Friday 4 May 2018

એક નવા યુગની જન્મદાત્રી ‘સાવિત્રી’


ભારતીય સમાજમાં સદીઓથી મનુપ્રેરિત વર્ણવ્યવસ્થાનો ભોગ બનેલા અસ્પૃશ્યો, દલિત મહિલા શિક્ષણ તેમજ તેમના સર્વાંગી વિકાસ માટેના વર્ષોથી બંધ દ્વાર ખોલવાનું કાર્ય જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીએ કર્યું. એ કાર્યના દસ્તાવેજરૂપે લખાયેલી આ નવલકથા ઐતિહાસિક નવલકથાનો દરજજો પામી છે. ‘માનવને મૂલવવા માનવતાથી અન્ય બીજો કોઇ માપદંડ ન હોઇ શકે.’ એવા જોતીરાવનાં કથનને સાર્થકતાની પરિસીમાએ પહોંચાડવાનો અથાગ પ્રયત્ન કરતા સાવિત્રી, તેમના જીવનસંગીની ઉપરાંત એ સમયના સમાજમાં સ્ત્રી-શિક્ષણનો દીવડો બને છે. ‘એક ઈશ્વર છે અને બધાને સમાન રીતે ચાહે છે’- એ ભાવના સાવિત્રીનું જીવનધર્મ છે. અંત્યજોનાં જીવનને યુગોથી ઘેરી વળેલાં અંધારાને મહાત કરી દલિત ઉદ્ધારક ડૉ. આંબેડકર માટે પૂર્વભૂમિકા તૈયાર કરી આપે છે. જે સમયે, ‘બાઈ ભણે તો એનો ધણી મારી જાય એવી માન્યતા હતી’, તે સમયે પોતે ભણવું, પતિના ભગીરથ કાર્યમાં ઓતપ્રોત થવું અને દલિત સમાજની બહેનોને શિક્ષણ આપવાનું કપરું કાર્ય તેમણે હાથ ધર્યું. આ માર્ગે ચાલતા વિરોધીઓના પ્રચંડ અંતરાયોને વીંધતા અછૂત અને દલિત અત્યાચારો સામે ઉત્તર આપતા શિક્ષાના પ્રકાશથી દલિત સમાજને રોશન કર્યું છે. આ નવલકથામાં ફક્ત સામાજિક પાસાં ઉપરાંત માતૃત્વઝંખનાનું મનોજગત અને એક માનવપિંડને જન્મ ન આપતાં, અર્વાચીન ગુજરાતી સાહિત્યના સુધારકયુગમાં અછૂત અને અબળાઓના માનવઅધિકાર, સદીઓથી ચાલી આવતાં બ્રાહ્મણવાદ અને શિક્ષણ દ્વારા ઉત્કર્ષના સર્જનકકાળથી ‘સાવિત્રી’ એક નવા યુગની જન્મદાત્રી બને છે, જે અભ્યાસનો વિષય છે. આ ભારતીય સમાજને આલેખતી ઐતિહાસિક વિગતોથી સમૃદ્ધ દક્ષા દમોદરાની નારીવાદી દલિત નવલકથા છે. 
