Friday 4 September 2015

'અમે અહીંથી નહીં જઈએ'

નરક સમા ખાડાના ભૂતલ પર પાંગરતું સંવેદનાનું નાટક
‘અમે અહીંથી નહીં જઈએ’
નાટક સાહિત્યનું દ્રશ્ય-શ્રાવ્યના સુમેળને સમાવતું અનોખું માધ્યમ છે. આંખની સામે સાદ્રશ્ય ભજવાતું અને માનવીના ચિત્તને ચિત્રિત કરતું, માનવીની સંવેદનાઓને રસમાં તરબોળ કરી જીવનની દિશા અને દશાનું સાંગઠું ગોઠવતું લયબદ્ધ સાહિત્યસ્વરૂપ છે. ફક્ત માનવીના ચિત્તની સાથે રમતા તો સાહિત્યના દરેક સ્વરૂપને આવડે, પરંતુ પાત્રોના અભિનયની કળાને ઉજાગર કરી જીવંતતાનું પ્રગટીકરણ નાટક કે એકાંકીને સુપેરે આવડે. નાટક  ફક્ત લેખિત સ્વરૂપમાં જ સાર્થક નથી પરંતુ રંગમંચ પર અભિનિત સ્વરૂપે પણ સાર્થક થવું જરૂરી છે.
                ગુજરાતી સાહિત્યના સાંપ્રત સમયના એકાંકીકાર અને નાટ્યકાર એવા સતીશ વ્યાસના દરેક નાટક મુદ્રિત સાથે અભિનય પામ્યા છે. ૨૦૧૩માં પ્રગટ થયેલું  ‘અમે અહીંથી નહીં જઈએ’ નાટક તેમના નો-પાર્કિંગ એકાંકીસંગ્રહનાઅમે અહીંથી નહીં જઈએ’ એકાંકીનું નાટ્યરૂપાંતરણ છે, Modify સ્વરૂપ છે. આ દ્વિચક્રી નાટકમાં એક જ મંચ પર દ્રશ્યે થતી જગ્યા અને ચોક્કસ નામ વગરના થોડાં પાત્રો દ્વારા નાટકનું કથાવસ્તુ ઉપસાવવામાં આવ્યું છે. નાટકની કથા ક્યાંક ધીમી ગતિએ તો ક્યાંક મહિનાઓના Jump(કૂદતા) મારતી લાગે, પરંતુ માનવીય સાહજિકવૃત્તિઓને અકલ્પનીય વાતાવરણમાં પણ સમતુલિત અને સમાયોજિત થતી નિહાળી શકાય છે. સમયના પ્રવાહની સાથે જિંદગીમાં આવતા પરિવર્તનોથી ધીરે ધીરે વ્યક્તિ used to થાય, ટેવાય જાય છે અને એક પરિસીમાએ પહોંચી તેની આસપાસ કોઈપણ રીતે ગોઠવાયેલા જગતને ચાહવા લાગે છે, તેના મોહમાં ફસાય છે. ત્યારે પોતાની જિંદગીમાં થતા સકારાત્મક પરિવર્તનને પણ સ્થાન આપવા માનવી ઈચ્છતો નથી. આ રીતે વૈશ્વિક જગતની મનોભાષાના આંતરમંથને નાટકના માધ્યમ દ્વારા પ્રેક્ષકો સમક્ષ પ્રસ્તુત કર્યું છે.
