Wednesday, 7 March 2018

‘શ્રાવણી મધ્યાહ્ને’માં કવિભાવ અને છંદનું સાયુજ્ય


આપના વ્યવહાર વાણીના શબ્દો હંમેશા અર્થયુક્ત જ હોય છે. આ શબ્દોમાં અર્થધ્વનિ અને શબ્દધ્વનિનું સુંદર સાયુજ્ય હોય છે. તેમાં પર કાવ્યની વિશેષતા તેનામાં રહેલા લય(શબ્દલય)ને કારણે લોકભોગ્ય અને વિશિષ્ટ બને છે. એક તરફ સંગીત છે ને બીજી તરફ ગદ્ય, એમ બંને છેડાના બિંદુઓની વચ્ચે છંદ:શાસ્ત્રનું ઝરણું વહેતું અનુભવાય છે.
        કવિતા નિયતિકૃત નિયમરહિત છે. કવિ પ્રતિભા સ્વભાવથી જ સ્વતંત્ર અને સ્વૈરવિહારી છે. કવિ કે કવિતા બંને કોઈપણ પ્રકારના બંધનના મિજાજ સ્વીકારતા નથી; પરંતુ, કવિતાની ભાત પાડવી હોય કે સંવાદિતા અને સંતુલનની સાથે સૌંદર્ય સર્જવું હોય તો કોઈક પ્રકારની શિસ્ત જરૂરી હોય છે. આ છંદ એ શિસ્ત છે. છંદ દ્વારા કાવ્યની ભાષામાં જે વ્યવસ્થા છે, લઘુગુરુની શ્રુતિવ્યવસ્થા છે, તેમાં કવિ પોતાની ભાવાભિવ્યક્તિને લય અને શબ્દબદ્ધ સૌંદર્ય સાથે આકાર આપવાનો સાધન તરીકે તેનો ઉપયોગ કરે છે. છંદ એ માધ્યમ છે, પદ્ય દ્વારા માણસના ભાવજગતનું ઉત્કટ પણ વિશેષરૂપે કરવા મૂર્તિકરણ માટેનું. કવિતામાં છંદ અનિવાર્ય નથી; પરંતુ, અલૌકિક દિવ્યભાવનાને ઝીલવા માટેની સુંદર મઝાની કટોરી(પાત્ર)ની ભૂમિકા તે અવશ્ય ભજવે છે. સંસ્કૃત સાહિત્યથી ‘ગાયત્રી’, ‘ત્રિષ્ટુભ’, ‘અનુષ્ટુપ’ જેવા વૈદિક છંદો પ્રયોજાતા આવ્યાં છે. રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત, કાલિદાસ, માઘ, ભવભૂતિ, હર્ષ આદિથી માંડીને અનેક મહાકવિઓએ છંદોબદ્ધ રચનાથી કવિતામાં છંદના મહત્વ સ્વીકાર્યું છે. સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ઉતરી આવી છે, મધ્યકાલીન સાહિત્ય મોટેભાગે ગેય પ્રકારનું હોવાથી મહદઅંશે દેશી ઢાળમાં લખાયેલું જોવા મળે છે. અલબત્ત, માત્રામેળ કે અક્ષરમેળ વૃત્તોનો કવચિત્ વિનિયોગ એ યુગની કવિતામાં છૂટોછવાયો નોંધાયો છે ખરો! પરંતુ, અર્વાચીન સાહિત્યમાં નર્મદ-દલપતરામે સંસ્કૃત છંદો ગુજરાતીમાં પ્રચલિત કર્યા. આમ, છતાં એ નોંધવું યોગ્ય છે કે, ‘નર્મદથી જ કવિતામાં, ‘બ્લેન્કવર્સ’ જેવા અંગ્રેજી છંદના વિકલ્પની શોધ શરૂ થઈ હતી.’ નર્મદે પોતાના ‘epic’ માટે વીરવૃત્ત યોજ્યો, નવલરામે મેઘ છંદ, ન્હાનાલાલે ડોલનશૈલી, બ.