Wednesday, 7 March 2018

માનવવ્યવહારના દંભને ઉઘાડું પાડતું નાટક : ‘પથ્થરવત’


ગુજરાતી સાહિત્યના જાણીતા નાટ્યકાર શ્રી ચિનુ મોદીનું ગુજરાતી નાટ્યક્ષેત્રે કે રંગભૂમિક્ષેત્રે અનેરું પ્રદાન છે. શ્રી ચિનુ મોદીના નાટકો પૌરાણિક, કાલ્પનિક, સાહિત્યિક, સામાજિક તથા વાસ્તવિક નિસ્બત પણ ધરાવે છે. સાહિત્યિક અને સામાજિક બંને સ્થાનેથી વિષયવસ્તુને ઝડપથી તેઓ રંગભૂમિ પર તેને નાટ્યસ્વરૂપે રમતું મૂકી દે છે.
નાટકનું સ્વરૂપ જ એવી ખાસિયત ધરાવે છે કે, રંગભૂમિ પર નાટકને જોનાર કે માણનાર પ્રેક્ષકોને તેમાં પોતાપણું લાગવું જોઈએ. પોતાના જીવનમાં આ પ્રસંગ બની રહ્યાંનો અહેસાસ કે પોતાની આસપાસના પરિપ્રેક્ષ્યમાં ઘટનારી ઘટનાઓ કે પ્રસંગોનો સંદર્ભ તેના રસ અને રુચિને કેળવીને નાટકની નાટ્યક્ષમતા નક્કી કરતું હોય છે. નાટક રહ્યું, સાક્ષેપ માધ્યમ; એટલે શ્રોતાવર્ગની સહભાગીદારી અનિવાર્ય બને. એકવાર તેમાં કાલ્પનિકતાનું તત્ત્વ ઉમેરીને તો પણ આ સ્વરૂપ, આ નાટ્યકૃતિ પોતીકી તો લાગવી જ જોઈએ.
આ પ્રકારનું જ ચિનુ મોદી પૌરાણિક અને સાહિત્યિક પાત્રો-પ્રસંગોથી ઉફરા જઈ એક સામાજિક અને માનવવ્યવહારને પ્રસંગો દ્વારા ધીમે ધીમે ઉદાહરણરૂપ વ્યક્તિત્વો તથા પાત્ર-પ્રસંગ નિરૂપણ દ્વારા વાસ્તવિકતાના રંગે રંગાતુ નાટક ‘પથ્થરવત’ રચે છે. આ બે અંકના નાટકમાં કુલ ૬ દૃશ્યનો સમાવેશ થયો છે. આ નાટક રચ્યાં તે વર્ષથી આજ સુધી જોઈએ તો પણ નાટકને ભજવતા અને પઠન કરતા આપણી આંખ સામે જાહેર જીવનમાં આપણી આસપાસ જીવતા માનવીઓના વ્યવહારને સંબંધકર્તા લાગે, તેવો અનુભવ થયા વિના રહે જ નહીં. માનવવ્યવહારની ‘મુખ મેં રામ, બગલ મેં છૂરી’ની દંભ પ્રવૃત્તિ એકદમ યથાયોગ્ય રીતે આ નાટકમાં ઉઘાડી પાડવામાં આવી છે.
‘પથ્થરવત’ નાટકની શરૂઆત મંદિરના સ્થળ અને સાયંકાળના સમયથી થાય છે. પૂજારી મા અંબાજીની આરતી કરી રહ્યા છે અને ભક્તો ભાવપૂર્વક આરતી ગાઈ રહ્યાં છે. પૂજારી પછી બીજું પાત્ર આવે છે હરેશનું. પૂજારીના મતે માતાજીના પરમ ભક્ત એવા હરેશના નાની ઉંમરમાં આ ભક્તિભાવથી પૂજારી પ્રસન્ન છે તેને પહેલો પ્રસાદ આપે છે. પૂજારી આરતી માના ચરણ પાસે મૂકવા જાય છે ત્યાં એક પહોળો, પડછંદ, કરડા ચહેરાવાળો માણસ મંદિરમાં પ્રવેશ કરે છે.
“અજાણ્યો: કાં, અમને આરતી દેવી નથ ?
