Friday 4 May 2018

યુધિષ્ઠિરના ‘હું’પણાના મંથનને રજૂ કરતું નાટક : ‘સ્વપ્ન દુ:સ્વપ્ન’

મહાભારત આપણી ભારતીય સંસ્કૃતિનો આદિ ગ્રંથ, મહાકાવ્ય. જયારે પણ મહાભારત મહાકાવ્યમાંથી પસાર થઇએ તો જેટલી વખત તેને ગ્રહણ કરો એટલી વખત તમને એક નવો જ અર્થ મળવાનો જ. મહાભારતની ઘટનાઓ, પ્રસંગો કે પત્રો હોય એક નવા યુગની પ્રતિમૂર્તિરૂપ આપણા માનસ પર પોતાની છાપ છોડી જવાના. મહાભારત એક એવું મહાકાવ્ય છે, જે દરેક યુગે જીવંત છે. એ દરેક યુગમાં પોતાની છબી પ્રસ્તુત કરતું યુગેયુગમાં જીવે છે.
        મહાભારતના ઘટના પ્રસંગો હોય કે પાત્રોના મનોભાવનાને નવા કે પ્રચલિત અર્થ સાથે પ્રસ્તુત કરતી અનેક કૃતિઓ વિવિધ ભાષા-બોલીઓ અને સાહિત્યમાં સમયે સમયે મળતી જ રહી છે. આ મહાભારતના સ્ત્રીપાત્રો કે પછી કૃષ્ણ, અર્જુન કે કર્ણ જેવા પાત્રો સાહિત્યકૃતિઓમાં છાજતું સ્થાન પણ મળ્યું છે. આ દરેક પાત્રમાં એક એક પ્રતિબદ્ધતા સાથે જીવન જીવવાની એક શૈલી આપણને જોવા મળે છે.
        મહાભારતનું જ એક પાત્ર કે, જે પોતાની સત્યનિષ્ઠતા અને ધર્મભાવનાના યુગબળે આખી જિંદગી જીવ્યું છે તે પાત્ર છે યુધિષ્ઠિરનું. આ પ્રકારના એ યુધિષ્ઠિરના મનોમંથન-આંતરમંથનને ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત નાટ્યકાર ચિનુ મોદી ‘સ્વપ્ન દુ:સ્વપ્ન’ નાટક દ્વારા પ્રસ્તુત કરે છે. નાટકનું સ્વરૂપ યુધિષ્ઠિરના પાત્ર માટે જયારે પસંદ કરાયું હશે ત્યારે જાણે આંખ સામે તેના પાત્રની દૃશ્યમાળા ચાલી હશે એવું જીવંત બન્યું છે. ભાવકની આંખ સામે દૃશ્યોની હારમાળા ચાલતી રહે તેવી દૃશ્ય યોજનાઓ અહીં આપણને દેખાય આવે છે. આ દૃશ્ય યોજનામાં મુખ્ય મુદ્દો છે યુધિષ્ઠિરે લડવાનું છે પોતાના ‘હું’ સાથે. જે હંમેશા આપણા અંતરમાં સમાયેલો છે. પોતાનાથી જુદો કરવાનું કોઈ વ્યક્તિ માટે સંભવિત નથી. હા, ધારે તો પોતાના ‘હું’ને પોતાનામાં ઓગળી જરૂર શકે.
        વ્યક્તિ, સામે હોય તેવી બીજી વ્યક્તિ સાથે યુદ્ધ કરી શકે બાહુબળે, દ્વંદ્વ કે વાકયુદ્ધ કરી શકે પણ જયારે પોતાના ‘હું’ સાથે લડવાનું હોય ત્યારે શું થાય ? આ નાટકમાં એક સંવાદ ‘હું’ સાથેનો સુંદર રીતે વણી લીધો છે.
“યુધિષ્ઠિર          :         અરે, તમે તો જીવો છો...