ક. ઠાકોરે પૃથ્વી, કે. હ. ધ્રુવે વનવેલી, ખબરદારનો મુક્તધારા વગેરે છંદ પ્રયોજીને પરંપરાગત છંદથી ઉફરા ચાલી નવા છંદ રચવાની, તેને પ્રચલિત કરવાની અને અંતે સમયાંતરે છંદમુક્તિની મથામણોના અનેક તબક્કાઓમાં પસાર થઈ અછાંદસ સુધી, આ ગુજરાતી સાહિત્યમાં પ્રયોજાતા છંદની યાત્રા પહોંચી છે. કંઈક આગળ વધીને કહું તો, ભારતીય સાહિત્યમાં છંદ અભિવ્યક્તિ વ્યાસ-વાલ્મીકિથી માંડીને ટાગોર, ઉમાશંકર જોષી, સુરેશ જોષી સુધી વિસ્તરી; તો, અંગ્રેજીમાં તે શેક્સપીઅર, મિલ્ટન વગેરેની છંદોબદ્ધ કૃતિઓમાં સફળ અભિવ્યક્તિએ જગત આખાને પદ્ય સાહિત્યનો સમૃદ્ધ વારસો પિરસ્યો.
        કાવ્યમાં પ્રત્યેક પંક્તિનો પોતાનો લય હોય છે. આ લય સમુદ્ર કિનારે અવિરત ઉદ્ભવતા-અથડાતા મોજાંની ગતિ સાથે સામ્યતા ધરાવે છે. એક જ કવિના કાવ્યો, કે પછી એક જ કવિના એક જ કાવ્યમાં પ્રયોજાતા જુદાં જુદાં છંદ અથવા એક જ છંદ પણ જુદી જુદી પંક્તિઓમાં લયનો જુદો જ કેફ અનુભવે છે. એ કારણે છંદ શિસ્તબદ્ધ હોવા છતાં અને મર્યાદિત રૂપબંધ ધરાવતું હોવા છતાં તેમાં યાંત્રિકતા પણ આવતી નથી અને દરેક વખતે રચનાર કવિ અને તેને માણનાર ભાવકને પણ પ્રથમ લયરૂપે જ પ્રગટે છે. આજ અનુભૂતિ દર્શાવે છે કે, છંદ એ કાવ્યનો જડ અંશ નથી; પરંતુ, કાવ્યરૂપી અખંડ પિંડનો એક જીવંત અંશ છે. કવિના ચિત્તમાં ઉદભવતી ભાવનાની ભરતીને લયરૂપે છંદોના બીબાંમાં ઢાળી સહજ અને સ્વભાવિક ભાવવિશ્વ રચે છે.
        વૈદિક છંદોને અક્ષરમેળ કે અક્ષરબંધ કે રૂપમેળ છંદો કહેવામાં આવે છે. આ છંદોની પ્રત્યેક પંક્તિમાં અમુક અક્ષરોની સંખ્યાવાળી હોય છે, એમાં પ્રત્યેક પંક્તિની અક્ષરસંખ્યા નક્કી કરેલી હોય છે; પરંતુ, તેમાં પ્રત્યેક અક્ષરનું સ્થાન નિશ્ચિત હોતું નથી. વેદનો ગાયત્રી છંદ આ પ્રકારમાં ગણાય છે, જેમાં દરેક ચરણમાં આઠ અક્ષર હોય છે. આ પ્રકારના છંદોમાં ચરણ, વર્ણો, ગણની સંખ્યા નિયત થયા મુજબની જ હોય છે. ‘અનુષ્ટુપ’ જેવા છંદમાં, પંક્તિના પહેલા ચાર અક્ષરનું સ્થાન નક્કી હોતું નથી. જ્યારે મંદાક્રાંતા, શિખરિણી, વસંતતિલકા, હરિણી, સ્ત્રગ્ધરા જેવા રૂપમેળ છંદોમાં પ્રત્યેક વર્ણનું લઘુ ગુરુ સ્થાન નક્કી હોય છે. રૂપમેળ છંદ ઘટ્ટ, પ્રોઢ અને વિકટ છે, તેમાં સંવાદનું સાતત્ય મુખ્ય છે.
