For BAOU Student

મધ્યકાલીન ગુજરાતીમાં ભાષાકીય, સાંસ્કૃતિક અને રાજકીય પરિસ્થિતિ

        મધ્યકાલીન ગુજરાતી પૂર્વેનું સાહિત્ય બહુધા: પ્રાકૃત અને અપભ્રંશમાં રચાયેલું છે. ગૌર્જર અપભ્રંશ એ તેનું પ્રાચીનરૂપ ગણાય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે આરંભકાલીન ગુજરાતી ભાષાનું સાહિત્ય. જે બહુધા મૌખિક રીતે કે પઠનથી સમૂહ સમક્ષ રજૂ થતું, ધર્મ કે સંસ્કારમૂલક પ્રસંગ સાથે ગાઢ સંબંધ ઘરાવે છે તથા આ સાહિત્યના રચયિતા સ્વની ઓળખ અલ્પ માત્રામાં આપતા. આ સાહિત્ય મોટેભાગે પ્રાપ્ય હોવાને કારણે કાળક્રમાનુસાર ગોઠવી શકાયું છે; પરંતુ, જેટલું પ્રકાશિત સાહિત્ય છે એટલું જ સાહિત્ય અપ્રકાશિત અવસ્થામાં છે.

*     ગુજરાતી ભાષા અને તેની વિકાસ ભૂમિકા:
ગૂર્જરોને આશ્રય આપનારી ભૂમિ તે ‘ગુર્જરત્રા ભૂમિ’. પશ્ચિમ પાકિસ્તાન, રાજસ્થાન અને અરબી સમુદ્ર, પૂર્વના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તથા દક્ષિણના મહારાષ્ટ્ર, અરબી સમુદ્રની વચ્ચેના પ્રદેશમાં બોલાતી ભાષા. આ પ્રદેશ કચ્છ, સૌરાષ્ટ્ર, આનર્ત, ગુર્જરગામંડલ, ગુર્જરદેશ, અનૂપ, શુર્પારક, ‘ભરતેશ્વર બાહુબલીઘોર’ અને ‘ભરતેશ્વર બાહુબલીરાસ’માં દૃષ્ટિગોચર થાય છે. ગુર્જર ભાષા એવું નામકરણ તો છેક પંદરમી સોળમી સદીમાં ભાલણ-પ્રેમાનંદ કરે છે.
ગુજરાતી ભાષાનું મૂળ-કૂળ વૈદિક સંસ્કૃતમાં છે. પછી તેમાંથી નિયમબદ્ધ શિષ્ટ સંસ્કૃત ભાષા પ્રચલિત થઇ. સમય જતાં પ્રાકૃત સ્વરૂપમાં પ્રાદેશિક લાક્ષણિકતાયુક્ત ભાષાસ્વરૂપ અસ્તિત્વમાં આવ્યાં. પ્રાકૃતનું મૂળ કેન્દ્ર ઉત્તર ભારતમાંનું મથુરા ગણાય, જેને કારણે પ્રાકૃતને શૌરસેની પ્રાકૃત કહેવાય છે. આ પછી અપભ્રંશ ભાષાનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. જે ગૌર્જર અપભ્રંશ તરીકે ઓળખાયું. કલિકાલ સર્વજ્ઞ પંડિત હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધ-હેમ’ નામના પ્રાકૃત વ્યાકરણના અંતિમ પ્રકરણમાં કેટલાંક ગૌર્જર અપભ્રંશના દુહાઓનો ઉલ્લેખ કર્યા છે. જે પ્રાચીન(જૂની) ગુજરાતી તરીકે ઓળખાય છે.
આમ, ગુજરાતી ભાષાના મૂળ-કુળના પ્રાચીન તબક્કાઓ નિર્દેશવા હોય તો,
વૈદિક સંસ્કૃત -> શિષ્ટ સંસ્કૃત -> શૌરસેની પ્રાકૃત -> ગૌર્જર અપભ્રંશ -> ગુજરાતી
આપણે ગુજરાતી ભાષાના મૂળ-કૂળનો પરિચય મેળવ્યા પછી હવે ગુજરાતી ભાષાના વિકાસના વિવિધ તબક્કાઓની વિવિધ વિદ્વાનોએ કરેલી ચર્ચાનો પરિચય મેળવીશું.

