Wednesday, 7 March 2018

પ્રકૃતિ કવિ જયંત પાઠક : ‘થોડો વગડાનો શ્વાસ’


ભારતીય સાહિત્યના પ્રત્યેક પાને લખાયેલી રચનાઓમાં પ્રકૃતિ નિરૂપણનું સ્થાન હંમેશા અનન્ય અંગ સમુ રહ્યું છે. રામાયણ, મહાભારત, ભાગવત આદિ ગ્રંથોમાં પ્રકૃતિ આલેખન રસાનુભૂતિને સહાયક એવું તત્વ પ્રયુક્તિ તરીકે પ્રાપ્ત થયું છે. આપણા સમગ્ર સાહિત્યમાં વિવિધ ઋતુઓ, વૃક્ષો, ફળ-ફૂલ, નદીઓ, સાગર, સૂર્ય-ચંદ્ર, વનરાઈઓ વગેરે બધા એક પાત્ર તરીકે ક્યાંકને ક્યાંક પોતાનું અસ્તિત્વ જમાવી બેઠા છે. આ નિસર્ગલીલાનું નિરૂપણ ફક્ત સૌંદર્ય માટે નહીં; પરંતુ, કાવ્યના ભાવને પ્રગટ કરવાનું પણ માધ્યમ બન્યું છે.
        ગુજરાતી અનુગાંધીયુગની કવિતા સૌંદર્યલક્ષી સાધના માટે હંમેશા જાણીતી રહી છે. આજ યુગમાં કવિ જયંત પાઠકે નિસર્ગ લીલાનું સૌંદર્ય વિવિધ સ્વરૂપે પ્રગટ કરી વસંત, વર્ષ, ગ્રીષ્મ, ઉનાળો, સંધ્યા, પરોઢ, નદી-વગડો, રણ, વૃક્ષો, ઘાસ એવા વિવધ પ્રકૃતિના તત્વોને પોતાની ચેતના સાથે જોડી દીધા છે.
        જીવનની જંજાળોથી હારેલો-થાકેલો માનવી પ્રકૃતિના ખોળે નવજીવન પ્રાપ્ત કરે છે, જે આ કવિની રચનાઓ પરથી યથાયોગ્ય અનુભવાય છે. આ કવિની કલમને નિખારવાનો ઘણોખરો શ્રેય તેમના આસપાસની પ્રકૃતિ અને પર્યાવરણને જાય છે. વતનપ્રેમના કાવ્યોને નિમિત્તે આલેખાયેલાં પ્રકૃતિચિત્રણમાં કવિએ પ્રકૃતિના રુદ્ર, રમ્ય બંને સ્વરૂપોને કવિતામાં નિરૂપ્યાં છે.
        ‘થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં’ ગીતમાં સંસ્કૃતિ સાથેનું તાદામ્ય જોવા મળે છે. શૈશવકાળે ખૂંદેલા પહાડ, એમના પિંડ સાથે એકાકાર થઈ ગયા છે. છાતીમાં બુલબુલનો માળો છે અને આંગળીઓમાં આદિવાસીનું તીર છે. શ્વાસમાં વગડાનો શ્વાસ ભળ્યાના એકરારમાં કવિ સહજ સંયમ છે, જેથી ક્યાંય પણ અતિશયોક્તિ અનુભવાય નહીં.
        સુરેશ દલાલ કહે છે એમ, ‘થોડો કહીને એમણે સત્ય અને ઔચિત્ય બંને જાળવ્યાં છે. અતિરેકથી કશું વિકૃત થવા દીધું નથી. આખું ‘વનાંચલ’ જાણે કે ગીતમાં ઊતરી ગયું છે.’-એમના જીવનનો સમગ્ર અનુભવ જાણે કે શૈશવમાં જ સ્થિત થાય છે, એવા આ વિષાદના ઝીણા ઝીણા ક્રંદનના કવિના આ ગીતમાં, વનાંચલના કવિની કવિતાનો સુભગ પરિચય મળી રહે છે.
        ‘થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં’- એ ગીત રચનામાં વન અને નગરની સહોપસ્થિતિ અને શિશુકાળના વગડાના સંસ્કારોના શબ્દચિત્રનું દર્શન થાય છે. આ કાવ્યમાં શૈશવ એ કાવ્યાનુભવનું ગંગોત્રી સ્થાન છે. એમના જીવનનો સમગ્ર અનુભવ જાણે શૈશવમાં સ્થિત ન હોય! એવા આ વિષાદના સૂર કે ઝીણા ઝીણા ક્રંદન એ વનાંચલના કવિ તરીકેનો સુપેરે પરિચય કરાવે છે.
