Wednesday 7 March 2018

સર્જનાત્મક લખાણીની શૈલીથી લખાયેલી ક.મા.મુનશીની આત્મકથાત્રયી

માનવી પોતાના સ્વને લખાણમાં મૂકવાનું શરૂ કરે એટલે એ સ્વરૂપે આત્મકથાના પગરણ સંભળાય. એમાં ક.મા.મુનશી જેવા રંગદર્શી કલ્પનાદર્શી લેખકની કલમ આત્મકથા લખવા પ્રેરાય ત્યારે એક સર્જનાત્મક કલાકૃતિ મળવાની પૃષ્ઠભૂમિ રચાય, પરંતુ તેમાં સત્ય-અર્ધસત્ય વિશે તો પ્રશ્નો ઊભા થવા સ્વાભાવિક જ લેખાય. તેથી જ વિશ્વનાથ ભટ્ટ મુનશીની આત્મકથા વિશે કહે છે, ‘મુનશીની આત્મકથા સર્જનાત્મક આત્મકથા છે’, કારણ આ આત્મકથામાં ઇતિહાસ અને સાહિત્યના સંદર્ભને રસિક શૈલીમાં રજૂ કરવાની કૂનેહ જેવાં તત્વો આકર્ષક સ્થિત્યંતરો બન્યા છે.
આત્મકથા અને નવલકથાના છેડા એકબીજાને અડે છે તેની પ્રતીતિ મુનશીની નવલકથાઓ અને આત્મકથામાં વર્તાતી શૈલી તથા તેમની સુદીર્ધ આત્મકથાની રસાત્મકતા કરાવી જાય છે. ‘અડધે રસ્તે’(૧૯૪૨)માં એમણે પોતાના બાલ્યકાળ અને કૉલેજ જીવનમાં(ઇસ.૧૮૮૭થી ૧૯૦૬ સુધીનાં) સંસ્મરણો આલેખ્યાં છે. ‘સીધાં ચઢાણ’(૧૯૪૩)માં ઇ.સ.૧૯૦૭ થી ઇ.સ.૧૯૨૨ સુધીનાં સીધાં ચઢાણ ચઢવા જતાં મુનશીને પડેલી વિટંબણાઓને રોચક વાણીમાં વર્ણવ્યાં છે અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’(૧૯૫૩)માં ઇ.સ.૧૯૨૩થી ઇ.સ.૧૯૨૬ સુધીના જીવનના સૌથી મહત્વના અને સર્જનાત્મક કાળના સમયખંડને આવરીને રસપ્રવાહ આલેખ્યો છે. ’સીધાં ચઢાણ’નો ત્રીજો ખંડ ‘મધ્યરણ્ય’ને પણ મુનશીની આત્મકથાનો અલગ ગ્રંથ ગણવામાં આવ્યો. તેમાં મુનશીએ પ્રકૃતિધામ માથેરાનનો પરિચય આપ્યો છે. મુનશી પોતે તેને ‘મધુ અરણ્ય’ તરીકે ઓળખાવે છે, જે તેમના જીવનના સુખદ દિવસોનું પ્રતિબિંબ છે. વિશ્વનાથ ભટ્ટના મતે ‘શિશુ અને સખી’ નામનું પુસ્તક પણ મુનશીની આત્મકથા તરીકે ગણવું’. અહીં ત્રીજા પુરુષ એકવચનમાં વાર્તારૂપે રજૂઆત થઇ છે અને અંત કાલ્પનિક છે, તેમાં મુનશીની શૈલી કવિત્વમય બની છે. ‘મારી બિનજવાબદાર કહાણી’(૧૯૪૩) યુરોપપ્રવાસના સંસ્મરણોરૂપે પ્રગટ થાય છે. તે વિષય શીર્ષક મુજબ જ અગંભીર રીતે લખાયેલી જણાય છે. અહીં લેખકે ઇતિહાસ અને શિલ્પ અંગે પોતાના પ્રતિભાવો તો દર્શાવ્યા જ છે; પરંતુ, આ ગાળા પછીના ક.મા.મુનશીના કોંગ્રેસ સાથેના સંબંધો, રાજદ્વારી પ્રવૃતિઓ, રાજ્યપાલના પદના અનુભવો, બંધારણસભા અને આઝાદી પછીના વર્ષોની ઘટનાઓને, જે તેમની કલમે ઝીલી નથી તેવી માતબર સિદ્ધિ ધરાવનાર વ્યક્તિ જીવનના આ પાસાંઓની આત્મકથા ન હોવાને કારણે ખોટ તો રહેવાની જ. અહીં મુખ્ય ત્રણ ‘આત્મકથાત્રયી’માં ‘અડધે રસ્તે’, ‘સીધાં ચઢાણ’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ની વાત કરવામાં આવી છે.