ડો. હરિવલ્લભ ભાયાણી ‘ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ’ ગ્રંથમાં ગુજરાતી ભાષાના વિકાસના તબક્કાઓનો વ્યાકરણનાં વિવિધ રૂપોને તારવી બતાવીને સદૃષ્ટાંત પરિચય કરાવે છે. આ પછી કેશવ હર્ષદ ધ્રુવ, નરસિંહરાવ દિવેટિયા અને કે. કા. શાસ્ત્રીએ પોતાના અભ્યાસના આધારે ગુજરાતી ભાષાના વિવિધ તબક્કાઓ દર્શાવ્યા, જેના આધારે જેનો પરિચય મેળવીએ તો,


*        કેશવ હર્ષદ ધ્રુવે ત્રણ તબક્કા :-
1.       ઈ.સ.ની ૧૦-૧૧મી શતાબ્દીથી ૧૪મી શતાબ્દી સુધીની ભાષા તે અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી ભાષા.
2.       ઈ.સ.ની ૧૫મી શતાબ્દીથી ૧૭મી શતાબ્દી સુધીની ભાષા તે મધ્યકાલીન ગુજરાતી ભાષા.
3.       ઈ.સ.ની ૧૭મી શતાબ્દી પછીની ભાષા તે અર્વાચીન ગુજરાતી ભાષા.
*        નરસિંહરાવ દિવેટિયાએ છ તબક્કા :-
1.       વિક્રમ સંવત ૯૫૦ સુધીની ભાષા તે અપભ્રંશ ભાષા.
2.       વિક્રમ સંવત ૯૫૦થી ૧૩માં શતક સુધીની ભાષા તે મધ્યકાલીન અપભ્રંશ ભાષા.
3.       વિક્રમ સંવત ૧૩મા શતકથી વિક્રમ સંવત ૧૫૫૦ સુધીની ભાષા તે અંતિમ અપભ્રંશ અથવા તો ગુર્જર અપભ્રંશ ભાષા.
4.       વિક્રમ સંવત ૧૫૫૦થી વિક્રમ સંવત ૧૬૫૦ સુધીની ભાષા તે આરંભકાળની જૂની ગુજરાતી ભાષા.
5.       વિક્રમ સંવત ૧૬૫૦થી વિક્રમ સંવત ૧૭૫૦ સુધીની ભાષા તે મધ્યકાલીન ગુજરાતી ભાષા.
6.       વિક્રમ સંવત ૧૭૫૦થી આદ્યાપિપર્યંત સુધીની ભાષા તે અર્વાચીન ગુજરાતી ભાષા.
*        કે.કા.શાસ્ત્રીએ આઠ તબક્કા :-
1.       ઈ.સ. ૧૧મી શતાબ્દી-ગૌર્જર અપભ્રંશ અથવા પ્રાચીન ગુજરાતી(પ્રથમ ભૂમિકા)
2.       ઈ.સ. ૧૧મી શતાબ્દીથી ૧૪મી શતાબ્દી ગૌર્જર અપભ્રંશ અથવા પ્રાચીન ગુજરાતી(દ્વિતીય ભૂમિકા)
3.       ઈ.સ. ૧૩૫૦થી ઈ.સ. ૧૪૨૫ ગુર્જર ભાષા અથવા મધ્યકાલીન ગુજરાતી(પ્રથમ ભૂમિકા)
4.       ઈ.સ. ૧૪૨૫થી ઈ.સ.૧૫૦૦ ગુર્જર ભાષા અથવા મધ્યકાલીન ગુજરાતી(દ્વિતીય ભૂમિકા)
5.       ઈ.સ. ૧૫૦૦થી ઈ.સ. ૧૫૭૫ ગુર્જર ભાષા અથવા મધ્યકાલીન ગુજરાતી(તૃતીય ભૂમિકા)
6.       ઈ.સ. ૧૫૭૫થી ઈ.સ. ૧૬૫૦ ગુર્જર ભાષા અથવા મધ્યકાલીન ગુજરાતી(ચતુર્થ ભૂમિકા)
7.       ઇ.સ. ૧૬૫૦થી ઈ.સ.૧૮૨૫ અર્વાચીન ગુજરાતી(પ્રથમ ભૂમિકા)
8.       ઈ.સ. ૧૮૨૫થી આદ્યાપિપર્યંત અર્વાચીન ગુજરાતી(દ્વિતીય ભૂમિકા)
આગળ આ તબક્કાઓનો પરિચય મેળવ્યા પછી એક વાત એ કરવાની કે,
આરંભકાલીન અપભ્રંશ માટે ડો. તેસ્સિતોરી દ્વારા ઓલ્ડ વેસ્ટ રાજસ્થાન અર્થાત પ્રાચીન પશ્ચિમ રાજસ્થાની અને ઉમાશંકર જોશી દ્વારા અપાયેલ ‘મારું ગુર્જર’ એવું નામકરણ થયું. આ તબક્કાઓમાં ગુજરાતી ભાષાની પલટાતી રૂપરેખાઓ તો મળે જ છે; પણ, આ વિભાજન વિશે નરસિંહરાવ દિવેટિયાએ ઉચિત રૂપે મંતવ્ય આપ્યું છે, “ભાષાના પ્રવાહને વચમાં ભીંતો બાંધીને ગોઠવાય નહીં. એમાં તો એક સ્વરૂપમાંથી અન્ય સ્વરૂપમાં સંક્રમણ અણદીઠું થયે જાય છે.” ભાષા જયારે વિકસતી હોય ત્યારે બે પ્રકારના ઉમેરણથી ઘડાતી-બંધાતી હોય છે, એક તો વ્યાકરણ સંદર્ભે અને બીજું શબ્દભંડોળ સંદર્ભે. આ ભાષાના વિકાસની વિગતોથી પરિચિત થયા પછી ભાષા પર સમયાંતરે અસર કરતાં રાજકીય-સાંસ્કૃતિક પાસાંઓ જોઈએ.