        છંદોનું બંધારણ માત્રાની ગણતરી પર આધાર રાખે તો તેવા છંદો માત્રામેળ છંદ તરીકે ઓળખાય છે. તેમાં નિયત કરી હોય તેટલી માત્રાઓનો સરવાળો એક પંક્તિમાં થવો જોઈએ, પછી તેમાં અક્ષરો ગમે તેટલા આવે. લઘુની એક માત્રા અને ગુરુની બે માત્રા ગણાય. લઘુનો ઉચ્ચાર કરતા ઓછો સમય લાગે, જ્યારે ગુરુનો ઉચ્ચાર કરતા બમણો સમય લાગે; તે રીતે માત્રાઓની ગણતરી કરવામાં આવે છે. આ છંદમાં કટાવ, હરિગીત, ઝૂલણા, ચોપાઈ વગેરે છંદનો સમાવેશ થાય છે. માત્રામેળ છંદમાં ચરણાન્ત પ્રાસ છંદનું અંગ છે. આ છંદોમાં પંક્તિનો અંત પ્રાસ દ્વારા દર્શાવી શકાય છે. માત્રામેળ છંદ મૃદુ, સારો અને સરળ છે, લવચીત છે. તેમાં તાલ એ મુખ્ય છે. તેથી જ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ઘણી ખરી પદ્ય રચનાઓ આ છંદમાં રચાય હોય એમ બને.
સંખ્યામેળ છંદમાં અક્ષરમેળ છંદની જેમ પણ દરેક પંક્તિમાં નિયત કરેલી અક્ષરોની સંખ્યા હોય છે; પરંતુ, પંક્તિમાં કોઈ પણ અક્ષરનું લઘુ કે ગુરુનું સ્થાન નિશ્ચિત હોતું નથી. અહીં ચતુરક્ષર સંધિ એટલે કે ચાર અક્ષરની બનેલી સંધિનું આવર્તન થાય છે. આ ચાર અક્ષરનું જૂથ(સંધિ) ગુરુ કે લઘુનું પણ હોઈ શકે. મનહર, ધનાક્ષરી, વનવેલી જેવા છંદોમાં માત્ર અક્ષરોની સંખ્યા નક્કી હોય છે; એ સિવાય લઘુ-ગુરુ છંદ વગેરેનું બંધન હોતું નથી. સંખ્યામેળ છંદોમાં મનહર છંદ દલપતરામથી માંડીને આજ દિન સુધી ખૂબ પ્રયોજાતો આવ્યો છે. મુક્ત પદ્ય તરીકે મનહરનો આપણી કવિતામાં બહોળો વિનિયોગ થયો છે.
        આ ઉપરાંત લયમેળ છંદ એ છંદનો એક પ્રકાર છે; જેમાં સંગીતપ્રધાન હોઈ, તેને લયવિલંબ અને પિંગલના પ્રદેશને બદલે સંગીતની સરહદમાં લઈ જાય છે. આપણા મધ્યકાળના સાહિત્યમાં સર્જાયેલાં પદો-દેશીઓ તથા આપણાં ગીતો આ લયમેળ રચનાઓમાં છે; જેમાં વિવિધ ઢાળનો ઉપયોગ ઉલ્લેખનીય છે. લયમેળ છંદમાં સંગીતનું પ્રાધાન્ય હોવાથી સ્વરને લંબાવીને બોલવાનો હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, ‘મુખડાની માયા લાગી’ એ પદમાં ‘મુખ-ડાની’માંના ‘ખ’ને લંબાવીને બોલવાનો હોવાથી એકને બદલે બે માત્રા ગણવી પડે છે અને એ રીતે નક્કી કરેલી માત્રાનાં આવર્તન થતાં હોય છે.
