Friday, 4 May 2018

એક નવા યુગની જન્મદાત્રી ‘સાવિત્રી’


ભારતીય સમાજમાં સદીઓથી મનુપ્રેરિત વર્ણવ્યવસ્થાનો ભોગ બનેલા અસ્પૃશ્યો, દલિત મહિલા શિક્ષણ તેમજ તેમના સર્વાંગી વિકાસ માટેના વર્ષોથી બંધ દ્વાર ખોલવાનું કાર્ય જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીએ કર્યું. એ કાર્યના દસ્તાવેજરૂપે લખાયેલી આ નવલકથા ઐતિહાસિક નવલકથાનો દરજજો પામી છે. ‘માનવને મૂલવવા માનવતાથી અન્ય બીજો કોઇ માપદંડ ન હોઇ શકે.’ એવા જોતીરાવનાં કથનને સાર્થકતાની પરિસીમાએ પહોંચાડવાનો અથાગ પ્રયત્ન કરતા સાવિત્રી, તેમના જીવનસંગીની ઉપરાંત એ સમયના સમાજમાં સ્ત્રી-શિક્ષણનો દીવડો બને છે. ‘એક ઈશ્વર છે અને બધાને સમાન રીતે ચાહે છે’- એ ભાવના સાવિત્રીનું જીવનધર્મ છે. અંત્યજોનાં જીવનને યુગોથી ઘેરી વળેલાં અંધારાને મહાત કરી દલિત ઉદ્ધારક ડૉ. આંબેડકર માટે પૂર્વભૂમિકા તૈયાર કરી આપે છે. જે સમયે, ‘બાઈ ભણે તો એનો ધણી મારી જાય એવી માન્યતા હતી’, તે સમયે પોતે ભણવું, પતિના ભગીરથ કાર્યમાં ઓતપ્રોત થવું અને દલિત સમાજની બહેનોને શિક્ષણ આપવાનું કપરું કાર્ય તેમણે હાથ ધર્યું. આ માર્ગે ચાલતા વિરોધીઓના પ્રચંડ અંતરાયોને વીંધતા અછૂત અને દલિત અત્યાચારો સામે ઉત્તર આપતા શિક્ષાના પ્રકાશથી દલિત સમાજને રોશન કર્યું છે. આ નવલકથામાં ફક્ત સામાજિક પાસાં ઉપરાંત માતૃત્વઝંખનાનું મનોજગત અને એક માનવપિંડને જન્મ ન આપતાં, અર્વાચીન ગુજરાતી સાહિત્યના સુધારકયુગમાં અછૂત અને અબળાઓના માનવઅધિકાર, સદીઓથી ચાલી આવતાં બ્રાહ્મણવાદ અને શિક્ષણ દ્વારા ઉત્કર્ષના સર્જનકકાળથી ‘સાવિત્રી’ એક નવા યુગની જન્મદાત્રી બને છે, જે અભ્યાસનો વિષય છે. આ ભારતીય સમાજને આલેખતી ઐતિહાસિક વિગતોથી સમૃદ્ધ દક્ષા દમોદરાની નારીવાદી દલિત નવલકથા છે. 