પૂજારી:     કેમ નહીં ? કેમ નહીં ? ભાઈ, આ તો માનું મંદિર છે. અહીં બધા સરખાં, શું ગરીબ, શું તવંગર, શું ઊંચ, શું નીચ, શું સ્ત્રી, શું પુ...., 
અજાણ્યો : વેવલીનો થા મા ને તારી લેક્ચરબાજી બંધ કર, અને આ મૂર્તિ ઉપરનાં ઘરેણાં ચૂપચાપ
  ઊતારી આપ.”(પૃ.૬૪૭)
અજાણ્યો માણસ માતાજી પરના બધા ઘરેણાં ઊતારી આપવા જણાવે છે ત્યારે પૂજારી આ વાત નકારે છે અને મારી નાંખવો હોય તો મારી નાંખ અને અજાણ્યા વ્યક્તિને સત્યાનાશ જાય; એમ બદદુઆ પણ આપે છે. એ બધું અવગણીને પણ અજાણ્યો વ્યક્તિ પોતાનું કામ પતાવી ચાલ્યો જાય છે. પૂજારી પોતાનો બળાપો માતાજીની મૂર્તિ સમક્ષ કાઢતો રહે છે. માતાને ઉદ્દેશીને કહે છે કે,
‘પેલો પાપિયો તારાં ઘરેણાં લઈ ગયો અને  તું જોતી રહી !.....તારાથી એક વેણ ન વદાર્યું ?.....કેમ મૂગી મૂગી લૂંટ સ્હેતી ?....તું કહે આ જગતમાં છે કે નહીં ?...... તું આજે મને ‘હા’ કે ‘ના’નો જવાબ હાજર થઈ નહીં આપે તો મા, મારી જનોઈના સોગંદ છે; હું તારી ચોખટ પર માથે પછાડી પછાડીને મરી જઈશ.” (પૃ.૬૪૮)
જ્યારે પૂજારી માથું પછાડવું શરૂ કરે છે, ત્યારે જ મૂર્તિવત ઊભેલી મા અચાનક બોલી ઊઠે છે,
‘વત્સ, અમે તારી ભક્તિ જોઈ; ન્યોચ્છાવરી જોઈ. આ કળિકાળમાં દીકરો એની સગી જનેતાને ઘરડાં ઘરમાં મૂકી આવતો હોય ત્યારે તે તારા પ્રાણની ચિંતા ન કરી અને તે મને ચડાવેલાં ઘરેણાં, લૂંટારાને તારે હાથે ના ઉતારી આપ્યાં....વત્સ, હું તારા પર પ્રસન્ન છું; માંગ, માંગ તે આપું...?’ (પૃ.૬૪૮)
પૂજારી માતાજીને મંદિરમાં હાજરાહજૂર અહીં હોવાનું વરદાન માંગે છે ને મા ‘તથાસ્તુ’ કહી પૂજારીને પોતાના માટે કંઈક માંગવાનું કહે છે. પૂજારીને કશું સૂઝતું નથી તેથી મા બોલે બંધાય છે અને ભવિષ્યમાં એક વરદાન આપવાનું વચન આપે છે. અહીં, ‘તેરે દ્વાર ખડા એક જોગી...’ ગીત પૂજારી માટે પ્રસ્તુત લાગે અને મા ‘આ તો ફિલ્મી ગીત છે, નહીં ? હિંદી ફિલ્મોમાં આવાં ગીતો પણ હોય’ એમ કહી માનો વર્તમાન તથા વાસ્તવિક જગત સાથેનો વ્યવહારિક સંબંધ જોડી આપે છે. આટલું પૂરતું હોય એમ, મા પાછી ‘પથ્થરવત’ થઈ જાય.