‘અડધે રસ્તે’ આત્મકથાના પ્રથમ ભાગમાં ક.મા.મુનશીએ ત્રણ ખંડ પાડ્યાં છે. પહેલા ખંડને ‘ટેકરાના મુનશીઓ’, ‘બીજા બાલ્યકાળ’ અને ત્રીજા ખંડને ‘વડોદરા કૉલેજ’ અને નામાભિધાન આપ્યું છે. ‘ટેકરાના મુનશીઓ’માં મુનશી પોતાના કુળની ગૌરવગાથા આલેખી પોતાના વ્યક્તિત્વના ઘડતરમાં કારણભૂત બનેલી વ્યક્તિઓ, સ્થળ, પ્રવૃત્તિઓ તથા સામાજિક વાતાવરણને વિસ્તારપૂર્વક આલેખે છે. આ ખંડમાં પોતાના વંશનો ઇતિહાસ આપતાં તેમના વિલક્ષણ, ટેકીલા, અભિમાની અને યુયુત્સુ, બાહોશ છતાં બોલકણાં નાટકીય અને કોઇવાર એકદમ બાલીશ રીતે વર્તન કરતા હોય એમ લાગે, એવું વર્ણવી મુનશી પોતાના નિષ્પક્ષતાના દર્શન કરાવે છે.
        બીજા ખંડ ‘બાલ્યકાળ’માં મુનશી તેમના જન્મથી લઇ મેટ્રિક પરીક્ષામાં મેળવેલ સફળતા સુધીનું વર્ણન કરે છે. ઉત્તમ શિક્ષક ઉત્તમરામ, મિત્ર દલપતરામ, કાર્યદક્ષ પ્રામાણિક માણેકલાલ મુનશી, સ્નેહમૂર્તિ માતા તાપી ગૌરી-જીજીમા, નરભેરામ જેવા અનેક વ્યક્તિઓનો વિસ્તૃત પરિચય આપે છે. મુનશીની કલ્પનાને ઉશ્કેરનાર ‘અરેબિયન નાઈટ્સ’, ‘હાતિમભાઈ’ની વાર્તાઓ, નાટયમંડળીના નાટકોની અસર, માણભટ્ટની કથાનું શ્રવણ, તાપીબા તથા પટાવાળા મહંમદ શફીએ કહેલી રંગબેરંગી વાર્તાઓનો ઉલ્લેખ કરવાનું ચૂકતાં નથી. અહીં નાના મુનશી કાલ્પનિકતાથી અંજાઇને પિતાજી સાથે સચીન જતા આઠ-નવ વર્ષની તેજસ્વી બાલિકાનો આસપાસ કલ્પનાસૃષ્ટિ રચે છે, તેની પણ વાત નિર્ભિકપણે કરે છે. ત્રીજા ખંડ ‘વડોદરા કૉલેજ’માં ૧૯૦૨ થી ૧૯૪૬ સુધીનાં વર્ષોના મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએશનના, તેમણે ત્યાં કરેલા તોફાનો, સ્થાયી પ્રભાવ પાડનાર પ્રાધ્યાપકોના વાચન, અન્ય પુસ્તકોની અસર જેવા સંભારણા આલેખે છે. ૧૯૦૬માં મુનશી બી.એ. થાય છે અને બીજી તરફ અતિલક્ષ્મી સાસરે આવે છે, તે સમાનાંતરે ચાલતી ઘટનાઓ કલમબદ્ધ કરે છે. ‘અડધે રસ્તે’માં કુળકથા, ચરિત્રરેખા ઉપરાંત પિતાની સરકારી નોકરી હોવાથી જુદે જુદે સ્થળે થતી બદલીના કારણે લગભગ આખું ગુજરાત જોઇ લીધું હોવાથી, અહીં વ્યાપક સ્તરે ગુજરાત દર્શન પણ કરાવે છે.