        અક્ષરમેળ અથવા રૂપમેળ છંદનો પરિચય મેળવ્યા પછી તેમાંના ૧૪ અક્ષરના વસંતતિલકા છંદ વિશે જોઈએ તો, આ છંદનું સ્વરૂપ લોમવિલોમ રચનાવાળું છે. તેમાં ‘ત, ભ, જ, જ+ગા’ એમ ગણ વ્યવસ્થા છે. તેમાં પહેલાં ૬ અક્ષરોનું અને ચરણને અંતે ઊંધેથી વાંચતા છેલ્લા ૬ અક્ષરોનું સ્વરૂપ સરખું છે અને બંનેની વચ્ચે ‘લગા’ છે. આ છંદનું લગાત્મક જોઈએ તો,
‘ગાગાલગા લલલગા લલગા લગાગા’
બંધારણ : _ _ U _  UUU_  UU_  U_ _
ખરેખર, વસંતતિલકા છંદ ઇન્દ્રવજ્રા છંદનો જ વિસ્તાર છે. ઇન્દ્રવજ્રાનો પાંચમો અક્ષર ગુરુ છે, તેમાં ત્રણ લઘુ અક્ષરો મુકવાથી વસંતતિલકા છંદ બને છે. આ છંદમાં સંધિઓની આવૃત્તિ થતી નથી; એટલે કે, એકનો એક સંધિ બીજીવાર આવતો નથી. આ છંદમાં આઠમા અક્ષરે યતિ આવે છે.
        ગુજરાતી સાહિત્યમાં કવિ રાજેન્દ્ર શાહના સર્જનથી કોણ પરિચિત ન હોય ! તેમનો ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહ અત્યંત પ્રસિદ્ધ છે. તેમની ગીત, સનેટ અને છંદોબદ્ધ કાવ્યો પરની પકડ સારી એવી છે, જેનો સાક્ષી આ સંગ્રહ છે. આ સંગ્રહની એક ઉત્તમ પ્રકૃતિ કવિતા ‘શ્રાવણી મધ્યાહ્ને’ વિશે અહીં આલેખ છે.
        ‘શ્રાવણી મધ્યાહ્ને’ કવિની સિદ્ધ-પ્રસિદ્ધ કૃતિ છે. પોતાના વતન કપડવંજથી, નજીકમાં આવેલા, ઉત્કંઠેશ્વર મહાદેવના સ્થળ વચ્ચેનો પ્રવાસ એમણે ઘણીવાર ખેડ્યો છે. આ પ્રવાસપથ તેમના લોહીમાં ભળી ગયો છે, અને પ્રવાસાનુભૂતિ કાવ્યરૂપે અવતરણ પામી છે. આ સુંદર પ્રકૃતિકાવ્યમાં એક શ્રાવણી મધ્યાહ્ને કવિ ફરવા નીકળ્યા છે અને જે પ્રકૃતિના દૃશ્યો તેમની આંખે જોયા તે વસંતતિલકા છંદમાં ઢળાયને અવતરણ પામ્યાં છે. ઉમાશંકર જોશી કહે છે તેમ, ‘પ્રકૃતિના, ખાસ કરીને ગ્રામજીવન-કૃષિ જીવનને વીંટળાયેલી પ્રકૃતિના વર્ણનમાં રાજેન્દ્રની જે આગવી કવિત્વશક્તિ ખીલે છે તે ગુજરાતી કવિતામાં આવકારપાત્ર વસ્તુ છે.’
‘શ્રાવણી મધ્યાહ્ને’માં પહેલી છ પંક્તિમાં કવિ, મધ્યાહનની અલસવેળાને, વિવિધ પ્રતીક-કલ્પન દ્વારા ઇન્દ્રિયસંવેદ્ય બનાવે છે.
‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાન્ત
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ
ને શ્રાવણી જલનું વર્ષણ તે ય કલાન્ત,
ફોરાં ઝરે દ્રુમથી રહૈ રહી એક એક.’
