- વાર્તાકાર : હિમાંશી શેલત
પ્રથમ આવૃત્તિ :૨૦૦૯ કુલ પાના :૧૧૨ કિં :૭૫/- કાચું પૂઠું, ડિમાઈ પ્રકાશક :અરુણોદય પ્રકાશન, અમદાવાદ.
‘મૃત્યુદંડ’ વાર્તામાં લેખિકા સંતાન
જન્મની ઘેલછામાં બંધાતી જતી અંધશ્રદ્ધાની મજબૂત પકડ, પુરુષપ્રધાન સમાજમાં
સંતાન ન જન્મવા માટેનું સ્ત્રી પર થતું દોષારોપણ, દેવના દીધેલ પુત્રને બળાત્કારના
આરોપસર ફાંસીની સજા થવી, જેવા સમાજમાં બનતા મુદ્દા પર કટાક્ષ કરે છે. આ વાર્તામાં
લેખિકા સ્ત્રીના ડરને ‘ગર્ભની પીડાનો ખાળી ન શકાય એવો ડર’ કહી માતૃત્વની
લાગણીને વ્યક્ત કરે છે.
‘છેક આવો માણસ...’ વાર્તામાં આધુનિક
સમયના કહેવાતા સંસ્કારી લોકોની અંદર વસતા નિર્દય વ્યક્તિત્વોના દર્શન લેખિકા કરાવે
છે. વિના કારણે સગર્ભા કૂતરીને લાત મારવી, વગર વાંકે પત્ની સાથે મારઝૂડ કરવી એવી આપણા
સમાજની મામૂલી લાગતી વાતોને વણી લઇ સંવેદનશીલ નાયિકાના પાત્રને આધુનિક બનાવાની
કોશિશ કરે છે.
‘સાતમો મહિનો’ વાર્તામાં સંતાનના જન્મ
થતા સુધીની માતૃત્વની લાગણી, કુટુંબનિયોજનની વાત અને કોમીહુલ્લડ વખતે
બળત્કાર અને માણસોની વિકૃતિઓનો ભોગ બનતી સગર્ભા સ્ત્રીનું ખૂબ જ હદયદ્રાવક વર્ણન
થયું છે.
‘કમળપૂજા’ વાર્તામાં વિવિધ ગૂનામાં જેલમાં ગયેલા પતિની
અનુપસ્થિતિમાં ત્રણ ત્રણ પુત્રોનું મહામહેનતે પાલન-પોષણ કરતી સ્ત્રીના
ચારિત્ર્ય ઉપર પોતાને ‘મરદ’ ગણતા તેના પુત્રો શંકા કરી અને પોતાના ઘરની
આબરૂ સાચવવાના ખોટા આડંબે પોતાની જ જનેતાને હથોડાના ઘા મારી ભોંય ભેગી કરે છે, એવી વિચિત્ર છતાં
કરુણ- પુરુષપ્રધાન સમાજની દંભી વાસ્તવિકતાનો ચિતાર મળે છે.
‘માટીના પગ’ વાર્તામાં આઝાદીની લડતમાં
દેશની સ્વતંત્રતા માટે લડતા અને આદર્શવાદી વિચારધારા ધરાવતા પરંતુ સમાજની સંકુચિત
માનસિકતા પર લેખિકા પ્રહાર કરે છે. ગર્ભનું પરીક્ષણ કરાવતા અને દહેજપ્રથાને
ઉત્તેજન આપતા લોકો, ‘દીકરો જ હશે તો ભાગ ખૂલી જવાના’- એ માનસિકતા જે ભ્રૂણહત્યાના
પાયામાં રહેલો પ્રશ્ન છે તેને અહીં વાચા મળી છે.
‘પ્રલય’ વાર્તામાં માતા-પુત્રીના પ્રેમ અને
હોસ્ટેલમાં રહેતી પુત્રીની રહસ્યાત્મક આત્મહત્યા વિશે જણાવ્યા બાદ લેખિકા
વાર્તામાં નાયિકાના દૂરની સંબંધી દીકરી- સાસરીયાના દબાણ હેઠળ ગર્ભપાત કરાવે છે ત્યારે
નાયિકાના મુખે કહેવાયેલી વેધક વાત વાર્તાના કેન્દ્રમાં છે, ‘કોઈ દબાણ કરે
એટલે પેટની દીકરીને લોચાની પેઠે કાઢી નાખી! અરેરે, આપણા કરતા તો પ્રાણી સારા... તારું ભણતર તને જ
ખપમાં ન આવ્યું’.
