Thursday 15 January 2015

Inspiration

एक बार एक लड़का अपने स्कूल की फीस भरने के लिए एक दरवाजे से दूसरे दरवाजे तक कुछ सामान बेचा करता था,

 एक दिन उसका कोई
सामान नहीं बिका और उसे बड़े जोर से भूख भी लग रही थी. उसने तय किया कि अब वह जिस भी दरवाजे पर जायेगा, उससे खाना मांग
लेगा...

��पहला दरवाजा खटखटाते ही एक लड़की ने दरवाजा खोला, जिसे देखकर वह घबरा गया और बजाय खाने के उसने पानी का एक
गिलास माँगा.... 

 लड़की ने भांप लिया था कि वह भूखा है, इसलिए वह एक...... बड़ा गिलास दूध का ले आई. लड़के ने धीरे-धीरे दूध पी लिया...

" कितने पैसे दूं?"
लड़के ने पूछा.
" पैसे किस बात के?"
लड़की ने जवाव में कहा.
"माँ ने मुझे सिखाया है कि जब भी किसी पर दया करो तो उसके पैसे नहीं लेने चाहिए."

��"तो फिर मैं आपको दिल से धन्यवाद देता हूँ." जैसे ही उस लड़के ने वह घर छोड़ा, उसे न केवल शारीरिक तौर पर शक्ति मिल चुकी थी , बल्कि उसका भगवान् और आदमी पर भरोसा और भी बढ़ गया था....

सालों बाद वह लड़की गंभीर रूप से बीमार पड़
गयी. लोकल डॉक्टर ने उसे शहर के बड़े अस्पताल में इलाज के लिए भेज दिया...

 विशेषज्ञ डॉक्टर होवार्ड  केल्ली को मरीज देखने के लिए बुलाया गया. जैसे ही उसने लड़की के कस्बे का नाम सुना, उसकी आँखों में
चमक आ गयी...

वह एकदम सीट से उठा और उस लड़की के कमरे में गया. उसने उस लड़की को देखा, एकदम पहचान लिया और तय कर लिया कि वह उसकी जान बचाने के लिए
जमीन-आसमान एक कर देगा....

��उसकी मेहनत और लग्न रंग लायी और उस लड़की कि जान बच गयी.
डॉक्टर ने अस्पताल के ऑफिस में जा कर उस
लड़की के इलाज का बिल लिया....

 उस बिल के कौने में एक नोट लिखा और उसे उस लड़की के पास भिजवा दिया. लड़की बिल का लिफाफा देखकर घबरागयी...

 उसे मालूम था कि वह बीमारी से तो वह बच गयी है लेकिन बिल कि रकम जरूर उसकी जान ले लेगी...

 फिर भी उसने धीरे से बिल खोला, रकम को देखा और फिर अचानक उसकी नज़र बिल के कौने में पैन से लिखे नोट पर गयी...

जहाँ लिखा था, "एक गिलास दूध द्वारा इस बिल
का भुगतान किया जा चुका है." नीचे  उस नेक डॉक्टर
होवार्ड केल्ली के हस्ताक्षर थे.

 ख़ुशी और अचम्भे से उस लड़की के गालों पर आंसू टपक पड़े उसने ऊपर कि और दोनों हाथ उठा कर
कहा, " हे भगवान..! आपका बहुत-बहुत धन्यवाद..
आपका प्यार इंसानों के दिलों और हाथों के द्वारा न जाने कहाँ- कहाँ फैल चुका है."

अगर आप दूसरों पर.. अच्छाई करोगे तो.. आपके साथ भी.. अच्छा ही होगा ..!!