પહેલા અંકના બીજા દૃશ્યમાં સાયંકાળનો સમય છે. મા અંદરથી બૂમો પાડતાં પાડતાં આવે છે. ‘પૂજારી, બેટા, તું ક્યાં છો ?’ પોતાના આંતર સાથે વાર્તાલાપ કરતા મા બબડે છે,
“અરે, આ મંદિર તો ભક્તો વગર મને ખાવા જાય છે. - ન પૂજારી આવ્યો છે, ના કોઈ ભક્તો આવ્યાં છે. એકલાં એકલાં તો બહુ કંટાળો આવે છે(બગાસું ખાય છે)...ક્યારેક ચા, ક્યારેક કૉફી, તો થોડો ચેન્જ રહે- આ તો દૂધ-દહીં-શર્કરાને મધ ને કેળાવાળું દ્રાવણ જ અમને ધરાવવામાં આવે છે અને પાછાં એને પંચામૃત કહે છે- એલા, દહીં-દૂધ ભેગાં કરાતાં હશે ?” (પૃ.૬૪૯)
આ અંત: વાર્તાલાપ વચ્ચે પતિ-પત્ની ઝઘડતાં-ઝઘડતાં પ્રવેશેને મા પગલાંનો અવાજ સાંભળી ‘મૂર્તિવત’ બની જાય. જોલી અને રાકેશ; પતિ અને પત્ની. જોલીને રાકેશના ચરિત્ર પર શંકા છે. એટલે એ તેને મંદિરમાં માના સોગંદ આપવા લઈ આવી છે. છેલ્લે રાકેશ કહે છે,
“હું રાકેશ ચિમનલાલ પરીખ, મારા પૂરા હોશ હવાસમાં જાહેર કરું છું કે હું ગયા રવિવારે ઓફિસમાં જ ગયો હતો- કોઈ સાથે વેલકમ હોટેલમાં નહોતો ગયો- મા જગદંબાના સો...”(પૃ.૬૫૧)
આટલું બોલતા જ મા પ્રગટ થયાં. રાકેશના કાન પકડે છે ને સંધ્યા સાથે હતો તેનો ખુલાસો કરે છે અને જૂઠું બોલીશ તો બાળી નાંખવાની સુચના આપે છે. બીજી તરફ આ સાંભળી જોલી હિબકે ચડે છે અને રાકેશ સાથે છૂટાછેડા લઇ લેવાની સલાહ આપે છે. અહીં સંવાદ જોઈએ તો,
“જોલી:  મા થઈને તમે દીકરીને આવી સલાહ આપો છો ? મા, પતિ તો પરમેશ્વર કહેવાય-
મા:      અરે, તમારા જેવી સન્નારીઓએ જ આ પુરુષોને ફટવ્યા છે ! પતિ પરમેશ્વર શેનો?
પુરુષ માત્ર-પામર થવાને પાત્ર-”(પૃ.૬૫૧,૬૫૨)
માના આ પ્રકારના નારીવાદી વિચારથી જોલી અવાચક છે; પરંતુ, પતિ- પરમેશ્વરને છોડવા તૈયાર નથી. રાકેશ તક જોઈને ત્યાંથી સરકે છે. તેને રસ્તામાં પૂજારી, રાકેશને માતાના દર્શન કર્યા ? એમ પૂછે છે ત્યારે,
“રાકેશ: અરે પૂજારી, આ તમારી માએ તો મને મુશ્કેલીમાં મૂકી દીધો- એમને લીધે મારો માળો
વીંખાઈ જશે- એમને કહો કે અહીં હાજરાહજૂર ના રહે....”(પૃ.૬૫૨)
આ પછી કટાક્ષમા હસીને પૂજારી કહે છે, ‘માનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને...’ આ પતિ-પત્નીના સંબંધોમાં વ્યાપી રહેલા દંભને સંવાદો દ્વારા ઉઘાડા પાડવાનું કાર્ય મા કરે છે.
હવે પૂજારી માને પોતાનું સ્થાન ગ્રહણ કરવાનું કહે છે, માને ખૂબ ભૂખ લાગી હોવાથી વિધિ પૂરો થયા પહેલા મા, કેળા તરફ હાથ લંબાવે છે, પૂજારી રોકે છે. ભોગ ધરાવવાનો વિધિ પૂરો થાય, કેળાની છાલ ઉતારે; પણ, કેળું સડેલું. પૂજારી અને મા વચ્ચે સંવાદ,
“મા:     સડેલું ? છી...(કેળું ફેંકે છે) વત્સ, આ મંદિરની આટલી બધી આવક છે ને મને સડેલાં ફળ ધરો છો ? શરમ નથી આવતી ? મારા આરોગ્યનો તો વિચાર કરો-
પૂજારી : મા, કળજગ કોને કહ્યો? મા, હવે કશું જ શુદ્ધ નથી મળતું.
