Friday 4 September 2015

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય: વિશેષતાઓ અને મર્યાદાઓ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય: વિશેષતાઓ અને મર્યાદાઓ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશે વાત કરતા હોય તો, આપણી આંખ સામે નરસિંહ-મીરાંનાં ભજન, પ્રેમાનંદનાં આખ્યાન, અખાના છપ્પા કે શામળની વાર્તા તરવરવા લાગે. પણ તમને ખ્યાલ છે, આ આખું સાહિત્ય મુદ્રિત તો આ સદીના છેલ્લા દશ-બાર દાયકાથી થયું અને હજુ પણ પોથીઓમાં હસ્તલિખિત અવસ્થામાં પડ્યું છે. એમાં પણ વિવિધ પ્રસિદ્ધ સંસ્થાઓના પુસ્તકાલયોમાં તથા જૈન ભંડારોમાં છે તે અભ્યાસીઓને જાણીતું છે, પણ અજ્ઞાત એવું ઘણું સાહિત્ય પણ હજુ અનેક સ્થળે પડ્યું હોવાનો પૂરતો સંભવ છે. ‘કાન્હ્ડે પ્રબંધ’, ‘મુગ્ધાવબોધ ઔક્તિક’, ‘રણમલ્લ છંદ’, ‘ભાલણની ‘કાદમ્બરી’, ‘વસંતવિલાસ’ વગેરે કૃતિઓ વિશે તેમજ ‘નેમિનાથચતુષ્પદિકા’ તથા ‘ભરતેશ્વર-બાહુબલિ રાસ’ જેવી તેથીય જૂની રચનાઓ વિશે આપણને ધીમે ધીમે જ ખબર પડતી ગઈ.
આ સાહિત્ય આપણા અર્વાચીન સાહિત્યનાં કાવ્યો, વાર્તાઓ, નવલકથાઓ, નાટકોથી ઘણું ભિન્ન છે. એના ભાવ, ભાષા, નિરૂપણ, વિષય, પ્રયોજન પણ ભિન્ન છે. મધ્યકાલીન કાવ્યો અને અર્વાચીન કાવ્યો વચ્ચે રૂપ-ભાવ-ઉદ્દેશ વચ્ચે આભ-જમીન જેટલું અંતર છે. સ્પષ્ટ રીતે બંનેના રંગ જુદા પડી જાય. ત્યાં જમાનાનો ફેર, સર્જકોનો ભેદ, સ્વરૂપ-શૈલીનું અંતર, પરિવેશની અસર, વિષયોનું વૈવિધ્ય, વર્ણનની રીતિ, પરંપરા-ગતિશીલ-મૌલિક પ્રયોગશીલતા અને સૌથી મોટું અંતર જનસમૂહ તરફનો સર્જકનો અભિગમ અને સર્જનનો ઉદ્દેશ અર્વાચીન સાહિત્યથી ઘણું અલગ કરે છે.

·        વિશેષતાઓ:
1.       મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મુદ્રિત રૂપે ઓછું પ્રકાશિત થવા પામ્યું છે, મહ્દઅંશે એ હસ્તલિખિત અવસ્થામાં સચવાતું રહ્યું છે. મુદ્રણયંત્રો કે મુદ્રણકળાની જાણકારીના અભાવે મધ્યકાલીન સાહિત્ય કંઠોપકંઠ કે હસ્તલિખિત રૂપમાં સચવાયેલું પડ્યું છે. આ સાહિત્યને લહિયાઓ પાસે લખાવીને પોથીમાં જાળવવાના પ્રયત્નો થતાં.

2.       મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પદ્યપ્રધાન છે. ગદ્યનો હજુ પૂરો વિકાસ પણ થયો ન હતો અને જે કંઈ ગદ્ય લખાતું તે પણ પદ્યના ચાસવાળું અને સપ્રાસ જ જોવા મળતું. પદ્યના વિપુલ પ્રવાહની સામે ‘પૃથ્વીચંદ્રચરિત’, ‘વચનામૃત’ કે ‘સંતસૈયા’ જેવી થોડીક ગદ્યરચનાઓને અપવાદરૂપ ગણતાં એ સમયમાં બાલાવબોધો, ઔંક્તિકો વગેરેમાં મળતા ગદ્યમાં પણ શુદ્ધ સાહિત્યિક ગદ્ય જોવા મળતું નથી.