Sunday 4 January 2015

“કંકુ”નું થયેલું સ્વરૂપાંતર

ગુજરાતી સાહિત્યના સર્જકોમાં જ્ઞાનપીઠ પુરસ્કાર વીજેતા જે જૂજ સર્જકો છે તેમાંના એક એવા શ્રી પન્નાલાલ પટેલની જન્મ શતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે. જાનપદી નવલકથાઓમાં ઉત્કૃષ્ટ સ્થાન ધરાવતા આ નવલકથાકારે ઉત્તર ગુજરાતની લોક્ભાષાને સાહિત્યમાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. આજે અનુઆધુનિક યુગમાં જયારે પોતાના તળની કે મૂળની વાત સર્જકો સાહિત્યમાં લઈને આવે છે, ત્યારે જે પોતાપણાની કે પ્રાદેશિક્તાની અનુભૂતિ આપણે કરીએ છીએ તે જ અનુભૂતિને પન્નાલાલ ભારતની આઝાદીના સમયે પોતાના સાહિત્યમાં લઈને આવે છે.
                શ્રી પન્નાલાલ પટેલે તેમના સર્જનકાળ દરમ્યાન ઘણા પ્રયોગશીલ વલણોને પ્રોત્સાહિત કર્યા છે. જેમાંનું એક વલણ છે, ‘કંકુ’ નામની પોતાની જ પ્રસિદ્ધ થયેલ વાર્તાના કથાવસ્તુ પરથી ‘કંકુ’ નવલકથાનું સર્જન. ૨૦ પાનામાં વિસ્તરેલી ‘કંકુ’ વાર્તાને નવા રૂપે શણગારી, નવા પ્રસંગોથી બહેલાવી, તેનું વિસ્તરણ કરીને ૩૨૦ પાનાની મહાનવલમાં વિસ્તરણ કરવું, એક સિદ્ધિ જ ગણાય !
                ‘કંકુ’ વાર્તાની શરૂઆત, ‘જો ન કરે નારાયણ ને હું મરી જાઉ તો તું તારો ભવ ન બગડતી... કોઈ સપૂતનું ઘર ખોળી લેજે ...!’ થી થાય છે. જે ‘કંકુ’ના પતિ ખૂમાના મૃત્યુનું સૂચક છે. જયારે ‘કંકુ’ નવલકથા ખૂમા-કંકુના લગ્નની વેલ અને તે પ્રસંગની રણઝણતી સાંજથી શરુ થાય. નવલકથામાં તો માતા-પિતા વગરના ખૂમાની નબળી આર્થિક સ્થિતિની વાત ચાર પ્રકરણ સુધી વિસ્તરે છે. છેક પાંચમાં પ્રકરણે ખૂમાની મરણતોલ સ્થિતિ અને તેના મૃત્યુની ઘટના દર્શાવાય છે. પરંતુ આ પાંચ પ્રકરણ સુધી પહોંચતા  નવલકથાકાર ખૂમા અને કંકુના સુખી દામ્પત્યજીવનની પરાકાષ્ઠા અને તેમના પુત્ર હરિયાના જન્મની વાતને નિરાંતે આલેખે છે.
                ખૂમાના મૃત્યુ પછી કંકુની સ્થિતિ વાર્તાકાર તરીકે પન્નાલાલ શબ્દોના બંધમાં અને ચિત્રકારની પેઠે પીંછીના આછા લસરકે દોરી આપે છે. જયારે આજ પરિસ્થિતિ નવલકથામાં કંકુના વિધવા જીવનના એક-એક દિવસના ભારને નવલકથાકાર જાતે વઢેરતા હોય તેમ પ્રસ્તુત કરે છે. કંકુના દામ્પત્યની અને આર્થિક રીતે નબળા થતા દિવસોની સુખદ યાદોને ફ્લેશબેક પદ્ધતિથી નવલકથાકાર રજૂ કરે છે. કંકુના દુઃખને જાણે દરેક વાચક માટે હદયના ઊંડાણપૂર્વક અનુભવવાનો નવલકથાકાર અવકાશ ન આપતા હોય ! આ લાલચમાં પન્નાલાલ પટેલ ઘણીવાર પાત્રોને બોલકા કરી દે અથવા તો બિનજરૂરી લંબાણનો દોષ પણ ઉત્પન્ન થાય છે.
                ‘કંકુ’ પોતાના દીકરા હરિયાનો ઉછેર કરવાને લીધે પોતે લગ્ન ન કરવાનો નિર્ણય લે છે અને એકલે હાથે ખૂબ મહેનતથી ખૂમાના જીવતે થયેલ દેવું પણ ઘણુંખરું ચુકતે કરે છે. ગામમાં ઘણા પુરુષોની ઈચ્છા તેની સાથે લગ્ન કરવાની હતી, પરંતુ સમય વીતવાની સાથે અને કંકુના મક્કમ નિર્ધારે દરેકની આશા પર પાણી ફેરવી દીધું. આ કપરા વખતે કંકુને આર્થિક રીતે પાસેના ગામના શેઠ ‘મલકચંદકાકા’ એ સધિયારો આપ્યો. તેમને ત્યાં જ કંકુ-ખૂમાનું ખાતું પણ ચાલતું હતું અને ખૂમાના મૃત્યુ પછી તેમણે કંકુને +હળ-ખેતર-ઢોર જોડવા પૈસા પુરા પાડ્યા. કંકુના આ વિધવાજીવનનો એક જ ધ્યેય હતો કે ‘હરિયો કાલ મોટો થશે ને આ દુઃખના દન સુખમાં ફેરવાઈ જશે.’(પૃ.૮૦)
                ‘કંકુ’ નવલકથા અને ટૂંકીવાર્તામાં કંકુ સિવાય એક મહત્વનું પાત્ર છે ‘મલકચંદશેઠ’નું. મલકચંદશેઠ પોતે ચાલીસ વર્ષના હોવા છતાં પિસ્તાળીશ જેટલી ઉમરના દેખાય છે. મલકચંદશેઠે બે-બે વાર લગ્ન કર્યા પણ બંને વાર નિષ્ફળતા મળી તેથી તેઓ નિ:સંતાન જ રહ્યા છે. તેઓ તેમની વૃદ્ધ માતા સાથે રહે છે. કંકુ પર અને તેની ખુમારી પર વિશેષ પ્રેમને કારણે તેને મદદ કરવામાં તેઓ ક્યારેય પણ કચાશ કરતા જણાતા નથી. એટલું જ નહીં પણ કંકુના દીકરાના લગ્ન વખતે મલકચંદશેઠ તેને ઊંચા ગજાનું લૂગડું(સાડી) ‘તારાવાળી જોડ(કપડા) મારા તરફથી ગણજે જા.’ – એમ કહી આપે છે. કંકુ પ્રત્યેની લાગણી અને તેના સ્વાભિમાનપણાની કદર કરતા શેઠ જયારે લગ્નનો સમાન ખરીદતા કંકુને પોતાના માટે કરકસર કરતા દીઠે છે ત્યારે કહે છે કે ‘પંદર પંદર વર્ષ લગી માથા ઉપર બળતી સઘડી લઈને જીવી છે તો હવે આ સારા અવસર ઉપર તો પે’ર’.(પૃ.૧૭૩) પરંતુ આ લાગણી આગળ જતા કંકુના સૌન્દર્યથી અંજાય નવું રૂપ લે છે.