કાવ્યનો આરંભ શ્રાવણની અસલ ધીમી મધ્યાહ્નની વેળાના વર્ણનથી થાય છે. એમાં વસંતતિલકા છંદની એવી જ ધીરગંભીર ચાલ ઉપકારક બની છે. પ્રથમ પંક્તિમાં ‘વેળ’ શબ્દમાં ‘વે’ પાસેનો યતિભંગ કાવ્યપઠન વખતે સતેજ ભાવક પાસે એ ‘વે...ળ’ એવા પઠન દ્વારા ‘વેળ’ની અસલતાની અનુભૂતિ કરાવે છે, અને પછીની પંક્તિમાં કલ્પન કરતા કવિ ‘ધીરે ધીરે લસતી ગોકળ ગાય જેમ’ આ દ્વારા મધ્યાહ્નને હૂબહૂ પ્રત્યક્ષ કરી આપે છે. પછી સમગ્ર કાવ્યમાં પ્રથમ પંક્તિમાં આવતા વિશેષણ ‘પ્રશાંત’નો વિવિધ તબક્કે કવિ અનુભવ કરાવતા રહે છે. આ વિશે નિરંજન ભગત યોગ્ય જ કહે છે કે, ‘અસલતા અને પ્રશાંતિ માત્ર મધ્યાહ્નની વેળાની નહીં ક્ષણે ક્ષણમાં જ નહીં, પણ ગામથી તે શંભુના સદન લગી સર્વત્ર અણુએ અણુમાં વ્યાપી વળ્યાં છે.. બીજી પંક્તિમાં ‘ગોકળગાય’ની ઉપમાથી આ અલસતા અને પ્રશાંતિ કેવા પ્રત્યક્ષ થાય છે, ‘ધીરે’ શબ્દના પુનરાવર્તન અને ગોકળગાય શબ્દમાં ગોકળગાય એમ વચમાં અલ્પવિરામ લેવો જ પડે એવા સ્થાને એની યોજનાને કારણે આ અલસતા અને પ્રશાંતિ છંદના લય દ્વારા પણ પ્રત્યક્ષ થાય છે.’
શ્રાવણની વર્ષાના ઝરમરમાં અલસતા, પ્રશાંતિ જ નહીં કાલાન્તિ પણ પ્રગટ થાય છે. વૃક્ષો પરથી ફોરાં ‘રહૈ રહી એક એક’ એમ ઝરે છે. આ પંક્તિમાં છંદના અતિવિલંબિત લય દ્વારા પણ અલસતા, પ્રશાંતિ, કાલાન્તિ બરાબર ઉપસે છે. આજ મધ્યાહનની અલસતા અને પ્રશાંતિનો પડઘો કવિ-ઉરે પણ છે:
                ‘જેવું વિલમ્બિત લયે મૃદુ મન્દ ગાન,
તેવું જ મ્હારું સહેજે ઉર સ્પન્દમાન.’
અને પછી પ્રકૃતિનું પામ કરતાં વસંતતિલકા છંદમાં ગામની શાંતિનું ચિત્ર જુઓ:
                        ‘ભારો ઉતારી શિરથી પથને વિસામે
ન્હાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર;’
ગ્રામજન તડકામાં થાકીને માથે ઊંચકેલો ભારો ઉતારી પથમાંના વિસામા પર જરાક વિશ્રામ લે છે તે ચિત્ર દ્વારા આખું નાનું ગામ મધ્યાહ્ને વિશ્રાન્તિ લઈ રહ્યું છે, તેનું સચોટ લયબદ્ધ નિરૂપણ અહીં જોવા મળે છે.
                        ‘સૂતેલ, નેત્રમહી મૌન હતું અપાર.’
ગ્રામજનોનો સમુદાય સવારે અને સાંજે પ્રવૃત્તિમય હોય; પરંતુ, આ પ્રહરની વચ્ચે પ્રવૃત્તિ શાંત બપોરનું ચિત્ર કવિએ ઉપસાવ્યું છે.