હું                  :         તે તમે છો. ત્યાં સુધી તો હું હોઉં જ ને. કાયા નહીં તો પડછાયા નહીં...
યુધિષ્ઠિર           :         તમે છો કોણ ?
હું                  :         (અટ્ટહાસ્ય કરે છે) આજ સુધી પોતાનું નામ કોઈએ પોતાને પૂછ્યું હોય એવું
બન્યું નથી.”(પૃ.૧૨)
        આમ, પોતાની જાતની થયેલી ઓળખાણ અને પડછાયાના કોઈ અલગ નામ નથી હોતા એવી ભાવના સાથે ‘હું’પણાના પોતે કરેલા પૂર્વસમયના કાર્યોના લેખા-જોખા વખતે યુધિષ્ઠિર જે મનોમંથન અનુભવે છે, તે આ નાટકમાં ચિનુ મોદીએ સુપેરે ઉપસાવ્યું છે.
        નાટક ત્રણ અંકો અને છ દૃશ્યોમાં વહેચાયેલું છે. તેનો આરંભ સૂત્રધાર ગણેશ-સરસ્વતીની સ્તુતિ સાથે કરે છે. સજ્જન અને સન્નારીઓને સંબોધીને સૂત્રધાર કુરુક્ષેત્રના યુદ્ધના છત્રીસ વર્ષ વીતી ગયાની વાત માંડવા જાય છે; પરંતુ, સૂત્રધાર તરત જ, ‘ના, ના— પણ આ કથા ઓછી કહેવા અમે આવ્યા છીએ?’ એમ કહી કથાને બીજી તરફ વાળી દે છે અને પછી દૃશ્ય ખુલે છે, ઇન્દ્રના દરબારમાં. ત્યાં નાટ્યરંભ ચાલી રહ્યો છે અને ત્યાં જ યમરાજ અને ચિત્રગુપ્ત પ્રવેશે છે. પાંડુપુત્રો અને દ્રૌપદીનું આયુષ્ય પૂર્ણ થવામાં છે. જ્યેષ્ઠ પાંડુપુત્ર યુધિષ્ઠિરને સદેહે સ્વર્ગમાં પ્રવેશ આપવા માટે દેવરાજની અનુમતિની તેમને પ્રતિક્ષા છે. દેવરાજ તો અનુમતિ આપવા ઉત્સુક છે; પરંતુ, અગ્નિ, વાયુ અને સૂર્ય દેવો તેમાં પોતાનો વિરોધ નોંધાવે છે. ત્રણેયના મનમાં રહેલા સંશયને દૂર કરવા માટે નારદજી યુધિષ્ઠિર સાથે સંવાદ કરીને જ સમાધાન કરવા જણાવે છે. નાટ્યકાર્યનું મૂળ બીજ જ અહીં રોપાયેલું પ્રત્યક્ષ થાય છે. યુધિષ્ઠિર, યમરાજનો પુત્ર યુધિષ્ઠિર સદેહે સ્વર્ગમાં પ્રવેશવાનો છે; આ ધર્મરાજે આજીવન નિરંતર પોતાના શુદ્ધ આચરણ દ્વારા સદેહે સ્વર્ગમાં પ્રવેશવાની પાત્રતા મેળવી છે, મહાભારતની મૂળ કથાનું અહીં વાત પ્રતિપાદન કરે છે. ઇન્દ્રદેવ અને ધર્મદેવ યમરાજ પણ આ બાબતમાં સંમત છે પણ અગ્નિ-વાયુ-સૂર્ય ત્રિદેવને તેમાં વિરોધ હોવાને કારણે અહીં શરુ થાય છે સ્થિત સંઘર્ષની.
