Friday 4 September 2015

ભારતમાં મહિલા શિક્ષણ

ભારતમાં મહિલા શિક્ષણ

ભારતની આ ભૂમિ પર પ્રાચીન સમયથી શિક્ષણનું વિશેષ મહત્વ રહ્યું છે. તેમાં પણ પ્રાચીનકાળથી આધુનિકકાળ સુધીમાં મહિલા શિક્ષણના વિવિધ આયામ જોવા મળે છે. વિવિધ ઐતિહાસિક યુગમાં જુજ પણ જોવા મળતી શિક્ષિત મહિલાઓની ભૂમિકા ધ્યાનાર્ય રહી જ છે, તે ઉપરાંત પણ આપના દેશની સંસ્કૃતિના પાયામાં અને સમગ્ર વિકાસમાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. આધુનિક યુગે, પ્રાચીનકાલની મૂલ્યનિષ્ઠ શિક્ષણપ્રણાલી અને મધ્યકાલીન ભારતની વ્યવહારિક શિક્ષણપ્રણાલીનો સુભગ સમન્વય કરીને સ્વતંત્રતાના નેજા હેઠળ સંપૂર્ણ વિકાસ આધારીત શિક્ષણની દિશામાં પોતાના કદમ આગળ વધાર્યા છે. આજે ભારત દેશને વૈશ્વિક પરિપેક્ષ્યમાં આગળ વધારવા માટે મહિલાઓનું યોગદાન સવિશેષ મહત્વનું મનાયું છે, પરંતુ આ ત્યારે જ સંભવી શકે જયારે ભારતની મહિલાઓ શિક્ષિત હોય.
શિક્ષણનો વિકાસ પ્રગતિ માટે એક શુભ સંકેત છે. તેથી જ તો ગાંધીજીએ કહ્યું છે કે, ‘શિક્ષણનો અર્થ છે કે બાળકનો શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક વિકાસ’. મહિલા શિક્ષણ ફક્ત આધુનિક સમાજની કે સમયની ઉત્પત્તિ નથી પણ આપણા દેશની સાંસ્કૃતિક વિરાસત છે. જે મહિલાઓ પહેલા ગૃહિણી હતી તે હવે દેશના વિકાસની અને ભવિષ્યની સુત્રધાર બની છે.
·         પ્રાચીન ભારતમાં મહિલા શિક્ષણ:-
પ્રાચીન સમયમાં એટલે કે વૈદિક કાળમાં મહિલાઓને સમાજમાં સમાન અધિકાર પ્રાપ્ત હતો. એ સમયમાં તે મહત્વપૂર્ણ નિર્ણય પોતાની રીતે લઇ શકતી હતી, એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણી પ્રાચીન સ્વયંવર પ્રથામાં મળે છે. તે સમયની બહુશ્રુત મહિલાઓ વિધાનસભા જેવી સાર્વજનિક સંસ્થાઓમાં, ચર્ચાસભામાં  કે પરિસંવાદમાં પણ ભાગ લઇ શકતી હતી. મહિલાઓનું વિશેષ મહત્વ આપણા પ્રાચીન ગ્રંથ રામાયણ અને મહાભારત જેવામાં પણ જોવા મળે છે. ઋગ્વેદના સમયમાં પણ ગાર્ગી અને મૈત્રેયી જેવી દાર્શનિક મહિલાઓના ઉલ્લેખો મળે છે. આપણી સંસ્કૃતિમાં શિક્ષણના ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી સ્ત્રીને સરસ્વતીનું રૂપ માનવામાં આવે છે. વૈદિકકાળમાં છોકરીઓને ગુરુકુળમાં પ્રવેશની અનુમતિ હતી. આ ઉપરાંત એ સમયમાં કોસા, અપાલા, લોપામુદ્રા જેવી મહિલાઓને ઋષિનું સ્થાન પ્રાપ્ત હતું. પરંતુ ઈ.સ. ૫૦૦ પછી ભારતમાં મહિલાઓની સ્થિતિમાં અધ:પતન જોવા મળે છે.