               
                ભારતીય સંસ્કૃતિમાં ચાલી આવતી વૈદિક પરંપરા અનુસાર વ્યક્તિના કર્મ અનુસાર વર્ણવ્યવસ્થાના ચાર સ્તંભ જોવા મળતા. વૈદિકકાળમાં આ ચાર સ્તંભમાં કોઇ ઊંચ-નીચના ભેદભાવને સ્થાન ન હતું, વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર વ્યવસાય કરી શકતો. સમયાંતરે વર્ણવ્યવસ્થામાં દુષણો પ્રવેશતા કર્મને આધારે પ્રવર્તતી વર્ણવ્યવસ્થા જન્મ આધારિત બની. પરંપરામાં આવેલી આ જડતા અને સ્વાર્થવૃત્તિએ ઇશ્વરના સર્જેલા માનવીમાં ભેદ કરવાનું શરૂ કરી દીધું. સંસ્કૃતિ પ્રવાહી હોય છે પણ પરંપરા જડ અને હઠી હોય છે અને આ સદીઓ જૂની મનુની પરંપરાએ અમાનુષી અત્યાચારો અને અન્યાયના જડબેસલાક બીજ રોપી દીધા. દલિત સમાજ અંધકારની કાળરાત્રીમાં ભોગ બન્યો, બીજો પોતાને ઉચ્ચવર્ણ ગણાવતા વર્ણસ્તંભોનો. જયારે દલિત હોવું અભિશાપ હોય, તેમાં પણ સાવ અંત્યજો અને તેમાં પણ જન્મેલી સ્ત્રીઓની પરિસ્થિતિની તો કલ્પના કરવી પણ રૂવાંડા ઊભા કરી દે તેવી સ્થિતિ હોય.
        ભારતમાં અંગ્રેજી શાસનને કારણે પહેલીવાર ભારતમાં શિક્ષણનો ફેલાવો સમાજના દરેક સ્તર સુધી પહોંચવો શક્ય બન્યો, ખરેખર તો સમાજમાં પછાતવર્ગ જે સદીઓથી પોતાને શિક્ષાથી જુદો માનતો હતો, તેઓ શિક્ષણના મહિમાથી પરિચિત થયા. ભદ્ર સમાજના શિક્ષિત વ્યક્તિઓ સમાજસુધારની પ્રવૃત્તિઓ ઓગણીસમી સદીમાં આરંભે છે, પણ જેને મનુષ્ય પણ ન ગણતા હોય તે દલિતોને ન્યાય આપવાનું તો કોઇને ક્યાંથી સૂઝે. ‘શુદ્રો ઉચ્ચવર્ણના લોકોની સેવા માટે જન્મ્યા છે, તેમને ભણવાનો કોઈ અધિકાર નથી.’ આ પરિસ્થિતિમાં આર્વાચીન ગુજરાતી સાહિત્યના સુધારકયુગના કાળમાં મહારાષ્ટ્રના પુનાના માળી કુટુંબમાં જન્મેલા જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીનું સુધારા યોગદાન દલિતો માટે નવા યુગના દ્વાર ખોલી આપે છે. તેમાં પણ દલિત મહિલાઓના સર્વાંગી વિકાસ માટે પાયાનું કાર્ય કરી અને પોતે જ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ બનતી સાવિત્રી આ નવલકથાની નાયિકા અને નવા યુગની જન્મદાત્રી.