                ‘અમે અહીંથી નહીં જઈએ’ નાટકની શરૂઆતમાં જ યુવકના હાવભાવથી થતી ક્રિયાઓ અને છાયા-પ્રકાશની યોજના દ્વારા અગવડભર્યું વાતાવરણ ઊંભું કરવાનો નાટ્યકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. યુવતી ક્યાંકથી આવીને કોઈક સ્થળે પટકાઈ છે અને તેના કણસવાના ઉદગારથી નાટક શરૂ થાય છે. યુવતી અચાનક અવાવરી જગ્યાએ આવેલા યુવકને જોઈ ગભરાય છે. આ નવી જગ્યાએ કેટલાય સમય પછી કોઈક માનવી જોવા મળ્યું છે. યુવક તેને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરે છે. ધીરે ધીરે બંનેના સંવાદો દ્વારા ખાડાનું વાતાવરણ ઉજાગર થાય છે. આ વિશાલ ખાડામાં ફસાયેલી યુવતી બહાર નીકળવાનો ઘણો પ્રયત્ન કરે છે અને યુવકની નિયત પર પણ શંકા કરે છે પણ યુવક ખૂબ સ્વસ્થતાથી યુવતીને સાચી પરિસ્થિતિનો પરિચય કરાવે છે. યુવતી જયારે યુવકને પૂછે છે કે, ‘તમે અહીં કેટલા સમયથી છો?’ તેના જવાબમાં યુવક કહે છે ‘એય ભુલાય ગયું છે. કદાચ અઠવાડિયાથી, કદાચ મહિનાથી, કદાચ વર્ષોથી, કદાચ સદીઓથી...અહીં જાણે કે કાલાતીત થઇ ગયો છું.’(પૃ.૫) અહીં નાટ્યકાર જાણે નરસિંહ મહેતાના પદોમાં જોવા મળતા બ્રહ્મ-પરબ્રહ્મની પરિકલ્પના કરતાં જણાય છે. તેથી જ તો યુવતી દિવસો ગણવાનું વિચારે છે ત્યારે ‘મને તો અહીં એક દિવસ જ વિતાવેલો લાગે છે પણ દિવસ કયો? બ્રહ્માનો દિવસ.’(પૃ.5) ખાડાના ભૂતલ વિશે વર્ણન કરતાં યુવતી જયારે કહે છે કે, ‘અહીં તો અફાટ મેદાન દેખાય છે! આ બાજુ દેખાય છે અસીમ આકાશ! ત્રીજે આ બાજુ રણની આંધી ચઢેલી છે! (ચોથે ખૂણે) ને આ બાજુ દેખાય છે વિરાટ સાગર!’ (પૃ.૬) તેના જવાબમાં યુવક તેને મૃગજળ ગણે છે અને ‘ભૂતલ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે!’(પૃ.૭) આ નાટકમાં યુવતી અને યુવકની આંતરિક માનસિક પરિસ્થિતિ અને બાહ્ય અનિચ્છનીય પરિસ્થિતિને વિરામ અને વિરામચિન્હો દ્વારા બખૂબી ચિત્રિત કરી છે. મુદ્રિત સ્વરૂપે વંચાતું આ નાટક ભાવકની આંખ સામે ખાડાનું અને ત્યાંની પરિસ્થિતિનું દ્રશ્ય ઉપસ્થિત થાય છે. આ નાટ્યપ્રયોજનને કારણે જ નાટકને રંગમંચ પર રજૂ કરવા માટેનો દિગ્દર્શક અને અભિનેતાનો અવકાશ વધે છે અને તેથી નાટ્ય સક્ષમતા વધે છે.