·         મધ્યકાલીન ભારતમાં મહિલા શિક્ષણ:
મધ્યકાળના સમય દરમ્યાન હિંદુ સંસ્કૃતિમાં મહિલાઓમાં ઔપચારિક શિક્ષણના મુકાબલે વ્યવહારિક શિક્ષણને વધુ મહત્વ આપવામાં આવતું હતું. ભારતીય દાર્શનિક વાત્સાયનના કહેવા મુજબ આ સમયે મહિલાઓ માટે કળાનું ક્ષેત્ર ખુલ્લું હતું, જેમાં રસોઈ, વણાટકામ જેવી વ્યવહારિક જ્ઞાનવર્ધક કલાઓમાં મહિલાઓ નિપુણતા મેળવી શકતી હતી. આમ છતાં બુદ્ધ, જૈન તથા ઈસાઈ ધર્મમાં શિક્ષણનું મહત્વ ઘણું રહ્યું. રાજા અશોકના સમયમાં મહિલાઓ ધાર્મિક વ્યાખ્યાનોમાં ભાગ લઇ શકતી હતી, તેમની પોતાની દીકરી સંઘમિત્રા, જેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો તે ધર્મના પ્રચાર અર્થે શ્રીલંકા ગયાના ઇતિહાસમાં ઉલ્લેખો મળે છે. હ્યુઆન સાંગ અનુસાર રાજા હર્ષવર્ધનના સમયમાં તેની બહેન રાજ્યશ્રી તેના સમયની વિદ્વાન સ્ત્રી ગણાતી. મધ્યકાલીન ભારતના ઈતિહાસમાં જોતા માલુમ પડે કે, ઉત્તર ભારતની શિક્ષિત મહિલાઓના મુકાબલે દક્ષિણ ભારતની શિક્ષિત મહિલાઓની સ્થિતિ વધુ સારી હતી. ઉત્તર ભારતની વિદ્વાન મહિલાઓમાં આપણે રાજિયા સુલતાન અને મહેરુનીસા વગેરેનું નામ લઇ શકીએ. જયારે દક્ષિણ ભારતમાં પ્રિયાકેટલાદેવી, વિક્રમાદિત્ય ચાલુક્યની રાની, જક્કૈબ્બે વગેરે વિદ્વાન મહિલાઓ હતી. પ્રસિદ્ધ યાત્રી દોમીન્ગો પ્રેસ અને નુંનીઝ અનુસાર એ સમયે દક્ષિણ ભારતમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં કામ કરતી, જેમકે વ્યય ખાતામાં લેખન વ્યવસાય હોય કે પછી રાજ્યના સુચના વિભાગ અને તેને લગતી કામગીરીનો રેકોર્ડ રાખતી. પ્રસિદ્ધ ઈતિહાસકાર ઈબ્ન અનુસાર હોનાવારમાં એ સમયે છોકરીઓ માટે ૧૩ અને છોકરાઓ માટે ૨૪ શાળા મૌજુદ હતી. ખરેખર તો તે સમયે મહિલાઓ સિવાય પણ ઘણા પુરુષો પણ અશિક્ષિત જ હતા. મધ્યકાળમાં વિદેશી આક્રમણો અને વિદેશી આક્રમણકારીઓના કારણે મહિલાઓની સ્વતંત્રતા વધુ પ્રભાવિત થઇ હતી.