આ સંગ્રહની
છેલ્લી વાર્તા ‘ગર્ભગાથા’ જેના પરથી આખા
વાર્તાસંગ્રહનું નામાભિધાન થયું છે, તેવી લાંબી-ટૂંકીવાર્તાનું ઘડતર લેખિકાએ
ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે કર્યું છે. ગર્ભ અને માતૃત્વ સાથે વણાયેલી દરેક સામાજિક
સમસ્યાઓનું ગૂંફન અહીં એક વાર્તામાં લેખિકાએ કરી લીધું છે. ગર્ભમાં મોટી થઇ રહેલી
દીકરી ‘અસ્તિ’નું અસ્તિત્વ
જોખમમાં આવે છે ત્યારે એક કાલ્પનિક અજન્મા પાત્ર ‘અસ્તિ’ને લેખિકા વાચા
આપે છે. ‘અસ્તિ’ પોતાની માતા ‘રેવતી’ને ગર્ભપાત ન કરવા સમજાવવા માટે એક પછી એક
રેવતીના પરિવારની સ્ત્રીઓની કથા વાર્તામાં આડકથારૂપે કહે છે. તેમાં રેવતીની વડનાનીની
વિધવા જીવનની સમસ્યાઓ, દીકરીની આબરૂ સાચવવા તેમણે કરેલા આપઘાતની ઘટના, નાનીમાના જીવનની
કરુણતા, નાનાનો શંકાશીલ સ્વભાવ, પાર્વતીમાસીનું વાંઝીયાપણું અને તેની સાથે
જોડાયેલી લાગણીઓનું થતું હનન અને અંતે પાગલપણા સુધી પહોચવું, આ ઉપરાંત રેવતીના પોતાના
માતા-પિતા જ રેવતી અને
તેની જોડકી બહેનોનો ગર્ભપાત કરવા તત્પર બનેલા અને છતાં ગર્ભપાત ન થતા આખી જિંદગી
તેમણે પિતાના રોષનો ભોગ બનવું પડ્યું હતું. આ બધા રહસ્યમય સત્યોને જણાવી લેખિકા સ્ત્રીઓના
દરેક કાળે થતા શોષણ, અન્યાય અને લાગણીના હનનને અભિવ્યક્ત કરે છે. ‘અસ્તિ’ પણ દીકરી તરીકે
જન્મવાની છે તે જાણી તેના પિતા ગર્ભપાતની વાત કરે છે ત્યારે ફેક્ટરીમાં પૂજા
હોવાથી ફોઈબા આ પાપને ઠેલવવા જણાવે છે. અહીં રૂઢિજડ માનસિકતા અને દંભી સમાજની છબી
પ્રસ્તુત થાય છે. આ બધી કથા સંભળાવતા અને રેવતીના મનોમંથનને
અનુભવ્યા પછી ‘અસ્તિ’ને પણ હવે પૃથ્વી પર જન્મવાનો મોહ રહ્યો નથી. આ વાર્તા શામળની
આડકથા, મધ્યકાલીન મુસ્લિમ શાસનકાળના રાજવી સમાજ, ‘અસ્તિ’ની જીવવાની
જીજીવિષામાં ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ અને ‘અસ્તિ’ના જીવવાના છૂટી ગયેલા મોહમાં ‘તત્વમસિ’ની ભાવનાનો સુભગ
સુમેળ કરી બતાવે છે. આજ વાર્તામાં ‘અસ્તિ’ની ન કહેવાયેલી
વાર્તામાં સ્ત્રીભ્રૂણથી ભરેલા કૂવાના દ્રષ્ટાંત દ્વારા લેખિકા સમાજનું વાસ્તવિક
અને વિરૂપ પ્રગટ કરે છે.
આખા સંગ્રહમાં
લેખિકાના લેખન વિશેની વિશેષ રસપ્રદ વાત એ છે કે લેખિકા મોટેભાગે વાચક સાથે સીધો
સંપર્ક કરતા લાગે છે, જાણે વાચકને વાર્તા લખતા શીખવાડતા ન હોય! વાર્તાના
કથાવસ્તુને વાર્તાના સ્વરૂપમાં કેમ ઢળાય તેની લેખિકાને જે અનેરી સૂઝ છે તે વાચક-ભાવક સાથે વહેંચે
છે અને સાથે રોજબરોજની દેશ-વિદેશની કે આસપાસની બનતી ઘટનાઓને
ટૂંકીવાર્તામાં ભેળવીને તેની પાછળ રહેલી સૂક્ષ્મ સંવેદનાને વ્યક્ત કરતા જણાય છે. એક સ્ત્રી માતા, પત્ની કે
પુત્રીની વિવિધ ભૂમિકાનો ત્રિવેણી સંગમ રચી આસપાસના જગત અને વ્યવહારને કારણે જે
સંઘર્ષનો અનુભવ કરે છે તેને હૂબહૂ ચિત્રાત્મક રીતે લેખિકાએ અહીં વ્યક્ત કર્યું છે.
-ડૉ. હેતલ ગાંધી
No comments:
Post a Comment