        યુવતીનો થોડો સમય આ ખાડામાં વીતતા હવે ભૂખ, તરસ અને પ્રાથમિક જરૂરિયાત વિશેના પ્રશ્નો ઊભા થાય છે, આવી ગંદી-ગોબરી જગામાં રહેવાનું, કાટખાધેલા મ્યુનિસિપાલિટીના ગળતા પાઈપમાંથી ઝરતાં પાણીને પીવાનું ને પ્રાથમિક ઉપયોગમાં લેવાનું, સૂર્યના તડકામાં બપોરે જીવવાનું અને છાંયડો મેળવવા સૂર્યના ખસવાની રાહ જોવાની, ભૂખ લાગે તો રોજ સવારે શહેરની સડકો વાળનારા લોકો, રાત્રે કોઈ વ્યક્તિનું અધડું ખાતાં બચેલું, છાંદેલું ખાડામાં પધરાવે તે ખાવું, આ બધું સાંભળીને યુવતી અચકાય છે, પણ જ્યાં સુધી ‘મરવાની હિમ્મત ન આવે ત્યાં સુધી જીવવું’ એવા યુવકના કથનને કારણે ધીમે ધીમે સ્વાભાવિકતાને સ્વીકારવાની યાત્રા આરંભ તો કરે છે પણ હજી અહીંથી બહાર નીકળવાના સ્વપ્નને વળગી રહી છે, તેથી તો યુવતી કહે છે કે, ‘આ નરકમાં, આવા ભેજવાળા, સડતા, ગંધાતા નરકમાં હું નહીં રહી શકું.’(પૃ.૨૨) યુવતી સાથે યુવક શાલીનતાથી વર્તતો હોવા છતાં યુવતી તેને સુવ્વર, દુષ્ટ, પાપી કહે છે, યુવતી ખાડામાંથી બહાર નીકળવાની કોશિશ કરતી વખતે યુવક યુવતીને પડતા ઝીલી લે છે છતાં યુવતી યુવકની દાનત પર શંકા કરે છે, ત્યારે યુવક ‘હમણાં કાંઈ ઉતાવળ નથી’ એમ કહી ભરોસો આપે છે પણ યુવતી શંકા છોડતી નથી. આ નાટક પહેલા કોઈપણ પરિવર્તનનો અસ્વીકાર અને પછી ધીરે ધીરે પરિસ્થિતિનો સ્વીકાર કરવો, તેને પોતાની નિયતિ લેખી મોહ ઉત્પન્ન થતા એ અવાંછનીય પરિસ્થિતિમાંથી બહાર ન નીકળવાની જીદ કરવાની માનવ પ્રકૃતિનું પ્રતિબિંબ પાડે છે.
        નાટકના પ્રથમ અંકમાં યુવકથી ડરતી અને દૂર રહેવા પ્રયત્ન કરતી યુવતીને ભૂખ લાગતા ભૂખના પ્રકારો પર બંને વચ્ચે ઘણાં સંવાદો થાય છે જેમાં ઘણાં હળવા છે જેમકે, ‘સ્ત્રીની ભૂખ વધે એટલે પ્રુરુષની લાજનો પ્રશ્નો થાય’(પૃ.12) આ સંવાદો હળવા મિજાજથી શરુ થઇ ગંભીર સંવાદો સુધી પહોચે છે જેમકે, ‘ભૂખનું તો એવું છે ને મેડમ... જનમથી જ લાગેલી રહે... આજે લાગી છે એ ભ્રમ છે, એ લાગી છે જનમથી. જનમોજનમથી...આ ભૂખનું તત્વ સનાતન છે. આ સૃષ્ટિનો વિકાસ જ ભૂખથી છે – ભૂખ નથી તો કંઈ નથી. જગતના સર્વે માર્ગો આ ભૂખમાંથી નીકળે છે.’(પૃ.૧૫), છતાં એમ તો કહેવાય કે ‘ભૂખ લાગી હોય ત્યારે ધર્મશાસ્ત્ર કામ ન આવે.’ આમ, વીતતા દિવસો, ખાડાનું ભૂતલ, ભૂખ, છોકરા-છોકરીઓની વૃત્તિ, ગર્દભસેન વિશેના સંવાદો ઘણીવાર હળવા તો ઘણીવાર ગંભીર વાતાવરણનું નિર્માણ કરે છે તો કોઈ વખત એ સંવાદો વધારે પડતું લંબાણ કરતાં જણાય. આ ઉપરાંત સુપ્રસિદ્ધ સાહિત્યકાર ચિનુ મોદી કે ભગવાન વ્યાસ કે પછી એબ્સર્ડનો નાટકમાં થતો ઉલ્લેખ નાટ્યકારનું સીધું involvment(હસ્તક્ષેપ) નાટકને શિથિલ કરતાં જણાય છે.
આપકે આને સે યે કૈસા કરિશ્મા હો ગયા
કલ યહાં વિરાના થા ઔર અબ ગુલિસ્તાં હો ગયા!