               
                ભારતીય સંસ્કૃતિમાં ચાલી આવતી વૈદિક પરંપરા અનુસાર વ્યક્તિના કર્મ અનુસાર વર્ણવ્યવસ્થાના ચાર સ્તંભ જોવા મળતા. વૈદિકકાળમાં આ ચાર સ્તંભમાં કોઇ ઊંચ-નીચના ભેદભાવને સ્થાન ન હતું, વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર વ્યવસાય કરી શકતો. સમયાંતરે વર્ણવ્યવસ્થામાં દુષણો પ્રવેશતા કર્મને આધારે પ્રવર્તતી વર્ણવ્યવસ્થા જન્મ આધારિત બની. પરંપરામાં આવેલી આ જડતા અને સ્વાર્થવૃત્તિએ ઇશ્વરના સર્જેલા માનવીમાં ભેદ કરવાનું શરૂ કરી દીધું. સંસ્કૃતિ પ્રવાહી હોય છે પણ પરંપરા જડ અને હઠી હોય છે અને આ સદીઓ જૂની મનુની પરંપરાએ અમાનુષી અત્યાચારો અને અન્યાયના જડબેસલાક બીજ રોપી દીધા. દલિત સમાજ અંધકારની કાળરાત્રીમાં ભોગ બન્યો, બીજો પોતાને ઉચ્ચવર્ણ ગણાવતા વર્ણસ્તંભોનો. જયારે દલિત હોવું અભિશાપ હોય, તેમાં પણ સાવ અંત્યજો અને તેમાં પણ જન્મેલી સ્ત્રીઓની પરિસ્થિતિની તો કલ્પના કરવી પણ રૂવાંડા ઊભા કરી દે તેવી સ્થિતિ હોય.
        ભારતમાં અંગ્રેજી શાસનને કારણે પહેલીવાર ભારતમાં શિક્ષણનો ફેલાવો સમાજના દરેક સ્તર સુધી પહોંચવો શક્ય બન્યો, ખરેખર તો સમાજમાં પછાતવર્ગ જે સદીઓથી પોતાને શિક્ષાથી જુદો માનતો હતો, તેઓ શિક્ષણના મહિમાથી પરિચિત થયા. ભદ્ર સમાજના શિક્ષિત વ્યક્તિઓ સમાજસુધારની પ્રવૃત્તિઓ ઓગણીસમી સદીમાં આરંભે છે, પણ જેને મનુષ્ય પણ ન ગણતા હોય તે દલિતોને ન્યાય આપવાનું તો કોઇને ક્યાંથી સૂઝે. ‘શુદ્રો ઉચ્ચવર્ણના લોકોની સેવા માટે જન્મ્યા છે, તેમને ભણવાનો કોઈ અધિકાર નથી.’ આ પરિસ્થિતિમાં આર્વાચીન ગુજરાતી સાહિત્યના સુધારકયુગના કાળમાં મહારાષ્ટ્રના પુનાના માળી કુટુંબમાં જન્મેલા જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીનું સુધારા યોગદાન દલિતો માટે નવા યુગના દ્વાર ખોલી આપે છે. તેમાં પણ દલિત મહિલાઓના સર્વાંગી વિકાસ માટે પાયાનું કાર્ય કરી અને પોતે જ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ બનતી સાવિત્રી આ નવલકથાની નાયિકા અને નવા યુગની જન્મદાત્રી.