        કોઈપણ નાટકમાં સંઘર્ષનો સમાવેશ ન થાય તો નાટક શિથિલતા તરફ ઝૂકી જાય છે, અહીં આ સંઘર્ષ તો છે દેવો અને મનુષ્ય વચ્ચેનો. હવે આ સંવાદ વ્યવહારમાં નાટ્યદૃષ્ટિએ સ્વપ્નની પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ટેકનિક અહીં કાર્યસાધક પણ બની છે અને કથાબીજ હોવાને કારણે શીર્ષક મેળવવાને અધિકારી પણ બની છે. સ્વપ્નની પ્રયુક્તિનો સુંદર વિનિયોગ અને ત્રિદેવના વિરોધ અને દેવ વિરોધના પ્રશ્નોનું મંથન યુધિષ્ઠિર માટે દુ:સ્વપ્નસમાન બની રહે છે. હવે સ્વપ્નમાં જો પ્રશ્ન ઉદ્ભવ્યો હોય અને તે સંઘર્ષનો ત્યાં જ ઉત્તર મળવાથી સમી જાય તો નાટક ત્યાં જ પૂર્ણ થઇ જાય; પરંતુ, અહીં નાટક આખું સ્વપ્ન દુ:સ્વપ્નની હારમાળામાંથી પસાર થાય છે. ફક્ત નાયકની અંતિમ ક્ષણોમાં જયારે યુધિષ્ઠિર ઝબકીને જાગી જાય, તે સિવાય સ્વપ્ન અને દુ:સ્વપ્નની હારમાળા યુધિષ્ઠિરના મનને ‘હું’ની સાથેના મંથનમાં ઊંડે ઊંડે ઉતરતી જ રહે. સદાયે સ્થિરમતિ યુધિષ્ઠિર(યુદ્ધમાં સ્થિર રહેનાર) સ્વપ્નમાં પસાર થયેલા દુ:સ્વપ્નોથી સંઘર્ષ અને મંથન બંને અનુભવી બહાર નીકળે છે.
        બીજા દૃશ્યમાં ત્રિદેવ યુધિષ્ઠિરને સ્વપ્નમાં પ્રગટ થઇ પોતાના વિરોધના કારણો દર્શાવે છે. તે ત્રણેય દેવનાં સંતાનો મહાભારતની કથા-પાત્રસૃષ્ટિમાં મહત્વનાં સ્થાન ધરાવે છે. વાયુદેવનો પુત્ર ભીમ, સૂર્યદેવનો પુત્ર કર્ણ અને અગ્નિદેવની પુત્રી છે દ્રૌપદી. આ બધા દેવ તેને લગતા પ્રશ્નો યુધિષ્ઠિરને પૂછે છે. સૂર્યદેવ કહે છે કે,
‘અમારા પુત્ર કર્ણને આયુધ રહિત અવસ્થામાં રથચક્રને ભોયમાંથી બહાર કાઢતી વખતે
અર્જુને હણ્યો અને તું મૂંગો રહ્યો ?’(પૃ. ૫)
એવો આક્ષેપ કરી અલોપ થાય છે. ત્યારબાદ વાયુદેવ કહે છે કે,
‘દેહે સશક્ત પણ ભોટપણાંની સીમા સુધી જતા ભોળપણના ભંડાર બલાઢ્યને, ભીમને તમે સૌએ સોગઠું જ લેખ્યો છે...’(પૃ. ૬)
આ પ્રશ્ન કરી વાયુદેવ પણ અલોપ થાય છે અને અંતમાં અગ્નિદેવ કહે છે કે,
‘વસ્તુ સમજીને તમે મારી દીકરીને વહેંચી છે. એને દ્રુતના દાવમાં તમે તમે મૂકી છે...’(પૃ. ૭)
