Sunday 4 January 2015

“કંકુ”નું થયેલું સ્વરૂપાંતર

ગુજરાતી સાહિત્યના સર્જકોમાં જ્ઞાનપીઠ પુરસ્કાર વીજેતા જે જૂજ સર્જકો છે તેમાંના એક એવા શ્રી પન્નાલાલ પટેલની જન્મ શતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે. જાનપદી નવલકથાઓમાં ઉત્કૃષ્ટ સ્થાન ધરાવતા આ નવલકથાકારે ઉત્તર ગુજરાતની લોક્ભાષાને સાહિત્યમાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. આજે અનુઆધુનિક યુગમાં જયારે પોતાના તળની કે મૂળની વાત સર્જકો સાહિત્યમાં લઈને આવે છે, ત્યારે જે પોતાપણાની કે પ્રાદેશિક્તાની અનુભૂતિ આપણે કરીએ છીએ તે જ અનુભૂતિને પન્નાલાલ ભારતની આઝાદીના સમયે પોતાના સાહિત્યમાં લઈને આવે છે.
                શ્રી પન્નાલાલ પટેલે તેમના સર્જનકાળ દરમ્યાન ઘણા પ્રયોગશીલ વલણોને પ્રોત્સાહિત કર્યા છે. જેમાંનું એક વલણ છે, ‘કંકુ’ નામની પોતાની જ પ્રસિદ્ધ થયેલ વાર્તાના કથાવસ્તુ પરથી ‘કંકુ’ નવલકથાનું સર્જન. ૨૦ પાનામાં વિસ્તરેલી ‘કંકુ’ વાર્તાને નવા રૂપે શણગારી, નવા પ્રસંગોથી બહેલાવી, તેનું વિસ્તરણ કરીને ૩૨૦ પાનાની મહાનવલમાં વિસ્તરણ કરવું, એક સિદ્ધિ જ ગણાય !
                ‘કંકુ’ વાર્તાની શરૂઆત, ‘જો ન કરે નારાયણ ને હું મરી જાઉ તો તું તારો ભવ ન બગડતી... કોઈ સપૂતનું ઘર ખોળી લેજે ...!’ થી થાય છે. જે ‘કંકુ’ના પતિ ખૂમાના મૃત્યુનું સૂચક છે. જયારે ‘કંકુ’ નવલકથા ખૂમા-કંકુના લગ્નની વેલ અને તે પ્રસંગની રણઝણતી સાંજથી શરુ થાય. નવલકથામાં તો માતા-પિતા વગરના ખૂમાની નબળી આર્થિક સ્થિતિની વાત ચાર પ્રકરણ સુધી વિસ્તરે છે. છેક પાંચમાં પ્રકરણે ખૂમાની મરણતોલ સ્થિતિ અને તેના મૃત્યુની ઘટના દર્શાવાય છે. પરંતુ આ પાંચ પ્રકરણ સુધી પહોંચતા  નવલકથાકાર ખૂમા અને કંકુના સુખી દામ્પત્યજીવનની પરાકાષ્ઠા અને તેમના પુત્ર હરિયાના જન્મની વાતને નિરાંતે આલેખે છે.
                ખૂમાના મૃત્યુ પછી કંકુની સ્થિતિ વાર્તાકાર તરીકે પન્નાલાલ શબ્દોના બંધમાં અને ચિત્રકારની પેઠે પીંછીના આછા લસરકે દોરી આપે છે. જયારે આજ પરિસ્થિતિ નવલકથામાં કંકુના વિધવા જીવનના એક-એક દિવસના ભારને નવલકથાકાર જાતે વઢેરતા હોય તેમ પ્રસ્તુત કરે છે. કંકુના દામ્પત્યની અને આર્થિક રીતે નબળા થતા દિવસોની સુખદ યાદોને ફ્લેશબેક પદ્ધતિથી નવલકથાકાર રજૂ કરે છે. કંકુના દુઃખને જાણે દરેક વાચક માટે હદયના ઊંડાણપૂર્વક અનુભવવાનો નવલકથાકાર અવકાશ ન આપતા હોય ! આ લાલચમાં પન્નાલાલ પટેલ ઘણીવાર પાત્રોને બોલકા કરી દે અથવા તો બિનજરૂરી લંબાણનો દોષ પણ ઉત્પન્ન થાય છે.