                મલકચંદશેઠ કંકુ તરફની આ લાગણી-આકર્ષણ છુપાવવાની ઘણી કોશીશ કરે છે છતાં કંકુની નજરને કંઈક અંશે શંકા ચોક્કસ ઉત્પન્ન થાય છે તેથી મૂંઝાતા વિચારે છે, ‘વાણિયો બાપડો આપણા ઉપર સારો ભાવ રાખે તોય ભૂંડો ને ન રાખે તો, તો વળી દુનિયાએ તો કહેવત પણ કરી છે કે બગલો પવિત્ર નહીં.’ પણ પછી શંકાને બાજુએ ધકેલતા મલકચંદશેઠને કહે છે, ‘મલકચંદકાકા ! તમે તો ભગવાનનું માણસ છો! નહીં તો આટઆટલું દેવું માથે હોય ને બૈરામાણસને કોણ ધીરતું હશે?’(પૃ.૮૦)
                મલકચંદશેઠના સૂચનથી કંકુ પોતાના દીકરા હરિયાના લગ્ન ધામધૂમથી કરવાની તૈયારી કરે છે. તે તૈયારીના ભાગરૂપે જ કંકુ, હરિયાના લગ્નની જાન જવાના આગલે દિવસે મલકચંદશેઠને ત્યાં રૂપિયા લેવા ગઈ હતી, ત્યારે કંકુને જોઈતા રૂપિયા દુકાને ન મળતા તેઓ બંને મલકચંદશેઠના ઘરે જવા નીકળે છે. આ દરમ્યાન કંકુ સાથે વાત કરતા મલકચંદશેઠ વીંછી જેવી મૂંઝવણ અનુભવે છે અને આટલી સુંદર કંકુના નસીબ પર નિ:શ્વાસ નાખી કંકુને તાકી રહે છે. આજ સમયે કંકુ પણ આટલા વર્ષોમાં પહેલીવાર એકલતાનો અનુભવ કરે છે. બંનેની આ સમયની લાગણી અને અનુભૂતિમાં જ કોઠી એ જઈ પૈસા કાઢતી વેળાએ બંને ભાન ભૂલે છે. આ પછી કંકુ બેધ્યાનપણે લગ્નમાં ભાગીદાર તો બને છે પણ તેના મોઢા પણ આનંદનો છાંટોય જણાતો નથી.
                        આ ઘટનાના સમય પહેલા જયારે કંકુ મલકચંદશેઠની વૃદ્ધ માતાને તેમના ઘરે મળી હતી ત્યારે કંકુની પરિસ્થિતિ પર દયાભાવ રાખતા મલકચંદશેઠના વૃદ્ધ માતા કંકુને અનુસંધાને કહે છે કે, ‘મલકચંદ આજે નથી કરતો ને કાલે કોઈ બીજી નાતનું બૈરું કરે તો તો મારે કૂવો જ પૂરવો પડે.’(પૃ.૧૯૩) આ વાત ‘કંકુ’ વાર્તામાં આવતી નથી પણ ‘કંકુ’ નવલકથામાં ઉલ્લેખાય છે. આ કાકુનું અનુસંધાન આપણને પાછળથી કંકુના આવનાર બાળકના પિતાનું નામ કોઈપણ કાળે ન બતાવવાના નિર્ણયને વ્યાજબી ઠેરાવવા પૂરતું સાબિત થાય છે.
                હરિયાના લગ્ન પછી ચોથા-પાંચમાં મહિને ગામની અનુભવી ડોશી ‘ગાલા ડામોરની પત્ની’ કંકુના શરીરમાં આવેલા ફેરફારને જાણી જાય છે. ગામના બધા લોકો આ બાળકના પિતાનું નામ જાણવા ઘણા ધમપછાડા કરે છે પણ કંકુ હરફ સુધ્ધા ઉચ્ચારાતી નથી. અને ગામના મોટાઓના આગ્રહ અને દીકરાની આબરુ ખાતર ‘કાળુ’ જેવા વિધુર અને દઘારંગી વ્યક્તિ સાથે લગ્ન કરે છે. કાળુને તો આટલી સુંદર અને સમજદાર કંકુના પતિ બનવાનું સ્વર્ગના સુખ સમાન લાગે છે. રાતોરાત થયેલા આ લગ્નથી ગામના ઘણા પુરુષો હેબતાય જાય છે, ટીકા-ટીપ્પણી ઘણી થાય છે, પણ અહીં નવલકથાકાર જે સમાજને ચિત્રિત કરે છે તે કંકુની આ ભૂલને માફીક્ષમ માને છે અને તેને ક્યારેય હડધૂત કરતો જોવા મળતો નથી. એટલું જ નહીં પણ પંદર વર્ષના વિધવાજીવનની ખુમારીને કારણે આ નિર્ણયને વધાવી લે છે. અહીં સ્ત્રી સ્વતંત્રતાની સાથે વિધવા પુન:લગ્ન અને સમાજની સમજ અને જવાબદારીને સક્ષમ રીતે ઉઠાવવાની ફરજના ઉત્કૃષ્ટ દર્શન થાય છે. મહિના પછી તો લોકોય કંકુ સાથે વાત કરતા થાય છે, તેય પહેલાની જેમ મહિના પછી તો કંકુ પોતે પણ પોતાનો પગ લપસ્યાની વાત ભૂલીને નવા સંસારમાં ગોઠવાય જાય છે. મલકચંદશેઠ ‘નવલકથા’માં કંકુના આ નિર્ણય પર ખૂબ દુ:ખી થાય છે પણ તેમની પાસે આ પરિસ્થિતિનો સ્વીકાર કરવા સિવાય કોઈ ઉપાય નથી.
                કંકુને કાળુના ઘરે દીકરો જન્મ્યા પછી ગલા ડામોરની વહુ જયારે ચિત્રચિકિત્સકના વિવિધ દ્રષ્ટિકોણથી બાળકને નીરખે છે અને જોતા જ પારખી જાય છે કે આ બાળકના પિતા મલકચંદશેઠ છે. તેથી જ પન્નાલાલ પટેલની વાર્તા ‘કંકુ’માં અંતે ડોશી બોલે છે, ‘મારો પીટ્યો મલકો... જાહ રે જાહ મલકા! એ તો એમ કે’કે કંકુ જેવું લાખણું માનવી મળ્યું ; નહી તો તો .... જાહ રે જાહ મલકા!’(પૃ.૯૭) અહીં વાર્તામાં મલકચંદશેઠના પ્રતિ નકારાત્મક દ્રષ્ટિકોણ વાચકના મન પર છવાય જાય, પરંતુ નવલકથા અહીંથી પણ આગળ ગતિ કરે છે. નવલકથામાં હરિયાના લગ્ન પહેલા કંકુ જયારે મલકચંદશેઠને ત્યાં ઉધાર સામાન અને ઉછીના પૈસા લેવા જાય છે ત્યારે મલકચંદશેઠ પ્રત્યેના કંકુના અહોભાવને કારણે તેમને એક વચન લેવડાવે છે કે, ‘લો નીમ કે આજથી કોઈ દન ચોપડામાં જૂઠો આંકડો નહીં પાડો, લોકોને ધડશો નહીં ને ખટે એટલો જ નફો લેશો.’(પૃ.૧૭૬) આ વચન જ મલકચંદશેઠના જીવનનું લક્ષ્ય બને છે. તેઓ પોતાની આ ઉદારતા અને સેવાભાવી વૃત્તિથી ગામના લોકોનું હદય જીતી શકે છે. બીજી તરફ કાળુ, કંકુને અને તેના દીકરા પ્રત્યે શંકા-કુશંકા મનમાં રાખ્યા વગર હદય-મનથી સ્વીકારે છે અને બાળક સાથે બાળક બની વ્યવહાર કરે છે. છતાં નવલકથાના અંત ભાગમાં કંકુ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા ગલાકાકાને કહે છે, ‘તપ તૂટ્યું એના કરતાય તપ છૂટ્યું એ જ મને વધારે ડંખે છે’.(પૃ.૩૦૪) છતાં પણ કોઈના પર આક્ષેપ કર્યા વગર જિંદગીના આ વળાંકને સહજતાથી સ્વીકારી લે છે.