મા:      તો શું અમેરિકામાં સતયુગ ચાલે છે; ત્યાંના ભક્તો તો આવા સડેલાં ફળ ક્યારેય નથી ધરતાં-
આવું ને આવું કરતા રહેશો- તો મારે અહીંથી પ્રયાણ કરવું પડશે.”(પૃ.૬૫૨)
અહીં ભારતની દંભી પ્રજા ઈશ્વર અને માના નામ પર જે દંભનું ચક્ર ચલાવતી રહે છે તેમાંથી ખુદ ઈશ્વર પણ બાકાત નથી. જો ઈશ્વર સાચે જ સાક્ષાતરૂપ લઈ મનુષ્ય બને તો માની થઈ એવી પરિસ્થિતિમાં જરૂર મૂકાઈ જાય, એવો સચોટ અને તીક્ષ્ણ કટાક્ષ નાટ્યકાર અહીં કરે છે.
પહેલા અંકના ત્રીજા દૃશ્યમાં રાત્રિના સમયે હરેશ તાળી સાથે મા સામે નૃત્ય કરતાં કરતાં પ્રવેશી, માનો જયઘોષ કરે છે. આટલી રાત્રિએ મંદિરમાં આવવા બદલ પૂજારી હરેશને પૂછે છે. હરેશ સ્વપ્નમાં માએ મંદિરમાં આવવા કહ્યું એટલે દર્શન કરવા આવ્યો છે, એમ સ્પષ્ટતા કરે છે. પૂજારીને મંદિરથી થોડા સમય માટે દૂર કરવા મૂર્તિવત માતાજીને ધક્કો મારી ગર્ભદ્વાર તરફ ધકેલી દે છે. હરેશ મૂર્તિ ચોરાઈ હોવાનો ઢોંગ રચી પૂજારીને FIR નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ધકેલે છે. હરેશ વ્હિસલ પર ગીત વગાડે છે, ‘મેરા દિલ યહ પુકારે : આ જા;...ત્યાં જ અંદરથી મા હાજરાહજૂર. ત્યાં હરેશનો ભક્તરાજ બનવાનો દંભ પ્રગટ થઈ જાય છે. તે જોઈએ..
“મા:     અત્યારે રાત્રે કેમ આવ્યો હતો?
હરેશ :   મા, તારાં દર્શન કરવાં....
મા :     કોનાં દર્શન- મારાં કે પૂજારીની દિકરીનાં?
હરેશ:    મા, તું તો અંતર્યામી છે-
મા:      હા, અંતર્યામી છું એટલે તો તારું હદય ચોખ્ખે ચોખ્ખું જોઈ શકું છું- તારા હદયમાં મારી
છબી અંકિત છે કે પૂજારીની દીકરીની?
હરેશ:    મા, મા, ક્ષમા કર- હવે હું પ્રેમ નહીં કરું-
મા:      પ્રેમ કર, પણ દંભ કર્યા વગર પ્રેમ કર...”(પૃ.૬૫૬)
અહીં પ્રેમ કરનાર; પરંતુ, સમાજના દંભ ભર્યા વ્યવહારનું સંવાદો દ્વારા સુંદર સંદેશ માના મુખે પાઠવવામાં આવ્યો છે. બીજા અંકના પહેલા દૃશ્યમાં મંદિરમાં પ્રાત:કાળના સમય છે. મા અન્યમનસ્ક અવસ્થામાં મંદિરમાં આંટાં મારતાં વિચારે છે,
“આ હું કેવા યમનિયમમાં ફસાઈ ગઈ છું? સવાર સાંજ ભક્તોને દર્શન આપવાનો બહુ કંટાળો આવે છે- દરેક જણને મારી પાસે કૈંક ને કૈંક જોઈતું જ હોય છે- કોઈ વિના સ્વાર્થ મારી પાસે આવતું જ નથી....અંબે, આમ ઝટ ઝટ શું પ્રસન્ન થઇ જવાનું- જેના તેના પર? સાચે જ પ્રસન્નતાનું પ્રાગટ્ય આપણને દુઃખમાં જ ધકેલે...મનુષ્યને તો કષ્ટમાંથી અને દેવદેવીઓ પણ ઉગારીએ- પણ, અમને આ વિપત્તિમાંથી કોણ ઉગારે?....”(પૃ. ૬૫૭, ૬૫૮)
હવે મંદિરમાં પ્રવેશ થાય છે, નેતા અને તેની સાથેના ટોળાનો નેતા; ટોળાએ નેતાનો જયઘોષ બોલાવ્યો તે બદલ માની માફી માંગી ‘જગની જનની ની જય’નો જયઘોષ કરે છે. ટોળું તેને અનુસરે છે. મા કરુણતાનો અવતાર છે. માને સાષ્ટાંગ દંડવત્ કરીને,
“નેતા:   હે મા ! બહુ આશાઓ લઈ બહુ અરમાન લઈ તારે દરબાર આવ્યો છું, મા ! મારી લગામ તારે હાથ, કેવળ તારે હાથ.
