોરાકથી પોતાનું ગુજરાન ચલાવે છે.
નગરપાલિકાનું દિવસમાં બે વાર પાણી આવે તેનો પાઈપ ત્યાં ખાડામાં ગળતો હતો તેનાથી
નાહતો અને પાણી પીતો હતો. શરૂઆતમાં તો યુવતીને આ સમગ્ર પ્રક્રિયા ગંદી અને ગોબરી
લાગતી હતી, યુવક તેનું શારીરિક શોષણ કરશે એવો ભય સતાવતો હતો પણ સમય જતા નાની મોટી
લોકોએ ફેકેલી વસ્તુઓ અને ખોરાકથી તે પણ પોતાનું જીવન ટકાવતી થઇ જાય છે. આ
યુવક-યુવતીને દીકરી પણ અવતરે છે અને છતાં આ અભાવવાળું જીવન બંનેને સ્વર્ગ જેવું
લાગે છે. નાટકના અંતે આ સુધી દંપતીને ખાડાની ઉપરની બાજુ કૈક ખળભળાટ સંભળાય છે.
ખાડાની ઉપરનો મોટો પથ્થર મજુરો હટાવતા હોય છે ત્યારે મજુરો નીચે ખાડામાં આ
પરિવારને જોઈ આશ્ચર્ય તો અનુભવે છે પણ પછી તેમને આ જગ્યા છોડી જવાનું કહે છે.
ત્યારે દંપતી ઘણા સમયથી આ જગ્યા પર અમે રહીએ છીએ એમ જણાવે છે. તેના જવાબમાં મુકાદમ
આ જગ્યા તેના માલિકે ખરીદી છે તેથી ખાલી કરવા કહે છે. ત્યારે પહેલા જે જગ્યા
યુવતીને ગંદી-ગોબરી, વિચિત્ર, ખરાબ લગતી હતી તે જગ્યા પરથી ન કાઢવા વિનંતી કરે છે
અને તેને પોતાના પરિવારનું સ્વર્ગ ગણાવે છે અને ‘અમે અહીંથી નહીં જઈએ’ એમ રટણ કયું
કરે છે. આ નાટકમાં જે જગ્યા કે જે વ્યક્તિ સાથે આપણે લાંબો સમય રહીએ તે વ્યક્તિ
અને જગ્યા બંને નિમ્નકક્ષાના હોવા છતાં માનવીનું મન પોતાને તેનાથી અનુકુળ કરી
દેતું છે. પરિસ્થિતિને અનુકુળ થવાની અને બનાવવાની જે માનવ મનની ખૂબી છે તેને બખૂબી
દર્શાવી છે.
આમ, સતીશ વ્યાસે માનવ મનનો જાણે ખૂબ
ઊંડો અભ્યાસ કરીને આ નાટકોને વાચા આપી હોય તેવો સતત અનુભવ થતો રહે છે. માનવીની
આદિમ વૃત્તિ, પરિસ્થિતિને અનુકૂળ થવાની મૂળભૂત વૃત્તિ, મનુષ્યના સકારાત્મક અને
નકારાત્મક વિચારોનું ભાવ વિશ્વ, કુતુહલવૃત્તિ વગેરે જેવી માનવ મનની વિવિધ પ્રવૃત્તિઓને
નાટકના કથાવસ્તુમાં સુયોગ્ય રીતે ગોઠવી છે. અહીં સંકુલ અને અપૂર્ણ જિંદગીને
પૂર્ણતા તરફ લઇ જવાની મથામણ દરેક નાટકમાં જોવા મળે છે.
(IJSSL International Journal of Social Science and Language Vol.01
Issue:02 Oct,Nov,Dec-2014)
No comments:
Post a Comment