                        ‘ઝિલાય તેમ ઝીલતો સહુ સૃષ્ટિરંગ’
આ પંક્તિમાં કવિના ‘નિરુદ્દેશ’ ભ્રમણ અને રચનાનું સ્મરણ થાય છે તો,
                        ‘ભીનો બધો, ક્યહીંક પંકિલ, ક્યાંક છાયો
દુર્વાથી, બેઉ ગમ વાડ થકી દબાયો’
-માં વન્ય પંથનું સ્વાભાવોક્તિયુક્ત વર્ણન શબ્દચિત્રિત થાય છે. પ્રવાસમાં આગળ વધતાં એ પ્રશાંતિ અને અલસતાની ઝાંખી કરાવતું બીજું ચિત્ર નજરે પડે છે:
                        ‘ત્યાં પંકમાંહિ મહિષીધણ સુસ્ત બેઠું
દાદૂર જેની પીઠપે રમતાં નિરાંતે.’
ગહન વ્યોમના ઊંડાણને ઝીલતું નાનું તળાવ પોતાની જાતમાં પરિતૃત્પ છે, ત્યાં અનંત યુગથી શંભુનું મંદિર, પીપળાની નજીક શોભતું ધ્યાનમગ્ન અવસ્થામાં ઊભું છે:
                        ‘એને કશું શિખર-શીર્ષ સલીલ-શ્યામ !
જેની લટોની મહિ જાહ્નવીનો વિરામ’
આવી પ્રગાઢ શાંતિ વચ્ચે મંદિરમાં પ્રવેશ કરી કવિનું મન ઘંટ વગાડવાની પણ ના પાડે છે. સૃષ્ટિના શાંતરમણાને એ ઘંટરાવથી ખંડિત કરવા માંગતા નથી. પ્રકૃતિ સાથે તાલ મિલાવતું કવિસ્પંદન અહીં ધ્વનિત થાય છે :
                        ‘ઘણ્ટારવે યદ્યપિ ના રણકાર કીધો,
ને તો ય તે અમલ ગુંજનનો શું પીધો !’
આ પ્રગાઢ શાંતિના પ્રભાવનું ચિત્ર ઉત્કૃષ્ટ રીતે ચિત્રિત થયું છે. કવિચિત્તની સ્થિતિને, નિર્લેપ છતાંય સ્પંદનની તીવ્રતાને પ્રકૃતિમાં સાહજિક રીતે અહીં વર્ણવે છે:
                        ‘કર્તવ્ય કોઈ અવશેષમહીં રહ્યું ના
તેવું નચિન્ત મન મ્હારું ન હર્ષ શોક;
ના સ્વપ્ન કોઈ હતું નણ મહી વસ્યું, વા
વીતેલ ત્હેની સ્મૃતિનો પણ ડંખ કોક :
મ્હારે ગમા અણગમાશું હતું કશું ના,
ઘોંઘાટહીન પણ ઘાટ હતા ન સૂના.’
કવિ અહીં પોતાની મનોદશા અને સંતોષયુક્ત પરિતૃપ્તિ તથા જીવનસ્પર્શી વિચારોને શબ્દબદ્ધ કરે છે અને આ સૌંદર્યથી જ પરમ આનંદને પામી શકાય. અહીં, કલાકારની તટસ્થતા છતી થાય છે.
        કાવ્યના અંતમાં છેલ્લે કવિ ‘શ્રાવણી મધ્યાહ્ને’ અનુભવેલા સૌંદર્યમાં અનાયસે એને સંસાર સમસ્તના શિવના-કલ્યાણતત્વના નિવાસસ્થાનમાં દર્શન થાય છે, કવિ નિરૂપે છે કે ઋષભ-નંદિની પાસે ટેકો દઈને બેસતાં જ, રોમ રોમમાં શીતળ હવાનો સ્પર્શ અનુભવાય છે. કવિ હિમોજ્જવલ શ્વેત માનસરોવરના જલની અનુભૂતિ કરે છે. નીલ વ્યોમમાં, ચંદ્રમૌલિની કૌમુદીનો અનુભવ કરે છે. કૈલાસનાં પુનિત દર્શન કરતા, જીવનના ધન્ય પર્વનો અહેસાસ કરે છે. આમ, દિવાસ્વપ્નમાં સરી જતાં, તેઓ જે આંતરિક પ્રશાંતિનો વિરલ અનુભવ કરે છે તે જાગૃતિ, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા-એમ ચાર અવસ્થામાંથી પસાર થઈ ચોથી અવસ્થામાં પહોંચતાં જ કવિના મનના સમસ્ત ભેદ્યતાનો નાશ થઈ, બ્રહ્મતત્વની એકતાનો અનુભવ કરે છે:
                        ‘કૈલાસનાં પુનિત દર્શન....ધન્ય પર્વ;
ના સ્વપ્ન જાગ્રતિ, તુરીય ન, તો ય સર્વ.’