‘થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં’
        આ ‘થોડો’ શબ્દને કવિ પ્રતિક તરીકે પ્રયોજે છે. કવિ શૈશવકાળ પછી શાળા-કોલેજ શહેરમાં કરી છે, નગરવાસી બન્યા છે, નગર સમાજના સુસંસ્કૃત સભ્ય થયાં છે; પરંતુ, જે બાલ્યકાળ દરમ્યાન શૈશવ ને વગડામાં ઊંડા શ્વાસ લીધા છે તેનું અસ્તિત્વ હજી કવિના ચિત્તમાં-શ્વાસમાં પડ્યું છે, વનવગડાની પ્રકૃતિનું આકર્ષણ હોવા છતાં નગરસંસ્કૃતિને ત્યજીને આદિવાસી બનીને જીવવું શક્ય બનતું નથી. તેનું ઝીણો આક્રંદ પણ આ ગીતમાં છતો થાય છે. તે દરેક અનુભૂતિને ‘થોડા’ શબ્દના માધ્યમથી સંયમિત છતાં આકર્ષક રીતે ગૂથ્યું છે.
             ‘પહાડોના હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,’
        શૈશવકાળમાં ખૂંદેલા પહાડો એમના પિંડમાં ભળી ગયા છે, જ્યારે વનની નાનેરી નદીઓનાં નીર નાડીમાં એકાકાર થઈ ગયા છે. છાતીમાં બુલબુલનો માળો ઘર કરી ગયો છે અને જાણે પોતે જ પ્રકૃતિનું આવરણ ઓઢી એકીકૃત થઈ ગયા હોય એમ આંગળીઓમાં વગડામાં વસતા આદિવાસીનું તીણું તીર વસી ગયું છે. નાનપણમાં કવિએ વૃક્ષો પર બુલબુલોને કૂંજન કરતા, કિલ્લોલ કરતાં અને તેમના માળાના જીવનને કેમેરાની આંખે માણ્યાં છે. આદિવાસીના તીરેથી વીંધાયેલા બુલબુલને તરફડાટ કરતા પણ જોયા છે. આ શૈશવકાળમાં કોતરાયેલા પ્રકૃતિ અને આસપાસના પર્યાવરણીય ચિત્રો આબેહૂબ શબ્દબદ્ધ જડાયેલા અહીં અનુભવાય છે. આજે પ્રકૃતિના પરિભ્રમણની ચેતના-વેદના અને ઉત્કંઠનાએ કદાચ જયંત પાઠકને વેદના-વિષાદના કવિ તરીકે ઓળખાવ્યા હોય.
                        ‘સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારું પીળા પતંગિયા ને
અર્ધું તે તમરાનું કુળ;’
થોડા અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.’
        આ ગીતના બીજા ભાગમાં કવિ પોતે જ વૃક્ષ બની ગયાની અનુભૂતિને શબ્દદેહ અર્પે છે. અહીં પણ કવિ જાણે બીજું કોઈ નહીં પણ વગડાનું વૃક્ષ હોય એમ મારાં પાંદડાં જે શાખાઓ સાથે જોડાયને આકાશ લગી ફેલાયેલા છે, સૂરજનો રંગ પીએ છે; જ્યારે વૃક્ષના મૂળિયાં તો માટી સાથે સદા જોડાયેલા છે તે માટીની ગંધને પી રહ્યાં છે. જાણે વૃક્ષ પણ નગરરૂપી આકાશમાં વિહાર કરતું, ફેલાતું હોવા છતાં પોતાની વતનની માટીથી વૃક્ષ અને કવિ બંને જોડાયેલા ન હોય! મારું અર્ધું અંગ પીળા પતંગિયા અને અર્ધું તમરાનું કૂળ હોવાની પ્રતીતિ કરાવતા આ કવિ પતંગિયાની પીળાશને ઉજાસ અને તમરાના પ્રતીક દ્વારા અંધકારને પ્રયોજે છે. થોડો અંધારે એટલે કે થોડો વનાંચલના ભૂતકાળમાં અને થોડો ઉજાસમાં ભવિષ્યના ઉજળા પ્રકાશની વાત કરી છે. થોડો ધરતી અને થોડો આકાશના પ્રતીક દ્વારા સ્વપરિચય કરાવે છે. વનવગડાના આ કવિજીવને, સાંસ્કૃતિક આદર્શોને ભાવના પ્રદાન કરે છે. બીજા અર્થમાં જોઈએ તો, સંસ્કૃતિ ઉજાસ છે અને આદિમ-વૃત્તિ-પ્રકૃતિ એ અંધકાર છે. વન અને નગરની જીવનમાં સહઉપસ્થિતિનો નિખાલસ એકરાર અહીં સૂપેરે પ્રયોજાયો છે. સર્જકને ઘડનારા-વ્યક્તિત્વને ઘડનારા સર્વ તત્વો તેમના લોહીમાં વણાઈ ગયા છે.