‘અડધે રસ્તે’ પછી જીવનની સાંકળને જોડતી કડીરૂપી આત્મકથા ‘સીધાં ચઢાણ’ પ્રગટ થાય છે. જેનાં ખંડ એકમાં ‘મુંબઇની શેરીઓમાં’માં સામાન્ય સ્થિતિમાંથી ધન, પ્રતિષ્ઠા અને કીર્તિ એમ ત્રણ ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાન કેવી રીતે મેળવ્યું?; એટલે કે આર્થિક સંકડામણો વચ્ચે પણ અભ્યાસ શરૂ કરી એડવોકેટ થયાં તેની સંઘર્ષકથા વર્ણવી છે. આ ખંડમાં મોટેભાગે જીવનની ઉપલી સપાટી પરની સિદ્ધિઓ આલેખી છે. આજ આત્મકથાના બીજા ખંડ ‘હાઈકોર્ટ’માં મુનશી અદાલતી અનુભવોને વાચા આપે છે. આ ખંડમાં મિત્રો, સ્નેહીઓ, સોલિસિટરો, એડવોકેટના રેખાચિત્રો પણ ચિત્રિત કરે છે. ત્રીજા ખંડમાં નાયકના આંતરવિશ્વનું ચિત્ર કોઇ નવલકથાના નાયક જેવું લાગે છે. મુનશી આ ખંડમાં પોતાને કેવી રીતે કાંતિલાલ પંડ્યા અને મનસુખલાલ ઝવેરીએ લખવા પ્રેયોઁ. સાક્ષરો સાથે સંબંધ બંધાતો સાહિત્યની પ્રવૃત્તિઓને વેગ મળ્યો. આ સંદર્ભે મુનશી સાહિત્ય, રાજકારણ અને આત્મવિશ્વાસના ક્ષેત્રમાં ચઢાણ સરળ થતાં હોય તેમ આગળ વધે છે અને લીલાવતી શેઠનો પરિચય થાય તથા લીલાવતી મુનશીના રૂપમાં આજીવન સખીના દર્શન થાય. તેથી જ તો ભરતકુમાર ઠાકર કહે છે કે, “એમનાં ઊર્મિ, આકાંક્ષા, કર્તવ્ય અને આદર્શનો સંવાદ દેખાયો, પણ સીધાં ચઢાણ ચડી ઉપલી કોર ઓળંગતાં જ સામેની સપાટ ધરતીમાં ફાટ પડી. જીવનનો અર્ધો ભાગ આમ પૂરો થયો.”(આત્મકથા : શિલ્પ અને સર્જન, પૃ.૮૬)
‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ આ આત્મકથાત્રયીની ત્રીજી કડીમાં અત્યાર સુધીમાં જીવનના વણેલાં તાલાવાણાની ફળશ્રુતિ મળતી લાગે છે. મુનશી અને લીલાવતી વચ્ચે પાંગરેલી પ્રણયકથા, અતિલક્ષ્મી અને લીલાવતી વચ્ચે ઝોલા ખાતો નીતિ અને પ્રીતિનો સંઘર્ષ, ત્રણેય પાત્રોનો તીવ્ર સંઘર્ષ, મુનશી અને લીલાવતી વચ્ચેના પાત્રોની રસકથા, મૂંઝવણો, મંથનની અભિવ્યક્તિ, માંદગીમાં અતિલક્ષ્મીનું અવસાન, લીલાવતીના પતિ લાલભાઈનું પણ અવસાન, મુનશીના બાળકોના હૃદયમાં અને ઘરમાં લીલાવતીનો પ્રવેશ અને ઓળઘોળ થઇ જવું. જીજીમાની અનુમતિથી લીલાવતી સાથે મુનશીના લગ્ન. આમ, આ દરેકમાં તેમની સ્વપ્નસિદ્ધિની શોધ પૂરી થતી જણાય છે પણ તે સાથે તેમનું બીજું સ્વપ્ન છે - ગુજરાતની અસ્મિતાની ભાવનાનો ઉદય અને વિકાસમાં પોતાની ભૂમિકાનો, એટલે કે સામાજિક પ્રતિષ્ઠાનું વળગણ. સાહિત્ય પરિષદની સાહિત્યિક પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ માટે રસીલા કડીઆ સાચું જ કહે છે કે, “આત્મવૃતાન્તમાં મુનશીએ પોતાના અંગત જીવનનાં ત્રણેક પાસાંઓમાં આવિષ્કાર પ્રતિ વિશેષ ઝોક આપ્યો છે: (૧) પોતાની ઊર્મિઓ અને ભાવનાઓનું નિરૂપણ, (૨) સાહિત્ય-સર્જનની પાશ્વાદભૂનું નિરૂપણ અને (૩) આત્મવિકાસ માટે પોતે કરેલો પુરુષાર્થ”.