3.       મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કેન્દ્રસ્થાને ધર્મ જોવા મળે છે. આ સમયગાળાના સમગ્ર સાહિત્યની આંતરિક સામગ્રી પર નજર કરતાં મોટી વિશેષતા એ દેખાશે કે એનું વિષયવર્તુળ અર્વાચીનકાળના સાહિત્યના મુકાબલે ખૂબ મર્યાદિત નજરે પડે છે. એમાં પણ ધર્મમૂલક સાહિત્ય જ કેન્દ્રસ્થાને રહ્યું છે. નરસિંહ પહેલાનું મોટાભાગનું સાહિત્ય વિરક્ત જૈન સાધુઓના હાથે લખાયેલું છે. નરસિંહ અને મીરાં જેવાં અનેક નાના-મોટા કવિઓએ ઈશ્વરને કેન્દ્રમાં રાખીને પોતાની રચના રજૂ કરી છે. કવિતા એમને મન સાધન હતી જયારે સાધ્ય હતી પ્રભુભક્તિ. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ તેમના મુખ્ય સૂર હતા. પદ્યવાર્તા જેવા સાહિત્યસ્વરૂપને બાદ કરતાં આ સાહિત્યમાં ઈહ જીવનના અનુરાગ કરતાં એમાં પરલોક-અભિમુખતા જ મુખ્ય રહ્યાં છે.

4.       મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ધર્મ જ કેન્દ્રસ્થાને હોય છતાં પણ જીવનનો ઉલ્લાસ કેટલીક જગ્યાએ દૃષ્ટિગોચર થાય છે. ‘હેમચંદ્રચાર્યના અપભ્રંશના દુહા’માં કવિ માત્ર બે કડીના દુહામાં પ્રણયના ઉલ્લાસને તથા વીર પ્રશસ્તિભાવને પણ સુંદર રીતે અભિવ્યક્તિ અર્પે છે. ‘વસંતવિલાસ’ જીવનના ઉલ્લાસને વ્યક્ત કરતું ફાગુ કાવ્ય છે. ‘સંદેશકરાસ’ જેવી મુસ્લિમકવિની વિપ્રલંભ શૃંગારની કાવ્યરચના, ‘રણમલ્લ છંદ’ અને ‘કાન્હડદે પ્રબંધ’ જેવાં ઐતિહાસિક વીરરસનાં કાવ્યો, બાણભટ્ટની અદ્દભૂત રસિક પ્રણયકથા ‘કાદંબરી’ને આધારે ભાલણ દ્વારા રચાયેલ કાદંબરી આખ્યાન’ ઉદાહરણો છે. અસાઇત, નરપતિ, ગણપતિ, માધવ તથા શામળ જેવા કવિઓની પ્રણય, પરાક્રમ અને અદ્દભુતરસની વાર્તાઓનું વિપુલ સાહિત્ય પણ જીવનનાં આનંદ-પ્રમોદ, ઉલ્લાસપૂર્ણ વ્યવહારનું આલેખન કરે છે. પ્રેમાનંદનું ‘ઓખાહરણ’ અને બીજા આખ્યાનોમાં ઊછળતા જીવનનો ઉલ્લાસ જોઈ શકાય છે.