એમ આક્ષેપ કરી અદૃશ્ય થાય છે. યુધિષ્ઠિર ત્રણેયને ‘મને સાંભળો’ એમ વિનંતી કરે છે છતાં ત્રિ-દેવો તેના જવાબ સાંભળ્યાં વિના જ પ્રસ્થાન કરે છે અને યુધિષ્ઠિર આને પોતાની સાથે થયેલા ‘અન્યાય’ તરીકે લેખે છે. આ પ્રકારનું ત્રીદેવોનું યુધિષ્ઠિર સાથેનું વર્તનનો જવાબ વાયુદેવ નાટકમાં આપે છે,
‘હોઠ સાજા હોય તો ઉત્તર ઝાઝા હોય એની મને જાણ છે માટે અલમ્’(પૃ.૬)
        આ પશ્નોથી મૂંઝાયેલા ધર્મરાજ યુધિષ્ઠિરને જોઇને પિતા યમરાજ સહાયભૂત થવા આવે છે અને કહે છે કે, ‘હું તારી સાથે ને સાથે જ હતો પુત્ર!’ એમ કહી વિદુરરૂપે પ્રગટ થાય છે અને પોતાના જન્મના રહસ્યને ખોલે છે. સાથે ત્રિદેવના આગમનનું રહસ્ય પણ ઉજાગર કરે છે. યુધિષ્ઠિરને
‘ઊતરી શકે તો અંદર ઊતર. અકળ અંધકાર અડાબીડ હશે, વત્સ. પણ, લોચન મીંચીશ તો બધું ઉકલશે. તમને પાંડુપુત્રોને માના ઉદરના રક્ષિત અંધકારની ઓળખ જ નહીં હોવાથી, આ અંધકાર અજાણ્યો લાગશે. આમ છતાં પાછા પગે ચાલી નાંખ – જવાય એટલે દૂર-સુદૂર(અટકીને) હવે અમે જઈએ...’(પૃ.૧૦)
આમ, કહીને પોતાને અંતરના ઊંડાણમાં જઈ પોતાના ‘હું’ને મળવાનું, પોતાના અંતરને જાણવાનું’ તેનાથી પરિચિત થવાનું અને સત્ય શોધવાનું કહે છે.
        બીજા અંકના પ્રથમ દૃશ્યમાં યુધિષ્ઠિર, પોતાના ‘હું’ કેવળ પોતનો જ સ્વજન છે, મિત્ર છે એવા ‘હું’ને મળે છે. એ જ ‘હું’ સ્થિર મતિ યુધિષ્ઠિરને નવવધૂ દ્રૌપદીને કુંતામાતાના કહેવાથી વહેંચવાની વાતમાં સહમતિના પ્રશ્નો, દ્રુતમાં રમવાની વાત તથા અર્જુનને મળેલ બાર વર્ષના વનવાસ વિશે તથા યુદ્ધમાં અશ્વત્થામાના મૃત્યુના અર્ધસત્ય એવા નિવેદનમાં પોતાના દ્વારા થયેલા નિર્ણયો પરના પ્રશ્નોના જવાબ આપે છે. ‘હું’ એ ભીતરમાં છુપાયેલો છે. ‘હું’ને ઓગળી નાખીને ‘હું’ પદના ભારથી મુક્ત થઇ હળવા થવા માટેનું આ મનોમંથન અને આખરે ‘હું’ની સન્મુખ થઇ, પોતાની માનવીય નબળાઈઓને સ્વીકારીને, તર્કછળથી શૂન્ય એવા સાચા સ્વરૂપને પ્રત્યક્ષ કરવું એ જ છે ‘આત્મસાક્ષાત્કાર’ અને આ જ ‘સત્યનિષ્ઠતા સત્યધર્મ’ છે.
