Sunday 4 January 2015

જાગૃત વિવેચકની જ્ઞાનવાણીનો પરિચય આપતી કૃતિ

શ્રી ચંદ્રકાન્ત શેઠની ઘડાયેલી કલમમાંથી નીકળેલો એક વધુ વિવેચનસંગ્રહ એ ‘સાહિત્યમાં સાત્વિકતા અને અન્ય લેખો’ વિષયની દ્રષ્ટીએ ત્રણ ભાગમાં વહેંચી શકાય તેવા આ સંગ્રહમાં કુલ અઢાર લેખોનો સમાવેશ થયો છે. આ સંગ્રહમાં આપણને સાહિત્યના વિવિધ પાસાની વિભાવના, કૃતિલક્ષી સંશોધન અને આસ્વાદન તથા ભાષા-શિક્ષણ-વ્યવહાર વિશેના વિવિધ રસસ્થાનો અને તત્વમૂલક અર્થઘટનોનો અનુભવ થાય છે.
‘સાહિત્યમાં સાત્ત્વિકતા’ લેખમાં સાહિત્યના સર્જન તેમજ વિવેચનમાં સાત્ત્વિકતાના ભાવને વ્યક્ત કરતા સંસ્કૃત સાહિત્ય મીમાંસાનો ઉલ્લેખ કરે છે. અહીં.સર્જનમાં સાત્ત્વિકતા ત્યારે જ જણાય જયારે સર્જક પક્ષે પારદર્શિતા હોય, તાટસ્થ્યપૂર્વકનું તન્મયતા ભર્યું, સ્થિર પ્રજ્ઞાવાળું વલણ હોય. સત વિના સત્વ નથી ને સત્ત્વ વિના સાત્ત્વિકતા નથી. સાહિત્યના જીવનસાપેક્ષ ક્ષેત્રનો મહિમા વિવેચકે સાહિત્યમાંથી જ લીધેલા ઉદાહરણો આપી સમજાવ્યા છે.
આ વિવેચનસંગ્રહનો સૌથી ઉત્ત્તમ લેખ કહી શકાય એવા – ‘ભારતીય સાહિત્ય’ લેખમાં વિવેચકે આધ્યાત્મ્ય–ચિંતન-દર્શનનો અને સાહિત્યસર્જનનો એવા ત્રિવેણી સંગમની વિસ્તારપૂર્વક મીમાંસા કરી છે. વિવિધ બોલી-ભાષા અને લેખિત-મુદ્રિત કે કંઠસ્થ સાહિત્યના વિવિધ આયામોથી લઇ વૈશ્વિક ભૂમિકાએ પણ મહત્વનું બની રહે તેવા પ્રાચીન ભારતીય સાહિત્યને પણ સ્થાન આપ્યું છે. શિષ્ટ સંસ્કૃત સાહિત્યથી લઇ ભારતીય આર્ય ભાષાના ત્રણ તબક્કાઓ, વિવિધ ભાષાની પ્રારંભની ભૂમિકા, જુદા-જુદા સાહિત્યપ્રકારો, ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યની સાધના ધારાઓ, સંસ્કારધારા, દર્શન પરમ્પરા, લોકસાહિત્યની વિકાસયાત્રાને ઉદાહરણ સહિત ઉલ્લેખે છે. રામાયણ-મહાભારતના મહાકાવ્યની તેલુગુ, કન્નડ, પંજાબી, બંગાળી જેવી ભારતીય ભાષાઓમાં થયેલા ગદ્ય-પદ્યાનુવાદ, એક ભાષામાંથી બીજી ભાષામાં થતા ભાવાનુવાદ, સારાનુવાદ કે અનુવાદની મહત્વની દરેક કેડીને સાંકળવાની કોશીશ કરી છે. આ ઉપરાંત હિંદુ પરમ્પરાથી લઇ ઉર્દૂ તેમજ સૂફી પરમ્પરાની પ્રેમકથાઓ, નીતિબોધ સાહિત્ય, ધર્મ માટેના સાહિત્ય, છંદ-રાસાનું સાહિત્ય, પ્રશસ્તિ સાહિત્ય તેમજ લોકમનોરંજક સાહિત્ય અને ભારતીય સાહિત્યપ્રકારોની આછી-પાતળી રેખાઓનો અહીં ખ્યાલ મળતો રહે  છે. ભારતના ઉત્તર-દક્ષિણમાં રહેલા ભાષાભેદો છતાં તેમના સાહિત્યમાં રહેલા સમય-ભેદ, એકબીજાથી મળતા સાહિત્યપ્રકારો, વ્યાકરણગત વિશેષતાઓ, ભાષાકીય અને કેળવણીગત સાહિત્યની ખાસિયતોની સાથે પ્રાચીન થી માંડી અર્વાચીન સાહિત્યના વ્યાપની પૃષ્ઠભૂમિ પર રચાયેલા ગદ્ય-પદ્ય સાહિત્યની ઉપલબ્ધિઓને વિસ્તારથી આલેખી છે. તેની સાથે પ્રાદેશિક ઉપરાંત પશ્ચિમના સાહિત્યને પણ આ પ્રસ્તુત લેખમાં જરૂરી સ્થાન મળ્યું છે.