5.       મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિઓને કવિપદનું અભિમાન ન હતું. તેઓ પોતાની જાતને ‘કવિ’ કહેવડાવવા કરતાં  ‘પ્રભુનો દાસ’ તરીકે ઓળખાવે છે. પ્રેમાનંદ પોતાને ‘ભટ્ટ પ્રેમાનંદ’ કહે છે; તો અખો કહે છે, ‘જ્ઞાનીને કવિ ન ગણીશ’. આમ, આ કવિઓમાં કવિપદનું અભિમાન જોવા નથી મળતું. આ સાહિત્યનું ખેડાણ પણ ઊંચ-નીચ, જ્ઞાત-જાત અને સ્ત્રી-પુરુષના ભેદ વગર જ સમાન રીતે થયું છે. આ સમયગાળામાં વેદાંતની કાફીઓ લખનાર બાપુસાહેબ મરાઠી હતા, ભોજો ભગત ખેડૂત હતો, એવરદ રુસ્તમ પેશોતન પારસી હતા, રાજે અબ્દુલ રહેમાન અને રતનબાઈ મુસ્લિમ હતા, નાકર વૈશ્ય હતા, તેમજ અનેક સ્ત્રી કવિઓ પણ જોવા મળે છે. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, હરિજન-ચમાર જેવા જાત-ભાતના વિવિધ જ્ઞાતિઓના-જાતિઓના કવિઓ કવિપદની અપેક્ષા વગર સાહિત્યસર્જન પરત્વે અભિમુખ હતા. આ નિરપેક્ષતા અને એકતા પણ વિશિષ્ટ છે.

6.       મધ્યકાળમાં આપણને જૈન અને જૈનેતર કવિઓ પાસેથી રાસ, ફાગુ, બારમાસી, પ્રબંધ, પદ્યવાર્તા, આખ્યાન, ગરબો-ગરબી, ધોળ, થાળ, આરતી જેવાં સાહિત્યસ્વરૂપો પ્રાપ્ત થયાં છે, જે મુખ્યત્વે પદ્યમાં રચાયેલાં છે. મધ્યકાલીન કવિઓ, પુરોગામી કવિઓની કૃતિમાંથી એટલે કે પરંપરામાંથી કેટલીક સામગ્રી ઉપાડવામાં કે પછી પોતાની રીતે વિકસાવવામાં પોતે કશું અજૂગતું કરે છે; એવો એમને ખ્યાલ ન હતો; તેથી, એક જ વસ્તુ ઉપર લખાયેલી અનેક આખ્યાનકૃતિઓ આપણને મધ્યકાલીન સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. જેમકે, ભાગવતની સુદામાની કથાનો આધાર લઇ આપણે ત્યાં નરસિંહ અને પ્રેમાનંદ ઉપરાંત અનેક આખ્યાનકારોએ આખ્યાનો રચ્યાં છે.

7.       આ સાહિત્યમાંથી સમકાલીન સમાજની અને સમકાલીન ઇતિહાસની દૃષ્ટિએ પર્યાપ્ત માહિતી પણ પ્રાપ્ત થાય છે. સમકાલીન સમાજજીવન, આચારવિચાર, રીતરિવાજો, વ્યક્તિનાં નામો, શુકન-અપશુકનો, સ્થળ-કાળનાં વર્ણનો પ્રાપ્ત થાય છે. પ્રેમાનંદનાં આખ્યાનોમાં તત્કાલીન રીતરિવાજો, માન્યતા, શુકન-અપશુકન વગેરેનો પરિચય વિપુલ માત્રામાં પ્રાપ્ત થાય છે. ‘કાન્હડદેપ્રબંધ’માંથી ઐતિહાસિક તથા ભૌગોલિક માહિતી પ્રાપ્ત થાય છે. ‘વિમલપ્રબંધ’, ‘પૃથ્વીચંદ્રચરિત’ વગેરેમાંથી તે સમયનાં સમૃદ્ધ એવાં શહેરો, યુદ્ધની વિગતો, શસ્ત્રનાં નામો, ખાદ્યપદાર્થોની વિગતો, પહેરવેશ-પોશાકની વિગતો અને જ્ઞાતિઓનાં વર્ણનો મળે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આમ સમકાલીન જીવન અને માનસનું પ્રતિબિંબ ઝીલે છે.