·         આધુનિક ભારતમાં મહિલા શિક્ષણ:-
આધુનિક ભારતમાં મહિલા શિક્ષણના ઈતિહાસના મૂળ બ્રિટીશકાળથી જોઈ શકાય છે. મહિલા શિક્ષણ અને રોજગારમાં સુધારો લાવવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૮૫૪માં એક કાર્યક્રમ અપનાવ્યો હતો. ત્યારથી ધીરે ધીરે મહિલા શિક્ષણની સ્થિતિમાં સુધારો થતો રહ્યો છે. તેના આંકડા જોઈએ તો, ઈ.સ. ૧૮૮૨માં મહિલા સાક્ષરતા દર ૦.૨% હતો જયારે આ દર ઈ.સ. ૧૯૪૭માં ૬.૭% હતી. સ્વતંત્રતાના સમય પહેલા રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, આર્યસમાજ, બ્રહ્મોસમાજ, રામકૃષ્ણ મિશન જેવા વ્યક્તિઓ અને સંસ્થાઓએ મહિલા શિક્ષણ અને તેની સ્થિતિમાં સુધારો લાવવાના ઘણા પ્રયાસ કર્યા હતા. આ સમયે જ્યોતિબા ફૂલે તેમજ ભીમરાવ આંબેડકરે પણ વિવિધ કાર્યક્રમો દ્વારા મહિલા શિક્ષા સુલભ કરવાની કોશિશ કરી. જ્યોતિબા ફૂલેની પત્ની સાવિત્રીબાઈ ભારતની પહેલી મહિલા સ્કુલની શિક્ષિકા બની. જયારે ગાંધીજી આઝાદીની લડતમાં જોડાયા ત્યારે ૨% મહિલાઓ શિક્ષિત હતી. તે સમયે આધુનિક મહિલાઓ ન તો ખુશ હતી ન તો આ પરિસ્થિતિથી સંતુષ્ટ હતી, કે જે સમાજને કંઈક અંશે મદદરૂપ થઇ શકે, પરંતુ ૧૯૪૭ની આઝાદી પછી મહિલાઓને શિક્ષણ પ્રાપ્ત કરવાના ઘણા આવસર પ્રાપ્ત થયા. કાયદાનું પણ ઘણું રક્ષણ પ્રાપ્ત થયું. તેમને ગરિમા અને સમાનતાની ઇચ્છનીય સ્થિતિ પ્રાપ્ત થવી શરુ થઇ. આ પછી ભારતે લિંગ અંતરાલ ઓછું કરવામાં ઉલ્લેખનીય પ્રગતિ કરી છે છતાં ઘણું કાર્ય હજુ પણ બાકી છે. હું તો એમ કહીશ કે આધુનિક યુગ ભારત તેમજ વિશ્વની મહિલાઓ માટે ‘સુવર્ણ યુગ’ સાબિત થઇ રહ્યો છે. વર્તમાન સમયમાં પણ ભારતીય સમાજમાં ઘણી સંસ્થાઓ મહિલા શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે ઘણા કાર્યક્રમો તેમજ પ્રોજેક્ટ કરી રહી છે, જે આવનારા સમયમાં મહિલાઓની સ્થિતિને સમાજમાં વઘુ મજબુત કરવામાં મદદરૂપ થશે.
·         ભારત સરકારે મહિલા શિક્ષણમાં સુધારો લાવવા કરેલા પ્રયાસો :-
સ્વતંત્રતા પછી ભારત સરકારે સાક્ષરતા મિશન અંતર્ગત મહિલા શિક્ષણ માટે વિવિધ કાર્યક્રમો શરુ કર્યા. UDHR(Universal Decaration of Human Rights in 1948) અનુસાર અનિવાર્ય અને મફત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર મળ્યો. રાષ્ટ્રીય નીતિ અનુસાર છોકરીઓને શિક્ષણની સાથે સાથે સામજિક ન્યાયનો પણ અધિકાર મળ્યો. મહિલા શિક્ષણમાં સુધારો લાવવાના પ્રયાસરૂપે મહિલા શિક્ષકોને રોલમોડલ બનાવવાના હેતુથી ‘Alternative Schooling’ સંકલ્પ અન્વયે મહિલાઓને નોકરીઓ આપવામાં આવી. ઘણી NGO સંસ્થાઓએ ગરીબ, અવિકસિત વિસ્તાઓમાં જઈને શિક્ષણના વિવિધ કાર્યક્રમો દ્વારા પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપ્યો. આ ઉપરાંત SNDT અને UGC જેવી સંસ્થાઓએ મહિલા શિક્ષણ પર સંશોધન કરીને મહિલા અધિકારો પર કાયદા બનાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો. તેના દ્વારા વિવિધ સામાજિક સ્તરમાં મહિલાઓએ વ્યવસાયિક, તકનીકી અને સામાજિક વિષયોમાં પોતાની ભાગીદારી વધારી. સરકારના આ મહિલા ઉત્કર્ષલક્ષી પગલાના ફળ સ્વરૂપે આ ભારતની મહિલાઓ કોમ્પ્યુટર, મનોરંજન, મેડીકલ, અવકાશવિજ્ઞાન, રક્ષાક્ષેત્ર, વહીવટીક્ષેત્ર, રાજકીયક્ષેત્ર જેવા વિવિધ ક્ષેત્રમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપી રહી છે. આ ઉપરાંત ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારના મહિલા વિકાસ અને શિક્ષણને લગતા ઘણા કાર્યક્રમો, યોજનાઓ હાલમાં કાર્યરત છે.