‘બાલસાહિત્યની સમસ્યાઓ અને ઉકેલ’ લેખમાં વિવેચક બાળસાહિત્યની સમસ્યાઓને હલ કરવા માટે બાળકો પ્રત્યેના ભરપૂર પ્રેમને પૂર્વશરત ગણે છે. તેઓ બાલસાહિત્યના ક્ષેત્રે થયેલ ઉદાસીન વલણ પ્રત્યે પોતાની ચિંતા વ્યક્ત કરે છે, ગૂજરાત વિદ્યાપીઠમાં ચાલતા બાલનાટકના સ્વતંત્ર અભ્યાસક્રમ, હરીશ નાયકના બાલકથાઓ પર થયેલા કાર્યકમો, કઠપૂતળીના ખેલ, શેરી નાટક અને લોકસાહિત્યમાં બાલસાહિત્યને સ્થાન, બાલઘર અને બાલઘરો પ્રત્યેની સભાનતા અને બાલસાહિત્યની ધારાને સમૃદ્ધ કરનાર સર્જકોના કાર્યને પણ તેમણે અહીં બિરદાવ્યા છે. આમ, ‘બાલદેવો ભવ’ની ભાવનાનું પૂરું પ્રકટીકરણ અને વિસ્તારણ માટેની કટીબધ્ધતા વ્યક્ત કરી છે.
વિવેચકના બાલસાહિત્ય પ્રત્યેના અપાર પ્રેમને વ્યક્ત કરતો ‘ગુજરાતી બાલસાહિત્ય : એક ઝાંખી’ લેખમાં બાલસાહિત્યમાં રસપ્રદ અને આનંદપ્રદ સર્જન કેમ થઇ શકે? તેની ભૂમિકા આપ્યા બાદ ગુજરાતી વાચનમાળાની પ્રથમ શ્રેણી ૧૮૬૦થી શરુ કરી, બાળસાહિત્યમાં સીમાસ્તંભ ગણાતા સર્જક ગીજુભાઈ બધેકાની સર્જનયાત્રા વિષે, તથા બાળસાહિત્ય પરત્વે કાર્ય કરતી સંસ્થાઓ, પ્રકાશન ટ્રસ્ટ, તથા બાળસાહિત્યમાં ગીત, નાટક, ઉખાણાં, ટૂચકા, હાલરડાં, જોડકણાં, જેવા સાહિત્યપ્રકારોની વિગતે ચર્ચા કરી છે.
‘ગુજરાતી કાવ્યપ્રકારો’ નામના લેખમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે શ્રી ડોલરરાયે જે પાંચ વ્યાખ્યાન આપ્યાં તે પુસ્તકની સમીક્ષા કરી છે. જેમાં કાવ્યના પ્રકારો, સંસ્કૃત-પાશ્ચત્ય કાવ્યસિદ્ધાંતો, મહાકાવ્યો અને આખ્યાનની શૈલી અને તેના લક્ષણો, ખંડકાવ્યોની મીમાંસા, લઘુકાવ્ય અને લિરિક અંગેના સત્વને ખોલી આપ્યું છે.
આ ઉપરાંત આ પુસ્તકમાં કૃતિની સમીક્ષા અને આસ્વાદલક્ષી લેખ ‘અનંગ રાગ- અનુ – રાગની પરાકાષ્ઠાની સંવેદનકથા’માં શ્રી શિવકુમાર જોષીની નવલકથા ‘અનંગરાગ’ વિશે, પ્રેમલ-અનિમેષ-અનુરાધાના સંબંધોના ખેંચાણ-તણાવના અટપટા સંવેદનોના પડળોને તર્કબદ્ધ રીતે ઉકેલે છે. આપણી સંસ્કૃતિને જોવા-મૂલવવા માટે, મનુષ્ય પ્રેમ, નીતિ ઘડતર અને સદાચારના રાજમાર્ગને પામવા, યુવાનોના પ્રશ્નોના કલ્યાણકારી ઉકેલ, મર્મસ્પર્શી નીતિસુત્રો સાથે ફાધર વાલેસના ‘સદાચાર’ અને ‘નવીપેઢી(તરુણાશ્રમ)’ ભાગ પહેલો એમ બે પુસ્તકોના મર્મને ‘વ્યક્તિ ઘડતરની દ્રષ્ટિએ બે મૂલ્યવાન પુસ્તકો’ લેખમાં વિવેચક ઉજાગર કરે છે.