        ત્યારપછીના દૃશ્ય-૨માં ‘હું’ સાથેના મનોમંથન અને આત્મસાક્ષાત્કાર બાદ ખુલ્લી આંખે કે બંધ આંખે થઇ રહેલા મહામંથન વિશે યુધિષ્ઠિર વિદૂર સાથે પ્રગટ કરે છે, ત્યારે સદેહે સ્વર્ગપ્રવેશ માટે આ વિષનું વાલોવાવું અને સપાટી પણ આવી વિષમુક્ત થવું જરૂરી છે. આમ પણ, સૂર્ય પ્રકાશરૂપે, વાયુ પ્રાણરૂપે, અને અગ્નિ ઉષ્મારૂપે આપણા ભીતરમાં સમાયેલા છે તેથી આ મનોમંથનમાં આ ત્રણેય દ્વારા ભીતરને ઢંઢોળવાનું-સ્વચ્છ કરવાનું માધ્યમ તરફ વિદૂર આંગળી ચીંધીને યુધિષ્ઠિરને જીવન અને આત્માની સન્મુખ જવાનો માર્ગ બતાવે છે. આખરે તો આ ભાવના तत्वमसि  કે तत्सतમાં પરિણમે છે. આ દૃશ્યમાં યમરાજના સૂચન મુજબ યુધિષ્ઠિર વાયુ, અગ્નિ અને સૂર્ય દેવોને આહ્વાહન કરે અને તેમના સવાલોના જવાબ આપી પોતાના મનુષ્ય તરીકેની મર્યાદાને ઉજાગર કરી, મનુષ્ય તરીકેની મર્યાદા સ્વીકારીને તે મુજબના જવાબથી સંતુષ્ટ કરી પોતાના સદેહે સ્વર્ગે જવાનો માર્ગ સુનિશ્ચિત કરે છે.
        અહીં નાટકના બે અંક પૂર્ણ થાય અને ત્રીજો અંક શરૂ થાય છે. ત્યાં દૃશ્ય બદલાય તેની સાથે દ્રૌપદી એક એક કરીને પોતાના પાંચેય પતિ સાથેના સંબંધોનું તીખું સત્ય પ્રસ્તુત કરે છે. નકુલ, સહદેવ, અર્જુન, ભીમ અને અંતમાં યુધિષ્ઠિર. આમ, પાંચ પાંચ પતિ હોવા છતાં આજે કૃષ્ણાને ફક્ત સખા કૃષ્ણની આવશ્ક્યતા રહી. દ્રૌપદી કિરપાણથી પણ વધુ ધારદાર છે, ઝંઝા છે, નિયતિકૃત નિયમરહિતા, અગ્નિની જ્વાળાઓમાંથી જન્મેલી પૃથ્વીપુત્રી છે. નકુલ અને સહદેવને તો આટલા વર્ષે પણ તે કુમાર કહીને જ સંબોધે છે. પાંચ પાંચ પતિ હોવા છતાં કૃષ્ણા દ્રુપદ કન્યા હજી કુંવારી છે. આ વાત અને આખા નાટકમાં એક એક પતિ પાસે ગઈ અને તેમની નબળાઈઓને સામે આયનામાં પ્રકટ કરીને બધા પાંડવોના મનોમંથન અને મર્યાદાઓને ઉજાગર કરતી જણાય છે.
        આમ, દ્રૌપદીના મને તો પાંચેય ભાઈઓ સરખા ‘પાંડુપુત્રો’ જ ઠરે છે. તે તીવ્ર કટાક્ષ દ્વારા પાંચેય ભાઈઓની ભર્ત્સના કરે છે. હવે દ્રૌપદીના આ ઉગ્ર કટાક્ષ ભર્યા વર્તન આગળ યુધિષ્ઠિરની નિંદ્રા તૂટે છે અને તે કહે છે,
‘અમને કોઈ વાતનું સુખ હવે નથી અમારું સત્વ. યુદ્ધવિજય માટે અમે જે ખોઈ દીધું. એ આટલાં વરસો પછી પણ પાછું મળ્યું નથી. અમે ખોઈને જે પામ્યાં એ તો ખૂબ જ તુચ્છ છે અને ખોયું એ મહામૂલું હતું...’(પૃ. ૩૧,૩૨)