                ‘કંકુ’ પોતાના દીકરા હરિયાનો ઉછેર કરવાને લીધે પોતે લગ્ન ન કરવાનો નિર્ણય લે છે અને એકલે હાથે ખૂબ મહેનતથી ખૂમાના જીવતે થયેલ દેવું પણ ઘણુંખરું ચુકતે કરે છે. ગામમાં ઘણા પુરુષોની ઈચ્છા તેની સાથે લગ્ન કરવાની હતી, પરંતુ સમય વીતવાની સાથે અને કંકુના મક્કમ નિર્ધારે દરેકની આશા પર પાણી ફેરવી દીધું. આ કપરા વખતે કંકુને આર્થિક રીતે પાસેના ગામના શેઠ ‘મલકચંદકાકા’ એ સધિયારો આપ્યો. તેમને ત્યાં જ કંકુ-ખૂમાનું ખાતું પણ ચાલતું હતું અને ખૂમાના મૃત્યુ પછી તેમણે કંકુને +હળ-ખેતર-ઢોર જોડવા પૈસા પુરા પાડ્યા. કંકુના આ વિધવાજીવનનો એક જ ધ્યેય હતો કે ‘હરિયો કાલ મોટો થશે ને આ દુઃખના દન સુખમાં ફેરવાઈ જશે.’(પૃ.૮૦)
                ‘કંકુ’ નવલકથા અને ટૂંકીવાર્તામાં કંકુ સિવાય એક મહત્વનું પાત્ર છે ‘મલકચંદશેઠ’નું. મલકચંદશેઠ પોતે ચાલીસ વર્ષના હોવા છતાં પિસ્તાળીશ જેટલી ઉમરના દેખાય છે. મલકચંદશેઠે બે-બે વાર લગ્ન કર્યા પણ બંને વાર નિષ્ફળતા મળી તેથી તેઓ નિ:સંતાન જ રહ્યા છે. તેઓ તેમની વૃદ્ધ માતા સાથે રહે છે. કંકુ પર અને તેની ખુમારી પર વિશેષ પ્રેમને કારણે તેને મદદ કરવામાં તેઓ ક્યારેય પણ કચાશ કરતા જણાતા નથી. એટલું જ નહીં પણ કંકુના દીકરાના લગ્ન વખતે મલકચંદશેઠ તેને ઊંચા ગજાનું લૂગડું(સાડી) ‘તારાવાળી જોડ(કપડા) મારા તરફથી ગણજે જા.’ – એમ કહી આપે છે. કંકુ પ્રત્યેની લાગણી અને તેના સ્વાભિમાનપણાની કદર કરતા શેઠ જયારે લગ્નનો સમાન ખરીદતા કંકુને પોતાના માટે કરકસર કરતા દીઠે છે ત્યારે કહે છે કે ‘પંદર પંદર વર્ષ લગી માથા ઉપર બળતી સઘડી લઈને જીવી છે તો હવે આ સારા અવસર ઉપર તો પે’ર’.(પૃ.૧૭૩) પરંતુ આ લાગણી આગળ જતા કંકુના સૌન્દર્યથી અંજાય નવું રૂપ લે છે.
                મલકચંદશેઠ કંકુ તરફની આ લાગણી-આકર્ષણ છુપાવવાની ઘણી કોશીશ કરે છે છતાં કંકુની નજરને કંઈક અંશે શંકા ચોક્કસ ઉત્પન્ન થાય છે તેથી મૂંઝાતા વિચારે છે, ‘વાણિયો બાપડો આપણા ઉપર સારો ભાવ રાખે તોય ભૂંડો ને ન રાખે તો, તો વળી દુનિયાએ તો કહેવત પણ કરી છે કે બગલો પવિત્ર નહીં.’ પણ પછી શંકાને બાજુએ ધકેલતા મલકચંદશેઠને કહે છે, ‘મલકચંદકાકા ! તમે તો ભગવાનનું માણસ છો! નહીં તો આટઆટલું દેવું માથે હોય ને બૈરામાણસને કોણ ધીરતું હશે?’(પૃ.૮૦)
                મલકચંદશેઠના સૂચનથી કંકુ પોતાના દીકરા હરિયાના લગ્ન ધામધૂમથી કરવાની તૈયારી કરે છે. તે તૈયારીના ભાગરૂપે જ કંકુ, હરિયાના લગ્નની જાન જવાના આગલે દિવસે મલકચંદશેઠને ત્યાં રૂપિયા લેવા ગઈ હતી, ત્યારે કંકુને જોઈતા રૂપિયા દુકાને ન મળતા તેઓ બંને મલકચંદશેઠના ઘરે જવા નીકળે છે. આ દરમ્યાન કંકુ સાથે વાત કરતા મલકચંદશેઠ વીંછી જેવી મૂંઝવણ અનુભવે છે અને આટલી સુંદર કંકુના નસીબ પર નિ:શ્વાસ નાખી કંકુને તાકી રહે છે. આજ સમયે કંકુ પણ આટલા વર્ષોમાં પહેલીવાર એકલતાનો અનુભવ કરે છે. બંનેની આ સમયની લાગણી અને અનુભૂતિમાં જ કોઠી એ જઈ પૈસા કાઢતી વેળાએ બંને ભાન ભૂલે છે. આ પછી કંકુ બેધ્યાનપણે લગ્નમાં ભાગીદાર તો બને છે પણ તેના મોઢા પણ આનંદનો છાંટોય જણાતો નથી.
