Thursday, 1 January 2015

‘રાજકુમારી ફૂલવંતી : ડુંગરી ગરાસિયા લોકકથાઓ’: પ્રાકૃતિક પરિવેશ

‘રાજકુમારી ફૂલવંતી : ડુંગરી ગરાસિયા લોકકથાઓ’:
પ્રાકૃતિક પરિવેશ

      સમાજ હોય સાહિત્ય હોય તે સમજી શકાય પર કંઠોપકંઠ સાહિત્ય ચિરકાલીન બને એ ઘણી આશ્ચર્યજનક બાબત ગણાય, પણ આપણું તો મધ્યકાલીન સાહિત્ય ઘણું-ખરું પદ્યમાં અને તે પણ કંઠોપકંઠ સચવાયું છે. આ પરંપરા લોકબોલીમાં સચવાય તે લોકસાહિત્ય. જેમાં સર્જક ગૌણ બની જાય, સર્જન લોકોના મુખે-મુખે બદલતું જાય, ઉમેરણ થતું જાય, સ્વરૂપ બદલાતું જાય અને છતાં કૃતિનું હાર્દ એનું એ જ રહે. આ પરંપરાનું સાહિત્ય દરેક જીવિત સંસ્કૃતિમાં હોય છે, પણ તેનું સંકલન કાર્ય અને તેને બહાર લાવવાનું કાર્ય ઘણો સમય તેમજ પરિશ્રમ માંગી લે તેવું છે. આ સાથે આ સાહિત્યને સમજીને, સાંભળીને પુસ્તકરૂપે વિશ્વ સમક્ષ મુકવાનું કાર્ય તો તેથી પણ કપરું છે.
આમ તો, આ છે લોકસાહિત્ય એટલે તે લોકો દ્વારા સચવાતું હોય, સમૃદ્ધ થતું હોય, બોલીમાં હોય, મૌખિક હોય પણ આ દુર્લભ સંસ્કૃતિક વારસાને લિપિબદ્ધ કરવાનું કાર્ય મરિયા શ્રેસે કર્યું છે. આ લેખિકા યુરોપિયન છે, યુગોસ્લાવિયામાં ઊછર્યા છે. ૧૯૭૧માં સમાજસેવાક્ષેત્રે ઉત્તમ કાર્ય કરવાના ઉદ્દેશથી ગુજરાતમાં પગ મુકે છે. તેમનું નામ છે મરિયા શ્રેસ મિત્સ્કાબહેન. આ નામથી ગુજરાત હવે પરિચિત છે. કર્નલ તોડે રાજસ્થાનનો ઈતિહાસ લખ્યો ત્યારથી લોકકથાના અભ્યાસ-સંશોધનક્ષેત્રની લહેર આવી. આ પછી તો આ ક્ષેત્રે અનેક સંશોધનો થતા રહ્યા છે. ભારતમાં કુલ ૬.૮૬% વસ્તી આદિવાસીઓની છે અને ગુજરાતની ૧૩.૩૫% વસ્તી આદિવાસી છે. તેઓ ભૂમિજન, ગિરિજન, રાનીપરજ, વન્યજાતિ કે વનવાસી તરીકે ઓળખાય છે. આ પ્રજામાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જીલ્લામાં આવેલી અરવલ્લીની પર્વતમાળામાં ભિલોડા, વિજયનગર અને મેઘરજ તાલુકામાં વસતા ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજ છે.
૧૯૯૪માં પ્રગટ થયેલું આ લેખિકાનું પહેલું પુસ્તક ‘ગરાસમાં એક ડુંગરી’ જેને ગુજરાત સાહિત્ય પરિષદે શતાબ્દી ઉજવણી નિમિત્તે પ્રકાશિત કર્યું. આ પુસ્તકમાં સાબરકાંઠાની આદિવાસી બહેનોના શારીરિક શોષણની હૃદય સ્પર્શી પ્રસંગકથાઓ આપી છે. જેને ૧૯૯૪ના શ્રેષ્ઠ પુસ્તક તરીકેનો ગુજરાતી સાહિત્ય અકાદમીનો દ્વિતીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. આ પછી તેમને ‘કવિતા અને સંવાદ’ પુસ્તક ૧૯૯૭માં લખ્યું. જેમાં પછાત વર્ગની ગણાતી આદિવાસી કોમની સ્ત્રીઓની વાત છે. આ પુસ્તકને ૧૯૯૭ના શ્રેષ્ઠ પુસ્તક માટે ગુજરાતી સાહિત્ય પરિષદના ભગીની નિવેદિતા દ્વિતીય પુરસ્કાર મળ્યું. તેમના આ પ્રકારના પુસ્તકોનો અભ્યાસ કરતા ફાધર વાલેસ અને ફાધર વર્ગીસ પોલના સાહિત્યની યાદ અવશ્ય આવે. આ પછી ડુંગરી ગરાસિયા આદિવાસીઓની વચ્ચે કામ કરતા, રહેતા તેમના અનુભવો તેમના ત્રીજા પુસ્તક ‘જ્યાં મારું હૈયું ત્યાં મારું ઘર’ ૨૦૦૬માં પ્રકાશિત થયું. ઉપરોક્ત ત્રણેય પુસ્તકમાં ડુંગરી ગરાસિયા આદિવાસી કોમની આજ ઝલકે છે, પરંતુ આજે આપણે જે પુસ્તકની વાત કરવાની છે તેમાં આ સંસ્કૃતિના ભૂતકાળ અને સદીઓ જૂનો સંસ્કૃતિક વરસો સચવાયેલો જોવા મળે છે.
‘રાજકુમારી ફૂલવંતી : ડુંગરી ગરાસિયા લોકકથાઓ’ નામે સંશોધનાત્મક વાર્તાસંગ્રહ છે. ગુજરાતી સાહિત્યમાં ઘણા લોકકથા સંગહો થયા છે, પણ આ સંગ્રહ ડુંગરી ગરાસિયા આદિવાસી સંસ્કૃતિ અને તેની સાથે વણાયેલી પ્રકૃતિ સાથેની નિસ્બતના લીધે વધુ આકર્ષતો લાગે. આ વિશે જોરાવરસિંહ જાદવ યોગ્ય જ કહે છે કે, ‘અરવલ્લીની ડુંગરમાળની નાની નાની અવશિષ્ટ હારમાળાઓની વચ્ચે ગિરિમાળાની તળેટીમાં છૂટાંછવાયાં ખોલરાં અર્થાત છાપરાં બનાવીને વસવાટ કરે છે. પ્રકૃતિની ગોદમાં વસનારી આ પ્રજાની નીજી સંસ્કૃતિ છે. એમનાં પોતાનાં પહેરવેશ, ઘરેણાં, દેવદેવલાઓ, વાજિંત્ર, હથિયારો, ઘરનું રાચરચીલું, ઉત્સવો, માન્યતાઓ, વહેમો, શ્રદ્ધા, અંધશ્રદ્ધા, ભૂતપ્રેત વિશેની માન્યતાઓ છે.’ ‘રાજકુમારી ફૂલવંતી : ડુંગરી ગરાસિયા લોકકથાઓ’ એ વાર્તાસંગ્રહમાં લેખિકા ફક્ત  ડુંગરી ગરાસિયા આદિવાસી પાસેથી સાંભળેલી કથાઓને જ આપણી સમક્ષ નથી મૂકી પણ તેમના આ સંશોધન ભર્યા અભિયાનને સંગ્રહના અંતે કેફિયત તરીકે પણ સામેલ કર્યું છે. ‘આ કથાઓ નિમિત્તે’ કેફિયતમાં લેખિકા ભારત આવવું, બાલાસિનોરમાં ક્રિસમસ, થોરાવાડાનું જીવન, સાબરકાંઠાનાં શરૂઆતનાં વર્ષો, મારા કામના પડકારો, મારું લેખન, ડુંગરી ગરાસિયાઓ, ધર્મ-દ્વેષ, સંબંધોનું મૂલ્ય, ભારતમાં મારું રોકાણ, ડુંગરી ગરાસિયા લોકકથાઓ એવા મથાળા નીચે આખો તેમના અનુભવો અને લેખન પરિબળોનો ઈતિહાસ આપે છે.
આથી પણ વિશેષ આ પુસ્તકમાં આપણા ગુજરાતી લોકસાહિત્યના જાણીતા સંશોધક જોરાવરસિંહ જાદવનો ‘આદિવાસીઓનું આગવું લોકવાર્તા વિશ્વ’ એમ વિસ્તૃત સંશોધનાત્મક લેખ સાંપડે છે. જેમાં લોકકથા સાહિત્ય, તેનો ઉદભવ, આદિવાસી સંસ્કૃતિ, ભારતમાં તેનું વ્યાપ, ગુજરાતમાં તેમની સ્થિતિ અને પરિસ્થિતિ, સંગ્રહને અનુલક્ષીને સ્થળ-કાળ સંદર્ભે ઊંડાણપૂર્વકનું જ્ઞાન પીરસ્યું છે. આ ઉપરાંત આ વાર્તાસંગ્રહના દરેક પાસા પર અને દરેક વાર્તાની પ્રકૃતિ પર વિસ્તૃત ચર્ચા કરી છે. આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૪ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક વાર્તાની શરૂઆતમાં એક ચિત્ર મુકવામાં આવ્યું છે, તે ચિત્રો પણ પ્રાકૃતિક ચિન્હો અને પ્રકૃતિના પદાર્થોને સૌદર્યસૃષ્ટિમાં રંગીને ખૂબ જ સૂઝબૂઝપૂર્વક ટાંકવામાં આવ્યાં છે.
આ સંગ્રહની પહેલી વાર્તા ‘પહેલી સ્ત્રી હતી’માં અરવલ્લી પર્વતો અને ત્યાંના પ્રાકૃતિક સૌદર્યની અદભુત વાત કરવામાં આવી છે. કુદરત અને સ્ત્રીને એકરૂપ ગણીને કાલ્પનિક ચિત્ર ઉભું કરવામાં આવ્યું છે. ‘કુદરત એટલે સ્વયં સંપૂર્ણ ઈશ્વરનું સ્વરૂપ’, ‘પર્વતોને હું સુંદરમાં સુંદર વસ્ત્રો પહેરવું’, ‘કુદરતે રચેલો પર્વત ઊંચામાં ઊંચો હતો. તેનાં બે શિખરો ગોળ અને પૃષ્ટ હતાં.’, ‘ઓહ, મારી સુંદર ધરતી, પૃથ્વી, મારી સ્ત્રી, હવે હું તને શણગારું !’, ‘પૃથ્વીનો બદામી દેહ લીલા રંગની અરણ્યરૂપી ઘટ્ટ રેશમી સાડીમાં શોભતો હતો. પવનથી એ લીલી સાડીનો છેડો લહેરાતો ત્યારે પાલવ ખસી જતાં જાણે તે હેઠળની શાંત ખીણો કે નીલ-શ્યામ રંગનાં શિખરો નજરે ચઢતાં.’ ‘..સૂર્યકિરણો પૃથ્વીના વક્ષસ્થળ પર પડતાં અને તે જાગી ઊઠતી ત્યારે કુદરતની નજર પૃથ્વી પર સ્થિર થતી.’, ‘વચ્ચે વચ્ચે કુદરત, પૃથ્વીને અવનવો સુડોળ આકાર આપવામાં મગ્ન રહેતો, જેમાં કે તેના પેટનો ઢોળાવ, તેની નીચે ઊગેલાં ઝાંખરાં, તેમની વચ્ચે એક છૂપી ગુફા, જેમાં ગુપ્ત હૂંફાળું જીવનજળનું ઝરણું હોય.’ અને છેલ્લે, ‘કુદરતની સર્વોત્તમ કલ્પના અને એ સ્ત્રી હતી...નામ સતી... સતી અને કુદરત એકાકાર થયાં હતાં અને કુદરતે જ સતીને પુત્રની ભેટ આપી. પરિણામે પુરુષનો જન્મ થયો..એટલે સૌ પ્રથમ સ્ત્રીનું સામ્રાજ્ય હતું.’ આ રીતે અહીં સ્ત્રીના મહાત્મયની સાથે આખી પ્રકૃતિ અને તેના શણગાર માટે વૃક્ષો, વનરાજી, ડુંગરા, નદીઓ, ઝરણાં, પશુપક્ષીઓ, રંગબેરંગી પતંગિયાં અને આગિયાનો પણ ઉત્તમ સમાવેશ કરીને વિશિષ્ટ ચિત્ર ઊભું કર્યું છે.
‘સુવર્ણયુગ અને જળપ્રલય’ વાર્તામાં વષોથી આપણે સૃષ્ટિના પ્રલયની વાર્તા સાંભળીયે છે તેને લોકકથામાં જે અનોખી રીતે કહેવાય છે, તેનું વર્ણન છે. સ્ત્રી-પુરુષ એકબીજાના સહવાસમાં રમમાણ રહે અને પૃથ્વી પર કોઈ સમસ્યા ન હોય, બધી જરૂરિયાત કુદરત પૂરી કરે તો વસ્તી વધારો થાય અને પછી પ્રકૃતિ પોતાનો પ્રકોપ ફેલાવે વિનાશની લીલા રચાય, અતિવૃષ્ટિના કારણે સર્વનાશ થાય અને છેલ્લે કાવો અને કાવી બચે તેના માટે પ્રાકૃતિક શબ્દચિત્ર જોઈએ તો ‘અડધી રાતે વાતાવરણમાં અચાનક નિસ્તબ્ધતા છવાઈ ગઈ અને એમણે બે સફેદ આકૃતિઓને જોઈ. તેમના ચહેરા દેખાતા નહોતા. પહેલી આકૃતિએ કહ્યું : તમે અને તમારા પૂર્વજો જે કુદરતને જાણતા હતા, જે તમારી રક્ષક હતી, તેનું હું બીજું સ્વરૂપ છું. તેનું મેલું રૂપ દેવ છે.’ અહીં સ્વછંદતા એ વિનાશની જનની છે, સ્પષ્ટરૂપે દર્શાવ્યું છે.
‘કાવી કેવી રીતે છેતરાઈ ?’માં માનવ મનનાં ગૂઢ પાસાંને આલેખે છે. તેમાં સ્ત્રીને પરાસ્ત કરવા સ્ત્રીને નીખરતાં ઘરેણાંનો આશરો લેવામાં આવે છે. આ પ્રલોભન આપી સ્ત્રીને પરાસ્ત કરી પુરુષપ્રધાન સમાજ કેવી રીતે જીતનો ક્રૂર ગર્વ લે છે, તેની વાત છે. ‘ભૂત પેસી ગ્યું !’ વાર્તામાં આદિવાસી અંધશ્રધ્ધાની પીપળાના વૃક્ષના પ્રાકૃતિક ઉદાહરણ દ્વારા કથા કહેવામાં આવી છે. ‘સાપની ભેટ અને કણબી કન્યા’વાર્તામાં નાગ અને મનુષ્ય વચ્ચેનો સંબંધ, એકબીજાની સહાયતા, મંત્ર-જાપ, નાગની મનુષ્ય સાથેની કાલ્પનિક વાતચીત વગેરે દર્શાવી પ્રકૃતિ સાથે જોડાયેલી સંસ્કૃતિને ઉજાગર કરી છે.
‘રાજકુમારી ફૂલવંતી’ આ સંગ્રહનું નામ જેના પરથી રખાયું તે વાર્તા. આ વાર્તા પરીઓના દેશમાં આપણે ખેંચી જાય. ફૂલોની રાજકુમારી પણ સામાન્ય સ્ત્રીની જેમ ઈચ્છા રાખે, પતિને મેળવવા માટે અને પોતાનો પત્ની તરીકેનો હક મેળવવા ચમત્કારિક સંઘર્ષ વેઠે. મંથરાનું પાત્ર હોય તેમ કાળી, ફૂલોની રાણી ફૂલીને છેતરે. પછી રાજકુમારી ફૂલવંટી તળાવનું ફૂલ, તાંદલજાની ભાજી, શાકભાજીમાં કોળું, આંબાનું વૃક્ષ અને માયાવી કેરી પણ બને અંતે પતિ ધીરુને પામે.