જીવનચરિત્રો વિષયક પુસ્તકોનો પરિચય કરાવતા ‘તીર્થોદકની અંજલિ’ લેખમાં શ્રી મોહનભાઈ પટેલ ‘આલ્બર્ટ સ્વાઈત્ઝર’ પુસ્તકનો પરિચય છે જયારે ‘માનવતાથી માટીમાં કંડારાયેલાં રેખાચિત્રો’ લેખમાં શ્રી તુષારભાઈ ભટ્ટ કૃત ‘રેતીમાં રેખાચિત્રો’ પુસ્તકનો તટસ્થતાપૂર્વકનો પરિચય આપ્યો છે. અહીં જીવનચરિત્રના સાહિત્યસ્વરૂપની લાક્ષણિકતાઓની ઝલક પણ સુપેરે દર્શાવી છે. 
ત્યારબાદ ‘પાનગોષ્ઠી’ લેખમાં ધૂમકેતુના ‘પાનગોષ્ઠી’ નિબંધસંગ્રહની વ્યવસ્થિત છણાવટ કરી છે. તેમાં ધૂમકેતુના ગદ્ય અને તેમની ગંભીર પ્રકૃતિથી વિરુદ્ધ હાસ્યકારની અદાને ચકાસવાનું વલણ જણાય છે. તેઓ હાસ્યવૃત્તિને વાર્તારસિક ધૂમકેતુની મર્યાદા ગણવાનું ઉચિત ગણે છે. પારદર્શિતાથી કરેલ તપાસને અંતે હાસ્યલેખક તરીકે ધૂમકેતુ સફળ થયા નથી અને કરુણતા તરફના ઝોકના ઔચિત્યને સ્પષ્ટ કરે છે. આ ઉપરાંત ‘હું’નાં મૂળ, ‘હું’નાં ફૂલ’ લેખમાં પ્રફ્ફુલ રાવલના ‘હું અને....’ નિબંધસંગ્રહમાં સ્પષ્ટ રીતે વ્યક્ત થતા લેખકના અંતરમુર્ખી ‘હું’ની વાત, ‘હું’ પ્રત્યેનો પ્રેમ, ‘હું’ સાથે જોડાયેલા સંસ્મરણો અને ‘હું’ સાથે ઘૂંટાયેલી નિખાલસતાને સચોટ રીતે વ્યક્ત કરે છે. આ નિબંધસંગ્રહ વિષે ચંદ્રકાન્તભાઈ લખે છે કે, ‘પોતે જે જીવ્યા, પોતે જે અનુભવ્યું, પોતે જ પામ્યા ને પોતે જ વેઠ્યું, તેની યેનકેનપ્રકારેણરાગદારી એમની આત્મવીણા પર છેડાતી પમાય છે.’(પૃ.૧૨૯/૧૩૦)
‘મધુરસની પ્યાલીઓ’માં ચંદ્રકાન્ત શેઠ દિનેશભાઈએ લખેલ ‘લઘુ પત્રનિબંધ’ વિશે ઋતુ, રંગ, ભાષા અને કવિત્વભાવની મૌલિક ચર્ચા સાથે સ્નેહસ્મરણ પાઠવતા જણાય છે. ‘ખુશનુમા તડકાનો રંગ’ લેખમાં ‘પેટછૂટી વાત’ કહી દેનારા અશોક દવેની હાસ્ય સર્જકતાને ઉકેલવાનો-માણવાનો ઉપક્રમ યોજે છે. તેમના માટે ચંદ્રકાન્તભાઈ ‘માણસ હૂંફાળો ને હસમુખો’ એમ બિરુદ આપે છે. તેમના હાસ્ય તીરની ગતિ અને દિશાને માપવાનો પ્રયાસ કરી, તેમના વિવિધ હાસ્યનિબંધમાં દેખાતી પાત્ર અનુરૂપ શૈલીના ભારોભાર વખાણ કરતા જણાય છે. ચંદ્રકાન્તભાઈ આ હાસ્યસર્જકની વાત ‘હ્યુમર ઓફ ડ્રેક્યુલા’ને તેમની શક્તિઓનો સ્તંભ માન છે.