                        આ ઘટનાના સમય પહેલા જયારે કંકુ મલકચંદશેઠની વૃદ્ધ માતાને તેમના ઘરે મળી હતી ત્યારે કંકુની પરિસ્થિતિ પર દયાભાવ રાખતા મલકચંદશેઠના વૃદ્ધ માતા કંકુને અનુસંધાને કહે છે કે, ‘મલકચંદ આજે નથી કરતો ને કાલે કોઈ બીજી નાતનું બૈરું કરે તો તો મારે કૂવો જ પૂરવો પડે.’(પૃ.૧૯૩) આ વાત ‘કંકુ’ વાર્તામાં આવતી નથી પણ ‘કંકુ’ નવલકથામાં ઉલ્લેખાય છે. આ કાકુનું અનુસંધાન આપણને પાછળથી કંકુના આવનાર બાળકના પિતાનું નામ કોઈપણ કાળે ન બતાવવાના નિર્ણયને વ્યાજબી ઠેરાવવા પૂરતું સાબિત થાય છે.
                હરિયાના લગ્ન પછી ચોથા-પાંચમાં મહિને ગામની અનુભવી ડોશી ‘ગાલા ડામોરની પત્ની’ કંકુના શરીરમાં આવેલા ફેરફારને જાણી જાય છે. ગામના બધા લોકો આ બાળકના પિતાનું નામ જાણવા ઘણા ધમપછાડા કરે છે પણ કંકુ હરફ સુધ્ધા ઉચ્ચારાતી નથી. અને ગામના મોટાઓના આગ્રહ અને દીકરાની આબરુ ખાતર ‘કાળુ’ જેવા વિધુર અને દઘારંગી વ્યક્તિ સાથે લગ્ન કરે છે. કાળુને તો આટલી સુંદર અને સમજદાર કંકુના પતિ બનવાનું સ્વર્ગના સુખ સમાન લાગે છે. રાતોરાત થયેલા આ લગ્નથી ગામના ઘણા પુરુષો હેબતાય જાય છે, ટીકા-ટીપ્પણી ઘણી થાય છે, પણ અહીં નવલકથાકાર જે સમાજને ચિત્રિત કરે છે તે કંકુની આ ભૂલને માફીક્ષમ માને છે અને તેને ક્યારેય હડધૂત કરતો જોવા મળતો નથી. એટલું જ નહીં પણ પંદર વર્ષના વિધવાજીવનની ખુમારીને કારણે આ નિર્ણયને વધાવી લે છે. અહીં સ્ત્રી સ્વતંત્રતાની સાથે વિધવા પુન:લગ્ન અને સમાજની સમજ અને જવાબદારીને સક્ષમ રીતે ઉઠાવવાની ફરજના ઉત્કૃષ્ટ દર્શન થાય છે. મહિના પછી તો લોકોય કંકુ સાથે વાત કરતા થાય છે, તેય પહેલાની જેમ મહિના પછી તો કંકુ પોતે પણ પોતાનો પગ લપસ્યાની વાત ભૂલીને નવા સંસારમાં ગોઠવાય જાય છે. મલકચંદશેઠ ‘નવલકથા’માં કંકુના આ નિર્ણય પર ખૂબ દુ:ખી થાય છે પણ તેમની પાસે આ પરિસ્થિતિનો સ્વીકાર કરવા સિવાય કોઈ ઉપાય નથી.