                નવલકથાના છેલ્લા ૩૪માં પ્રકરણમાં મલકચંદશેઠ જાત્રા કરી પાછા આવે છે, ત્યારે કંકુ અને મલકચંદ બંને પસ્તાવાના દોષમાંથી મુક્ત થઇ ચૂક્યાં હોય છે. તેથી જ લેખક લખે છે, ‘ને વળી પાછી કંકુ તથા મલકચંદની ડહોળાયેલી દુનિયા સ્વચ્છ થઈને વહેવા લાગી.’(પૃ.૩૧૯) અને છેલ્લે મલકચંદશેઠ પણ ક્યારેય કંકુના જીવનમાં વગર કારણે ડોકિયું કરતા નથી અને કંકુનો પતિ કાળુ પોતે પણ બાળકને રમાડતા કહે છે, ‘કંકુ જેવી મા છે ખબર છે કાંઈ !’(પૃ.૩૨૦) આ છે કંકુનો સંસાર... અહીં નવલકથા પૂરી થાય. વાચકને કોઈ ઉત્સુકતા રહે નહીં અને દરેક વાતનો-ઘટનાનો ટાળો મળી ગયાનો આત્મસંતોષ રહે. એક આખી જિંદગીની રસપ્રદ ઘટનાનો સુખદ પ્રવાહ વહેતો દેખાય.
                ટૂંકીવાર્તામાં કંકુથી થયેલી ભૂલ પછી કંકુનું શું થયું? , આ વાત ગામના બધાને જાણવા મળી કે નહીં તેવા ઘણા સવાલો રહી જાય. પણ નવલકથામાં એક પછી એક બધી ઘટનાઓનું અનુસંધાન જળવાતું જાય, ગૂંથતું જાય અને કથાવસ્તુ ઘડાતું જાય. ટૂંકીવાર્તામાં ખૂમા, કંકુ, હરિયો, મલકચંદશેઠ, મોતી, કાળુ, ગલા ડામોર અને તેમની પત્ની જેવા જૂજ પાત્રો અને તેમની નાની નાની ભૂમિકા, કથાવસ્તુને આગળ વધવા પ્રોત્સાહન આપે. જયારે ‘કંકુ’ નવલકથામાં ટૂંકીવાર્તાના પાત્રો ઉપરાંત કાળુના સગાસંબંધી, ગામના બીજા પુરુષો, અગ્રણીઓના પાત્રો ઉમેરાય. તેમાં ગામની સ્ત્રીઓની ભૂમિકા અને ‘પાનુ’નું પાત્ર જે કંકુની સખી તરીકેની ભૂમિકા બખૂબી નિભાવતી જણાય. ‘કંકુ’ના વ્યકિત્વને ખીલવવા અને તેના વ્યક્તિત્વના વિવિધ પાસાને ઉજાગર કરવા આ પાત્રો સહાયક બને. ટૂંકીવાર્તામાં ઘટના કંકુના જીવનના એક વળાંક પછી બીજા વળાંક સુધીની જ હોય. જયારે નવલકથામાં કંકુ પોતાની જિંદગીનો ઘણો મોટો રસ્તો કાપે છે, ટૂંકીવાર્તામાં કંકુના જીવનમાં બનતી ઘટના કેન્દ્રસ્થાને હોવાથી આસપાસના પ્રાકૃતિક કે સામાજિક વર્ણનોને સ્થાન નથી પણ નવલકથામાં તો તેના લગ્ન, ગામ, સમાજ, રીતિરિવાજ, આર્થિક સ્થિતિ અને ‘કંકુ’ના સૌન્દર્ય અને તેની આભાને દર્શાવતું દ્રશ્ય ઉભું કરવાને ઉપયુક્ત ઘટના-વર્ણનોનો ભંડાર જોવા મળે છે. ટૂંકીવાર્તા કે નવલકથા બંનેમાં સર્જકની ભાષામાં ઉત્તર ગુજરાતની બોલીનો વિનિયોગ થયો છે. જે બંનેમાં ત્રીજા પુરુષના કથનકેન્દ્રથી લેખક પોતાની એટલે કે કંકુની – પોતાના સર્જનના પાત્રની વાત કરે છે.
                ‘કંકુ’ ટૂંકીવાર્તામાં શરૂઆતમાં ખૂમાના મૃત્યુથી કરુણરસ ઉત્પન્ન થાય છે, હરિયાના લગ્નથી આનંદ અને ખુશી પ્રગટે છે પરંતુ કંકુની ભૂલથી ફરી કરુણરસ સાથે આશ્ચર્ય છલકાતું જણાય. જયારે નવલકથામાં શરૂઆત ખૂમાના લગ્નની ખુશીથી શરુ થઈ, કંકુ-ખૂમાના દામ્પત્યજીવનના શૃંગારરસ, ખૂમાના મૃત્યુના કરુણરસ, ગામના લોકોની કંકુને પામવાની ઘેલછામાં હાસ્યરસ, ફરી હરિયાના લગ્નની ખુશી પણ સાથે કંકુ-કાળુના લગ્ન અને કંકુના બાળકના પિતાનું રહસ્ય ઉત્સુકતા પ્રેરે છે, છેલ્લે, બધાની જિંદગી થાળે પડતા ‘શાંતરસ’માં નવલકથા પૂર્ણ થાય. આમ, વિવિધ રસમાં થતું રસસંક્રમણ વાચકને જકડી રાખવા સક્ષમ બનતું જણાય.
                ગુજરાત રાજ્યની ઇનામી નવલકથા ‘કંકુ’ પર ફિલ્મ પણ બની ચૂકી છે. અત્યાર સુધીની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ બની જેને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે અને શિકાગો ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કંકુનો અભિનય કરનાર શ્રી પલ્લવી મહેતાને સર્વોત્તમ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો. આ પછી તો ગુજરાતી સાહિત્યમાં એકાંકી પરથી નાટક લખવાના પ્રયોગશીલ પ્રયાસો થયા જેમાં મધુરાયનું એકાંકી ‘સૂરા...સૂરા...સૂરા...’પરથી ‘સૂરા’, ‘કોઈ એક ફૂલનું નામ તો બોલો...’ એકાંકી પરથી ‘કામિની’ તથા શ્રી સતીશ વ્યાસ ‘કામરુ’ એકાંકી પરથી ‘કામરુ’ નાટકની રચના કરે છે.
                આમ, ટૂંકીવાર્તા જીવનની ઘટનાનો ભાગ છે જયારે નવલકથા આખી જિંદગીની ઘટનાનો સમૂહ. જેમાં ઝીણામાં ઝીણી વિગતો પણ વિસ્તારપૂર્વક કહેવામાં આવે. આમ, ટૂંકીવાર્તામાંથી નવલકથામાં ‘કંકુ’નું સ્વરૂપાંતર ગુજરાતી સાહિત્યના પ્રયોગશીલ સર્જકો માટે શ્રી પન્નલાલ પટેલ નવી કેડી કંડારી આપે છે, નવી દિશા દ્રષ્ટિ ખોલી આપે છે.

