ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળો
ગુજરાતી મધ્યકાળના સાહિત્ય વિશે વાત
કરવાની હોય એટલે મારી અને તમારી આંખ સામે નરસિંહ મહેતા, મીરાં, અવળવાણીનો ઉદ્ઘોષક
અખો કે પોતાની અદ્ભુત આખ્યાનશૈલીથી સૌને પ્રભાવિત કરનાર પ્રેમાનંદ તરવરવા લાગે.
વહેલી સવારના પ્રભાતિયાં હોય કે રાત્રે મોડે સુધી ચાલતી ભજનમંડળીઓની ગુંજ, આ મધુર
સંગીતમય સાહિત્ય કાનમાં રણકવા લાગે. ‘વસંતવિલાસ’ના સૌન્દર્યથી ભરપૂર ફાગુ કાવ્યની
સુવાસ હોય કે ‘રણમલછંદ’ જેવાં કાવ્યોમાં પ્રગટતી વીરતાનો સ્વાદ હોય; કે પછી ‘ભરતેશ્વર-બાહુબલિરાસ’ જેવાં રાસ,
પદ, કાફીઓ, ગરબીઓનો આત્મિક મધુર સ્પર્શની યાદ આપણે ચોક્કસ આ પંચેન્દ્રિયોનાં રસમાં
તરબોળ કરી દે છે.
કોઈ પણ સાહિત્યનો ઉદય થાય ત્યારે કવિપ્રતિભાને પ્રેરનારા
અને ઘડનારાં પરિબળો હંમેશા મહત્વનો ભાગ ભજવતા હોય છે. કવિની સર્જક પ્રતિભા અને
યુગનું સંચારબળ કોઈ પણ સર્જન માટે અગત્યનાં હોય છે. પ્રજાને વારસામાં મળેલી
સાંસ્કૃતિક અને સાહિત્યિક પરંપરા મૌલિક પ્રતિભાને પ્રગટાવે છે. ગુજરાતી
ભાષા-સાહિત્યને ઘડનારા પરિબળો જોઈએ તો,
1. ગુજરાતની અસ્મિતા :
ઇ.સ.ની
પાંચમી સદીમાં ગુપ્તસામ્રજ્ય તૂટતાં, ગુજરાતમાં મૈત્રક વંશનું વલ્લભીનું રાજ્ય
સ્થપાયું હતું. એ વલ્લભી વિદ્યાપીઠ અને સંસ્કારતીર્થ બન્યું, પણ વલ્લભીનું પતન
થયું. એ પછી અણહીલપુર પાટણની પ્રભુતા પ્રગટી. દસમી સદીમાં સોલંકીયુગની સંસ્કૃતિએ,
સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળની સિદ્ધિએ સ્વતંત્ર અને મહાન ગુજરાતની અસ્મિતા
પ્રગટાવી. ગુજરાતની અસ્મિતાએ ‘ગુજરાત રાજ્ય’, ‘ગુજરાતી ભાષા’ અને ‘ગુજરાતી
સાહિત્ય’ને ગૌરવપૂર્વક પુરસ્કાર્યા. ગુજરાતની અસ્મિતા, તેની સાંસ્કૃતિક ઝલક અને
ગુજરાતીપણાની ભાવનાએ ગુજરાતી ભાષા-સાહિત્યને જન્મ આપ્યો.