8.       મધ્યકાળના સાહિત્યએ થોડુંક લોકશિક્ષણનું કાર્ય પણ કર્યું છે. પ્રજાના ધર્મકેન્દ્રી જીવનને વળગી રહેવામાં આ ભક્તકવિઓએ નૈતિક બળ પૂરું પાડ્યું હતું. આ અર્થમાં મધ્યકાળના સર્જકો સાચી રીતે લોકશિક્ષક હતા. તેમણે ભારતીય જીવનમૂલ્યોની માવજત એનો ઉદ્દેશ સાહિત્ય દ્વારા કરીને કહી છે. નીતિવાન, પરાક્રમી બનવા માટે પ્રેરનાર આ સાહિત્ય અને એના સર્જકો હતા એ હકીકત છે. સમાજને ખરી વિગતોથી પરિચિત કરીને નિર્ભ્રાંત કરવામાં અને સમાજને અખંડ રાખવામાં પણ આ સર્જકોનો- સાહિત્યનો સિંહફાળો છે, એને પણ એક વિશિષ્ટતા તરીકે નિર્દેશી શકાય.

9.       એમાં સમસ્યા, ઉદાહરણ અને જીવનબોધની વિગતો પ્રચુર માત્રામાં પ્રસ્તુત થઇ હોય ને એમાંથી ભાવકને વ્યવહારજ્ઞાન અને તર્કપૂર્ણ બુદ્ધિપ્રતિભા સંઘર્ષ વિશેષ ભાથું મળે છે. આ જ્ઞાનવારસો ભાવકને બુદ્ધિવાન, જ્ઞાનવાન અને ચારિત્ર્યશીલ બનાવે છે. આમ, સાહિત્ય-સર્જન નિમિત્તે સમસ્યા, ઉખાણા આદિનું નિરૂપણ પણ ગમ્મત, મનોરંજન ન બની રહેતા જ્ઞાનબુદ્ધિ કસોટીનું તત્વ બની રહે છે. એટલે આવાં સત્વોને સાહિત્યમાં ગૂંથી લેવાનું કૌશલ્ય આ સાહિત્યની અને એના સર્જકોની એક વિશિષ્ટતા છે.

·        મર્યાદાઓ:-
1.       મધ્યકાળના સાહિત્યની મર્યાદાઓમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કંથોપકંઠ હોવાને લીધે કાવ્યની ભાષા પોતાનું અસલ રૂપ ગુમાવી દે છે, તથા હસ્તલિખિત સાહિત્ય લહિયાઓને હાથે લખાતું હોવાથી એમાં મૂળ પાઠમાં ફેરફાર થઈ જતો હોય છે. આમ, મૂળરૂપ એટલે કે, ભાષાનું અસલ રૂપ જળવાતું નથી, અને ભ્રષ્ટ, વિકૃત કે પરિવર્તિત રૂપ-શબ્દો પ્રાપ્ત થાય છે.

2.       મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મોટેભાગે પદ્યમય હતું. સાહિત્યમાં પદ્ય શબ્દ કાવ્યના પર્યાય ગણાયો હતો. કલાસિદ્ધિની માત્રા ઓછી હતી. કલાકારની સભાનતાનો અભાવ છે. આ સાહિત્યનું વિકાસ વર્તુળ પણ ખૂબ જ સાંકડું હતું. જીવ, જગત, પરમાત્મા જેવા ખૂબ જ સાંકડા વિષયોની સીમાઓમાં એ સાહિત્ય પુરાયેલું હતું. સીધો ઉપદેશ-બોધ એ જ એમનું લક્ષ્ય હતું. સમગ્ર સાહિત્ય પરલક્ષી છે. આત્મલક્ષિતાનો અભાવ જોવા મળે છે. આથી જ મુનશીએ આક્ષેપ કર્યો છે કે, “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઊછળતા જીવનનું કચ્ચરીયું કરવામાં આવ્યું છે.” આમ, કાવ્યત્વનો અલ્પમાત્રામાં વિનિયોગ, કવિતાપદ પ્રાપ્તિ માટેનું નિરપેક્ષાપણું અને ખાસ પ્રકારની વિષયસામગ્રીને કારણે આ સાહિત્ય અમુક-તમુક વર્તુળ પૂરતું જ સીમિત રહ્યું”.