        નવલકથાના ઘણા પ્રકારો છે, હા તેમાં કલ્પનાનું તત્વ હોવાનું પણ પ્રકારો પ્રમાણે વાસ્તવિકતાની માત્રા નક્કી થાય. સાવ કાલ્પનિક કથાવસ્તુ કે પછી પરિચિત કથાવસ્તુ. ‘સાવિત્રી’ આ દૃષ્ટિએ ઐતિહાસિક નવલકથા છે. ઇતિહાસમાં પોતાનું યોગદાન આપનાર મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીનું અસ્તિત્વ છે, તેમના કાર્યો પર લખાયેલી કૃતિ છે, સાથે આખા દલિત સમાજની તત્કાલીન પરિસ્થિતિનો પરિચય આપતી હોવાથી સામાજિક નવલકથા પણ ઘણે અંશે કહી શકાય, જેની પુષ્ટિ ખુદ લેખિકા પુસ્તક નિવેદનમાં જ રજૂ કરે છે. દક્ષા દામોદરાએ સર્જેલી નારી લિખિત નવલકથા છે તો આ ઉપરાંત દલિત નારીની સંઘર્ષકથા છે ખરેખર તો ઉત્કર્ષકથા છે. યુગાંતરકારી નક્કર નારીવાદી દલિત નવલકથા છે. લેખિકાએ નવલકથામાં આવતાં દલિત પાત્રોને પૂર્ણ સજ્જતાથી અને ગૌરવને હાનિ ન થાય તે રીતે આલેખ્યાં છે. પથિક પરમારના શબ્દોમાં કહીએ તો, “નવલકથામાં આવતાં સવર્ણ સમાજના પાત્રો કરતાં, દલિત સમાજના પાત્રોની પ્રમાણિકતા, સંસ્કારિતા અને ખાનદાની મુઠ્ઠી ઉંચેરી છે.”(પ્રસ્તાવના: ‘સાવિત્રી’ : દલીતોદ્ધારના જંગની વ્યથા-કથા પૃ.૧૧)
        આ નવલકથામાં સાવિત્રીનું પાત્ર લેખિકાએ ખૂબ નાજકતતાથી અને સંપૂર્ણ તટસ્થ રીતે ચીતર્યું છે. સાવિત્રી એ કોઈ દૈવી પાત્ર ન લાગે અને છતાં પોતાના મનને સાચી દિશા તરફ વાળવાનું કાર્ય પોતાની સૂઝથી કરતી જાય. સામાન્ય સ્ત્રીની જેમ આગળ વધતા ડર અનુભવે, પોતાના કાર્યોને સાચા-ખોટાની ધૂરી પર કસતી જણાય, તો કોઈવાર સમય સાથે મૂંઝવણ અનુભવતી થોડું પીછેહઠ કરતી, સ્ત્રીસહજ સંવેદનાઓ વચ્ચે ઘેરાતી, બાળક ન થતા વ્હેમાઇ જતી કે, ‘મારું આ કાર્ય પાપ છે- તેની તો આ સજા નથી ને...’ પરંતુ પોતાને જલ્દીથી સ્વસ્થ કરતી અને પતિને સંપૂર્ણ સહયોગ આપતી મક્કમ છતાં પતિવ્રતા ભારતીય નારીપાત્ર છે. કોઈ પણ પુરુષની સફળતા પાછળ કોઈ સ્ત્રીનો હાથ હોય છે, એ કથનીને સત્ય કરતી સાવિત્રી જ્યોતિબા ફૂલેના જીવનકાર્યની સફળતામાં સહકાર આપી તેમનું મનોબળ પળેપળે વધારવાનું અને પોતાની તકલીફને સહજતાથી છુપાવી અને પોતાની સંવેદના પતિના કાર્યમાં અવરોધરૂપ ન બને તેની પ્રતિપળ કાળજી રાખે છે. પતિધર્મને શ્રેષ્ઠ માનતી; પરંતુ, તેનાથી પણ વધારે માનવધર્મ અને પતિનાં યુગ પ્રવર્તક વિચારોને તન, મન અને ધનથી સહયોગ કોઈ વિરાંગના જ આપી શકે.