        કલ્પનાની પાંખે આકાશમાં ગમે તેટલા ઉપર ઊઠવા છતાં ધરતી પરની નક્કર વાસ્તવિકતાની ભૂમિ પર કવિતા પગ ખૂપેલાં તો છે જ. આમ, વન-નગર, આદિમ પ્રકૃતિ, સંસ્કારો અને સંસ્કૃતિ એ દરેકનો સુભગ સમન્વય ગીતમાં રચીને ગુજરાતી સાહિત્યને એક ઉત્તમ ગીત પ્રાપ્ત થયું છે.
        જયંત પાઠકની કવિતાને પ્રકૃતિ સાથે એટલો ઘનિષ્ઠ નાતો છે કે એ કવિતા પ્રકૃતિના આ સાંનિધ્યમાં સક્રિય થઈને મહેંકી ઊઠે છે. આ પ્રકૃતિપ્રેમી કવિને વૃક્ષો સાથે ગાઢ લગાવ છે:
                        ‘વૃક્ષો મને ગમે છે
વૃક્ષો મારા ભેરુ
વૃક્ષો’
વૃક્ષો, ખેતર, કોતર, નદી, વગડો- આ બધાં જાણે કે કવિનાં સ્વજનો ન હોય! અને આ સ્વજનોથી સભર કવિનું અસ્તિત્વ લોહીની સગાઈની જેમ કવિતાના માધ્યમથી મહેંકી ઊઠે છે. આ પ્રકૃતિપ્રેમી કવિને વગડો તો ખૂબ જ પ્રિય છે. તેની અનુભૂતિ ‘થોડા વગડાનો શ્વાસ મારા શ્વાસમાં’ ગીતમાં થાય છે. પોતાના શ્વાસમાં થોડો વગડાનો શ્વાસ અનુભવાય છે, આ ગીત જાણે જયંત પાઠકની આત્મકથા હોય એવો ભાસ થયાં વગર રહે નહીં.
‘ગીત એટલે ફૂલ, ફૂલને કેવળ રંગસુગંધ
ગીત એટલે પતંગિયું તનુકાય પહોળી બે પંખ...
.....
ગીત એટલે પંખી-પીછું સુંદરનો અવતાર
સુંદરની પાંખે સંચરવું આકાશોની પાર!’
        પ્રકૃતિ પ્રત્યેનું આકર્ષણ, પર્યાવરણના કણેકણમાં વસેલો શ્વાસ, પ્રકૃતિના નાના-મોટા દરેક તત્વને માણવાની અને કલ્પન-પ્રતીક સાથે જોડી અનુભવવાની પ્રીતના કારણે આ કવિએ પ્રકૃતિના દરેક તત્વને પોતાની આત્મા સાથે જોડી દીધા છે અને આપણે સૌ જાણીએ છીએ કે જે અનૂભૂતિ આંતરજગત સાથે સંકળાય તે હંમેશા પોતાની ઉચ્ચતમ કોટીને પ્રાપ્ત કરવા સક્ષમ હોય છે.
        જયંત પાઠકની કવિતાઓનો આસ્વાદ કરતા પ્રકૃતિના અખૂટ, મહામૂલો ખજાનો વૈવિધ્યસભર રૂપમાં આસ્વાદકર્તાને પ્રાપ્ત થાય છે. શ્વાસમાં વળાયેલી પ્રકૃતિ, વિસ્મયના રૂપાળાં વાદળો, ફૂલોની રેલાતી મહેંક, પ્રણયમાં રંગો ભરતી પ્રકૃતિ, શબ્દોમાં વ્યક્ત થતી ભાવોની કલાત્મક અનુભૂતિને સહજ, સ્પષ્ટ, સરળ અને પ્રાકૃતિક રીતે કવિ કાવ્યોમાં બયાન કરે છે, જેમાં કવિના ભાવ આદિમતાથી મનુષ્યના સાથી એવા પર્યાવરણના આંચલમાં-ખોળામાં રમતા અનુભવાય છે. જયંત પાઠકની ગીત કવિતા એવી ‘થોડા વગડાનો શ્વાસ મારા શ્વાસમાં’ કવિ પોતાનું પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય જ વ્યક્ત નથી કરતા, પણ પોતાને પ્રકૃતિના અભિન્ન હિસ્સા તરીકે મહેસૂસ કરે છે, જે ગુજરાતી સાહિત્યમાં અનન્ય ચીલો પાડનારી છે. 
-હેતલ ગાંધી

1 comment: