Sunday 4 January 2015

‘સાસુવહુની લડાઈ’ : સામાજિક પ્રતિબિંબ ઝીલતો દિશાસૂચક દસ્તાવેજ

.સ. ૧૮૬૬માં પ્રકાશિત અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રથમ સામાજિક કથા તરીકેનું સન્માન પામેલી મહીપતરામ રૂપરામ નીલકંઠની કૃતિ સાસુવહુની લડાઈ સુધારકયુગના પ્રતિબિંબ સમી આગવી કથા છે. ૧૯મી સદીમાં સુરતી કેળવણીકાર મહીપતરામ નીલકંઠ સમાજની રૂઢ વ્યવસ્થા પર આ કથા દ્વારા કટાક્ષ કરે છે. સમાજસુધારકની કલમે લખાયેલી આ મૌલિક કૃતિનો સ્પષ્ટપણે મુખ્ય હેતુ સમાજસુધારાનો જ હોવાને કારણે નવલકથામાં કથાપ્રવાહ સાથે લેખક વચ્ચે વચ્ચે પોતાના વિચારો અને સૂચનો ત્રીજા પુરુષની કથની દ્વારા વ્યક્ત કરતા જ રહે છે.
        સાસુવહુની લડાઈ એ નાગરનાત જેવી જ્ઞાતિને કેન્દ્રમાં રાખીને સંસારચિત્રને રજૂ કરતી કથા છે. એ સમયમાં જ્ઞાતિનું સંકુચિત વલણ, રીતિરિવાજો, રૂઢીઓ, અંધશ્રધ્ધા, દંભી વલણ(વિધિઓ), જુલ્મી વલણ અને આ જડતાને લીધે ઉદભવતી વિવિધ સામાજિક સમસ્યાઓ પર ગંભીર તેમજ રમૂજ વાક્યપ્રયોગો તથા કથાપ્રયોગોથી સંસાર સુધારણા ભાવની લેખકે ગૂંથણી કરી છે. મધ્યકાળમાં અને પુરાણોમાં આલેખતી કથા કે વાર્તા કહેવાની ટેકનિકનો લેખકે સુંદર પ્રયોગ કર્યો છે. પરંપરાગત લઢણમાં કથાનો પ્રારંભ કરતા લેખકે લખે છે,
અમદાવાદ જિલ્લામાં મોડાસા કરીને નગરી હતી...(પૃ.૧)
ત્યારબાદ સ્થળ-સંદર્ભ આપી લેખકે સીધો વાર્તાનો દોર નાયિકા સુંદર સાથે જોડી આપે છે. સાતમે વરસે તેનો થયેલો વિવાહ અને નવમે વરસે પરણાવામાં આવી. ચૌદમે વર્ષે સાસરે વિદાય થઈ. ત્યાં લેખક ઉલ્લેખે છે કે, તે ત્યારથી એની દુર્દશાનો આરંભ થયો. અહીં આગળ નવલકથાના રસની ગતિ અને મુખ્ય કથાની દિશા નક્કી કરી દેતા લેખકની કલમ બોલકી બનતી જણાય છે.
        સુંદરના કુટુંબમાં પતિ હરિનંદ, સસરા રામાનંદ, સાસુ અનપુણા, નણંદ કમળા, જેઠ વિજીઆનંદ અને જેઠાણી ચંદા, કથાના અંત ભાગમાં મુખ્ય રોલ ભજવતા પઠાણ- દંપતી અને બીજા ગૌણપાત્રોની આ આખી કથામાં સમયાંતરે સંકલના થઈ છે. બધા પાત્રોના બાહ્ય અને આંતર દેખાવને સૂઝપૂર્વક ચીતર્યો છે. ફિલ્મ કે ધારાવાહિકમાં જોવા મળતી ક્રૂર અને શંકાશીલ સાસુ, પોતાના પિયર પર હંમેશા હુકમ ચલાવવાના કોડ રાખતી નણંદ, નાયિકા પર વગર વાંકે ત્રાસ ગુજારતો પતિ, ચારેબાજુથી દુ:ખના ડુંગર નીચે દબાયેલી વહુ જેવી જ કથા અહીં પણ જોવા મળે છે. ખૂબ સુંદર અને સૌમ્ય એવી સુંદર વહુ પર સાસુ માનસિક ત્રાસ ગુજારે છે, તો તેનો પતિ હરિનંદને ભોળવીને એ કપટી મા-બહેનની જોડી સુંદર પર શારીરિક ત્રાસ પણ આપવાની પેરવી કરે છે. સાસુના આ કડવા વેણ કે પતિનો માર ખાધા પછી પણ સુંદર બધાને પોતાના કરવા અને સુશીલ વહુ બનવા પ્રયાસરત રહે અને એક પણ વાર તેની સાથે થતા અન્યાયનો પ્રતિકાર કરવા કે ઘર છોડવાનું નામ સુધ્ધા ન લે ! તે જમાનામાં અક્ષરજ્ઞાન ન મેળવેલી સ્ત્રીઓ પોતાની સમસ્યાઓ અને પ્રશ્નનોના ઉકેલ માટે કોઈ રસ્તો ન જડતા અંધશ્રધા અને મંત્ર-તંત્રનો સહારો લેવાનું વિચારે. આજે પણ મંત્ર-તંત્રના ઢોગમાં સુશિક્ષિત સમાજ અટવાયું છે તો ત્યારે તો આવા કિસ્સાની માત્રા પ્રમાણમાં વધુ હશે. આખરે તો સાહિત્ય સમાજનું જ પ્રતિબિંબ ઝીલે છે. કથાની નાયિકા સુંદર સાથે તેનો પતિ મારઝૂડ તો કરતો હતો પણ સમય જતા કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધમાં સુંદરના કિંમતી ઘરેણાં તેને આપી દે છે અને ઘરેણાં ખોઈ નાખવાનો આરોપ સુંદર પર જ લગાવે છે એ બધાથી ત્રાસી ચૂકેલી નિ:સહાય સુંદર એળે નહીં તો બેળે આ બધું સુધારવાની લ્હાયમાં મંત્ર-તંત્રની જાળમાં અટવાય છે. આમ, ચંદાને બાળકો નથી તેથી તે પણ મંત્ર તંત્રનો સહારો છે. આમ સુંદર જેઠાની પોતાના બાળક માટે અને સુંદર પોતાના પતિને વશમાં કરવાના બહાને જેઠાણી ચંદા સાથે ફકીર પાસે જાય છે. જમલા પીરના રોઝે સાંઈ પાસે ગયેલી દેરાણી-જેઠાણીના પતનની ક્ષણે બધા બ્રાહ્મણોને આ વાતની જાણ થતા બ્રાહ્મણો તેમને બચાવવા ત્યાં જઈ પહોંચે છે, તે જ વખતે સુંદરને પાછલે બારણેથી બહાર ભગાડી મૂકાય છે અને તે હસનખાં પઠાણને ત્યાં જઈ પહોંચે છે. ત્યાં સુંદર ગંભીર માંદગીમાં પટકાઈ. પઠાણ-દંપતી તેની દવા કરાવે છે અને તેના મનોરંજન માટે જાતજાતની વાર્તાઓ કહે છે. અહીં, શામળની આડકથાઓની જેમ લેખક પણ ભાવકને જકડી રાખવા અને કથાને રસપ્રદ બનાવવા પ્રસંગ અનુરૂપ ઘણી આડકથાઓનો સાથ લઈને સમાજને શિખામણ આપવાનું ચુકતા નથી. સ્ત્રીઓની ઈજ્જત કરવા સારું ગંગાશંકરે હરિનંદને સમજવવા કરેલી હઠીસિંહ આદમીની કથા, વાઘની ઉત્પત્તિની આડકથા, ગણપતિની વાર્તા જેવી વાર્તાઓનો નવલકથાકાર કથામાં પ્રસંગાનુપાત વિનિયોગ કરે છે.
કાગ વાહાલું કુંભ જળ, પટલ વાહાલી જાતર;
બ્રાહ્મણ વાહાલા લાડવા, ને મીંયા વાહાલી પાતર.’
આ કહેવત પરથી કથાકાર વાર્તા ઉમેરે છે, આ પદ્યવાર્તા પછી સુંદરની અને પઠાણની ઘણી નિંદા થવા લાગી અને જે લોકો વચ્ચે ચર્ચા ચાલી તે અનુસંધાને મોડાસાના કોઈ એક કવિએ સુંદર અને પઠાણનું ગાણું જોડી કાઢ્યું. જે પ્રખ્યાત ગીત લેખક અહીં જોડે છે... ‘સુંદર સુણો મારી જાન, મારાં દીલ લાગ્યાં પઠાણ રે...’(પૃ.૧૧૭) આ ઉપરાંત પઠાણે કહેલી રાજપૂતો વિશેની આડકથા, મરણ વખતે કૂટવા માટેનું ગીત જેવું વિશેષ સંધાન નવલકથાની વસ્તુસંરચનાને ઉપકારક બને છે.
        તે સમયની સામાજિક બદીઓમાં સ્ત્રીહત્યા, બાળલગ્ન, ગુલામડી જેવી સ્ત્રીની હાલત વિધવા અવસ્થાની કરુણતા તથા તલ્લાક ન લેવાની રીતિ, ફક્ત પૈસા ખાતર પાંચ-પાંચ સ્ત્રી(દીકરાઓને) પરણવાની પ્રથા, જેવા વિવિધ અજ્ઞાન તરફ કથાકાર આંગળી ચીંધે છે. તેઓ લખે છે કે, ‘પાટીદારમાં તો દીકરીઓને જીવાડતા જ નહીં... કાં ઝટ દૂધ પીતી કરે, કે રીબાવીને મારે...’ ; ‘દીકરી એ હલકી માટી’ એવી કહેવત તેથી જ પ્રચલિત થઇ. આ ઉપરાંત ‘છોકરો મારી જાય તો છાટી કુટી નાંખે, વહુ મરી જાય તો પાપ ગયું...; કીડી મોઈને વહુ મોઈ બરાબર... ફરીને પરણી બીજા રૂપીયા આવશે...વહુ તો એક મારે ને બીજી આવે.(પૃ.૨૪) આ માનસિકતા અહીં ઉજાગર થાય છે. સુંદરની આખી માનસિક સ્થિતિ માટે જવાબદાર સમાન પંચલાઈન ‘પોતાનાં હોય તેને કહીએ, પારકાને ના કહીએ...’ દ્રષ્ટિગોચર થાય છે. આ સિવાય પણ ઘણા પ્રસંગે મહિપતરામ સ્ત્રીઓની સામાજિક સ્થિતિ આલેખે છે. જેના થોડા ઉદાહરણ જોઈએ તો-
-        ‘આપણા દેશમાં વહુને મારવી એ સાધારણ છે, તેથી વિશેષ કરીને બે-ચાર છોકરાની મા થાય, કે સાસુ મરી જવાથી ઘરનો કારભાર તેને હાથ આવે ત્યાં સુધી ઘણી વહુઓની મેણા, ગાળ અને માર વડે પૂજા થાય છે.’(પૃ.૫૭)
-        ‘કેટલાકને છોકરો નહીં હોવાને લીધે છોકરી વેચવા માંડી છે... પોરી વેચનાર ભાઠેલાઓ પોતાને છોકરી થઇ તો ઘણા જ ખુશી થાય છે ; પરંતુ આ ઉપલા વિચાર બધા ભાઠેલાના મનમાં નથી. દેજ લેવાનો અને તરખલું કરવાનો પહેલવહેલો રિવાજ વલસાડ પરગણાના કેટલાક ભાઠેલાએ દાખલ કાર્ય.’(પૃ.૬૮)
-        અનાવળા બ્રાહ્મણોએ ગુજરાતીમાં માઠી ચાલ પાડી તે, સીમંત વખતે એક દિવસ, મરણ વખતે પાંચ દિવસ, પરણતી વખતે ત્રણ દિવસ, ઉપવિત વખતે એક દિવસ, એ પ્રમાણે વધારેમાં વધારે ખર્ચ થાય છે’(પૃ.૬૮,૬૯)
બ્રાહ્મણ કુટુંબની આ કથા સાથે કથાકાર વાણિયા, દેસાઈ, નગર, અનાવીલા બ્રાહ્મણ, રાજપૂતો, ભાઠેલા, પઠાણ એવા ઘણી બધી જાતિઓના રીતિ-રીવાજો, વિશેષતા, ઉણપોને સાંકળી લે છે.
આ ઉપરાંત તે સમયના ગુજરાતી અને હાલમાં શિષ્ટ ગુજરાતીના જોડણી ભેદો પણ અહીં સ્પષ્ટપણે દેખાય છે. એવા કેટલાક વાક્યો જોઈએ તો,
-                    ‘એનામાં જે અપલક્ષણ હતાં તેમાનું એક એ હતું કે એને ઘરણા પહેરવાનો અધથી વધારે શોક હતો.’(પૃ.૨)
-        ‘સારી સ્ત્રીઓમાં લાજ, શરમ, વિવેક ને નારમાસ હોય છે.’(પૃ.૪)
-        નમાઈ ને ન બાપી થઇ તોએ એની ક્રૂર સાસુ, નણંદ અને ઊંટ જેવા વરના મનમાં દયા ન આવી.’(પૃ.૭)
-        ‘જેમ ધણીને ધીબાવેલો એવી કોકજ હારુન બાયડી હોય, તેમ નારીને ગાળો ન ભાંડેલી અને કદી મારેલી નહીં એવો એકે પુરુષ ભાગ્યે જડશે. એ વાતમાં જંગલીપણું બહું ઓછું એવાં ઘર છે.’(પૃ.૫૭)
-        ઉંચા કુળનો હોય તો સંસાર સુખ શું ભોગવશે તેનો કશો વિચાર કરતા નથી. ‘વાંકો ચુંકો પણ ઘઉંનો રોટલો.’ મતલબ કે ગમે તેવો છે પણ કુળવાન દેસાઈ છે, એમ વિચારી આંધળીઓ કરે છે ને કન્યાને પરણાવે છે.’(પૃ.૬૧)
-        ‘ગોપરજી બોઉં હારુ બોલ્યા...’(પૃ.૬૩)
-        ‘કામ થાય તો રે નીતો ચાલીજા. જો આ મોટો રસ્તો, ને હંગાથ જોએતો તે હૌ કરી આપું, મારા પોર્યાને અમથો ફાંહમાં લાખ્યો એવું જાણે તેતો પણવતેઓની.’(પૃ.૬૫)
આ ઉપરાંત વિવિધ પ્રસંગોએ ગીતોનો પણ સમાવેશ સુપેરે કર્યો છે. જેમકે, -
‘દમડીકી રાઈ, સાસુ વહુકી લડાઈ;
આધી રોટી ચોરઈ, ખુણે બેઠકર ખાઈ;
સાસુ મારવા ધાઈ, વરે કુવામાં ગીરાઈ’(પૃ.૨૪)
-        ‘રજપુતાની ડાહીને તેના દીકરા રજપૂતો બેવકૂફ, વાણીઅણ ગાંડી વલવલ ને તેના દીકરા વાણીઆ શાહાણા ને બુદ્ધિવાન.’(પૃ.૧૩૧)
ઘણા સ્થાને કહેવતો, રૂઢિપ્રયોગો, કાવ્યાત્મક ભાષા, તે સમયમાં પ્રચલિત એવા કાવ્યો, છંદોબદ્ધ કાવ્યપ્રયોગો, પરમ્પરાગત ઉક્તિઓનો કથાકાર વસ્તુસંકલના કરી યોગ્ય માહિતી પૂરી પાડે છે. આ સિવાય ઉત્તર ગુજરાતથી લઇ દક્ષિણ ગુજરાત સુધીના લોકોના વાણી-વર્તન-વ્યવહારને એક જ કથામાં આલેખી આપે છે. ‘હાશ્ય’, ‘હુંગેલી હોય’(સુતેલી હોય), ‘વેહેલી’(વ્હેલી), ગૃહસ્થોના બદલે ગૃસ્થો, ઉત્સાહીના બદલે હોંસીલી, રેહેતો(રહેતો), દેવદર્ષણમાં ‘શ’ને બદલે ‘ષ’, આવા સુરતી બોલીના શબ્દપ્રયોગો, નાગરી નાતના બ્રાહ્મણ ઘરોમાં બોલાતા શબ્દો, પઠાણ લોકોની હિન્દી મિશ્રિત ઉર્દૂ-ફારસી ભાષાનો પણ અહીં સુંદર વિનિયોગ થયો છે. જેમકે, ‘એશા ઢોંગ!’
વાર્તાના અંત ભાગમાં સુંદર પઠાણને ત્યાં બીમારીવશ પથારીમાં પડી છે. તેને ન્યાય અપાવવા માટે પઠાણ તજવીજ કરવાનું કહે છે ત્યારે ભારતીય પતિવ્રતા નારીની જેમ સુંદર કહે છે, ‘હવે મારે આજકાલ મરવું છે; પણ મૂઆ અગાઉ મારે માંગવાનું એ છે કે મારા વરને શિક્ષા કરશો નહીં, મારી ખાતરે તેને છોડી દેજો એની ભૂલચૂક હું માફ કરું છે, ને તમે પણ તેમ કરજો, એના કરતાં એની મા બહેન વધારે અપરાધી છે. મારી હત્યા તેમને શિરે છે... એ ઝગડાનો અંત મારા મોતની જોડે આણો એવી મારી ઈચ્છા છે, મારા વરને તથા મારાં કોઈપણ સાસરીઆને હવે હેરાન કરશો નહીં.’(પૃ.૧૩૧)
આ સાથે લેખક ‘આ સદગુણી અને નિરપરાધી સ્ત્રીની કાણી અહીં પૂરી છે.’(પૃ.૧૩૨) એમ, આપણી પરંપરાગત વાર્તામાં ‘ખાધું-પીધું ને મોજ કરી’ એમ સુખદ અંત ન આવતા સુંદરના મૃત્યુ પછી પણ તેના ઘરમાં બનતી ઘટનાઓને લેખક આલેખે છે. જાફરખાં મીયાં જે ત્યાંના અધિકારી હતા તે લાંચિયા હોવાને કારણે હરિનંદ સુંદરના મૃત્યુના ગુનામાં જનમટીપની સજામાંથી બચ્યો. છેલ્લે બ્રાહ્મણોની જ્યાં નાત જમાડવામાં આવી ત્યાં કથાકાર બ્રાહ્મણોના વેશ અને આદતોનો કટાક્ષયુક્ત, વૈવિધ્ય અને વિચિત્ર ચિત્રણ કરતા જણાય છે. આ પછી સુંદરના સાસરાવાળાઓને નાત બહાર મુકવા, નાતના બ્રાહ્મણો કહે છે કે, ‘મુસલમાન ફકીરની જોડે એમની વહુવારુ જતી રહી, તે રાત્રે તેની સાથે તેનું રાધેલું જમી, બીજી વહુવારુ મુસલમાનના ઘરમાં ખાટલામાં મરી ગઈ, તેનું પુતળ વિધાન ન કર્યું, ને બાળી આવનારાએ પ્રાયશ્ચિત્ત ન કર્યું...’ આ અધર્મના બદલારૂપ તેરમાના દહાડે રામાનંદ પંડ્યાએ(સુંદરના સસરા)એ ચુરમા(છુટ્ટા લાડુ)નું જમણ કર્યું. અહીં જ્ઞાતિજમણ વખતે આંધી આવવાનો પ્રસંગ જાણે એ કરુણ ‘મૃત્યુ’ના પ્રતિકરૂપ સાસુ અનપુણાની અફસોસ વાણીથી જરાય સંતુષ્ટ થતો નથી. અનપુણાનો અફસોસ ‘નાત ધૂળ ખાતી ભૂખી જાય’ એના માટે છે પરંતુ વહુના મૃત્યુ માટે નથી. તેથી જ સુંદરની બહેનપણીઓના મુખેથી લેખક કહેવડાવે છે કે, ‘રોયા રાક્ષસ, મુવાની પાછળ તે શોક હોય કે મીજબાની.’(પૃ.૧૪૫) આમ, સુંદરના મૃત્યુ સાથે એક મેલોડ્રામેટિક કથાવસ્તુનો અંત આવે છે.

સામાજિક સંદર્ભની પૃષ્ઠભૂમિ પર રચાતી અને નવલકથા ઘણા ગુણોને કથામાં વણીને સમાજ સાથે પ્રસ્તુત કરતી આ કથામાં કથાકાર પોતાના સમાજમાં થતી સ્ત્રીઓની અવદશા અને સ્ત્રીઓની સ્થિતિનો સચોટ ચિતાર આપે છે. એ સાથે પોતાના એ સમયમાં જણાતા સુધારક વિચારોને આખી કથામાં સલાહરૂપે કે આડકથાઓરૂપે કહેતા રોકી શકતા નથી. તે સાથે જ સાસુ-વહુના પરંપરાગત સંબંધોને હાસ્ય અને કરુણરસમાં ભેળવીને ઐતિહાસિક દસ્તાવેજરૂપે પ્રસ્તુત કરવાનું ચૂકતા નથી. ‘સાસુવહુની લડાઈ’એ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સામાજિક પ્રતિબિંબ ઝીલતો દિશાસૂચક દસ્તાવેજ છે.

No comments:

Post a Comment