મા:      (પ્રગટ થઈને) જૂઠું બોલે છે?....તારી નાડ તો પ્રજાના હાથમાં છે, પ્રજાના. એને રીઝવ.
નેતા:    હેં હેં હેં ! પણ પ્રજા તારા હાથમાં છે ને ! મા આ વખતે હું ચૂંટાઈશ અને પાછો પ્રધાન થઈશ તો તારા આ મંદિરના જિર્ણોદ્ધાર કરીશ મા !” (પૃ.૬૫૯)
આમ, માને લાંચ આપવાની કોશીશ કરે છે. મા કહે છે, તેના પૈસે જિર્ણોદ્ધાર કરશે? સરકારના, પ્રજાના, કાળા નાણાં. આ નાણાં નહીં ચાલે મહેનતના પૈસાથી જિર્ણોદ્ધાર કરો. નેતા કહે છે કે, ‘મારી પાસે બીજા પૈસા તો ક્યાં છે ?’ ત્યારે મા ક્રોધે ભરાઈને કહે છે કે,
મા:      રાજકારણનો ધંધો તો કરે છે ને ? જા, હું તને નહીં વરદાન આપું તારો ઘોર પરાજય થશે.
તું હતો ન હતો થઈ જઈશ.(પૃ.૬૫૯)
આ માના ઉદ્દગાર સાંભળી નેતાજી પોતાનો રંગ બદલે છે ને ટોળું ઉશ્કેરાઈ બોલે છે,
‘આ કોણ બાઇ છે? અમારા નેતાને કેમ ખખડાવે છે અને તમે સાંભળી લો છે’ (પૃ.૬૫૯)
મા બધાને તેમના કુકર્મો ઉઘાડા પાડવાની ચેતાવણી આપે છે ત્યારે નેતાનો સંવાદ આજના વાસ્તવિક પરિપ્રેક્ષ્યમાં ખૂબ જ બંધબેસતો અને માનવીના દંભ અને ઉપરછલ્લી લાગણી અને ભક્તિની હાંસી ઉડાવવા લાગે છે.
“નેતા:   તારા પૂજારીને કહેલું કે તું અહીં હાજરાહજૂર છે એટલે જ તારી પાસે આવ્યો હતો. એટલે તમે તો માતાજી, સાતમે આસમાને બેસી ગયા ને કંઈ? એઈ મા, સાંભળ- મારો ભારત દેશ મહાન છે- અહીં તારા જેવાં તેત્રીસ કરોડ દેવીદેવતા છે સમજી? કહેનારે કહ્યું છે ને સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. તું દેવી ખરી પણ, સ્ત્રી તો ખરીને- હું જાઉં છું અને કહેતો જાઉં છું કે તું ભક્તો સાથે આવું તે આવું વર્તીશ ને તો આખી જિંદગી આ મુઠ્ઠી જેવડા મંદિરમાં પડયા રહેવું પડશે, શું?” (પૃ.૬૬૦)
આમ, આજના ભારત દેશમાં આ પ્રકારના નેતા અને ટોળા સમયે સમયે નહીં પણ દરેક સમયે સમાચાર, જાહેર જીવન અને આપણી આસપાસના સમાજમાં દેખાતા જ રહે છે. આ રીતે આ સમયમાં આ નાટક પ્રસ્તુત છે.
