- લેખિકા : ભાવિકા પારેખ
પ્રથમ આવૃત્તિ :૨૦૦૯ કુલ પાના :૧૫૨ કિં :૧૦૦/- પાકું પૂઠું, ડિમાઈ પ્રકાશક: ડિવાઇન પબ્લિકેશન, અમદાવાદ
ભારતીય સંસ્કૃતિનું મહાકાવ્ય ‘મહાભારત’ અને તેનું એક અદ્ભુત અને
અદ્વિતીય પાત્ર એટલે ‘શ્રીકૃષ્ણ’. ભારતીય લલિતકળાઓમાં શ્રીકૃષ્ણનું
વ્યક્તિત્વદર્શન સદીઓથી થતું રહ્યું છે. શ્રીકૃષ્ણના વ્યક્તિત્વ અને ચારિત્ર્યમાં
જે વિશેષતાઓ અને વિલક્ષણતાઓ છે એટલી પ્રતિભા ભાગ્યે જ મિથ સાહિત્યના બીજા કોઈ
ચરિત્રમાં જોવા મળી શકે. કળાકારોની સર્જક ચેતના કૃષ્ણના જીવનનાં સૌન્દર્ય,
માધુર્ય, સામર્થ્ય અને ઐશ્વર્યથી શોભતી અને જીવંત રહી છે. શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ
જ એવું છે કે તે સર્જક ચેતનાને જમાને જમાને આકર્ષતું રહ્યું છે. કૃષ્ણ વિશે રજનીશે
કહ્યું છે તેમ, કૃષ્ણ એકલા જ સમગ્ર જીવનને સંપૂર્ણપણે સ્વીકારે છે. જીવનની
સમગ્રતાથી સ્વીકૃતિ એમના વ્યક્તિત્વમાં ફલિત થઇ છે. માત્ર સર્જકો જ નહીં; પરંતુ,
શ્રીકૃષ્ણનું પાત્ર તો સંશોધકો માટે પણ ઉત્સુકતાભર્યું એવરગ્રીન રહ્યું છે.
ગુજરાતી સાહિત્યના સંશોધક ભાવિકા પારેખ દ્વારા ‘ગુજરાતી
નાટ્યસાહિત્યમાં શ્રીકૃષ્ણ’ વિષય લઈને મહાશોધ નિબંધ તૈયાર કર્યો અને આ મહાશોધ
નિબંધ આ પુસ્તકરૂપે પ્રગટ પણ થયો. શ્રીકૃષ્ણ પર સર્જકો સાહિત્યના મુખ્યત્વે કાવ્ય,
કથા અને નાટ્યમાં પોતપોતાના ગજા પ્રમાણે એનું ચિત્રણ પોતાની સ્વરચિત કૃતિઓમાં
સમયાંતરે કરતા જ રહ્યાં છે. આ પુસ્તકમાં આરંભકાળથી સર્જકો માટે પ્રેરક બની રહેલું
શ્રીકૃષ્ણનું પાત્ર અને તેના વિવિધ સ્વરૂપો, વિવિધ સર્જકો દ્વારા ગુજરાતી
નાટ્યસાહિત્યમાં ક્યાં ક્યાં વેરણછેરણ પડેલા છે અને શ્રીકૃષ્ણના પાત્રને સર્જકે સર્જકે
જે નવા પરિમાણો સાંપડ્યા છે, તેનો અભ્યાસ અહીં તેમણે કર્યો છે.
લેખિકાએ અહીં પોતાના અભ્યાસને ૧૯મી સદીનું શ્રીકૃષ્ણ વિષયક
ગુજરાતી નાટ્યસાહિત્ય, ૨૦મી સદીનું પૂર્વાધ અને ઉત્તરાર્ધનું શ્રીકૃષ્ણ વિષયક
ગુજરાતી નાટ્યસાહિત્ય અને ઉપસંહાર એમ કુલ ચાર વિભાગમાં વિભાજીત કર્યા છે. એટલે કે
અર્વાચીન ગુજરાતી નાટ્યસાહિત્યમાં કૃષ્ણ અંગેની કુલ ૨૫ જેટલી કૃતિઓ વિશે લેખિકાએ
વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. પહેલા વિભાગમાં ૧૯મી સદીમાં ‘દ્રૌપદીદર્શન’,
‘શિશુપાળ-મદ-મર્દન’, ‘સુભદ્રાહરણ’, ‘રુકમણિહરણ’ તથા ‘સંગીત સુભદ્રાહારણ’ એમ પાંચ
કૃતિઓની ચર્ચા કરી છે. જેમાં આ સદીમાં શ્રીકૃષ્ણનું યુગનાયક તરીકેનું વ્યક્તિત્વ
આલેખાયું છે તથા અહીં એક મહત્વની વાત એ છે કે, આ સમયના નાટકોમાં
અદ્ભુતરસ અને ચમત્કારોની વાતો સવિશેષપણે પ્રાપ્ત થયો છે.