*     ગુજરાતી રાજકીય-સાંસ્કૃતિક ભૂમિકા :-
સાહિત્યને જીવન સાથે ગાઢ સંબંધ છે. જીવનની પ્રવૃત્તિઓ સાથે સાહિત્ય ગાઢ રીતે સંકળાયેલું છે, તેથી જ તો કોઈ પણ યુગના સાહિત્યસર્જનને મૂલવવા માટે એને પ્રેરનાર એ સમયના સમાજની રાજકીય-સંસ્કૃતિક ભૂમિકાનો પરિચય મેળવવો આવશ્યક બની રહે છે. અહીં ઈ.સ. ૧૧૦૦ થી ૧૮૫૦ સુધીનો ગાળો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સમયાવધિ મનાય છે.
તેના પ્રથમ તબક્કામાં સોલંકી-વાઘેલા શાસનકાળ ઈ.સ. ૧૦૯૪થી ઈ.સ. ૧૨૯૫ સુધીનો મનાય છે.
Ø  ગુજરાતી સાહિત્યનો આરંભકાળ સોલંકી-વાઘેલા રાજાઓના સુવર્ણકાળથી શરૂ થાય છે. ગુજરાતના સુવર્ણયુગ જયસિંહ સિદ્ધરાજના શાસનકાળથી તપવા લાગે છે. સાંસ્કૃતિક ક્ષેત્રે કલા-વિદ્યાભ્યાસને એમણે ભારે ઉત્તેજન આપ્યું, એથી જ હેમચંદ્રના ‘સિદ્ધહૈમ’માં આ યુગના જ અપભ્રંશના દુહા ઉતારવાનું અને એ દ્વારા એક તરફ દેશભક્તિ અને વીરરસ તો બીજી બાજુ જીવનનો ઉલ્લાસ રજૂ કરતા શૃંગારરસનું ગાન થવા પામ્યું છે. સોલંકી રાજાઓ પછી વાઘેલા રાજપૂત રાજાઓએ ધર્મ, સાહિત્ય, શિલ્પ-સ્થાપત્યમાં વૃદ્ધિ કરી. ‘ભરતેશ્વર બાહુબલિરાસ’, ‘સ્થૂલિભદ્રફાગુ’, ‘વસંતવિલાસ’ જેવી મધ્યકાલીન ગુજરાતીની સીમાસ્તંભરૂપ કૃતિઓ આ સમયમાં જ પ્રાપ્ત થાય છે.
બીજા તબક્કામાં મુસ્લિમ સલ્તનતનો શાસનકાળ ઈ.સ. ૧૨૯૭થી ઈ.સ. ૧૭૩૦નો ગણાય છે.
Ø  મધ્યકાલીન ગુજરાત ઉપર ઈ.સ.૧૨૯૭ થી ઈ.સ. ૧૭૩૦ સુધી લગભગ પાંચેક શતક સુધી મુસ્લિમ શાસનનો અમલ રહ્યો. મુસ્લિમ સલ્તનતના આરંભકાળમાં ગુજરાતે અરાજકતા અને અંધાધૂંધી અનુભવી. આથી, ગોવર્ધનરામ ત્રિપાઠીએ આ યુગને ‘ભ્રમણયુગ’ કહ્યો છે. એમણે આ પ્રતિકૂળતાથી ભાષા તથા સાહિત્યને બે લાભ બતાવ્યાં કે મસ્લિમોના આક્રમણથી થયેલા જુદા-જુદા સ્થળાંતરમાં ગુજરાતી ભાષાનું ઘડતર થયું અને સાહિત્ય લોકાશ્રયી બન્યું. આ સમયમાં ‘કાન્હ્ડદે પ્રબંધ’ અને ‘રણમલ્લ છંદ’ જેવી કૃતિઓ પ્રાપ્ત થાય છે. સ્વતંત્ર સુલતાનોના શાસનકાળ પછી અકબરના સમયમાં ગુજરાતમાં શાંતિ સ્થપાય. ઈ.