‘વાલ્મીકીય હાસ્યચટકા’ લેખમાં સાહિત્યક્ષેત્રે તેમજ પત્રકારત્વક્ષેત્રે પ્રસિદ્ધિ પામેલા વાલ્મીક મહેતાના લેખસંગ્રહ ‘મીકિ મીકિ વાલ્મીકિ’નું હળવું આસ્વાદન કરાવે છે. તેઓ કહે છે કે વાલ્મીકભાઈનાં આ લેખસંગ્રહના અનેક લેખોમાં હાસ્યને શૃંગાર સાથે કે શૃંગારને હાસ્ય સાથે રજૂ કરવાનો તથા દુ:ખને હસીને હળવા થવાનો આકર્ષક કીમિયો અજમાવ્યો છે. તારક મહેતાના ભાઈ એવા વાલ્મીકભાઈનો ટૂંકો પરિચય આપી વિવેચક આ લેખમાં હાસ્ય નિરૂપણની વિવિધ તરેહો અને હાસ્ય સામગ્રીનાં મૂળને ચકાસે છે.
ભાષા-સાહિત્ય સાથે વર્ષોથી સંકળાયેલા પૂ.મુનિરાજ શ્રી હિતવિજયજી મહારાજના સારસ્વતધર્મનું તપ સમુ ‘ગુજરાતી લિપિ’ પુસ્તકનો પરિચય અહીં ‘ગુજરાતી લિપિ વિશેની અનુભવયુક્ત સમજણને ઉદાહરણ સહિત સમજાવે છે. જયારે ‘માધ્યમિક કક્ષાએ માતૃભાષાનું શિક્ષણ’ લેખમાં શિક્ષણતંત્ર, શિક્ષણપ્રદાન કરનારા શૈક્ષણિક વર્તુળોનો પરિચય, વિદ્યાર્થીઓમાં માતૃભાષા વિશેના શ્રવણ-સંસ્કારોના સિંચનના ઉપાયો, કથન-અભિવ્યક્તિ માટેના પ્રયત્નો, વાંચન –લેખનશક્તિ વિકસાવવાના ઉપાયો, અને શિક્ષણ કે શિક્ષકની વિદ્યાર્થીઓને માતૃભાષા શીખવા-શીખવવાની વાંછના સાથેના વૈજ્ઞાનિક અભિગમનો સમાવેશ થયો છે.
‘આપણું રાજ્યતંત્ર અને અસરકારક ભાષાવ્યવહાર’ લેખમાં તંત્ર-સંચાલક અધિકારીઓએ પોતાના તંત્રને વધુ લોકાભિમુખ કરવાના પ્રયત્નો વિશેની વિશદ ચર્ચા કરાવે છે. ભાષામાં થતા રોજિંદા વ્યવહારને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ એક વિશ્વભાષા તરીકે, ઉત્તમ સાહિત્ય અને ચિંતન-વિચારની મહાન ભાષા તરીકેનું મૂલ્ય પારખી તેને સમૃદ્ધ કરવા બનતા બધા પ્રયાસ કરવાનું ચંદ્રકાન્તભાઈ આગ્રહપૂર્વક જણાવે છે.
આ લેખસંગ્રહનો અંતિમ લેખ, એક મોટા વિવિધ વિષયોમાં શંભુમેળામાં ફરીને સંગ્રહનો ઉપસંહાર કરતો હોય એમ સંસ્કાર ‘માતૃભૂમિ’ ગરવી ગુજરાત અને તેની સંસ્કૃતિ-સાહિત્યનો સુભગ સમન્વય કરી ઉદભાવ્યો હોય તેમ લાગે છે. ગુજરાતના મોંઘેરા વારસાને દર્શાવતા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘ગુજરાત’ ગ્રંથના પ્રારંભિક લેખની સમીક્ષાને ચંદ્રકાન્તભાઈ ‘ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતી’ લેખમાં પ્રસ્તુત કરે છે. જેમાં ગુર્જર પ્રદેશની ભાષા, પ્રજા, સંસ્કૃતી, રસધારાઓ અને ગુર્જર સપૂતોને જાણે ચંદ્રકાન્તભાઈ અંજલી ન આપતા હોય !
છેલ્લે, ચંદ્રકાન્ત શેઠની જીવનિકા સાથે ગ્રંથનું સમાપન, તેમની અનુભવયુક્ત જ્ઞાન સરવાણીને પ્રમાણભૂતતા  અર્પે છે. એક સક્ષમ વિવેચકની નજરમાંથી પસાર થતો આ વિવેચનસંગ્રહ સાહિત્યના અભ્યાસીઓ માટે સંશોધન, સમીક્ષા, આસ્વાદન અને વિવેચનની પાતળી ભેદરેખાનો પરિચય કરાવે છે. 

No comments:

Post a Comment