        નવલકથાની શરૂઆત ‘ચલો હંસા...’ જેવી પંક્તિથી થાય છે આ ધૂનમાં જ હાકલ છે. ‘કોઈ પક્ષીના કોમળપીંછાના દિવ્ય-મૃદુ સ્પર્શશા યજનિકના શબ્દો અંતરને અડકીને સરકતા જતા હતાં.’ અહીં સાવિત્રીના ભૂતકાળના સંસ્મરણોની ક્ષણોમાં ગરકાવ થવાની પૂર્વભૂમિકા બંધાય છે. જે સમયે પ્લેગ કરતા પ્લેગમાંથી તેમને ઉગારનારના લશ્કરી બંદોબસ્તને ખરાબ ગણતા, તે કાળના ખપ્પરમાં આજે બધાં હોમાય રહ્યાં છે, તે છતાં લોકો પોતાની ભ્રમણા અને જડ પરંપરાને ત્યજવા તૈયાર નહોતા. જે સમયે સારવાર કેન્દ્રોમાં બિછાને પડ્યા પડ્યા પણ ભદ્રવર્ણોની રુગ્ણ મનોદશા ‘અહીંથી આઘો કાઢો એને...’ આ સત્યોથી વલોવાતું સાવિત્રીનું અર્ધજાગ્રત મન જોતીબાની યાદો સાથે વીતેલા વર્ષોની સ્મૃતિને તાજી કરી મુગ્ધ રીતે ‘ક્યારે પાછા આવશો...?’થી ફ્લેશબેક ટેકનિકનો ઉપયોગ કરી નવલકથાની શરૂઆત થાય. સાવિત્રી સીધી યૌવનકાળમાં પ્રવેશે જ્યાં શુદ્રો કે અંત્યજોને એમની કોઈ ભૂલની સજારૂપે હાથીઓના પગ નીચે કચડતા, જે સમયે ધર્મના નામે જાતિની નક્કી કરેલી પ્રથા તોડવાની હિમ્મત પેશ્વા રાજમાં પણ ન હતી, જે સમયે સુથાર સેનુએ વાકડે ઢબની ધોતી પહેરવાની સજારૂપે તેનું વૃષણ કાપી નાંખવામાં આવ્યું, જે સમયે બ્રાહ્મણો માટે બનાવવામાં આવેલ ટાંકીમાંથી પાણી ભરવાની સજારૂપે દલિત સ્ત્રીના જનાંગો પર ડામ દેવામાં આવ્યાં, એ તે સમય હતો જયારે મહાર-માંગ જેવાં અસ્પૃશ્યો ધરતી પર પડેલા પોતાના પગલાં ભૂસવા કમરે સાવરણી બાંધી ફરતા, સવારમાં કોઈ સફાઈ કરનાર દલિતને ભદ્રજન જોઇ જતો તો અપશુકનિયાળ ગણી ટીપી નાંખવામાં આવતો, શાળામાં દલિત બાળકો સાથે અભદ્ર વ્યવહાર, બાળકો પોતે જ શાળામાં ભણવા ન આવે તેવાં બનતા પ્રયત્નો, જે સ્ત્રી ભણે તેના પતિનું મૃત્યુ થાય તેવી અંધશ્રદ્ધાનો તે યુગ હતો. આ યુગમાં શુદ્રો ફક્ત ઉપલા ત્રણ વર્ણનાં લોકોની સેવા સારું જ જન્મ્યાં છે તેવું મનુસ્મૃતિ રચિત વર્ણવ્યવસ્થાનો ભોગ બનેલી જાતિઓ માટે દીર્ઘકાલીન નિદ્રામાંથી જાગૃત થવાનો આ સમય હવે સદીઓ પછી પાક્યો હતો.
‘જે-જે આંગળી દ્વિજ તરફ ઉઠે શુદ્રની,
તેનો કરવો ઘટે વિચ્છેદ, આજ્ઞા ધર્મની’ (પૃ.૦૮)
આ પ્રથાનો અનુભવ ૨૦ વર્ષના જોતીરાવ એક દિવસ પોતાના એક સવર્ણ ભાઈબંધની બારાતમાં અપમાનિત થઈ કરે છે. લગ્નના આઠ વર્ષ પછી માતા વગરનો જોતીરાવ, જે તાઈ સગુણાબાઈએ સાંભળ્યું, સાથે સગુણાબાઈ જોન સાહેબના ઘરે બાળકોની સંભાળ લેવાનું કાર્ય પણ કરતા, તેથી જોતીરાવને અંગ્રેજી શિક્ષણ અનાયસે મળેલું. આ સંદર્ભે કયારે સામાજિક વ્યવસ્થાનો