બીજા અંકના ત્રીજા દૃશ્યમાં સ્થળ એમનું એમ જ રહે પણ ભજવણીના પાત્રો બદલાય. પાત્રમાં આવે રંગલો-રંગલી. રંગલો અને રંગલી પોતાની મીઠાસ ભરી કાવ્યાત્મક વાણીથી માને રીઝવવાની કોશિશ કરે ત્યારે કહે,
“રંગલી: કહે રંગલો, ભક્તિભાવે
શીશ નમાવી એમ;
સતનો છું સંગાથી
એથી અઢળક દેજે પ્રેમ
તાક્ થૈયા થૈયા તાક્ થૈ...”(પૃ.૬૬૦)
રંગલા-રંગલીના ‘સતનો છું સંગથી’ શબ્દ પર મા પ્રગટ થઈને પૂછે, ‘તું આખી જિંદગી સાચું જ બોલ્યો છે?’ મા રંગલા-રંગલીના જૂઠ્ઠાણા હાજરાહજૂર થઈને ઉઘાડા પાડે. દિલ્હી દરબારમાં મસકા મારીને પદ્મશ્રી મેળવ્યો. આ બધી વિગતો કહેતાની સાથે રંગલી, રંગલાને કહે છે,
‘માતાજીની જેમ ઊભી ઊભી તને ગાળો દે છે ને તું ચૂપ મુઓ છે?’
આ સાંભળી મા તરત જ રંગલીને કહે,
‘કહી દઉં તારી એબ, રંગલી.....અહીં નહીં આવીને તે કોની રાત રઢિયાળી કરી હતી....’(પૃ.૬૬૧)
આ સાંભળી રંગલી ‘અંબે માત કી જય’નો જયઘોષ કરતી પાછી રંગલી માને સલાહ આપતી જાય,
‘મા, તું આ થાનકમાં હાજરાહજૂર ? રહીશ તો કોણ આવશે તારે દ્વારે? મા, તું આરાસુર પાછી જા- નહિતર મંદિરનું મહાત્મ્ય ઘટશે.’(પૃ.૬૬૨)
આ સાંભળી મા દ્વિધામાં મૂકાઇ જાય ‘ટુ બી ઓર નોટ ટુ બી ઈન ધીસ ટેમ્પલ? ઇટ્સ એ ક્વેશ્ચન’- આ સંવાદ દ્વારા સમજાય છે કે પથ્થરની બનેલી મૂર્તિઓ આપણા દંભી સમાજમાં કેમ આટલી પૂજાય છે? આ સંવાદ દ્વારા લેખક માના મુખેથી બોલતા જણાય છે અને આ નાટકીય ઢબ-પ્રયુક્તિ નાટકને વર્તમાનકાળ સાથે તથા આધુનિક તત્કાલિન સમાજ સાથે સુંદર જોડાતો અનુભવાય છે.
નાટકના છેલ્લા દૃશ્યમાં પૂજારી ઝડપથી(સ્પિડમાં), વચલી બધી આરતીની કડીઓ ગુપચાવીને આરતી પૂરી કરે છે. મા, પૂજારીને પૂછે આ આરતી તુ કોના માટે કરે છે? મને પ્રસન્ન કરવા કે લોકો માટે....અને પછી પૂજારીને કહે છે કે,
“મા:     ઘણા દિવસથી હું જોઉં છું કે મંદિરમાં હવે કોઈની આવ-જા રહેતી નથી.....કેમ આમ થયું?
પૂજારી: મા, મનેય એ સમજાતું નથી કે આમ કેમ થઈ રહ્યું છે? આવું લાંબો વખત ચાલશે તો, મા, આપણે દરિદ્ર થઈ જઈશું- ભક્તો વગર પાઈ પૈસા કોણ નાંખે?
મા:      પણ, એ બધા કેમ આવતા નથી?