સંદર્ભ:-
૧) ‘કંકુ’                                 પન્નાલાલ પટેલ

૨) ‘પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’          પન્નાલાલ પટેલ

મિથ અને સાહિત્યકૃતિમાં ‘ગાંધારી’નું પાત્ર

ભિન્ન ભિન્ન પ્રદેશોના પ્રાચીન સાહિત્યમાં ઘણી કથાઓ ઉપલબ્ધ છે, જે આપણા વાસ્તવિક જીવનથી દૂર તથા ઘણીવાર અસંભવિત લગતા અને ચમત્કારી પ્રસંગો અને પાત્રોથી ભરપૂર હોય છે. તે અદભૂત તત્વોવાળી પ્રાચીન કથા જેને અંગ્રેજીમાં Myth(મિથ) કહેવાય છે. તેને માટે ગુજરાતી સાહિત્યવિવેચનમાં પુરાકલ્પન શબ્દ પ્રયોજાયો છે. ભારતીય મિથમાં રામાયણકે મહાભારતઆધારિત મિથનો વ્યાપ ઘણો છે. સંસ્કૃતિની સાથે સાથે મિથે પણ પરિવર્તનશીલ રહેવું પડે. બદલાતી જતી સંસ્કૃતિનો આર્વિભાવ થઈ શકે એ માટે નવી નવી મિથ ઉભી થવી જોઈએ કે જેના દ્વારા નવા નવા અર્થઘટનો પામી શકાય.
પ્રાચીન ગ્રંથોમાં મહાભારતને ભારત પંચમો વેદ:’ કહીને તેની અગત્યતા વર્ણવી છે. જીવનના બધાં જ પાસાંઓને સ્પર્શ કરતાં મહાભારત વિશે એમ કહેવાય છે કે, જે મહાભારતમાં નથી તે દુનિયામાં કયાંયે નથી અને જે દુનિયામાં છે, તે મહાભારતમાં અવશ્ય છે. તેથી જ તો દ્વાપરયુગમાં લખાયેલ આ ગ્રંથને વાશીપણાનો અભિશાપ નડ્યો નથી. આજની જીવનપ્રણાલી સાથે તુલના કરી શકાય તે હદે એમાં વાસ્તવિકતાનાં દર્શન થાય છે.તેમાંય મહાભારતના પાત્રોમાં રામાયણની જેમ આદર્શવાદીતા પ્રમાણમાં ઓછી છે. મહાભારત એક એવી મોટી ખાણ છે, કે એમાંથી જે બહાર કાઢવું હોય તે વિવિધ સ્વરૂપે અને વિવિધ રીતે કાઢી શકાય.મહાભારતમાં મનુષ્યના પ્રયત્ન, આકાંક્ષા, વેર, મૈત્રી- બધું જ મળે અને તેમાં આવતી કથાઓ સંકળાયને અવિસ્મરણીય બની રહે. મિથનો અભ્યાસ કરવાથી મનુષ્યના જુદા જુદા સ્વભાવોનો પણ અભ્યાસ થાય છે.મહાભારતમાં અસંખ્ય પાત્રોનો શંભું મેળો જામેલો છે અને તે પાત્રો વિશે વિશ્વના મોટાભાગે સમગ્ર ભાષામાં વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં કૃતિઓ રચાય છે. આ સમગ્ર પાત્રોમાંથી મહાભારતના બે પાત્રો જેમના જીવનની એકએક ઘટનાનો જોટો જડે તેમ નથી, પૂરેપૂરા માનવીય છે જેમાં એક તે ભીષ્મ અને બીજું ગાંધારીનું . તેમાં ગાંધારી એ એક રાજપુત્રી, રાજરાણી અને રાજમાતા એમ ત્રણેય અવસ્થા ભોગવી, દીધાર્યું અવસ્થા છતી આંખે પાટા બાંધી ગાળ્યું.
સ્ત્રીઓને માટે મનુએ ખાસ કહ્યું છે: ’જે કુળમાં વધૂઓને આંસુ સારવાં પડે છે, જયાં તેમને સંતાપ થાય છે એ કુળનો નાશ થાય છે, આથી ઉલટું, જયાં સ્ત્રીઓ પ્રત્યે સન્માનભર્યો વર્તાવ રાખવામાં આવે છે એવા ઘરમાં દેવતાઓનો વાસ હોય છે. અહીં મહાભારતમાં કુરુકુળે સ્ત્રીઓની ભયંકર માનહાની કરી છે. તેમના શરીર અને મન બંનેનો ભાંગીને ભૂકો કરી નાખ્યો. ઉદાહરણ તરીકે જોઈએ તો, ભીષ્મ દ્વારા અંબા, અંબિકા, અબાંલિકા, કુંતા અને ગાંધારી તથા દુર્યોધન-દુ:શાસન દ્વારા જે દ્રોપદીનું અપમાન થયું છે, તે ઉલ્લેખનીય છે.
ગાંધારી એટલે ગાંધાર-નરેશ સુબલરાજની પુત્રી. આ ગાંધાર પ્રદેશ એટલે સિંધુ નદીની પેલે પારનો પ્રદેશ એવો મહાભારતમાં ઉલ્લેખ છે, ઘણું ખરું આજના પાકિસ્તાનમાં આવેલ બલુચિસ્તાન અને કંઈક અંશે કારાકોરમ પર્વતમાળાની આસપાસનો થોડોક અફઘાનિસ્તાનનો પ્રદેશ. સંભવત તક્ષશિલા ગાંધારની રાજધાની હોય. ગાંધાર દેશની રાજકુમારી ગાંધારી કહેવાય તે સિવાય તેનું પોતાનું અલગ નામ મળતું નથી, જેમકે કુંતાનું પૃથા, દ્રોપદીનું ક્રિષ્ણા. ભીષ્મે અંધ ધૃતરાષ્ટ્રને દુરના દેશની રાજકન્યા પરણાવી.ભીષ્મ માગું મોકલાવે અને કોઈ રાજા ન પાડે એવું તો શક્ય જ ન હતું. હસ્તિનાપુરની કુરુપરંપરામાં એકમાત્ર ધૃતરાષ્ટ્રનાં લગ્ન જ એવા છે કે જેમાં વડીલ તરીકે ભીષ્મે પોતાના આ પુત્ર માટે અન્ય રાજ્કાન્યનું એના પિતા પાસે માંગું કર્યું હોય ! ધૃતરાષ્ટ્ર જન્માંઘ છે તેનાથી ગાંધાર નરેશ સુબલ અને રાજકુમાર શકુની વાકેફ હતા. છતાં આ સ્વરૂપવાન, ગુણવાન કન્યાના લગ્ન તેમને ગાંધારીને વાસ્તવિકતા જણાવ્યા વગર કર્યા. ગાંધારી સાથેના આ વિવાહમાં તેની કોમાયાવિસ્થામાં તેને સો પુત્રીની માતા બનવાનું વરદાન પ્રાપ્ત હતું તે નિહિત છે.
બાળપણથી ગાંધારીને દર્પણ અને સુંદરતા પ્રત્યે અખૂટ પ્રેમ ! વિવાહ કરવા માટે માતા-પિતાની આજ્ઞા લઇ ભાઈ શકુની સાથે ગાંધારી હસ્તિનાપુર આવે છે, ત્યાં મંદિરમાં કુલવધૂના સમગ્ર વૈભવ સાથે મંદિરમાં રોકાય છે. સુખી દામ્પત્ય જીવનના સપના જોતી ગાંધારી પાસે તેની દાસી આવે છે અને તેના મુખેથી શબ્દો નિકળ્યા, ‘નાશ થયો ! બિચારી દીકરી ! સત્યાનાશ ! તારે જેને પરણવાનું છે તે રાજકુમાર જન્માંધ છે.’ ગાંધારીને હસ્તિનાપુરમાં પોતાના વિવાહોત્સવમાં દાસી દ્વારા જાણ થતાં, પળભર સમગ્ર ચેતાતંત્ર બધીર બની ગયું. આંખોમાં રોષનો જુવાળ ફાટ્યો. હદપાર દાઝ ચઢતી હતી અને કંઈ જ કરી ન શકવાની લાચાર અવસ્થા હતાશામાં ગરકાવ કરતી હતી. તિરસ્કાર ઉપજતો હતો. કુરુવૈભવના પ્રદર્શન પર! છેતરપીંડી કરનાર સ્વજનો પર! જેમને વિવાહની વેદી પર ગાંધારીની આહુતિ ચડાવી, કારણકે કુરુઓની માંગણીને ઠોકર મારવાની ગાંધારોની તાકાત નહોતી. તેથી જ તો ગાંધારીની માએ વિદાયવેળાએ ગાંધારીને સ્વકન્યાને ગાંધારની માતા કહી બિરદાવી.