·         મહિલા શિક્ષણમાં બાધારૂપ પ્રશ્નો:-
આ આધુનિક યુગમાં પણ એવા ઘણા પ્રશ્નો છે જેના કારણે મહિલાઓ પોતાનો શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરી શકતી નથી. આજે પણ શહેરી વિસ્તારની મહિલાઓની તુલનામાં ગ્રામીણ મહિલાઓ શિક્ષણ બાબતમાં વધુ પાછળ જણાય છે. ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક પ્રશ્નો નડતા હોવાથી નાની ઉમરમાં છોકરીઓ ઘરેલું અને શારીરિક કામકાજમાં આખો દિવસ વ્યસ્ત રહેતી હોય છે. એ ઉપરાંત પણ નાની ઉંમરમાં લગ્ન, નાના ભાઈ-બહેનોની સાર-સંભાળ, અશિક્ષિત માતા-પિતા, રોજગારી પ્રાપ્ત કરવાની વિવશતા, જૂની વિચારસરની, નજીકમાં શૈક્ષણિક સંસ્થાનો અભાવ તેમજ પુત્રીઓ પ્રતિ સમાજ અને ઘરનું નકારાત્મક વાતાવરણ જેવા ઘણા કારણો પ્રશ્નો સર્જતા હોય છે. કેટલીકવાર પુત્રને માતા-પિતા ઇન્વેસ્ટમેન્ટના રૂપમાં જોતા હોય છે જે ઘડપણમાં સહારો બને, પણ દીકરી પાછળ કરેલો ખર્ચ વ્યર્થ લાગતો હોય છે. દીકરીનું ભણતર આ રીતે માતા-પિતાને સીધો લાભ આપી શકતું નથી. આ ઉપરાંત ભણેલી દીકરી લગ્ન સમયે પોતાના ભણતર મુજબનો પતિ શોધતી હોય છે તેના કારણે માતા-પિતા એ ઘણીવાર વધારે દહેજ આપવું પડતું હોય છે. આ સમગ્ર વિચારસરણી મહિલા શિક્ષણમાં બાધા ઉત્પન્ન કરતી હોય છે. કોઈવાર પુરુષપ્રધાન સમાજનો અહંમ બાધારૂપ નીવડે. હંમેશા, સદીઓથી કચડાલેયી અને અસહાયરૂપમાં ચિત્રિત મહિલા જો સક્ષમ થઇ જાય તો જડ સમાજમાં ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે. આ સિવાય પણ મહિલા શિક્ષણમાં બીજો પ્રશ્ન ઊભો થાય છે તે મહિલાઓમાં અધૂરું પ્રાપ્ત શિક્ષણ. ઘણી છોકરીઓ ઉપરોક્ત કારણોસર અથવા બીજા અન્ય કારણોસર પૂરું શિક્ષણ પ્રાપ્ત કરી શકતી નથી, આજના સમયમાં આ મહત્વનો પ્રશ્ન બનતો જાય છે. જેનો ઠોસ ઉપાય શોધવો તો હજુ બાકી જ રહ્યો. કોઈવાર અસુરક્ષાની ભાવના તથા અપ્રાપ્ત – અધૂરી માહિતીથી પણ મહિલા શિક્ષણના દરમાં પ્રશ્નો ઊભા થાય છે.