3.       મધ્યકાલીન યુગમાં મુદ્રણયંત્રો અને છાપખાનાં ન હોવાથી સાહિત્ય હસ્તલિખિત સ્વરૂપમાં જ પ્રસરતું અને તેથી ભાવકોના બહુ નાના સ્તર સુધી એ પહોંચ શકતું. આનો પ્રચાર અને પ્રસાર મર્યાદિત બની રહેતા, આ સમયમાં રેલવે, તાર, ટપાલનાં સાધનો ન હતા. પરિણામે મધ્યકાલીન સાહિત્ય પોતાના એક અલગ ચોકઠામાં જ બંધાઈને સર્જાતું હતું. એ કંઠોપકંઠ રૂપે જળવાયું અને ધર્માલયોમાં પ્રસરતું ચાલ્યું.

4.       મધ્યકાલીન સાહિત્યમાં વિવેચનની પરિપાટી ન હતી. સાહિત્ય પદાર્થને મૂલવવાની અને સાહિત્ય તત્વની સભાન સમજનો અભાવ પ્રવર્તતો હતો. આથી વિવેચન આ સમયગાળા દરમ્યાન થયેલું નથી, મધ્યકાળનું મોટાભાગનું સાહિત્ય માત્રમેળ છંદમાં લખાયું છે, માત્રામેળ છંદોનો વિપુલ ઉપયોગ થયેલો જોવા મળે છે. આ ઉપરાંત કલા સંયમનો અભાવ, કલાદૃષ્ટિની ખામી અને સીધો ઉપદેશ વગેરે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની મર્યાદા બની રહે છે. ટીકાટિપ્પણ ન થઈ એટલે સાહિત્યતત્વની એના પદાર્થની માવજતના સિદ્વાંતો વિકસ્યા નહીં. છંદ પરત્વે જ એના જડરૂપે વિનિયોગ પરત્વે જ દૃષ્ટિ કેન્દ્રિત થઈ.

5.       બાલાવબોધ વગેરેમાં પણ જ્ઞાનતત્વ પદાર્થની જ વધારે ચર્ચા થઇ-એમાં અન્ય ઉદાહરણોરૂપે ગદ્યના વલણો ભળ્યાં નહિ. ગદ્ય પણ સપ્રાસ લયાન્વિત હોવાથી છાપ દૃઢ થઈ. વધુ ને વધુ માત્રામાં ગદ્યમાં પણ તત્વજ્ઞાનની ચર્ચા વિનિયોગ પામી. વાર્તાતત્વવાળી કથાઓ પણ અંતે તો તત્વદર્શન, જીવનમૂલ્યોની મીમાંસામાં ફરી જડતી હોવાને કારણે ગદ્યમાં મીમાંસાવાળા ગ્રંથો કે વાર્તાવાળા ગ્રંથો પણ આખરે ગદ્યના સ્વરૂપને વિકસાવવાને બદલે સાહિત્ય સિદ્વાંતનો પરિચય કરાવવાને બદલે તત્વજ્ઞાનના કેન્દ્રસ્થ વિષયનું આલેખન કરતા આના પરિણામે આ ગાળાના સાહિત્યમાંથી સાહિત્ય-સિદ્વાંતોને લગતી સામગ્રી અલ્પમાત્રામાં જ પ્રાપ્ત થઈ.
       