2. ગુજરાતી ભાષાના ઉદ્ભવની
ભૂમિકા :
દસમી સદીથી ગૌજર અપભ્રંશમાંથી
ગુજરાતી ભાષાના ઉદ્ભવની પ્રક્રિયા વેગવંતી બની. ત્યારબાદ ગુજરાતી ભાષા, ગૌજર
અપભ્રંશના નવા રૂપે, ‘ગુજરાતી’ તરીકે અવતરે છે. એ સમયના જૈન કવિઓ આરંભે છે,
ગુજરાતીમાં સર્જન. લોકભાષા ગુજરાતીમાં રચાવાનું શરૂ થઈ ગયું હતું, તે હેમચંદ્રિય દુહા
પરથી દેખાય છે. આપણી ગુજરાતી ભાષા પહેલાં પ્રાકૃત કે અપભ્રંશ નામે ઓળખાતી, તેને
ભાલણ ‘ગુર્જર-ભાષા’ કહે છે અને પ્રેમાનંદ સૌપ્રથમ ‘ગુજરાતી’ કહે છે. પ્રેમાનંદ
પૂર્વે ચારસોથી વધુ વર્ષથી ગુજરાતી ભાષાનું અસ્તિત્વ દેખાતું હતું. એ ગૌજર અપભ્રંશ
પ્રાચીન ગુજરાતી બને છે. પ્રાગનરસિંહ સાહિત્ય પ્રાચીન ગુજરાતીમાં લખાયેલું છે.
નરસિંહથી મધ્યકાલીન ગુજરાતીનું સ્વરૂપ બંધાય છે. પ્રેમાનંદથી અર્વાચીન ગુજરાતી
ભાષાનું સ્વરૂપ પ્રચલિત બને છે. ગુજરાતી ભાષાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુજરાતી
સાહિત્યને વેગ આપે છે.
3. પુરોગામી સાહિત્યિક વારસો :
ગુજરાતી ભાષા
સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-ગૌજર અપભ્રંશ એવા ક્રમે ઊતરી આવી છે. પુરોગામી
સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ ભાષાનું સાહિત્ય ગુજરાતી સ્વરૂપે અવતરવા લાગ્યું. ગુજરાતી
એ અપભ્રંશની દીકરી છે. અપભ્રંશનાં રાસા, ચરિત, વાર્તા, ગીતો, પદ્યરચના, દેશીઓ, ગેય
ઢાળો, ભાષાશૈલી, વર્ણનરીતિ વગેરે ગુજરાતીમાં અવતર્યા.
ગુજરાતી ઊર્મિગીતોનાં મૂળ સંસ્કૃત અને
અપભ્રંશમાં છે. પૌરાણિક આખ્યાનો સંસ્કૃતમાંથી આવે છે. સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશની
વાર્તાઓ ગુજરાતીમાં રૂપાંતર પામે છે. રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા, ઉપનિષદ,
વેદાંત, પુરાણો જેવું ધાર્મિક સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય વારસાનું છે. આ બધામાંથી જ
આરંભકાલીન ગુજરાતી સાહિત્ય સર્જાય છે.
4. ધર્મ અને ધર્મગ્રંથોનો
પ્રભાવ:
ગુજરાતી
સાહિત્યના ઉદય અને વિકાસમાં એ સમયના ધર્મો અને સંપ્રદાયોએ તથા ધર્મગ્રંથોએ સારો
ફાળો આપ્યો છે. કુમારપાળના સમયમાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે જૈન ધર્મનો
પ્રભાવ વિસ્તાર્યો. એ જૈન ધર્મના કવિઓએ નરસિંહ પૂર્વેનું બસો વર્ષનું મબલક સાહિત્ય
સર્જ્યું છે. એ જૈન ધર્મની જ પ્રેરણા અને જૈન સૂરિઓની જ સર્જનપ્રવૃત્તિ કે વિપુલ
માત્રામાં એ સમય દરમ્યાન રાસા, પ્રબંધો, ચરિતો, સ્તવનો, ફાગુઓ, ચોપાઈઓ રચાય છે. આ
સમયગાળામાં જૈન ધર્મ પ્રેરિત જૈન સાહિત્યપ્રવાહ સાદ્યંત વહ્યાં કરે છે.
તો વૈષ્ણવ ધર્મ
નરસિંહ-મીરાં જેવાં ભક્તિમાર્ગી કવિઓને, પૃષ્ટિમાર્ગ દયારામને, શક્તિ સંપ્રદાય
વલ્લભ ધોળાને, જ્ઞાનમાર્ગ નરસિંહ-અખા-ધીરા જેવાને, કબીરપંથી કવિઓ, સ્વામીનારાયણ
સંપ્રદાય તેના કવિઓને તેમના સંપ્રદાય કે ધર્મનું માતબર સાહિત્ય સર્જવા પ્રેરણા આપે
છે.