·         ભારતમાં મહિલા શિક્ષણનું મહત્વ:-
-          શિક્ષણ વયસ્ક જીવનમાં વિકાસનો પાયો બને છે.
-          શિક્ષિત મહિલાના સંતાનો શિક્ષિત થાય તે સાથે દેશનું ભાવી શિક્ષિત બને.
-          શિશુ મૃત્યુ દર ઘટાડવા પણ મહિલાઓનું શિક્ષિત હોવું જરૂરી છે. દેશની જનસંખ્યામાં ઘટાડો દેશના વિકાસમાં મદદરૂપ થઇ શકે.
-          શિક્ષિત મહિલા નિરક્ષર મહિલાની તુલનામાં વધારે સારી રીતે પોતાનું ઘર ચલાવી શકે. તે પરિવારની તંદુરસ્તી, પોષણ અને પરિવાર નિયોજન પ્રતિ જાગૃત રહે છે. તે પોતાના સંતાનોમાં મહત્વકાંક્ષી, સંસ્કારી અને ઉચ્ચ ભવિષ્યના સપનાના બીજ રોપી શકે છે, જેના દ્વારા ઉત્કૃષ્ટ ભાવી પેઢી તૈયાર થઇ શકે.
-          આજની મહિલા દરેક ક્ષેત્રમાં પુરુષોની સમાન છે. જેના દ્વારા તે પરિવારની અતિરિક્ત આવકનું સાધન પણ બની શકે છે. અનિવાર્ય સંજોગોમાં તે પોતાના આખા પરિવારનો જીવન નિર્વાહ કરી શકે છે. પોતાના નિર્ણય પોતે લેવા સક્ષમ બને તથા શિક્ષણને કારણે તેના આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે.
-          શિક્ષિત મહિલાઓ સમાજમાંથી અંધશ્રદ્ધા, લિંગભેદ અને જાતિભેદ જેવા દુષણો દુર કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
-          મહિલા શિક્ષણથી પરિવારમાં તેનો અવાજ અને સ્થિતિ મજબુત થશે તેમજ તેમના સામાજિક સ્તરમાં પણ વધારો થઇ શકે.
-          કાયદાની જાણકારી દ્વારા જ ભૂતપૂર્વ આઈપીએસ ઓફીસર કિરણ બેદી સમાજમાં ભ્રષ્ટાચાર હટાવવા માટેનું આંદોલન ચલાવ્યું. આ રીતે શિક્ષિત મહિલા સાંસદ મહિલાઓના હિતોનું રક્ષણ કરવા સમર્થ બને. આ સિવાય પણ શ્રીમતી પ્રતિભા પાટીલ, સોનિયા ગાંધી, મીરાં કુમારી, વૃંદા કરત, સુષ્મા સ્વરાજ જેવી મહિલાઓ આજે સમાજમાં પોતાનું અલગ સ્થાન સ્થાપિત કરી ચૂક્યા.
-          આ રીતે શિક્ષિત મહિલાઓ શોષણ, અન્યાય અને ઘરેલું હિંસાના દુષપરિણામોથી પોતાનું રક્ષણ તો કરી જ શકે તે સાથે ન્યાય પણ મેળવી શકે છે. પોતાની સમસ્યાઓના ઉપાયો વિશે પણ વિચારી શકે છે. અસામાજિક તત્વો અને ગેરનૈતિક આચરણ વિરુદ્ધ ન્યાય મેળવી શકે છે.