(આત્મકથા:સ્વરૂપ અને વિકાસ. પૃ.૨૮૪) આ ખંડમાં માતા જીજીમાનું અનુપમ ચિત્ર દોરાયું છે. ‘અવિભક આત્મા’નો આ કથાંશ છેલ્લા ભાગનો સૌથી સંવેદનાપૂર્ણ અને રમણીયભાગ વિશે સતીશ વ્યાસ લખે છે કે, “‘અવિભક્ત આત્મા’ નામના પૌરાણિક નાટકની મુનશીની સર્જકતા પાછળ આ ભાવના હોવાનું આત્મકથાને આધારે જાણી શકાય છે. આ આત્મકથા દર્શાવે છે કે, મુનશીના જીવનની ઘણી માન્યતાઓ, આદર્શો એમના સર્જનના મૂળમાં પણ રહેલાં છે...આમ સાચી આત્મકથા તો જાણે મુનશી ત્રીજા ભાગમાં જ આપે છે.”(આત્મકથા, પૃ.૮૧) આત્મકથા વાસ્તવરૂપે સાહિત્યપ્રકાર છે, જેમાં જીવનમાં બનેલી ઘટનાઓનો ચિતાર મળે છે ઘણીવાર તે ઘટનાઓ આત્મકથાકાર માટે ખૂબ મૂલ્યવાન હોય પણ ભાવકપક્ષે શુષ્ક-નીરસ બની જતી હોય, ફક્ત વિગત બનીને રહી જાય તેવા સંજોગોમાં મુનશીની આત્મકથા સર્જનાત્મક લખાણનું ઉદાહરણ પૂરું પાડે છે. તેમનું વાસ્તવિક જીવનનું રસલક્ષી નિરૂપણ, વિનોદી શૈલી કે વેગીલી ઘટનાપ્રધાન કથની વચ્ચે વિવિધ પ્રસંગો અને પાત્રોનું ચિત્રાત્મક શૈલીનું થયેલું વર્ણન તેમની સર્જનાત્મક શૈલીને ચાર ચાંદ લગાવી દે તેવી છે. યુરોપ પ્રવાસનું વર્ણન જોવા ઘણા વર્ણનોથી ખચિત આ આત્મકથા રસસરભર, ચમત્કૃતિભરી તથા વિનોદી બની છે.

        તેમણે દોરેલા વ્યક્તિચિત્રોની ખાસિયત દર્શાવતી આછી-પાતળી રેખાઓથી દોરાતા સ્કેચ અદ્ભુત છે. સંગીત-પ્રવીણ તાપી ફોઇ, કપડાંના શોખીન નરભેરામ મુનશી, ન્યાયાધીશને બેવકૂફ બનાવી વકીલાત કરવાની સનદ લઇ જનાર મુત્સદ્દી ફરસુ મુનશી, ક્રોધી એવા વિજકોર કાકી અને કજીયાખોર રૂખીબા, અજોડ ટીખળખોર ધીરજકાકા અને માણેકલાલ જેવા માયાળું છતાં કડક પિતા, હાઈકોર્ટના ધારાશાસ્ત્રીઓ, એડવોકેટ, મિત્રો એવા લાક્ષણિક છતાં જીવંત બનતા પાત્રો કાબિલે તારીફ છે. આ રીતે ‘અડધે રસ્તે’, ‘સીધાં ચઢાણ’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ આ આત્મકથાત્રયીમાં અંગત-કૌટુંબિક પાત્રો, અદાલતોના પરિચિતો, રાજકારણીઓ, સાહિત્યક્ષેત્રના પરિચિતો સાથેના સંસ્મરણો-રેખાચિત્રો તથા રમણીય પ્રસંગો-ઘટનાઓ, સ્વભાવ પરિચય, લાક્ષણિકતાઓ, કાર્યપદ્ધતિ અને સિદ્ધિ રહસ્યો જેવાં જીવન અને વ્યક્તિગત ઝીણાં ઝીણાં પાસાંઓ રસપૂર્વક, નિખાલસતાથી કલ્પનાનું ચાંદરણું ઓઢાવી સજ્જ બનાવેલા, વિનોદપૂર્ણ છતાં તટસ્થતાથી આત્મિક રસરુચિથી આલેખો છે.