અહીં, આ ગઝલોનો સહારો લઇ નાટ્યકાર યુવક અને યુવતી વચ્ચે લાગણીનો સંબંધ સ્થાપિત કરવાનો અવકાશ ઉભો કરે છે. તેથી જ સાંજના પાણી આવતા બાવરી બની ખોબે ખોબે પાણી પીવાનો પ્રયત્ન કરે છે ત્યારે ભીંજાયેલી યુવતીને જોઇને યુવકનો આટલા વર્ષોની અતૃપ્ત લાગણીઓ જાગી ઉઠે છે અને બોલે છે, ‘ભીંજાયેલી યુવતી પહેલી વાર જોઉં છું...ભીની યુવતી લાગે તો સુંદર જ.. માદક.. ભલે વહી જાય દરિયા ને દરિયા, ભલે વહી જાય નદીઓ ને નદીઓ.. પણ મારું તો મન હવે તૃપ્ત થઈ ચૂક્યું છે...(પૃ.૨૮) આમ, અજાણ્યા બે વ્યક્તિ એકબીજાની સાથે પરિચય કેળવવાનો પ્રયત્ન કરે છે અને પ્રથમ અંક પૂર્ણ થાય છે.
        બીજા અંકમાં સ્થળ તો ખાડો જ છે, પણ પરિસ્થિતિ જોવાની દ્રષ્ટિ બદલાય છે. ઉપરની પંક્તિમાં લખ્યું છે તેમ યુવતીના આવવાથી આ નરક જેવી જગ્યા પણ સુવ્યવસ્થિત દેખાય છે. ઉપરથી પડેલી વસ્તુને જોડીને બાથરૂમ બનાવ્યું છે, ગાદલું-તકિયા, ડબલાં પડ્યા છે, રેડિયો ચાલુ થાય છે,  યુવતી માટે સાડી મળી છે, એવી ઘણી ઉપરથી પડેલી વસ્તુઓથી આ ખાડો અને યુવક-યુવતીનો સંસાર સભર થયો છે. યુવક અને યુવતી બંને એકબીજાને પ્રેમ કરતાં થાય છે અને યુવતી કહે છે, ‘ઓહ! તારા સાનિધ્યમાં તો આ સ્થળ મને સ્વર્ગ જેવું લાગે છે. આ બ્રેડના ટુકડા કોઈ મિષ્ટાનથી કમ નથી લાગતા. આ ફાટેલાં વસ્ત્રો જરકસી જામા જેવાં લાગે છે.’(પૃ.34) હવે આવ્યાને અહીં કેટલો સમય થયો તે જાણવું યુવતી માટે હવે જરૂરી નથી, કારણ કે, હવે જાણે એક પ્રકારનો સમય વિનાનો ખંડ! સમયરહિતતા. અને આ સમયરહિતતાનો અનુભવ પ્રેમ સિવાય બીજી કોઈ રીતે થાય નહીં! એમ માનતી થાય છે. બીજા અંકના પૂર્વાધમાં યુવક અને યુવતી બંને વચ્ચે પાંગરેલા પ્રેમ ભર્યા સંવાદો અને ઉપમાઓ તથા થોડી પંક્તિઓથી ભાવકને જકડી રાખવાનો પ્રયત્ન થયો છે. ત્યારબાદ દ્રશ્ય બદલાય છે યુવક અને યુવતીના દામ્પત્યજીવનના પરિપાકરૂપે સંતાનના જનમનો સંકેત દેખાય, આમલી, ખાટી વાસ કે પેટમાં ગુંચળા વળવાના અભિનય દ્વારા જાય છે.