‘શેષનાગની દીકરી કરમાબાઈ’ વાર્તામાં શામળાજીના યાત્રાધામના ભૂતકાળની કાલ્પનિક વાર્તાને સ્થાન મળ્યું છે. ત્યાં રાજા હરિશ્ચંદ્રની અને તેની સાત રાણીની વાત આવે, તેમાં કરમાબાઈ એ સ્વરૂપવાન અને બુદ્ધિશાળી રાણી, જે શેષનાગની કન્યા પણ હતી. બીજી રાણીઓમાં ઉદભવેલી દ્વેષ ભાવનાને કારણે રાજા ભોળવાય અને છેલ્લે કરમાબાઈની સમજાવતથી પણ ન સમજતા રાજાને શ્રાપ આપી સીતા ધરતીમાં સમાય તેમ ઘુમ્મતી સરોવરમાં પિતા શેષનાગ સાથે સમાય જાય. અહીં પ્રકૃતિનું મૂર્તરૂપ જોવા મળે છે.
‘હુડા રાજાનો શાપ’ એ હાલના શામળાજી નામે ઓળખાતી જૂની ઉજ્જૈન નગરી અને તેના નિસંતાન રાજા હુડાની કહાની છે. રાજ્યમાં દુકાળની પરિસ્થિતિનું સચોટ વર્ણન આવે, જૂની માન્યતા અને વાંઝીયાની વેદના, રાજાનું કઠોર તપ, અગત્સ્ય મુનિના આર્શીવચન અને દુ:ખોનો અંત. આમ, ‘ખાધું પીધું ને મોજ કરી’ એવી દાદીમાની વાર્તા.
‘અલકી અને ઢુલકી’માં ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજમાં સ્ત્રીઓના મોભાને દર્શાવતી વાર્તા છે. અહીં ડુંગરી ગરાસિયા વસ્તી, તેના રહેઠાણ, તેમના નૃત્ય, સમાજના રીતિ-રીવાજો, પ્રકૃતિ સાથેનું તેમનું જોડાણ એક ‘સત્યયુગ’ની વાર્તા દ્વારા આલેખે છે. એક દીકરીની આશા હતી ત્યાં આદિવાસી દંપતીને જોડકી બે દીકરી ભેટમાં મળે. અહીં તે બંને બહેનો રોજનીશી, પ્રકૃતિ સાથેની મોજને વર્ણવે છે. ઉદાહરણ જોઈએ તો, ‘’એક તરફ ગાયો અને બકરાં જંગલમાં શાંતિથી ઘાસ અને છોડવાનો ચારો ચરતા તો બીજી તરફ બંને છોકરીઓ ખીણ વિસ્તારની નાની ટેકરીઓ અને ઝાડી-ઝાંખરાવાળી જમીન પર.. વિવિધ રમતો રમતી અને મેદાનો પર પડતા સૂર્યપ્રકાશ અને વૃક્ષોની ઘટાઓ તળેના છાંયડાની મોજ માણતી.’ અંતે બંને બહેનો સાથે જ અચાનક આ દુનિયામાંથી વિદાય લે છે એ જે પ્રેમ શિખવાડી જાય છે તે પ્રેમની ઉજવણીરૂપે આબાલવૃદ્ધ હોળીનો તહેવાર આનંદ-ઉલ્લાસથી મનાવે છે.
‘ભાલિયો અને પ્રિયા’ વાર્તામાં ઉદેપુરનો રાજા તેને ત્યાં મજૂરી કરતી રૂપાળી પ્રિયાના રૂપ પાછળ દીવાનો બને, પ્રિયા સ્વેચ્છાએ વશ ન થાય તો રાજા બળજબરી કરે. ગરીબ કુટુંબની તાકાત કેટલી ? અહીં એક વાત ખુબ જ વેધક રીતે કહેવાય છે કે, ‘ગુલામોને વળી આત્મસન્માન શાં !’ પ્રિયા રાજાની માંગણી સ્વીકારી પોતાના સ્વજનોનો તો ઉદ્ધાર કરે છે પણ પતિ ભાલિયો તે પછી ક્યાંય દેખાતો નથી, અને એક દંતકથા પ્રમાણે પ્રિયા રાજા સિદ્ધરાજની સૌથી માનીતી રખાત હતી જે પાછળથી પ્રિયદર્શીની બનીને રહી. આ પ્રજાનું શોષણ કરનાર રાજવીનું જંગલી સૂવર તરફ ફેકાયેલી બરછીથી અવસાન થયું અને આદિવાસી સ્ત્રી પ્રિયા મહેલમાંથી નીકળી અરવલ્લીના જંગલમાં અદ્રશ્ય થઇ ગઈ.