પૂજારી: દૈ જાણે મને તો એમ હતું કે તું હાજરાહજૂર થઈશ એટલે આ મંદિરની બોલબાલા થશે-”(પૃ. ૬૬૨, ૬૬૩)
અહીં નાટકની શરૂઆતમાં પૂજારીનું માના હાજરાહજૂર થવાનું ખરું કારણ ઉજાગર થાય છે. પૂજારીએ આ વરદાન પોતાના માટે જ માગ્યું હતું. મા સ્થાનકમાં હાજરાહજૂર થાય અને મંદિરની પ્રસિદ્ધિ થાય અને પછી મંદિરની આવક વધે એટલે પૂજારીની તો સ્વાભાવિક રીતે જ વધવાની પૂજારી સ્પષ્ટતા કરતા પૃથ્વીલોકના માનવવ્યવહારમાં વ્યાપેલા દંભને ઉઘાડા પાડતા માની જરૂર અહીં નથી એમ કહે છે.
ત્યારબાદ બહારથી ટોળાનો અવાજ સંભળાય અને રાકેશ, રંગલી જેવા માની સચ્ચાઈનો ભોગ બનેલા બધા ભેગાં થઈ મંદિર આંગણે આવી સૂત્રોચ્ચાર કરે છે.
“રાકેશ: આવી માતા ના જોઈએ, ના જોઈએ.
રંગલી: હાજરાહજૂર મા ના જોઈએ, ના જોઈએ....
રાકેશ:   સજીવન છે તો
રંગલી:  પથ્થર થા....”(પૃ.૬૬૩)
પૂજારી આખા ટોળાને શાંત કરવા તેમજ માનો મહિમા સમજાવવા થાય છે; પરંતુ, લોહીલુહાણ થઈ માના પગે ઉડી જાય છે અને છેલ્લે,
“પૂજારી: મા, તે કહેલું ને હું માંગીશ તે આપીશ?
મા, તું પુનઃપથ્થરવત થઈ જા.”(પૃ.૬૬૪)
આમ, મા પાછી પથ્થરવત એટલે કે જડ બની જાય છે. આજના સમાજમાં કે જગતમાં લોકો મોટે ભાગે જડ-મડદા જેવાં બની ચૂક્યાં છે. જેને જગતમાં વ્યાપત બદીઓ જોઈ તો શકે છે; પરંતુ, આંખ આડા કાન કરી, પથ્થરવત બની ચૂપ રહે છે. આપણા ગુજરાતીમાં કહેવત છે કે, ‘નમે તે સૌને ગમે’ પણ ‘ન બોલે તે પણ સૌને ગમે’ એમ આ નાટક પાત્ર-પ્રસંગના ઉદાહરણો દ્વારા સચોટ રીતે સાબિત કરી બતાવે છે. આ દંભીપણાના ચક્રવ્યૂહમાંથી ખૂદ ઈશ્વર પણ બાકાત નથી. જગતમાં કે આ પૃથ્વીલોક પર નિર્જિવ વસ્તુઓની બોલબાલા છે. પથ્થર પૂજાય છે અને જીવતા લોકોએ અપમાનનો ભોગ બનવો પડે છે.
આખા નાટકમાં સ્થળ બદલાતું ન હોવાને કારણે દિગ્દર્શકે ઝાઝી સ્થળની વ્યવસ્થા કરવાની રહેતી નથી. કાળના એટલે કે સમયને દર્શાવવા માટે પ્રકાશ આયોજનનો ઘણો અવકાશ રહેલો છે. નાટકમાં પાત્રો ઝાઝા છે; પરંતુ, મુખ્ય પાત્રો તો પૂજારી અને સાક્ષાત મા જ છે. બીજા પાત્રો વેશભૂષાના વૈવિધ્ય દ્વારા ચહેરા એક રાખી મહોરા બદલી શકાય તેવા છે અને બેકગ્રાઉન્ડમાં અવાજનું(સાઉન્ડ ઈફેક્ટ) સુંદર આયોજન ઘણી રીતે નાટકને ઉપર્યુક્ત નીવડે તેવું બની શકે.
આમ, માનવવ્યવહારના જડવત કે પથ્થરવત પાસાંને વિવિધ વાઘા પહેરાવી વર્તમાનમાં પૃથ્વીવાસીઓમાં વસતા દંભને ખુલ્લો પાડવાનું કાર્ય નાટ્યકારની કલમે અચૂક કર્યું છે.

*(સંદર્ભગ્રંથ)    નાટ્યાવલિ :    ચિનુ મોદી
-હેતલ ગાંધી

No comments:

Post a Comment