        આ સમયમાં કવિપ્રતિભાને કલાશિલ્પતા હંમેશા લાઘી નથી. અંતસત્વ અને આકૃતિના સુંદર ઘાટ ઘડતા નથી. અહીં, કલ્પનનાં ઉડ્ડયન, ભાવનાં ઊંડાણ કે વિચારોની મૌલિકતા પ્રમાણમાં અલ્પ જણાય છે. અલંકારસમૃદ્ધિ અને પ્રતિકાત્મકતા તો અમુક જ કવિઓમાં છે. મોટા ભાગના અભિધાનના વ્યાપારમાં રચ્યપચ્યા છે. વ્યંજના અને ધ્વનિથી કામ પડવાનું ઓછું અનુકૂળ છે. આ સમયમાં પ્રતિક અલંકાર થઈ જાય અને અલંકાર શબ્દાલંકારના પ્રાસાનુપ્રાસમાં અટવાઈ જાય છે. ભાવ કે વિચારને સીધી સાદી રીતે અને થોડાક ઉપમા-દૃષ્ટાંત ને પદ્યસંવાદિતાથી વ્યક્ત કરવા તેમાં તેમની કવિતા મર્યાદિત થઈ જાય છે. આખ્યાન-પદ્યવાર્તમાં પ્રાચીન-પૌરાણિક કથાનકોનું સંકલન છે. મધ્યકાળમાં મોટી પ્રવૃત્તિ તો સંસ્કૃત આર્ષકાવ્યો અને પુરાણોના પદ્યનુવાદ કે રૂપાંતરની ચાલ હતી. પદકવિતા તો સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશમાં અલ્પ જેવી છે તેથી જ નરસિંહ-મીરાંની પ્રતિભાની મૌલિકતા પ્રગટે છે. બાકી પદ્યવાર્તાકાર કે આખ્યાનકારો જૂની સંસ્કૃત વાર્તાઓ કે કથાનકોનો ઉપયોગ કરી ગુજરાતીમાં રૂપાંતર કરી દે છે. આ સમયમાં ઉત્તમ કવિઓ સર્જનનો ઉત્તમ વ્યાપાર કરતાં જણાય છે પણ તેનું પ્રમાણ ખૂબ અલ્પ છે. પ્રેમાનંદ ‘દશમસ્કંધ’માં ‘આ પાસાં વ્યાસ વાંચે સંસ્કૃત, આ પાસાં મારું પ્રાકૃત’. ‘બાંધું નાગદમણ ગુજરાતી ભાષા’.... હા, મધ્યકાલીન ઊર્મિકવિતા પ્રમાણમાં મૌલિક છે, પણ પછી પરંપરા રેઢિયાળ થઈ જાય કે. નરસિંહના જીવન પર આધારિત ‘મામેરું’ જેવાં આખ્યાન મૌલિક છે. તો બીજી તરફ ‘વસંતવિલાસ’ જેવી અનુપમ કાવ્યાલંકાર જેવી કૃતિ પણ મધ્યકાળની જ કલાત્મકતા છે.

        આ બધી મર્યાદા હોવાં છતાં સિદ્ધિરૂપ કવિઓ અને ગૌરવરૂપ કૃતિઓ પ્રશસ્ય છે. મધ્યકાલીન સાહિત્ય આજના અર્વાચીન સાહિત્યના મુકાબલે સીધું, સાદું અને સરળ હતું. ગામડાના સાદા-સીધા માણસનું જનમનરંજન કે ભગત જેવાં સર્જકો દ્વારા જનમાનસનું ઘડતર મુખ્ય સૂર રહેતો, તેથી જ તો આ ધર્મયુગ હતો. આજનો યંત્ર-વિજ્ઞાન-આધુનિક-ટેકનોલોજી યુગથી મધ્યકાળમાં જીવન, જગત, માનવ, ઈશ્વર બધું બદલાય જાય છે.

13 comments:

  1. આપણી ગુજરાતી સાહિત્યની મધ્યકાળનાં યુગ સંદર્ભની વિશેષતાઓ અને મર્યાદાઓ વિશેની આપની આ મીંમાસા ગમી ! હાર્દિક અભિનંદન-

    ReplyDelete
  2. માહિતીપૂર્ણ વેબસાઈટ. આભાર

    ReplyDelete
  3. NIce 👍👌👏📖📕📔📗📘📙📚📓📒📑💯🆒🆓

    ReplyDelete
  4. Super 🖕🖕👌👌📚📚📖📖💯🙏🙏

    ReplyDelete
  5. સરસ
    જય શ્રી રામ

    ReplyDelete
  6. આભાર

    ReplyDelete