‘સૂર્યે પોતાના વૃદ્ધ પિતાની સંભાળ કેવી રીતે રાખી ?’વાર્તામાં માતા-પિતા તરફના અપાર પ્રેમ-ત્યાગ અને શિક્ષિત સમાજમાં જોવા મળતી વ્યવહારિક ચતુરાઈના દર્શન અને માનવ પ્રકૃતિના વિવિધ પરિમાણો જોવા મળે છે. આજ રીતે ‘હવે ભાઈ-બહેન નહીં’ એ વાર્તામાં ભાઈ-બહેનના સંબંધોમાં આવતી કડવાશ અને ઈશ્વરના પોતાના સંતાનો પ્રત્યેના પ્રેમની અને જીવનની ઉધ્વગતિ વાતને રમાના પાત્રમાં વણી લીધી છે.
‘એ ચતુર કાગડાઓ’ કથામાં કાગડાની વાત સાંભળીને રાણીએ રાજાને રાજધર્મ બતાવી પક્ષીઓની સૃષ્ટી ઉગારી લીધી. અહીં આદિવાસીઓનું પક્ષીઓનું અને એમની વૈખરી વાણીનું જ્ઞાન આશ્ચર્ય જન્માવે તેવું છે. આ સંગ્રહની છેલ્લી કથા ‘કરણે નીચેના નાગ’ માં મનુષ્ય અને નાગ-નાગણની વ્યવહારિક સમજણ, આદિવાસી સમાજમાં પશુ-પક્ષીઓની વાણીને સાંભળવાની ક્ષમતા અને સામંજસ્યને બખૂબી નિભાવ્યું માલુમ પડે છે. આ સાથે કરેણના વૃક્ષની ખૂબીનો સમજણપૂર્વક કરેલો ઉપયોગ સરાહનીય બનતો જણાય છે.
લોકકથાઓનું એક મહત્વું લક્ષણ જીવન સાથે વણાયેલી સૃષ્ટી. એમાં તો જંગલમાં જીવતો આદિવાસી સમાજ, તો તેની દરેક લોકકથામાં જંગલ ને ઝાડિયું, ડુંગર ને ગાળીયું, આંબલી ને પીપળા, વાદળ અને વીજળી, સરોવર ને તળાવ, ખીણ અને નદી, કૂવા અને ગરાસિયણ, પશુ-પક્ષી, વાર-તહેવાર-નૃત્ય, પક્ષીની બોલી, પ્રાણીઓ વેદના અને સંવેદના, ભૂત-પ્રેત અને પરીઓની કાલ્પનિક સૃષ્ટી તો આવવાની . તળના પ્રદેશની સાથે સત્ય અને તત્વનો અંશ, સમકાલીન સારી-નરશી બાબતોનો પડછાયો પાડવાને કારણે તો છે લોકસાહિત્ય; જ્યાં છે માનવીના સંસ્કારનું ઘડતર-વિચાર-વાણી-વર્તનમાં ઝળકતું સજીવ સૃષ્ટિનું સામંજસ્ય-ભૂતકાળની ભૂલોમાંથી કર્મની ગુઢ વાણીને પ્રકૃતિ દ્વારા સમજાવતું અને પરિવર્તનની લહેરને બખૂબી ઝીલતું છે અનેરું સ્વરૂપ.
પ્રકૃતિ આદિવાસી સમાજની જીવાદોરી, માતા અને આત્મા છે. લોકસાહિત્યને આદિ સાથે સંબંધ છે. સૃષ્ટી અને સર્જન એક બીજામાં જીવે છે, તેમજ આ સંગ્રહને જોતા અનુભવાય કે પ્રકૃતિ અને આદિ-લોક-જીવન એકબીજામાં શ્વસે છે.

સંદર્ભ:

*        ‘રાજકુમારી ફૂલવંતી: ડુંગરી ગરાસિયા લોકકથાઓ’    મારિયા શ્રેસ     પ્ર.. ૨૦૦૯    પ્રકાશક: આર.આર.શેઠની કંપની

No comments:

Post a Comment