એક વખત તો, ‘આવી જગ્યાએ બાળક ન આવે તો સારું’ એમ યુવતીના સંદેહ પર આશાવાદી યુવક ‘ભલે પ્રગટે એ નૂતન કિરણ આ ગર્તમાં!’. આ સાથે બાળકના ભવિષ્યનો વિચાર કરતાં યુવતી મુંઝાય છે પણ યુવકના સંધિયારે, તેના ઈશ્વર પરના વિશ્વાસ અને સમજણથી યુવતી મુક્ત બની નિશ્ચિંત થઇ જાય છે. યુવતી પોતાની વાતને સાબિત કરવા ઘણી દલીલો કરે છે પણ શાસ્ત્ર અને ધર્મના ઘણા ઉદાહરણ દ્વારા યુવક તેને સમજાવે છે. ફક્ત બીજું બધું ભૂલીને આપણે આપણા બાળકને માણસ બનાવીશું, એવા નિર્ણય પર આવે છે. નાટકના ઉત્તરાર્ધમાં ગર્ભમાં રહેલ શિશુ(દીકરી) પિતા સાથે સંવાદ કરતી હોય તેવી નાટ્યપ્રયુક્તિને ધ્વનિ દ્વારા રંગમંચ દર્શાવવાનું આયોજન નાટકમાં કરવામાં આવ્યું છે. અહીં આ ગર્ભસ્થ દીકરી સાથે સંવાદની પ્રયુક્તિ હિમાંશી શેલતની ‘ગર્ભગાથા’ વાર્તાની યાદ અપાવે છે પરંતુ તેમાં દીકરીને બચાવવા માતા સંઘર્ષ કરે છે. અહીં આ નાટકમાં દીકરી પોતાને માતાથી બચાવવા માટે પિતાને ધન્યવાદ કરે છે. યુવક તેને સંતાનના ભવિષ્ય વિશેની માતાની સંશયાત્મક પરિસ્થિતિને કારણે આ ગર્ભની અનઈચ્છા ઘરાવેછે તે સત્યની પોતાની દીકરી સમક્ષ સ્પષ્ટતા કરે છે. અને કહે છે, ‘એને કંઇ દીકરા-દીકરીનો ભેદ નહોતો મનમાં!’(પૃ.૫૨) ત્યારે દીકરી કહે છે કે, ‘પપ્પા, હું નારીશક્તિ. એક વાર પ્રગટ થઇ પછી મને હણી ન શકાય, ને હવે તો બહાર આવી જ સમજોને!’ (પૃ.૫૨) આ સમયે નાટ્યકાર ભ્રુણહત્યાની સામાજિક વાતને સાંકળી લે છે.
        નાટકના ઉત્તરાર્ધમાં દીકરી જન્મી ચૂકી છે અને નિરાંત જીવન જીવતા તો ત્યાં જ આ ખાડાના શાંત વાતાવરણમાં હલચલ થાય છે, કંઇક આવાજ સંભળાય છે, ખાડાની ઉપર ખોદકામ ચાલતું જણાય છે અને પથ્થરો કોઈ ઉઠાવતું હોય એવું અનુભવાય છે પછી બે-ત્રણ મજૂરો અને મુકાદમ ખાડામાં યુવક અને યુવતીને જુએ છે અને મુકાદમ તેમને કહે છે, ‘એ જે હોય તે. હવે બહાર નીકળો અહીંથી, આ જગા અમારા માલિકે ખરીદી લીધી છે.’ (પૃ.૫૭) આભ તૂટી પડે છે, યુવક અને યુવતી પર. અને છેલ્લે ભારે હ્રદયે કાકલૂદી કરતાં યુવક અને યુવતી ‘અમે અહીંથી નહીં જઈએ’ એમ રટણ કરતાં રહે છે અને નાટક પૂર્ણ થાય છે.
        બે મુખ્ય પાત્ર, એક જ સ્થળ, બોલચાલના સંવાદો, વ્યવહારી સંવાદો અને રંગમંચ પર ભજવી શકાય તેવા આ નાટકની પૃષ્ઠભૂમિ માનવના આંતરમનને બખૂબી દર્શાવી નાટ્યક્ષમ બને છે. જ્યાં વર્ણન કે પદ્યની આવશ્કતા હોય ત્યાં મુક્યા છે પરંતુ ઘણા સાથે સંવાદોનું લંબાણ અને વધુ વાચાળતા નાટકને શિથિલતા તરફ ક્યાંક ક્યાંક દોરી જાય છે. પરંતુ એક રંગમંચમાં ભજવી શકાય તેવી દરેક યોગ્યતા ધરાવતું આ નાટક વધુ સંવેદનશીલ માહોલ ઉપસાવે છે.                                                        
-     ડૉ. હેતલ કિરીટકુમાર ગાંધી   

No comments:

Post a Comment