        આ ઉપરાંત ભરૂચનું સ્થળ-સમય-કાળ દર્શન, ગુજરાતની જડ-જુનવાણી પણ પલટાતી જતી સામાજિક પરિસ્થિતિ, અરવિંદ ઘોષનો પ્રભાવ, રાજકીય પ્રવૃત્તિ, મહાત્મા ગાંધીનો પ્રભાવ, હિંદનો સ્વાતંત્ર્યસંગ્રામ, ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રવૃત્તિ, સાહિત્ય સંસદના કાર્યોનો કાવ્યમય ઇતિહાસ નિરૂપ્યો છે. આ સંદર્ભે છોટુભાઈ ગાંધીજીથી દૂર રહ્યાં એટલે ખ્યાતિ ન પામ્યા એ વાત મુનશી જરા દુઃખથી રજૂ કરે છે. ઘણીવાર મુનશીના અંગત રાગદ્રેષ કૃતિમાં છુપા રહેતાં નથી, પણ તે છડેચોક પ્રામાણિકતાથી રજૂ કરે છે. આ રસાત્કમતા મુનશીમાં રહેલી સાહિત્યિકતા અને કલ્પનાવૃત્તિને કારણે પણ આત્મકથામાં આવે એ સ્વાભાવિક છે.
વાતાવરણમાં વર્તાતી જીવંતતા અને નાટ્યાત્મક ગદ્યશૈલીની ગતિને કારણે આત્મકથા; લંબાણ ભર્યા પ્રસંગોને બાદ કરતા અથવા અંગત ગમા-અણગમાને બાદ કરતા આનંદમાં તરબોળ કરી દે તેવી છે. પ્રકરણો ઓછા પણ ઘણી વિગતોનું અતિલંબાણ આત્મકથાને શિથિલ બનાવી નુકસાન પહોંચાડે છે. પોતાના પૂર્વજોની ગૌરવગાથાને વધુ પડતા લંબાણથી રજૂ કરી છે. કદાચ આ લંબાણ પાછળ ભાર્ગવકુળના પ્રતિભાસમ્પન્ન પરિવારમાં જન્મ્યાની અહમવૃત્તિને સંતોષતા હોય; પરંતુ, આ લાંબું થયેલું લખાણ પણ રસપૂર્ણ અને રમુજપૂર્ણ જણાય છે. ‘અડધે રસ્તે’માં બાલ્યકાળના બીજા ખંડમાં આવતા સુધીમાં તો મુનશી પોતાની કથનશૈલીથી કલમને બરાબર જમાવી દે છે. આ કથનશૈલી ‘સીધાં ચઢાણ’ તથા ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ આવતાં વચ્ચે હ્રદયગમ તસ્વીરો, પ્રણયના વેગ, આત્મરાગ, સુખ-દુઃખ, આશા-નિરાશા, વ્યવહાર-વાસ્તવ, ડાયરી-પત્રની વણઝાર, રોજનીશીની નોંધોના ચઢાવ-ઊતાર પાર કરી આખરે વાચકો કે ભાવકો એકતાર થઇ ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ જાય તેવી ભવ્ય લાગે છે.
        આત્મકથાત્રયીમાં મુનશીએ જે સર્જનાત્મકતા સિદ્ધ કરી છે, તે સિદ્ધિ જ ગણાય; પરંતુ, તે સર્જનાત્મકતા આત્મકથાના સત્યને હાનિ પહોંચાડે તેવું ન હોવું જોઈએ. કલ્પના અને વાસ્તવ વચ્ચે ખાંડાની ધારે ચાલતા આ સાહિત્યપ્રકારમાં વાસ્તવદર્શી કૃતિમાંથી કલાકૃતિ બનાવવાની મુનશીની મથામણ અને અથાગ પરિશ્રમ સુપેરે જણાય છે, છતાં મુનશીના વ્યક્તિત્વના બહુમુખી પાસાંનો પરિચય તથા સાહિત્યની સર્જનાત્મક કલાકૃતિ રૂપ આ આત્મકથાત્રયીને ગુજરાતી આત્મકથા સાહિત્યની સીમાસ્તંભરૂપ કૃતિ ગણી શકાય.

સંદર્ભગ્રંથ:
1.      અડધે રસ્તે                                    ક.મા.મુનશી
2.      સીધાં ચઢાણ                                   ક.મા.મુનશી
3.      સ્વપ્નસિદ્ધિની શોધમાં                          ક.મા.મુનશી
4.      આત્મકથા                                      સતીશ વ્યાસ
5.      આત્મકથા : સ્વરૂપ અને વિકાસ               રસીલા કડીઆ
6.      આત્મકથા : શિલ્પ અને સર્જન                 ભરતકુમાર ઠાકર
7.      ગુજરાતી સાહિત્ય ઇતિહાસ ભાગ-૪            ગુજરાતી સાહિત્ય પરિષદ
8.      ગુજરાતી સાહિત્ય ઇતિહાસ                    ધીરુભાઈ ઠાકર
9.      ગુજરાતી સાહિત્ય ઇતિહાસ                    પ્રસાદ બ્રહ્મભટ્ટ

- હેતલ ગાંધી

No comments:

Post a Comment