                કંકુને કાળુના ઘરે દીકરો જન્મ્યા પછી ગલા ડામોરની વહુ જયારે ચિત્રચિકિત્સકના વિવિધ દ્રષ્ટિકોણથી બાળકને નીરખે છે અને જોતા જ પારખી જાય છે કે આ બાળકના પિતા મલકચંદશેઠ છે. તેથી જ પન્નાલાલ પટેલની વાર્તા ‘કંકુ’માં અંતે ડોશી બોલે છે, ‘મારો પીટ્યો મલકો... જાહ રે જાહ મલકા! એ તો એમ કે’કે કંકુ જેવું લાખણું માનવી મળ્યું ; નહી તો તો .... જાહ રે જાહ મલકા!’(પૃ.૯૭) અહીં વાર્તામાં મલકચંદશેઠના પ્રતિ નકારાત્મક દ્રષ્ટિકોણ વાચકના મન પર છવાય જાય, પરંતુ નવલકથા અહીંથી પણ આગળ ગતિ કરે છે. નવલકથામાં હરિયાના લગ્ન પહેલા કંકુ જયારે મલકચંદશેઠને ત્યાં ઉધાર સામાન અને ઉછીના પૈસા લેવા જાય છે ત્યારે મલકચંદશેઠ પ્રત્યેના કંકુના અહોભાવને કારણે તેમને એક વચન લેવડાવે છે કે, ‘લો નીમ કે આજથી કોઈ દન ચોપડામાં જૂઠો આંકડો નહીં પાડો, લોકોને ધડશો નહીં ને ખટે એટલો જ નફો લેશો.’(પૃ.૧૭૬) આ વચન જ મલકચંદશેઠના જીવનનું લક્ષ્ય બને છે. તેઓ પોતાની આ ઉદારતા અને સેવાભાવી વૃત્તિથી ગામના લોકોનું હદય જીતી શકે છે. બીજી તરફ કાળુ, કંકુને અને તેના દીકરા પ્રત્યે શંકા-કુશંકા મનમાં રાખ્યા વગર હદય-મનથી સ્વીકારે છે અને બાળક સાથે બાળક બની વ્યવહાર કરે છે. છતાં નવલકથાના અંત ભાગમાં કંકુ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા ગલાકાકાને કહે છે, ‘તપ તૂટ્યું એના કરતાય તપ છૂટ્યું એ જ મને વધારે ડંખે છે’.(પૃ.૩૦૪) છતાં પણ કોઈના પર આક્ષેપ કર્યા વગર જિંદગીના આ વળાંકને સહજતાથી સ્વીકારી લે છે.
                નવલકથાના છેલ્લા ૩૪માં પ્રકરણમાં મલકચંદશેઠ જાત્રા કરી પાછા આવે છે, ત્યારે કંકુ અને મલકચંદ બંને પસ્તાવાના દોષમાંથી મુક્ત થઇ ચૂક્યાં હોય છે. તેથી જ લેખક લખે છે, ‘ને વળી પાછી કંકુ તથા મલકચંદની ડહોળાયેલી દુનિયા સ્વચ્છ થઈને વહેવા લાગી.’(પૃ.૩૧૯) અને છેલ્લે મલકચંદશેઠ પણ ક્યારેય કંકુના જીવનમાં વગર કારણે ડોકિયું કરતા નથી અને કંકુનો પતિ કાળુ પોતે પણ બાળકને રમાડતા કહે છે, ‘કંકુ જેવી મા છે ખબર છે કાંઈ !’(પૃ.૩૨૦) આ છે કંકુનો સંસાર... અહીં નવલકથા પૂરી થાય. વાચકને કોઈ ઉત્સુકતા રહે નહીં અને દરેક વાતનો-ઘટનાનો ટાળો મળી ગયાનો આત્મસંતોષ રહે. એક આખી જિંદગીની રસપ્રદ ઘટનાનો સુખદ પ્રવાહ વહેતો દેખાય.