-          શિક્ષિત મહિલાઓ સારી રીતે પોતાના અને પોતાના પરિવારના ભવિષ્યનું આયોજન પણ કરી શકે છે. તે ઉપરાંત બેંક તથા વીમા ક્ષેત્રનો લાભ મેળવી શકે છે.
-          કૃષિ વિદ્યાલયોમાંથી જાણકારી મેળવીને ખેતી અને અન્ન ઉત્પાદનમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
-          મહિલા શિક્ષણ નવા ભારતની ઉમ્મીદ છે. જે વૈશ્વિક ફલક પર ભારતને સકારાત્મકરૂપે રજુ કરશે.
·         તારણ:-
શિક્ષણ વાસ્તવમાં આ સમયની અમુલ્ય ભેટ છે, જે માતા-પિતા પોતાની દીકરીને આપી શકે છે. જેના દ્વારા સમય આવ્યે દીકરી પોતાના પરિવાર તેમજ સમાજને મદદરૂપ તો થઇ શકે પર તે ઉપરાંત યોગ્ય રીતે ઘડતર પર કરી શકે છે. શિક્ષિત મહિલા વિશે શ્રી જવાહરલાલ નહેરુ એ સાચું જ કહ્યું છે કે,
“એક શિક્ષિત પુરુષ હોય તો તમે એક માનસને શિક્ષિત કરો છો,
પણ એક શિક્ષિત મહિલા હોય તો તમે પુરા પરિવારને શિક્ષિત કરો છો.”


આ યુગમાં જયારે મહિલા શિક્ષણ દેશના સર્વાંગી વિકાસ અને પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, ત્યારે ભારતીય શિક્ષણ ભારત સરકાર અને સમાજ માટે આજે મુખ્ય ચિંતાનો વિષય બન્યો છે. સામાજિક સમસ્યાઓ પર બનતી ફિલ્મ અને ટીવી ધારાવાહિકો પણ જાગૃતિનું માધ્યમ બની શકે છે. આપણે પાયામાંથી શિક્ષણમાં સુધારો કરીને હકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં વધુમાં વધુ શાળાઓ ખોલી ને તેને પ્રાથમિક સુવિધાઓથી યુક્ત કરવી રહી. સરકાર દ્વારા પરામર્શન કાર્યક્રમો દ્વારા ઘરે ઘરે ફરીને લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવી જોઈએ. દૂરવર્તી શિક્ષણ, મોબાઈલ-ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગથી મહિલાઓ ઘરે રહીને પણ રોજગાર મેળવી શકે તેવી સુવિધાઓનો વ્યાપ વધારવો જોઈએ અને આવા વિકાસલક્ષી કર્યો કરતી સંસ્થાઓને પણ ઉત્તેજન આપવું જોઈએ. દેશની વસ્તીમાં જ્યાં અડધી સંખ્યા મહિલાઓની હોય ત્યાં મહિલાઓના વિકાસનું યોગદાન દેશના વિકાસ માટે અનિવાર્ય છે, અને તેથી જ દેશના હિતમાં મહિલા શિક્ષણનો દર ભારતમાં વધારવો અનિવાર્ય છે. 

2 comments:

  1. ભારતીય મહિલાઓનાં શિક્ષણમાં અનેક મહાપુરુષોનો ફાળો તો છે જ, પણ આપે મહાત્મા ફૂલે અને જ્યોતિબા ફૂલેને યાદ કર્યા- એ બદલ વિશેષ અભિનંદન.. માળી કુટુંબનાં આ દંપતિએ કન્યા કેળવણીમાં ખૂબ રસ લીધો હતો, અને એવા સમયખંડમાં કે હજી ભારતવર્ષમાં લગભગ કોઇને સ્વતંત્રતા દેવીના સપનાઓ પણ નહોતા આવતાં.. પુન: અભિનંદન સાથ- નવા અને તાજા અન્ય લેખો આપતા રહેશોજી.....

    ReplyDelete
  2. બધા વર્ગ કરતા મજૂર વર્ગમાં શિક્ષણ બહું ઓછું છે....

    ReplyDelete