જગતની કોઈ દીકરી એવી ન હોય જે પોતાના પરિવાર અને દેશ ખાતર સમપર્ણની ભાવના ન રાખે, એકવાર ગાંધારીને વાત પણ કરી હોત તો હસ્તે મોઢે તેને સમપર્ણ કર્યું હોત અને તેની આંખો તેના પતિ માટે માર્ગદર્શન બની રહેત પણ આ છેતરપીંડીનો રોષ તેને આખી જીંદગી રહ્યો. તેથી જ તો અંધ પતિની પત્ની અંધ હોવી રહી તે ખ્યાલે તેને આંખે પાટા બાંધ્યા. દેખતી સ્ત્રી આંધાળાની લાડકી થશે....એવી ભાવના સાથે ધૃતરાષ્ટ્રના ગાંધારી સાથેના લગ્ન થયા પણ ગાંધારીએ આજીવન અંધત્વ સ્વીકાર્યું. કુરુશ્રેષ્ઠોના દંભે ગાંધારીના રોષને પ્રતિવ્રતા ધર્મની ચરણસીમા ગણી વધાવી લીધી.
ધૃતરાષ્ટ્ર લગ્ન સમયે બાંધેલા ગાંધારીના પાટા ખોલાવવા ઘણા પ્રયત્ન કરે છે, પણ ગાંધારી કોઈ કાળે માની નહિ. પછી તો ગાંધારીના સો પુત્ર જન્મ વખતે પણ ધૃતરાષ્ટ્ર ગાંધારીને આંખના પાટા ખોલી પુત્ર મુખ જોવા કહ્યું નથી. પણ પછી ધૃતરાષ્ટ્રના મનમાં વેરનો આનંદ પ્રકટ્યો હતો તેથી હું પુત્રો જોઈ ન શકું તો ગાંધારી કેવી રીતે જોઈ શકે? અ વૃતિને લીધે ગાંધારી છતી આંખે અંધ બની રહી,જ આખરે અરણ્યવાસ દરમ્યાન ગાંધારી ધૃતરાષ્ટ્ર ના કહેવાથી આંખ પરના પાટા ખોલે છે... જીવનના અંતિમકાલે અરણ્યમાં રહેવા ગયા હતા, ત્યાં અરણ્યમાં ડુંગરા, વાયરો, પાંદડાં, નદીનો ખળખળાટ અનુભવતાં તેને ગાંધારની યાદ આવી ગઈ. ધૂતરાષ્ટ્રે ગાંધારીને ચીડવતા કહ્યું, ‘ખરું છે ગાંધારી, અંધાળા સાથે જોડાઈ તારી દુર્દશા થઈ, નહિ? મહિયરની યાદથી તું બળી રહી હોઈશ, નહિ કે? ત્યારે ગાંધારી કહે છે કે, ‘મને ગાંધાર પ્રદેશની યાદ આવી માણસોની નહિ! તમે જાણો છો કે પ્રાસાદના એક જ પ્રાંગણમાં વસતા છતાં મારા ભાઈ સાથે હું કદી બોલી નથી.
લગ્ન પછી કાળક્રમે ગાંધારી પતિ ધૃતરાષ્ટ્રથી સગભા થઈ, ગર્ભ પેટમાં બે વરસ સુધી રહ્યો પણ પ્રસુતા ન બની. આ દરમિયાન કુંતી અરણ્યવાસમાં યુધિષ્ઠિરની માતા બની ચુકી છે, આ સમાચાર સાંભળી ગાંધારી અસ્વસ્થ બને છે. એ પોતાનો પુત્ર નહિ પણ યુધિષ્ઠિર પાટવી પુત્ર બન્યો અને એ જ હવે યુવરાજ અને એટલે ભાવિ રાજવી બનશે એ ઈર્ષાના કીડાથી એ પીડાઈ ઉઠી. આ એક અજબ ઘટના હતી કે યુધિષ્ઠિરના જન્મથી હતોત્સાહ થઈ ગયેલી ગાંધારી પોતાના બે વર્ષના ગર્ભનો બળપૂર્વક ત્યાગ કરે છે. જેને આપને આજે ગર્ભપાત કહી શકીએ. આ સખત માંસના ટુકડાને મુનિ વેદ વ્યાસ એક સો એક ટુકડાઓમાં વિભાજીત કરી ઘી ભરેલા એક સો એક ઘડામાં ભરે છે. આ જે ગર્ભમાં બે બે વર્ષ સુધી ચેતના આવતી નથી, પોતાનો પુત્ર યુવરાજ બની શકે નહિ, પોતે રાજમાતા ન બની શકે અને તે સાથે પતિનો સાથ પણ ન મળે ત્યારે વિહવળ થયેલી ગાંધારીને ઈર્ષા, અધીરાઈ અને વેદનાને હસમુખ બારાડીના ગાંધારીલઘુનવલમાં વાચા મળી છે.
આ લઘુનવલ સાત પ્રકરણોમાં વિભાજીત છે. એક માતાને સંતાનો અવતરવામાં વિલંબ થાય અને એને કારણ એ સંતાનોએ ઉત્તરાધિકાર ગુમાવવો પડે, એ  વેદના-ઈર્ષ્યાનું આલેખન ગાંધારીલઘુનવલમાં થયું છે. બે વર્ષ સુધી ગર્ભધારણ કરવા છતાં ગાંધારીને પુત્રપ્રસવ થતો નથી. વળી, કુંતીને પ્રથમ પુત્ર અવતરવાથી ગાંધારીમાં ઈર્ષ્યાનો જન્મ થાય છે. એ એમ મન માનવે છે, કે કુંતી પહેલા એટલે કે બે વર્ષથી એને ગર્ભકાળ રહ્યો છે અને એ ન્યાયે તો એનો પુત્ર જયેષ્ઠ ગણાય અને યુવરાજપદનો ઉત્તરાધિકારી બનવો જોઈએ. આ ઈર્ષ્યાને કારણ બે વર્ષ સુધી સાચવેલા ગર્ભ-માસપિંડને એ બળજબરીથી પ્રસવ કરાવે છે અને કુરુસભાને એ અર્પણ કરે છે. આજ ઈર્ષ્યા તેના સંતાનોમાં પણ ઉતરે છે અને પાંડવો-કૌરવો વચ્ચેના વેર બીજ અહીં રોપાયા જણાય છે. આ હતાશા ઉપરાંત ધૃતરાષ્ટ્રના દાસી વિદુલા સાથેના સંબંધોથી પણ ગાંધારી અવગત છે, અને મનવાંછિત સ્નેહ ન પ્રાપ્ત થવાને કારણ પણ વ્યથિત થાય છે. તે વ્યથા લેખક વર્ણવે છે, ‘ગર્ભમાં પ્રથમ ચેતન અનુભવવાનું તો મારે લલાટે લખ્યું નહોતું. લખી હતી માત્ર બે વર્ષની વાંઝણી વેદના, અને એય એકલપંડે ભોગવવાની હતી કયાંક ઊંડે ઊંડે... સ્વીકૃતિ અને તિરસ્કૃતીને એક સાથે શ્વસતી આ સ્ત્રીની વેદના એમના જેવા સર્વજ્ઞે સમજવી જોઈએ.’(પૃ.૪૧)
હસમુખ બારાડીએ ગાંધારીલઘુનવલના પાત્રની જુદી રેખાઓ ઉપસાવવાની સાથે વિદુરની માતા કચ્છ્પીના પાત્રને ઉઠાવ આપ્યો છે. અહીં ગાંધારી અને ધૃતરાષ્ટ્રના સંબંધોમાં પૂર્ણતાનો અભાવ જણાય છે. અહીં આ કૃતિમાં એનું સ્પષ્ટ અનુભવાય છે કે ગાંધારીને તો પોતાના સંતાનોને રાજગાદી મળે એમાં જ રસ છે, એમના ઘડતરમાં કે વિકાસમાં એને રસ નથી. ગન્ધારીમાં અને એને કારણે કુંડોમાં ઉછરી રહેલી અસૂયા કુરુકુળને ભરખી જ જાય એ માટે એને સમજાવવામાં આવે છે છતાં એ પોતાની મમત છોડતી નથી અને કહે છે, ‘મારી કુખે જન્મેલા આ સંતાનોને યથાસમયે પોતાનો અધિકાર પ્રાપ્ત કરતા આવડશે જ...’(પૃ.૭૧) ગાંધારીએ આમ તો સો કુંડોમાં શત્રુતા જ ઉછેરી છે. લેખકે તો કુંડમાં જન્મેલા આ બાળકોને ટેસ્ટટ્યુબ બેબીનો પ્રયોગગણાવ્યો છે. આ કૃતિમાં સર્જકે ગાંધારીના પાત્રનું નવું અર્થઘટન કલાત્મક રીતે પ્રસ્તુત કર્યું છે. આપણે અનુભવેલા ગાંધારીના ધીર-ગંભીર પાત્રની છાપ આ કૃતિમાં ખંડિત થતી જણાય. મહારાણીપદ ભોગવી રહેલી ગાંધારીની મન:સ્થિતિનો ક્યાસ અહીં સુપેરે મળે છે.