આ અમૂર્તને મૂર્ત કરી આપવાના કવિ કીમિયાની સાક્ષી પૂરતી ઉત્તમ કલાત્મક પંક્તિ છે. આમ, આ એક જ કાવ્ય રાજેન્દ્ર શાહની કવિત્વશક્તિનો સર્વતોમુખી પરિચય કરાવવા પૂરતું છે.
        વસંતતિલકા છંદના લલિતગંભીર લય ઉપરનો કાબૂ તથા વર્ણનશક્તિનું કવિનું વિરલ સામર્થ્ય આ કાવ્યને કવિની એક ઉત્તમ પ્રસાદી તરીકે પ્રસ્તુત કરે છે. કવિએ અહીં ગામથી મંદિર સુધીના માર્ગમાં ચોપાસના સૌંદર્યને પંચેન્દ્રિયોથી ગ્રહણ કર્યાની પ્રતીતિ આ કાવ્ય કરાવે છે. કવિની શબ્દશક્તિ, એવા ઈન્દ્રિયગ્રાહ્ય અનુભવોને સાકાર કરવાનું અદ્દભુત સામર્થ્ય ધરાવે છે. અહીં ‘અલસ’, ‘વિલમ્બિત’, ‘વિસામે’, ‘ન ચિન્તુ મન’, ‘નીરવતામહીં’, ‘સુસ્ત’, ‘નિરાંતે’, ‘વિરામ’ જેવા શબ્દનો સાથ આખા કાવ્યમાં એક પ્રકારની શાંતિ, પરિતૃપ્તિનો અહેસાસ કરાવતો રહે છે, જે વસંતતિલકા છંદની પ્રકૃતિ અને લયને યથાયોગ્ય બંધબેસતો અનુભવાય છે. આખું કાવ્ય ગામ રૂપી સંસારથી શરૂ કરી, આખી યાત્રા અંતે શિવત્વમાં વિલીન થાય છે, જે ધીર ગંભીર શૈલીમાં ‘બ્રહ્માંડીય સત્ય’ને વસંતતિલકા છંદના બીબાંમાં ઢાળી પ્રસ્તુત કરી આપે છે.
        રાજેન્દ્ર શાહનું છંદપ્રભુત્વ અને એમની છંદસૂઝ પણ દાદ માંગી લે તેવા છે. છંદ પાસેથી કવિ કેવું અર્થપોષક કે ભાવપોષક કામ છે તેનું ઉપર્યુક્ત ઉદાહરણ ‘શ્રાવણી મધ્યાહ્ને’ કાવ્ય છે જ. તેમની કવિતાનો અભિવ્યક્તિપક્ષ અને સભાનતા તેમની સર્જકતાના દ્યોતક છે. બાનીનું સૌંદર્ય અને છંદોબદ્ધ કાવ્યમાં છંદોનો છાક અને સફાઈ તેમના વૈભવની ઝાંખી કરાવે છે.
        છંદ જો કવિતામાં પ્રવેશે તો તે કવિતાનાં અંગ બનીને નહીં પણ અંગભૂત બનીને રહે તથા કવિની સંવેદનાનો એક અંશ બની જાય અને આ રીતે પ્રગટે તો કવિતાનો નિખાર રાજેન્દ્ર શાહની ‘શ્રાવણી મધ્યાહ્ને’ કાવ્ય જેવો પ્રત્યક્ષ થાય.
-હેતલ ગાંધી

No comments:

Post a Comment