રામાયણ,
મહાભારત, ભાગવત અને ગીતા જેવા ધર્મગ્રંથોએ કેટલું બધું સાહિત્ય સર્જવા પ્રેરણા આપી
છે ? એવા ગ્રંથો ગુજરાતી સાહિત્યનો સ્ત્રોત છે અને એના આ અખૂટ રત્નભંડારમાંથી
ગુજરાતી કાવ્યરત્નો પાકતાં રહ્યાં છે.
5. લોકસાહિત્ય : ભાષા-પરંપરા :
કલાસાહિત્ય
પૂર્વે લોકસાહિત્ય હોય છે. લોકભાષા ગુજરાતી શિષ્ટ સાહિત્યભાષા બને ત્યારે
ગુજરાતીનું લોકસાહિત્ય પ્રેરણા અને પરિબળ બને. ‘સિદ્ધહેમ’ના દુહા, જે ગુજરાતીનું
પહેલું સાહિત્ય છે, તે લોકસાહિત્યના જ દુહા છે. અસાઈનની ‘હંસાઉલિ’ લોકકથા અને તેની
ભવાઈ પણ લોકનાટ્ય. લોકસાહિત્યમાં લોકગીત, કથાગીતો અને લોકકથાઓનો ભવ્ય ભંડાર હોય
છે. તે સર્જાતા સાહિત્યને કામ લાગે છે. લોકગીતોના વિષય, ઢાળ, પદાવલિ ભક્તિગીતોને
તૈયાર કરે છે. નરસિંહ ગેય ઢાળોને પદાવલિમાં લાવે છે ક્યાંથી ? લોકગીતોમાંથી જ
પદોના ઢાળો જ નહિ, કેટલાંક પદોની પદરચના પણ ઊર્મિકવિતાને સીધેસીધી કામ લાગે છે.
નાન્હાલાલ જેવા મહાન કવિ પણ ‘ઝીણા ઝરમર વરસે મેહ’ પંક્તિ લોકગીતમાંથી લઈ આવે છે.
લોકસાહિત્યના છંદો અને પ્રબંધો ‘કાન્હડદે પ્રબંધ’ અને ‘રણમલછંદ’ જેવી કૃતિઓ રચાવે
છે. લોકવાર્તાઓનો પ્રવાહ પદ્યવાર્તામાં ભળી જઈ વાર્તાને પુષ્ટ કરે છે. લોકસાહિત્ય
કથ્ય છે, મધ્યકાલીન સાહિત્ય પણ કથ્ય છે. તેથી બંને કથ્ય ભાષા-શૈલીના સીમાડા પર
ભેગાં થાય છે.
6. સમકાલીન સાંસ્કૃતિક
પ્રવૃત્તિઓની અસર:
મધ્યકાળમાં
ધાર્મિક-સામાજિક કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની પરંપરા હતી. રાસા, કથા, આખ્યાન,
વાર્તા, ભજનકીર્તન, ગરબા, રાસ એ માત્ર સાહિત્યસ્વરૂપો જ નહોતાં, સંસ્કારી
પ્રવૃત્તિઓ હતી. મનોરંજનનાં સાધન પણ હતાં. તેણે ઘણું સાહિત્ય સર્જાવ્યું છે.
ભજન-કીર્તનમાં ગાવા-ગવડાવવા માટે સંખ્યાબંધ પદો રચાયાં છે. તો લોકસમૂહ સમક્ષ રજૂ
કરવા રાસાઓ, પ્રબંધો, આખ્યાનો, વાર્તાઓ લખાયાં છે. પ્રેમાનંદની આખ્યાનપ્રવૃત્તિ એક
સાંસ્કૃતિક સંસ્થા હતી. તેણે સાહિત્યઘડતરમાં ફાળો આપ્યો છે.