સ.૧૬૫૬-૫૭માં ઔરંગઝેબના શાહજહાંને કેદ કર્યા પછી ફરી ગુજરાતમાં અશાંતિ અને અરાજકતાનો દોર શરૂ થયો. અરાજકતા અને અંધાધૂંધી વચ્ચે જ ગુજરાતી અસ્મિતાને પ્રાચીન સંસ્કૃતિના કવિઓએ ગુજરાતની પ્રજા સમક્ષ પ્રભાવશાળી સાહિત્ય પ્રસ્તુત કર્યું. જૈન સાધુઓને હાથે પ્રબંધ, ફાગુ અને પદ્યવાર્તા જેવા સાહિત્યપ્રકારો પણ સવિશેષપણે સમૃદ્ધ થયા. એના પરિપાકરૂપ ત્રણ કવિઓ મળ્યા; તે અખો, પ્રેમાનંદ અને શામળ. આથી આ સમયગાળો ગુજરાતી સાહિત્યનો સુવર્ણયુગ કહેવાયો.
ત્રીજા તબક્કામાં મરાઠા, ગાયકવાડ અને અંગ્રેજી શાસનકાળ ઈ.સ.૧૭૩૨થી ઈ.સ. ૧૮૫૦ સુધીનો કહેવાય છે.
Ø  ઈ.સ.૧૭૦૭માં ઔરંગઝેબના અવસાન વખતે ગુજરાતમાં અશાંતિ અને અસંતોષ હતો, ઔરંગઝેબની ધર્માંધ નીતિને કારણે લોકોનું માન શિવજીના શાસન તરફ વધ્યું અને પછી ગુજરાતમાં મરાઠા શાસન ત્યારબાદ ઈ.સ.૧૭૩૨માં વડોદરામાં ગાયકવાડની હુકૂમત થઇ, ત્યાર પછી ગુજરાત પેશ્વા અને ગાયકવાડ ચાલતી સ્પર્ધામાં ગુજરાતની પ્રજાની સ્થિતિ દયનીય બની. ઈ.સ.૧૭૬૧માં પેશવાઈ પટકાયા બાદ ઈ.સ.૧૮૧૮માં ગુજરાતમાં અંગ્રેજી શાસન આવ્યું. આ સમય દરમ્યાન વડોદરા, સૌરાષ્ટ્રમાં ગોંડલ આદિ સ્થાનોએ શિલ્પકળા વિકસી પણ સાહિત્યની દૃષ્ટિ એ નોંધપાત્ર રચનાઓ મળી તો ખરી; પણ, પ્રમાણમાં નહિવત હોવાતી આ યુગ ‘મંદયુગ’ કહેવાયો.
આમ, ગુજરાતી ભાષાની પ્રાચીનતાથી તમે અહીં પરિચિત થયા. તમને ખ્યાલ આવ્યો હશે જ કે ભાષા કેવી રીતે અસ્તિત્વમાં આવે? તેની પાછળ કેવા પરિબળો સતત ભાગ ભજવતા હોય છે. એ સાથે ભાષા-સાહિત્યના ઈતિહાસમાં રાજકીય-સાંસ્કૃતિક ભૂમિકાનો અભ્યાસ કરવો કેમ જરૂરી થઈ પડે? એનો પણ તમને ખ્યાલ આવ્યો જ હશે. મધ્યકાલીન ભાષા-સાહિત્યના સમયગાળા દરમ્યાનના રાજકીય-સાંસ્કૃતિક પ્રવાહોથી પરિચિત થવા સાથે એ સમયના જનમાનસનો અને સાહિત્યિક મુદ્દાઓ પણ અહીં આપણી સમક્ષ ખુલ્લી થઈ જાય છે.

No comments:

Post a Comment