પરિચય થયેલો અને કશાક નવપ્રસ્થાનનાં કોડ બાલ્યકાળથી મનમાં પડેલા. આ બારાતમાં અપમાનિત થયેલા જોતીરાવ માટે સંક્રાંતિની વેદના હતી. જે વ્યક્તિ સમાજમાં પોતાની સાથે થતા અન્યાયનો સામનો જ કરી શકે તે વ્યક્તિ તેના સહારે પોતાનું સર્વસ્વ છોડીને આવેલી પત્નીને શું સાચવી શકશે? આ પ્રશ્ન ભારોભાર વેદના સાથે પત્નીએ નિખાલસપણે પૂછતા જોતીરાવને આ સમયે દીર્ઘદ્રષ્ટા સાવિત્રી હૈયાધારણા આપતા જે કહે છે,
“હૈયે બળતી અપમાનની આગને ક્રાંતિની મસાલમાં પલટાવી નાખો સ્વામી!...તમારી પીડાના મૂળને પરખો સ્વામી...! અને એના વિચ્છેદ માટે વિનાશને બદલે નિર્માણનો માર્ગ પસંદ કરો.” (પૃ.૯-10)
આ નારીશક્તિના મુખે બોલાયેલા વાક્યો નવા યુગના પગરણ ભરવા પુરતા બને છે. અહીં જોતીરાવની વર્ષોની મૂર્છા તૂટી અને ‘હિંદુ સમાજમાં સામાજિક, ધાર્મિક માળખામાં જે સર્વોચ્ચ સ્થાને બ્રાહ્મણો બિરાજમાન છે તે સ્થાનના પાયા જેટલા બ્રાહ્મણોના જ્ઞાન પર નિર્ભર છે તેથી વિશેષ બ્રાહ્મણોત્તરોના અજ્ઞાન પર નિર્ભર છે.’ આ પરિસ્થિતિને દૂર કરવા માટે જોતીરાવ કમર કસે છે, રસ્તા શોધે છે અને આખરે રસ્તો જાય છે શિક્ષણના પડાવ પરથી, આ સત્ય જ્ઞાત થતા જ કાર્ય શરૂ થાય છે. અન્યાય અને અશિક્ષા વિરુદ્ધની જંગમાં સહાયક બને છે, સગુણાતાઈ અને સાવિત્રી. બંને સહપાઠી બની જોતીરાવ પાસેથી શિક્ષણ ગ્રહણ કરે છે. જે સમાજમાં સ્ત્રી શિક્ષણ મેળવે તો પતિનું મૃત્યુ થાય એ સમાજમાં સાવિત્રી જોડાય છે, તેનો ઉદ્દેશ એક જ છે, ‘સ્વામીની સહયોગિની થવામાં કષ્ટ મળે કે કંટક.. મારે મન તો એ પુષ્પ જ હશે!’ સાવિત્રીના સાથની અડગતા જોઇ જોતીરાવ ‘કશુંક અસાધારણ કરવા જન્મી છો સાવિત્રી’ અને આ રીતે સાવિત્રી જોતીવાર અને બ્રાહ્મણવાદ સામેની લડાઈમાં ભાગ્યવિધાતા બનવાનું નિમિત્ત બને છે. જોતીરાવના મિત્રો સદાશિવ સખારામ અને મોરોપંત સાથે મળી કન્યાશાળા શરૂ કરવા જાય છે ત્યાં તાત્યાસાહેબનો સહકાર મળતા જગ્યાનો પ્રશ્ન હલ થાય છે. આ બ્રાહ્મણ સર્વોપરિતા સામેની જંગમાં સહયોગ આપનારા ઘણા બ્રાહ્મણ છે તેથી જ જોતીરાવ કહે છે, “હું ઘણીવાર કહું છું ને બાપુ... કે બ્રાહ્મણ નહિ...બ્રાહ્મણવાદને હું મારો શત્રુ માનું છું....”(પૃ.૧૯)
જોતીરાવ ભેદભાવ વિરુદ્ધ આંદોલનના પ્રણેતા અને સાવિત્રી નારી મુક્તિના ભાવિ આંદોલનની નાંદી...બને છે.