7. સમાશ્રય : સાહિત્યિક
પ્રવૃત્તિઓનો વિકાસ :
સાહિત્યિક પ્રતિભાઓ રાજા,
પ્રજા અને ધર્મના સમાશ્રયથી પાંગરી છે. હેમચન્દ્રાચાર્યને કુમારપાળે સમાશ્રયને બહુમાન
આપ્યાં, તેથી તેમનું જૈન મુનિઓને જૈન ધર્મસંસ્થાએ આશ્રય આપી મબલક સાહિત્ય
સર્જાવ્યું. અસાઇત ઠાકરને એની નાતે જાકારો આપ્યો, તો પટેલોએ યજમાનધર્મ બજાવ્યો, તો
અસાઇતની ભવાઈને ‘હંસાઉલિ’ મળ્યાં. શામળને
રખીદાસે પોતાની ડેલીએ રાખીને વાર્તા-સાહિત્ય માટે પ્રોત્સાહન આપ્યું હતું.
પ્રેમાનંદે પણ દેસાઈ મહેતા શંકરદાસની આજ્ઞાથી અને ઉદરભરણઅર્થે આખ્યાન રચ્યાં છે.
લોકો
કે ભાવકોનો ભાવ સર્જકોને સારું બળ પૂરું પાડે છે. ભજનના રસિકો, ગરબાના રમનારા,
રાસના ખેલનારા, આખ્યાન-વાર્તાઓનો પ્રતિભાવ અને સદ્દ્ભાવ પ્રોત્સાહક નીવડે છે.
8. ઉદાત્ત યુગભાવના પ્રત્યે
જાગૃતતા:
ગુજરાતી
સાહિત્યના ઉદ્દભવનો કાળ એ ગુજરાતનો સુવર્ણયુગ હતો. એ યુગમાં સંસ્કૃતિ, ધર્મ, ઉચ્ચજીવન,
કર્તવ્ય, પાવિત્ર્ય, સ્ત્રીદાક્ષિણ્ય, પ્રેમ, શૌર્ય, દેશભાવના, શૂરવીરતા વગેરે
ભાવનાઓ ઊભરાતી હતી. ગુજરાતની અસ્મિતા, ભારતીય ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો જુવાળ
આવ્યો હતો. એ યુગભાવનાની અભિવ્યક્તિરૂપે સાહિત્ય સ્ફુર્યું છે. પ્રાગનરસિંહયુગની
વિશિષ્ટ કૃતિઓ આ યુગભાવનાનું સર્જન છે. ‘રણમલ છંદ’ અને ‘કાન્હડદે પ્રબંધ’ દેશપ્રેમ
અને વીરત્વની ભાવનાની અભિવ્યક્તિ છે. ‘વસંતવિલાસ’ સૌંદર્ય અને પ્રેમનો આવિષ્કાર
છે. ‘સંદેશરાસક’ સ્નેહનો સંસ્કાર છે. ‘સિદ્ધહૈમ’ના દુહા તો જીવનમૂલ્યોની ભાવનાનાં
મૌક્તિકો છે. ‘ભરતેશ્વર-બાહુબલિરાસ’, ‘સ્થૂલિભદ્રફાગુ’, ‘નેમીનાથચતુષ્પદિકા’ જેવી
કૃતિઓ જૈન ધર્મની ભાવનાનું ઉત્સ્ફુરણ છે. ‘હંસાઉલિ’ જેવી વાર્તામાં રસિક
સંસ્કારિતા છે. મધ્યયુગ જીવનની ઉદાત્ત ભાવનાનો યુગ હતો, તેથી ભક્તિ, જ્ઞાન, યોગ,
દર્શન, કર્મ, ધર્મની ભાવનાની કવિતા જન્મી.