ગાંધારી કોઠાસુઝવાળી તથા ધર્મજ્ઞ સ્ત્રી છે. ગાંધારી વિશે સત્ય એટલું પ્રતીતિકર છે, યુધિષ્ઠિરના જન્મ વખતે સંતુલન ગુમાવી બળપૂર્વક પ્રસુતિ કરાવતી ગાંધારી ધૃતસભા કે વિષ્ટિના પ્રસંગોમાં બિલકુલ તટસ્થ અને સ્વસ્થ વર્તન દાખવે છે. દુર્યોઘન જયારે શકુનીની રાજરમતથી ગેરમાર્ગે દોરાય છે. ત્યારે પણ ગાંધારી તેને વાળવાનો ઘણો પ્રયત્ન કરે છે. તેથી જ તો કુરુક્ષેત્રના યુદ્ધ સમયે દુર્યોઘનને આર્શીવચન આપે છે કે પુત્ર ! જે પક્ષે ધર્મ હો, એ પક્ષનો વિજય હો !’ અઢાર દિવસના મહાયુદ્ધ પછી જયારે દુર્યોઘનને ગદાયુદ્ધમાં ભીમ ધર્મયુદ્ધના તમામ સિદ્ધાંતોને મુકીને મારી નાખે છે ત્યારે, એ પણ કૃષ્ણની સંમતિથી આચર્યું, તે વાતથી ગાંધારીનો રોષ ફરી જાગૃત થાય છે. એ કૃષ્ણને કહે છે, ‘કૃષ્ણ ! તમે તો સમર્થ હતા. તમે આ વિનાશ કેમ ના રોક્યો? તમે માથે રહીને કુરુકુળનો સર્વનાશ કેમ થવા દીધો?’ તે પ્રસંગ નું આલેખન ગુજરાતી સાહિત્યની કૃતિ ગાંધારીમાં ઉમાશંકર જોશી કરે છે.
ઉમાશંકર જોશીના મહાભારતના વસ્તુ પર આધારિત પ્રાચીનાકાવ્યસંગ્રહમાનું ત્રીજું પદ્યનાટક ગાંધારી’-માં તો કૃષ્ણ ગાંધારીનો શાપ પાંડવોને બદલે પોતાનો જ વિનાશ કરે એવી યુક્તિ રચે છે અને એ રીતે પાંડવોને બચાવી લે છે. મહાભારતમાં યુદ્ધ પત્યા બાદ યુદ્ધના હદયભેદક પરિણામોનો કારુણ્યસભર ચિતાર જોવા મળે છે તેનું વસ્તુ મહાભારતના સ્ત્રીપર્વમાંના ૧૬ થી ૨૫ અધ્યાય સુધીમાં આવતી ઘટનાઓ પર આધારિત છે. ગાંધારી અંધ રાજા ધૃતરાષ્ટ્રને પરણ્યા પછી આંખે પાટા રાખતાં હતાં. એ ગાંધારીને કૃષ્ણ દિવ્ય દ્રષ્ટિ આપે છે. આ દિવ્ય દ્રષ્ટિના પ્રકાશથી ગાંધારી ધન્યતા અનુભવે છે પરંતુ કૃષ્ણ તેને કલિના આરંભનો નિર્દેશ ગણે છે આ દિવ્ય દ્રષ્ટિ મળતા ગાંધારી પતિઓને શબ આગળ ક્રંદન કરતી હોય છે, તે સ્ત્રીગણને જોવા આતુર છે.
મૂળ મહાભારતના ક્રમાનુસાર ગાંધારી પ્રથમ દુર્યોધનના શબ પાસે આવે છે, દુર્યોધનની પત્ની ભાનુમતીને વિલાપ કરતી જુએ છે, મૂર્છા પામે. મૂર્છા પામતાં ગાંધારીને આશ્વાસવાની કૃષ્ણની આ રીત જોઈએ તો, ‘મૂર્છા ખાશો કેટલી વાર વ્યગ્ર ? છે વીર દુર્યોધનવત સમગ્ર.’ ભાનુમતીના વિલાપે વિચલિત ગાંધારી કૃષ્ણને નિવેદિત કરે છે કે હાર્યા અમે કૃષ્ણ, અધર્મ પાસે.’ત્યારે કદાચ ભીમે યુદ્ધ નિષિધ્દ્ર ઊરુઘાતથી દુર્યોધન હણ્યો તેનો નિર્દેશ છે. ત્યાં કૃષ્ણે ગાંધારી દુર્યોધનને આપેલા આશીર્વાદ જ્યાં ધર્મ હો ત્યાં જયયાદ અપાવે છે. તો ગાંધારી પાંડવપક્ષે જે બર્બરતા ભીમના દુ:શાસન રુધીરપાનમાં દેખાઈ તેના જય વિશેની ન્યાયસંગતતા સમજાવે છે. પછી ગાંધારી ધર્મરુચતી પાછળના કારણોનું ઈગિત અંગરાજનો નિર્દેશ કરી આગળ કરે છે અને ત્યારે પછી કુંતીને સંબોધીને કર્ણની માતા રાધાના વિલાપની ઉક્તિ ઉચ્ચારે છે ને કહે છે કે, ‘શી સૂત તે પુત્ર પછાડી રુએ! ક્ષત્રાણી કો,કુંતી, તું આવી જુએ?’ અહીં જયંતી દલાલ કહે છે તેમ,’ ગાંધારીએ અન્યમનસ્ક કુંતીના વાંકે જે અડબડિયું ખાધું તેનો સારો નાત્યોરચિત ઉપયોગ થઈ શક્યો હોત.
આ પછી ગાંધારી શકુની-શાલ્યાદિનાં શબોની દુર્દશા નિહાળે છે ત્યારે ગાંધારીને તો જાણે ધરિત્રી હીબકાં ભરતીહોય એવું લાગે છે. અહીં કવિ કહેવા માંગે છે કે ગાંધારી દિવ્યચક્ષુ છતાં કૃષ્ણલીલાનો પૂરો તાગ લઈ શકતી નથી. અને આ કૃષ્ણે વિષ્ટિ વખતે કર્ણ અને પોતાના પુત્રોને બાંધી લીધા હોત તો આ દારુણ પરિસ્થિતિ ન સર્જાત. કૃષ્ણ કહે છે કે, ‘સો કોઈ વાતો કરતું જ ધર્મની, વિશુદ્ધિ દેખે નિજ માત્ર કર્મની.’ ઉમાશંકર જોશી ખુબ જ કુશળતાથી સાબિત કરી આપે છે કે ગાંધારી પોતાને મળેલી દિવ્ય નજરનો યુદ્ધના દારુણ પરિણામોને જોવામાં ઉપયોગ કરી રહી છે. અને કૃષ્ણના અંતરમાં રહેલા ધર્મરહસ્યને જોવામાં જાણે નિષ્ફળ જ ગઈ હોય! આ ઉપરાંત કવિએ અહીં ગાંધારીએ કૃષ્ણને ચાહીને શાપ દીધો એમ નથી, અનિચ્છા એ શાપ દેવાઈ ગયો છે, એવું આલેખન કરી ગાંધારીના પાત્રને ઉદાત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જયારે કૃષ્ણ એ શાપ પોતાના ઉપર ઉતારવા જ ત્યાં પ્રગટ થયા છે. તેમના માટે તો તે વરદાન છે મુક્તિનું. ગાંધારી આ રીતે શાપવાણી ને પોતાના તરફ પ્રેરવામાં પણ કૃષ્ણની જ લીલા સમજે છે. સંહાર અને સર્જન નીચે પાર રહેલી તટસ્થ પ્રકાશધારાને હવે તે પામી શકે છે. સંહારના ભીષણ-બીભત્સ દર્શન પછી, કિલષ્ટ શાપ વચન પછી જ ગાંધારીમાં નવી દ્રષ્ટિનો-સાચી દ્રષ્ટિનો દિવ્યદ્રષ્ટિનો ઉદય થાય છે.