આ પ્રકારે કહીને તે હિમાલય પણ જઈ દેહને હિમાધીન કરવાની ઈચ્છા દ્રૌપદીની સામે પ્રગટ કરે છે. ત્યારે દ્રૌપદી તેમની સાથે આવવાની વિનંતી કરે છે ત્યારે યુધિષ્ઠિર તેને કહ્યું,
‘તમે સહેજ ઝાંખી કરજો મનના દર્પણમાં દેવી! તમારાં એકાધિક વિરૂપ બિંબ જોઈ છળી મરશો. હિમાલય શ્વેત છે, કૃષ્ણા એ તમને સમાવી કલિમાગ્રસ્ત થાય? આ પૃથ્વી પર રહી હજુ તમારે તમારા દર્પનું હનન કરવાનું છે. વેરનો અગ્નિ ક્યારેય પ્રજ્વલિત ન થાય એ માટે મથવાનું છે. તમારે માટે હિમાલય દૂર છે, કૃષ્ણા. દેવી હું જાવ છું.’(પૃ. ૩૨)
        આમ, કહીને યુધિષ્ઠિર સ્વપ્નમાં પાંચ પતિઓને કઠોર વચન સંભળાવતી અને કસોટીએ ચઢાવતી દ્રૌપદીને તેના જ સ્વરમાં કઠોર વચન કહી ચાલ્યા જાય છે. શું આ યુધિષ્ઠિરનો આક્રોશ કે દ્રૌપદીના વલણ પ્રત્યેની અકળામણ માત્ર હશે? આ તો  ચિનુ મોદીને અભિપ્રેત હોય તે ખરું! પરંતુ, આમાં મહાભારતની મૂળ કથામાં પાંચ પાંડવો અને દ્રૌપદીના હિમાલય પ્રસ્થાનની વાતથી અલગ કથાવસ્તુ વિકસાવવાનો નાટ્યકારે પ્રયાસ કર્યો લાગે છે.
        એવું બની શકે કે અહીં પણ નાટ્યકારે ત્રિદેવોની જેમ જ યુધિષ્ઠિર પાસે મનુષ્યની મર્યાદાઓના સ્વીકાર અને તેના પ્રતિભાવોનું જગત ઊભું કરવાનો પ્રયાસ કર્યો હોય. તેથી જ યુધિષ્ઠિરની ધર્મરાજ(સ્થિર મતિ)ને તથા મહાભારતના સૌથી સત્યનિષ્ઠ પાત્ર સ્વરૂપે દ્રૌપદીને આપેલા આ કઠોર વચનો બંધબેસતા આપણે ન પણ લાગે!
        આ સમગ્ર નાટકમાંથી પસાર થતા ત્યાં યુધિષ્ઠિરના પાત્રને જે મનોમંથન કરવાની તક મળી છે તથા મહાભારતના દૈવીય પાત્રસૃષ્ટિના સંદર્ભે અને છતાં માનવ તરીકે જન્મ લીધા પછીની માનવ મર્યાદા તે ખૂબ સુંદર રીતે અંકિત કરી છે. અભિનેય ક્ષમતાની દૃષ્ટિએ પણ આ નાટક સ્વપ્નજગત અને ‘હું’ની સાથે આવજો અને નેપથ્યનું સુંદર આયોજન અને સૂઝબૂઝ માંગી લે છે. તેવું સાબિત થાય તેમ છે. માનવ મનના અતલ ઊંડાણને અભિનેય ક્ષમતા દ્વારા પ્રસ્તુત કરવાનું કપરું બની શકે પણ અસંભવ તો કદાપિ નહીં.
        આમ, આ નાટકના પાત્રો ભલે આપણને ઘણા પરિચિત લાગતાં હોય; પરંતુ, તેનું કથાવસ્તુ અને સંવાદો, અનુરૂપ કાવ્યબાની, પાત્રોની ભાવભંગિમાઓ, વાતાવરણમાં આવતા ગંભીર પલટાઓ અને આવરણોને લીધે નાટક લાઘવપૂર્ણ તો બને જ છે.
  
ડૉ. હેતલ કિરીટકુમાર ગાંધી

No comments:

Post a Comment