        કન્યાશાળા શરૂ થાય છે. ધર્મ સંરક્ષકોની મંડળીમાં વિરોધનું વંટોળ શરૂ થાય છે. તેમાં સાવિત્રીએ ઘણું અપમાન, અપશબ્દો અને કાદવ-કીચડનો માર સહન કરવો પડે છે; પરંતું, પતિને પણ કહ્યાં વિના, આ પરિસ્થિતિનો ડર લાગવા છતાં, મનમાં અંધશ્રદ્ધા અને વ્હેમની કુશંકાઓ છતાં મન મક્કમ કરી સામનો કરે છે. અહીં આવતી બાલિકાઓનાં રક્ષણ માટે ઉસ્તાદ લહુજી બુવા અને રણોજી માંગ જવાબદારી નિભાવે છે. કેશવ શિવરામ, અન્ના સહસ્ત્ર બુદ્ધે, કૃષ્ણ શાસ્ત્રી, મોરો પંત જેવાં બ્રાહ્મણો સહયોગ આપે છે. સાવિત્રી ભણવા-ભણાવવાનું કામ સાંભળી લે છે આમ, અંત્યજોના જીવનને યુગોથી ઘેરી વળેલી અંધકારની છાયને દુર કરી જ્ઞાનના દીપક પ્રગટવાનું કાર્ય સાવિત્રી કરે છે. જોતીરાવના પિતા ગોવિંદરાવને બ્રાહ્મણો ધમકાવે છે અને કહે છે, “પાતકનાં રસ્તેથી તારા મૂલગા – વહુને શીઘ્રતમ પરત વાળ...અન્યથા તું અને તારી આવનારી પેઢીઓ અવશ્ય રૈરવ નરકમાં અધિકારી બનશો પણ... તારા પૂર્વજોની સાત પેઢીઓ નરકમાં જશે...આ અધમ કૃત્ય માટે દીકરા-વહું તો અવશ્ય દંડિત થશે, પણ વડિલ તરીકે એને રોકવાના તારા દાયિત્વમાં જો તું ઉણો ઉતર્યો છો તો આ લોકમાં ન નહિ, પરલોકમાંય તું પ્રેત બનીને ભટકીશ... અને એકવાર નાત બહાર ફેંકયો એટલે... માર્યા પછી તારી ઠાઠડીને કાંધ દેનાર ચાર કાંધોતરેય મળશે નહિ હા..!”(પૃ.૩૭-૩૮) આ ડરથી ગોવિંદરાવ દીકર-વહુને આ શિક્ષણકાર્ય બંધ કરવા અથવા ઘરમાંથી બહાર જવા કહે છે. તે જ ક્ષણે જોતીરાવ અને સાવિત્રી ઘર છોડે છે પણ આ જીવનલક્ષ્ય સમુ કાર્ય નહીં. શાળા મિત્રોના સહકાર, સરકારના સહકાર અને સગુણાતાઈની મૂડીમાંથી ફરી શરૂ થાય છે. સ્ત્રી-શિક્ષણના પ્રશંસનીય કાર્ય બદલ જયારે જ્યોતિબા ફુલેનું સન્માન કરવામાં આવ્યું ત્યારે પ્રતિક્રિયામાં કહેલું, “સ્ત્રી શિક્ષાનો વિચાર પણ જે સમયે હવાઈ તુક્કો લાગતો હતો, તે સમયે અનેક અવરોધો અને અડચણો ઝેલીને ખુદ શિક્ષાના પ્રકાશથી જ્વલંત બનીને બીજાનાં જીવનને ઝળહળવવા મથી રહેલી મારી ધર્મપત્ની સાવિત્રી...”(પૃ.૫૭) આમ, સ્ત્રી શિક્ષણની પહેલ સાવિત્રી દ્વારા થાય છે.
        બ્રાહ્મણવાદ સામે બંડ પોકારનાર જોતીરાવ પર ઘણી વાર મૃત્યુનો ભય પણ સતાવે છતાં, પોતાની સૂઝબુઝ, અંગ્રેજી સરકાર સહયોગ અને ‘સત્યશોધક સમાજ’નાં કાર્ય દ્વારા કહેવા ઈચ્છે છે, ‘માનવને મૂલવવા માનવતાથી અન્ય બીજો કોઈ માપદંડ ન હોઇ શકે એવા સામાજિક કાનૂનનું સર્જન આપણું અંતિમ લક્ષ્ય છે...’ જ્યારે સાવિત્રીનું વાક્ય, ‘ઈશ્વર એક છે અને તે બધાને સમાન રીતે ચાહે છે’ તે ‘સત્યશોધક સમાજ’ના સદસ્યો માટે શપથ સમું બને છે.