9. મુસ્લિમશાસન અને ઇસ્લામિક સંસ્કાર
:
મધ્યકાલીન
સાહિત્યનો ઉદય સોલંકીયુગમાં થયો, પણ ઇ.સ.૧૩૦૦ની આસપાસથી વિદેશી અને વિધર્મીઓનું
મુસ્લિમશાસન આવ્યું, તે છેક ઇ.સ.૧૭૫૦ સુધી ચાલ્યું. ચારસોથી વધુ વર્ષના
મુસ્લિમશાસન દરમિયાન જ મોટાભાગનું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સર્જાયું છે. મુસ્લિમ
આક્રમણનો સામનો રાજપૂતો કરી શક્યા નહિ. સોમનાથનું પતન થયું. ‘કાન્હડદેપ્રબંધ’માં વર્ણવેલી
કરુણતા સર્જાઇ. આથી હિંદુ ધર્મ-સંસ્કૃતિના અસ્તિત્વ અને જતન માટે જ પ્રવૃત્તિઓ શરૂ
થઈ, તેમાંની એક તે ધાર્મિક સાહિત્યસર્જન, ધર્મે ભક્તિ દ્વારા શક્તિ મેળવી. રાસા,
ભજન, આખ્યાન બધું રચાયું. મુસ્લિમ-પ્રતિકારની એવી ‘રણમલ્લ છંદ’ અને ‘કાન્હડદે પ્રબંધ’
જેવી કૃતિઓ ઉદ્દભવી. હિંદુ ધર્મો-સંપ્રદાયોનું સાહિત્ય મુસ્લિમ-પ્રતિકારની આડપેદાશ
પણ છે.
આગળ જતાં, સમન્વયની ભાવના જાગી.
ઇસ્લામદર્શન અને જ્ઞાનમાર્ગ નિકટ આવ્યાં. ‘જાતપાત પૂછે નહિ કોઈ, હરિકો ભજે સો
હરિકા હોય’ એવી અ-ભેદ અને સમભાવની ભાવના જાગી. કબીરે આડો આંક વાળી દીધો. કબીરની
બાંયમાંથી સંખ્યાબંધ માનવતાવાદી કવિ નીકળ્યાં. જ્ઞાન-ભક્તિ માર્ગમાં આત્મા જ
જોવાયો, દેહ નહીં. કેટલાંક સૂફી સંતો અને હિંદુ સંતો પ્રેમભક્તિમાં સમાન હતા.
ઇસ્લામનો નિર્ગુણ નિરાકારવાદ, મૂર્તિવિરોધી વગેરે નિરાકારવાદી નિર્ગુણ પંથને
અનુરૂપ લાગ્યાં. હિંદુ-મુસ્લિમ એકતાનાં કબીરપંથી, નાનકપંથી, પીરાણા સંપ્રદાય વગેરેએ
પણ ઢગલાબંધ સાહિત્ય સર્જાવ્યું છે. મુસ્લિમ આક્રમણે હિંદુ ધર્મના વિશાળ સાહિત્ય વારસાને
પ્રજા સમક્ષ ધરી દેવાનો ઉત્સાહ વધારી મૂક્યો; એથી, જે સાહિત્ય સર્જાયું તેવું જ સમન્વયભાવનાથી
પણ સર્જાયું.
આમ જોઈએ શકાય કે આપણે જેને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહીએ
છીએ, તે લગભગ સાતસો વરસના વિશાળપટ પર ફેલાયેલું સાહિત્ય છે. સંસ્કૃતની જેમ
પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યનો પ્રભાવ પણ વત્તાઓછા પ્રમાણમાં ગુજરાતી સાહિત્યના
સર્જકોએ ઝીલ્યો જ છે, પણ એ સિવાય પણ હિન્દી, વ્રજ જેવી ભાષાઓની પણ સાહિત્ય પર અસર
અનુભવાય છે. મધ્યકાળમાં ઘણું ખરું સાહિત્ય ધર્મપ્રવણ રચાયું, પરંતુ સમાજને ક્યારેય
કવિઓની ખોટ સાલી નથી. મધ્યકાળના કવિકુળે સમાજને તેની પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ
બૌદ્ધિક વિનોદ, સાહિત્યરસ અને ધર્મ સાથે બાંધી રાખ્યાં છે અને ગદ્ય-પદ્યના
માધ્યમથી ગુજરાતી ભાષાને ઘડી, પળોટી, કેળવીને ભાવક્ષમ, અર્થગ્રાહી અને મધુર-રસિક
બનાવી છે.
This comment has been removed by the author.
ReplyDeleteThakor surpal
ReplyDelete