ગાંધારથી હસ્તિનાપુર આવેલી ગાંધારીના લગ્નજીવનની યાત્રાથી શરુ થઇ જીવનના અને લગ્નજીવનના અંત સુધી વિસ્તરેલી કથાને હિન્દી સાહિત્યના જાણીતા નાટ્યકાર કોમલગાંધારનાટકમાં પ્રસ્તુત કરે છે. આ નાટકમાં ગાંધારીના જીવનના મહત્વના પ્રસંગોને કેન્દ્ર સ્થાન મળ્યું છે. નાટકના પૂર્વાધમાં સાત દ્રશ્યો અને ઉત્તરાર્ધમાં છ દ્રશ્યો છે. પૂર્વાર્ધમાં ગાંધારીના લગ્નથી માંડીને દુર્યોધનના જન્મ સુધીના મહત્વના પ્રસંગો છે જયારે ઉત્તરાર્ધમાં યુદ્ધ કથાથી લઈને ધૃતરાષ્ટ્ર ગાંધારીના અંત સુધીની કથા સમાવિષ્ટ છે. ધૃતરાષ્ટ્રે ગાંધારી સાથે લગ્ન કાર્ય હતા એની પાછળ પણ છળ હતું જે ભીષ્મ પ્રેરિત હતું. પણ ભીષ્મે જે કર્યું તે કુરુકુળ માટે કર્યું હતું. હસ્તિનાપુરની એ વખતની તાકાત સામે કોઈ પણ પોતાની પુત્રી અંધ ધૃતરાષ્ટ્રને પરણાવવા તૈયાર થઇ જાય, પણ ભીષ્મે ગાંધારી પર પસંદગી ઉતારી. ભીષ્મ અને સત્યવતીને તો વંશ ચલાવવા માટે ગાંધારીના શરીરનો જ ખપ છે. ધૃતરાષ્ટ્રની સાચી ઓળખ લગ્ન પહેલા ગાંધારી જાણતી નથી. આ પરિસ્થિતિ અજાણ ગાંધારી પોતાની સાથે અન્યાય થયો છે અને નેત્રહીન સાથે જિંદગી કાઢવાની છે તેથી મક્કમ બની જાહેર કરે છે કે, ‘કુરુવંશે પોતાના આ અન્યાયની કિંમત ચૂકવવી પડશે.’(પૃ.૨૭) લગ્નમંડપમાં આંખે પાટા બાંધીને વિરોધ નોંધાવે છે. નાટ્યકાર અહીં મહાભારતથી જુદા પાડે છે અને ગાંધારીના પાત્રને વધુ તેજસ્વી બનાવે છે. ‘કોમલગાંધારમાં સંદર્ભ બદલાવાથી અને વિશેષ તો ગાંધારીનો વિરોધ પ્રગટ થવાથી પટ્ટી પ્રતીકાત્મક બની રહે છે અને ત્યાં મિથનો વિનિયોગ સાર્થકતા સિદ્ધ કરે છે.
ધૃતરાષ્ટ્રના લગ્ન થયા પહેલા અને પછી તેમના દાસી સાથેના સંબંધો ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વચ્ચે મનમેળ સાંધવામાં બાધારૂપ બન્યા છે. શકુની ધૃતરાષ્ટ્રને ગાંધારી સાથે સંબંધ બાંધવા ઉશ્કેરે છે, જેથી એમના સંતાનોને રાજગાદી પ્રાપ્ત થાય. ગાંધારી અહીં પણ શબ્દશર ચૂકતી નથી, ‘આટલું ધન... અને પ્રપંચ પછી ખરીદવામાં આવેલા આ શરીરનો કઈક તો ઉપયોગ થવો જોઈએ ને, મહારાજ!’(પૃ.૫૧) કોમલગાંધારમાં આંખે પટ્ટી બાંધી લેવાને કારણે ગાંધારી હવે પોતાના પિયર ગાંધાર જઈ શકતી નથી. ગાંધારીની વેદના આ શબ્દોમાં વ્યક્ત થઇ છે, ‘મારું કોમલગાંધાર ખોવાય ગયું.’
નાટકના ઉત્તરાર્ધ એ યુદ્ધનો સમય છે. ઘૃણાથી જન્મેલા ધૃતરાષ્ટ્રના સંતાનોને કારણ કુરુક્ષેત્રના મેદાનમાં દુદુમ્ભીઓ વાગી રહી છે. આ સમયે ધૃતરાષ્ટ્ર સતત ગાંધારી અને કુંતીની તુલના કરે છે. દુર્યોધન, દુ:શાસન જેવા પુત્રો માટે ધૃતરાષ્ટ્ર ગાંધારીને જ દોશી ઠેરવે છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો સંબંધ એક આધુનિક બાબત તરફ પણ ઈંગિત કરે છે કે સ્ત્રી-પુરુષ વચ્ચે જો મનમેળ જ હોય તો એની સીધી અસર બાળકો પર પડતી હોય છે. દ્રૌપદી વસ્ત્રાહરણ વખતે ગાંધારી ઇચ્છત તો આંખોની પટ્ટી ખોલી બધું અટકાવી શકત પણ ગાંધારીને મહાસતીત્વનું ગૌરવ હતું, તેની પ્રતિજ્ઞામાં અટલ હતી. ગાંધારી આંખે પટ્ટી બાંધ્યા બાદ માત્ર દુર્યોધનને જોવા માટે જીવનમાં એકવાર પટ્ટી ખોલી હતી. ગાંધારી એનો એકરાર પણ કરે છે, કે માતૃત્વના કારણે એનાથી આવો અપરાધ થયો હતો. આખરે જંગલમાં ગાંધારી આંખો પરથી પટ્ટી ઉતારી અને વનવૈભવને માણે છે ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે, ‘લાગે છે, તને તારું કોમલગાંધાર મળી ગયું.’(પૃ.૮૪) ગાંધારી કુરુવંશને આગળ વધારવાનું સાધન બની રહે છે. આ સંદર્ભે રમેશ ગૌતમનો મત જોઈએ તો, ‘તથાકથિત આધુનિકતા અને વાસ્તવના આગ્રહથી મુક્ત કોમલગાંધારમાં શંકર શેષ દ્વારા પ્રતિપાદિત મિથનું નવું દર્શન માનવીય સંદર્ભ સાથે જોડાઈને સમકાલીન મિથીકલ નાટકોની શ્રેણીમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો લગ્નસંબધ પોતે જ અહીં મિથ બને છે. અહીં આ નાટકમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના પાત્રોને અલગ અને આધુનિક સમસ્યાઓ આધારે જુદા દ્રષ્ટિકોણથી મુલવવામાં મિથનો ઉપયોગ સાર્થક નીવડે છે.
આમ, આજના સર્જક પોતાની વાત સબળ અને જૂની વાતને વાસ્તવિક રીતે આજના આધુનિક પરિપેક્ષમાં અર્થઘટન કરી મુકવામાં મિથનો સબળ માધ્યમ તરીકે ઉપયોગ કરતા અને સફળ થતા પણ જણાય છે. મિથ એ પ્રાચીન દસ્તાવેજ છે, જેનો સંસ્કૃતિની જાળવણીમાં અને નવી પેઢીને સંસ્કૃતિનો પરિચય કરાવવામાં ઉપયોગી માધ્યમ બન્યું છે. ત્રણેય કૃતિઓનો અભ્યાસ કરતા લઘુનવલ, પદ્યનાટક અને નાટકના સ્વરૂપમાં થયેલા મિથના વિનિયોગને જોતા નાટકનું સ્વરૂપ વધુ અસરકારક બનતું અનુભવાય છે. અહીં પણ મહાભારતને માધ્યમ બનાવી, ગાંધારીના પાત્રો દ્વારા પ્રાચીન-આધુનિક સ્ત્રીની મનોવેદના, મનોભાવ, સંઘર્ષ, ચેતનાને વાચા આપવાનો અને સાંપ્રત સમયમાં સમાજના બદલાવનો ચિતાર મિથના માધ્યમથી પ્રસ્તુત કરવું સફળ થતું લાગે છે.