        આ બધા આંદોલાનો વચ્ચે આ યુગલનું દામ્પત્યજીવન ખુબ સુમેળ ભર્યું છે, પણ દંપતીની એકરૂપતા છતાં સાવિત્રીની માતૃત્વઝંખનાને નિરાસા મળે છે. ઘણા સમય બાદ ને ગોવિંદરાયની પૌત્ર ઝંખના સામે પતિને બીજા લગ્ન માટે પણ અનુમતિ આપે છે ત્યારે જોતીરાવ તેણે કહે છે, ‘ હાડમાંસનાં એક માનવપિંડને જન્મ ન આપી શકવાથી તારી જાતને પીડવાનું છોડ સાવિત્રી. તું તો એક નવા યુગની જન્મદાત્રી છો.’ આ દિશામાં શરૂઆત થાય છે, ‘બાલહત્યા પ્રતિબંધકગૃહ’ની સ્થાપનાથી. બ્રાહ્મણ બાળવિધવા કાશી અવૈધ સંબંધથી જન્મેલાં બે દિવસનાં બાળકને છોડીને ચાલી જતી હોય ત્યારે આંસુથી ખરડાયેલા બાળકનાં ગાલે ચુમી ભરી લેતાં બાળકને અપનાવે છે. તેની પાલક માતા બને છે યશવંતની..
        આ સમાજસુધારક કર્યો બાદ મૃત્યુ પૂર્વે અંતિમ ક્ષણે જોતીરાવ સાવિત્રીને કહે છે, “અરે, પગલી તું તો મારા સારાયે મનોવિશ્વની અધિષ્ઠાત્રિ છે, બલ્કે આ ઉંમરે હું એવો અહેસાસ કરું છું કે હું દેહમાત્ર છું.. આત્મા તું છે. હું કંઠ છું... વાણી તું છે. હું આંખ છું.. દૃષ્ટિ તું છે સાવિત્રી..”(પૃ.૧૪૪) જ્યોતિબા પછી પણ સાવિત્રી તેમના અધૂરા કર્યોને પૂર્ણ કરવાના પ્રયત્નો કરતી રહે છે. ૧૮૯૬માં મુંબઈમાં પ્લેગ ફેલાતા સાવિત્રી અને યશવંત પ્લેગગ્રસ્તોની સેવામાં લાગી જાય છે. તિરસ્કૃત કેમ્પોમાં સેવા કરતા સાવિત્રી પ્લેગમાં સપડાય છે અને મૃત્યુ પૂર્વે યશવંતરાવને ‘જનાચી સેવા હી હરિચી સેવા’ એમ કહી કાયમને માટે આંખો મીચી દે છે.
સાવિત્રી નવલકથામાં નિડર, નિર્ભીક, પરિશ્રમી, મહત્વકાંક્ષી, કામયાબ ગૃહિણી-જીવનસાથી અને જવાબદાર સેવિકા છે. તે વ્યવહારિક જવાબદારી સાથે સફળ શિક્ષિકા, કવિયત્રી અને પાલક માતાની સફળ ભૂમિકા નિભાવે છે. આ ઉપરાંત સાવિત્રીનું મુખ્ય યોગદાન પોતાના પતિને સંક્રાંતિકાળે સાચી દિશા અને મજબૂત મનોબળ પૂરું પડવાનું છે. પોતાની આશંકાઓ અને ડરનો કે પોતાને સહન કરવી પડતી મુશ્કેલીઓ, અપમાન કે અતૃપ્ત સંવેદનાનો અણસાર પણ આપ્યા વિના એક સાચી જીવનસંગીની બને છે. આ સાથે દલિતો સાથેના દુર્વ્યવહાર વિરુદ્ધની જંગના પગરણની નાંદી બને છે.
- હેતલ કિરીટકુમાર ગાંધી

No comments:

Post a Comment