બીજા વિભાગમાં ૨૦મી સદીમાં પૂર્વાર્ધમાં શ્રીકૃષ્ણ વિષયક કુલ
પ્રાપ્ત આઠ કૃતિઓનું લેખિકા ગહન અધ્યયન કરે છે, જેમાં ચં.ચી.મહેતાનું પ્રેમનું
મોતી અને ઉમાશંકર જોશીના ‘પ્રાચીના’ કાવ્યસંગ્રહમાં પ્રગટ ચાર પદ્યનાટક;
કર્ણ-કૃષ્ણ, ૧૯મા દિવસનું પ્રભાત, ગાંધારી, કુબ્જા પણ સામેલ છે. આ સમયગાળા
શ્રીકૃષ્ણના ગોપિકાવલ્લભ અને યુગનાયક યોગેશ્વર એમ બે સ્વરૂપો આલેખાયા છે.
ત્રીજા વિભાગમાં ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં શ્રીકૃષ્ણનું ચરિત્ર
આલેખાયું હોય એવી બાર જેટલી નાટ્યકૃતિઓ વિશે અભ્યાસ રજૂ કર્યો છે. આ નાટ્યકૃતિઓમાં
ઉશનસના ‘નેપથ્યે’, પદ્યનાટક ‘કૃષ્ણરુકમણિ’ તથા દર્શક દ્વારા પ્રચલિત નાટક
‘પરિત્રાણ’નો પણ સમાવેશ થાય છે. આ સમયના સર્જકોએ એકાંકી અને ત્રિઅંકી નાટક જે
મળ્યાં તેને વિશે પણ વાત કરી છે. એકાંકીમાં મધુરાયનું ‘અશ્વત્થામા’ વિશેષ
નોંધપાત્ર છે. ૧૯મી સદીથી ૨૦મી સદીના ઉત્તરાર્ધ સુધીમાં આવતા શ્રીકૃષ્ણનું માનવીય
સ્વરૂપનું વ્યક્તિત્વ પ્રગટતું જોવા મળે છે તે લેખિકા તારવી બતાવે છે.
શ્રીકૃષ્ણના વ્યક્તિગત જીવનની જ કદાચ એ સૌથી મોટી સિદ્ધિ છે કે,
શ્રીકૃષ્ણ હંમેશા સામાન્ય માનવી જ રહ્યાં. સર્જક ચેતનાની જુદી જુદી ભૂમિકાઓમાં
શ્રીકૃષ્ણનું કેવું અર્થઘટન કરે છે, તેનો રસપ્રદ આલેખ આ અધ્યયનમાં સાંપડે છે. આ
પુસ્તકમાં કૃતિના સર્જક, કૃતિના કથાનક, પાત્રો, વાતાવરણ તથા શ્રીકૃષ્ણની ભૂમિકા
વિશે પરિચય આપે છે અને અભ્યાસના તારણો ઉપસંહારમાં આપે છે. આ ઉપરાંત વિશેષ ધ્યાન
ખેંચે એવી વાત આ પુસ્તકની સંદર્ભસૂચિ છે. એક વિશેષ વાંચન માટે તથા અભ્યાસ માટે આ
પુસ્તક અને તેનો વિશિષ્ટ વિષય આવનારા સમયમાં સાહિત્યના સંશોધકો અને અભ્યાસુઓ માટે પથદર્શક
સાબિત થઇ શકે એમ છે.
-ડૉ. હેતલ કિરીટકુમાર
ગાંધી
No comments:
Post a Comment