                ટૂંકીવાર્તામાં કંકુથી થયેલી ભૂલ પછી કંકુનું શું થયું? , આ વાત ગામના બધાને જાણવા મળી કે નહીં તેવા ઘણા સવાલો રહી જાય. પણ નવલકથામાં એક પછી એક બધી ઘટનાઓનું અનુસંધાન જળવાતું જાય, ગૂંથતું જાય અને કથાવસ્તુ ઘડાતું જાય. ટૂંકીવાર્તામાં ખૂમા, કંકુ, હરિયો, મલકચંદશેઠ, મોતી, કાળુ, ગલા ડામોર અને તેમની પત્ની જેવા જૂજ પાત્રો અને તેમની નાની નાની ભૂમિકા, કથાવસ્તુને આગળ વધવા પ્રોત્સાહન આપે. જયારે ‘કંકુ’ નવલકથામાં ટૂંકીવાર્તાના પાત્રો ઉપરાંત કાળુના સગાસંબંધી, ગામના બીજા પુરુષો, અગ્રણીઓના પાત્રો ઉમેરાય. તેમાં ગામની સ્ત્રીઓની ભૂમિકા અને ‘પાનુ’નું પાત્ર જે કંકુની સખી તરીકેની ભૂમિકા બખૂબી નિભાવતી જણાય. ‘કંકુ’ના વ્યકિત્વને ખીલવવા અને તેના વ્યક્તિત્વના વિવિધ પાસાને ઉજાગર કરવા આ પાત્રો સહાયક બને. ટૂંકીવાર્તામાં ઘટના કંકુના જીવનના એક વળાંક પછી બીજા વળાંક સુધીની જ હોય. જયારે નવલકથામાં કંકુ પોતાની જિંદગીનો ઘણો મોટો રસ્તો કાપે છે, ટૂંકીવાર્તામાં કંકુના જીવનમાં બનતી ઘટના કેન્દ્રસ્થાને હોવાથી આસપાસના પ્રાકૃતિક કે સામાજિક વર્ણનોને સ્થાન નથી પણ નવલકથામાં તો તેના લગ્ન, ગામ, સમાજ, રીતિરિવાજ, આર્થિક સ્થિતિ અને ‘કંકુ’ના સૌન્દર્ય અને તેની આભાને દર્શાવતું દ્રશ્ય ઉભું કરવાને ઉપયુક્ત ઘટના-વર્ણનોનો ભંડાર જોવા મળે છે. ટૂંકીવાર્તા કે નવલકથા બંનેમાં સર્જકની ભાષામાં ઉત્તર ગુજરાતની બોલીનો વિનિયોગ થયો છે. જે બંનેમાં ત્રીજા પુરુષના કથનકેન્દ્રથી લેખક પોતાની એટલે કે કંકુની – પોતાના સર્જનના પાત્રની વાત કરે છે.
                ‘કંકુ’ ટૂંકીવાર્તામાં શરૂઆતમાં ખૂમાના મૃત્યુથી કરુણરસ ઉત્પન્ન થાય છે, હરિયાના લગ્નથી આનંદ અને ખુશી પ્રગટે છે પરંતુ કંકુની ભૂલથી ફરી કરુણરસ સાથે આશ્ચર્ય છલકાતું જણાય. જયારે નવલકથામાં શરૂઆત ખૂમાના લગ્નની ખુશીથી શરુ થઈ, કંકુ-ખૂમાના દામ્પત્યજીવનના શૃંગારરસ, ખૂમાના મૃત્યુના કરુણરસ, ગામના લોકોની કંકુને પામવાની ઘેલછામાં હાસ્યરસ, ફરી હરિયાના લગ્નની ખુશી પણ સાથે કંકુ-કાળુના લગ્ન અને કંકુના બાળકના પિતાનું રહસ્ય ઉત્સુકતા પ્રેરે છે, છેલ્લે, બધાની જિંદગી થાળે પડતા ‘શાંતરસ’માં નવલકથા પૂર્ણ થાય. આમ, વિવિધ રસમાં થતું રસસંક્રમણ વાચકને જકડી રાખવા સક્ષમ બનતું જણાય.
                ગુજરાત રાજ્યની ઇનામી નવલકથા ‘કંકુ’ પર ફિલ્મ પણ બની ચૂકી છે. અત્યાર સુધીની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ બની જેને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે અને શિકાગો ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કંકુનો અભિનય કરનાર શ્રી પલ્લવી મહેતાને સર્વોત્તમ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો. આ પછી તો ગુજરાતી સાહિત્યમાં એકાંકી પરથી નાટક લખવાના પ્રયોગશીલ પ્રયાસો થયા જેમાં મધુરાયનું એકાંકી ‘સૂરા...સૂરા...સૂરા...’પરથી ‘સૂરા’, ‘કોઈ એક ફૂલનું નામ તો બોલો...’ એકાંકી પરથી ‘કામિની’ તથા શ્રી સતીશ વ્યાસ ‘કામરુ’ એકાંકી પરથી ‘કામરુ’ નાટકની રચના કરે છે.
                આમ, ટૂંકીવાર્તા જીવનની ઘટનાનો ભાગ છે જયારે નવલકથા આખી જિંદગીની ઘટનાનો સમૂહ. જેમાં ઝીણામાં ઝીણી વિગતો પણ વિસ્તારપૂર્વક કહેવામાં આવે. આમ, ટૂંકીવાર્તામાંથી નવલકથામાં ‘કંકુ’નું સ્વરૂપાંતર ગુજરાતી સાહિત્યના પ્રયોગશીલ સર્જકો માટે શ્રી પન્નલાલ પટેલ નવી કેડી કંડારી આપે છે, નવી દિશા દ્રષ્ટિ ખોલી આપે છે.

સંદર્ભ:-
૧) ‘કંકુ’                                 પન્નાલાલ પટેલ

૨) ‘પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’          પન્નાલાલ પટેલ

No comments:

Post a Comment