        નવલકથાના ઘણા પ્રકારો છે, હા તેમાં કલ્પનાનું તત્વ હોવાનું પણ પ્રકારો પ્રમાણે વાસ્તવિકતાની માત્રા નક્કી થાય. સાવ કાલ્પનિક કથાવસ્તુ કે પછી પરિચિત કથાવસ્તુ. ‘સાવિત્રી’ આ દૃષ્ટિએ ઐતિહાસિક નવલકથા છે. ઇતિહાસમાં પોતાનું યોગદાન આપનાર મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીનું અસ્તિત્વ છે, તેમના કાર્યો પર લખાયેલી કૃતિ છે, સાથે આખા દલિત સમાજની તત્કાલીન પરિસ્થિતિનો પરિચય આપતી હોવાથી સામાજિક નવલકથા પણ ઘણે અંશે કહી શકાય, જેની પુષ્ટિ ખુદ લેખિકા પુસ્તક નિવેદનમાં જ રજૂ કરે છે. દક્ષા દામોદરાએ સર્જેલી નારી લિખિત નવલકથા છે તો આ ઉપરાંત દલિત નારીની સંઘર્ષકથા છે ખરેખર તો ઉત્કર્ષકથા છે. યુગાંતરકારી નક્કર નારીવાદી દલિત નવલકથા છે. લેખિકાએ નવલકથામાં આવતાં દલિત પાત્રોને પૂર્ણ સજ્જતાથી અને ગૌરવને હાનિ ન થાય તે રીતે આલેખ્યાં છે. પથિક પરમારના શબ્દોમાં કહીએ તો, “નવલકથામાં આવતાં સવર્ણ સમાજના પાત્રો કરતાં, દલિત સમાજના પાત્રોની પ્રમાણિકતા, સંસ્કારિતા અને ખાનદાની મુઠ્ઠી ઉંચેરી છે.”(પ્રસ્તાવના: ‘સાવિત્રી’ : દલીતોદ્ધારના જંગની વ્યથા-કથા પૃ.૧૧)
        આ નવલકથામાં સાવિત્રીનું પાત્ર લેખિકાએ ખૂબ નાજકતતાથી અને સંપૂર્ણ તટસ્થ રીતે ચીતર્યું છે. સાવિત્રી એ કોઈ દૈવી પાત્ર ન લાગે અને છતાં પોતાના મનને સાચી દિશા તરફ વાળવાનું કાર્ય પોતાની સૂઝથી કરતી જાય. સામાન્ય સ્ત્રીની જેમ આગળ વધતા ડર અનુભવે, પોતાના કાર્યોને સાચા-ખોટાની ધૂરી પર કસતી જણાય, તો કોઈવાર સમય સાથે મૂંઝવણ અનુભવતી થોડું પીછેહઠ કરતી, સ્ત્રીસહજ સંવેદનાઓ વચ્ચે ઘેરાતી, બાળક ન થતા વ્હેમાઇ જતી કે, ‘મારું આ કાર્ય પાપ છે- તેની તો આ સજા નથી ને...’ પરંતુ પોતાને જલ્દીથી સ્વસ્થ કરતી અને પતિને સંપૂર્ણ સહયોગ આપતી મક્કમ છતાં પતિવ્રતા ભારતીય નારીપાત્ર છે. કોઈ પણ પુરુષની સફળતા પાછળ કોઈ સ્ત્રીનો હાથ હોય છે, એ કથનીને સત્ય કરતી સાવિત્રી જ્યોતિબા ફૂલેના જીવનકાર્યની સફળતામાં સહકાર આપી તેમનું મનોબળ પળેપળે વધારવાનું અને પોતાની તકલીફને સહજતાથી છુપાવી અને પોતાની સંવેદના પતિના કાર્યમાં અવરોધરૂપ ન બને તેની પ્રતિપળ કાળજી રાખે છે. પતિધર્મને શ્રેષ્ઠ માનતી; પરંતુ, તેનાથી પણ વધારે માનવધર્મ અને પતિનાં યુગ પ્રવર્તક વિચારોને તન, મન અને ધનથી સહયોગ કોઈ વિરાંગના જ આપી શકે.
        નવલકથાની શરૂઆત ‘ચલો હંસા...’ જેવી પંક્તિથી થાય છે આ ધૂનમાં જ હાકલ છે. ‘કોઈ પક્ષીના કોમળપીંછાના દિવ્ય-મૃદુ સ્પર્શશા યજનિકના શબ્દો અંતરને અડકીને સરકતા જતા હતાં.’ અહીં સાવિત્રીના ભૂતકાળના સંસ્મરણોની ક્ષણોમાં ગરકાવ થવાની પૂર્વભૂમિકા બંધાય છે. જે સમયે પ્લેગ કરતા પ્લેગમાંથી તેમને ઉગારનારના લશ્કરી બંદોબસ્તને ખરાબ ગણતા, તે કાળના ખપ્પરમાં આજે બધાં હોમાય રહ્યાં છે, તે છતાં લોકો પોતાની ભ્રમણા અને જડ પરંપરાને ત્યજવા તૈયાર નહોતા. જે સમયે સારવાર કેન્દ્રોમાં બિછાને પડ્યા પડ્યા પણ ભદ્રવર્ણોની રુગ્ણ મનોદશા ‘અહીંથી આઘો કાઢો એને...’ આ સત્યોથી વલોવાતું સાવિત્રીનું અર્ધજાગ્રત મન જોતીબાની યાદો સાથે વીતેલા વર્ષોની સ્મૃતિને તાજી કરી મુગ્ધ રીતે ‘ક્યારે પાછા આવશો...?’થી ફ્લેશબેક ટેકનિકનો ઉપયોગ કરી નવલકથાની શરૂઆત થાય. સાવિત્રી સીધી યૌવનકાળમાં પ્રવેશે જ્યાં શુદ્રો કે અંત્યજોને એમની કોઈ ભૂલની સજારૂપે હાથીઓના પગ નીચે કચડતા, જે સમયે ધર્મના નામે જાતિની નક્કી કરેલી પ્રથા તોડવાની હિમ્મત પેશ્વા રાજમાં પણ ન હતી, જે સમયે સુથાર સેનુએ વાકડે ઢબની ધોતી પહેરવાની સજારૂપે તેનું વૃષણ કાપી નાંખવામાં આવ્યું, જે સમયે બ્રાહ્મણો માટે બનાવવામાં આવેલ ટાંકીમાંથી પાણી ભરવાની સજારૂપે દલિત સ્ત્રીના જનાંગો પર ડામ દેવામાં આવ્યાં, એ તે સમય હતો જયારે મહાર-માંગ જેવાં અસ્પૃશ્યો ધરતી પર પડેલા પોતાના પગલાં ભૂસવા કમરે સાવરણી બાંધી ફરતા, સવારમાં કોઈ સફાઈ કરનાર દલિતને ભદ્રજન જોઇ જતો તો અપશુકનિયાળ ગણી ટીપી નાંખવામાં આવતો, શાળામાં દલિત બાળકો સાથે અભદ્ર વ્યવહાર, બાળકો પોતે જ શાળામાં ભણવા ન આવે તેવાં બનતા પ્રયત્નો, જે સ્ત્રી ભણે તેના પતિનું મૃત્યુ થાય તેવી અંધશ્રદ્ધાનો તે યુગ હતો. આ યુગમાં શુદ્રો ફક્ત ઉપલા ત્રણ વર્ણનાં લોકોની સેવા સારું જ જન્મ્યાં છે તેવું મનુસ્મૃતિ રચિત વર્ણવ્યવસ્થાનો ભોગ બનેલી જાતિઓ માટે દીર્ઘકાલીન નિદ્રામાંથી જાગૃત થવાનો આ સમય હવે સદીઓ પછી પાક્યો હતો.
‘જે-જે આંગળી દ્વિજ તરફ ઉઠે શુદ્રની,
તેનો કરવો ઘટે વિચ્છેદ, આજ્ઞા ધર્મની’ (પૃ.૦૮)
આ પ્રથાનો અનુભવ ૨૦ વર્ષના જોતીરાવ એક દિવસ પોતાના એક સવર્ણ ભાઈબંધની બારાતમાં અપમાનિત થઈ કરે છે. લગ્નના આઠ વર્ષ પછી માતા વગરનો જોતીરાવ, જે તાઈ સગુણાબાઈએ સાંભળ્યું, સાથે સગુણાબાઈ જોન સાહેબના ઘરે બાળકોની સંભાળ લેવાનું કાર્ય પણ કરતા, તેથી જોતીરાવને અંગ્રેજી શિક્ષણ અનાયસે મળેલું. આ સંદર્ભે કયારે સામાજિક વ્યવસ્થાનો પરિચય થયેલો અને કશાક નવપ્રસ્થાનનાં કોડ બાલ્યકાળથી મનમાં પડેલા. આ બારાતમાં અપમાનિત થયેલા જોતીરાવ માટે સંક્રાંતિની વેદના હતી. જે વ્યક્તિ સમાજમાં પોતાની સાથે થતા અન્યાયનો સામનો જ કરી શકે તે વ્યક્તિ તેના સહારે પોતાનું સર્વસ્વ છોડીને આવેલી પત્નીને શું સાચવી શકશે? આ પ્રશ્ન ભારોભાર વેદના સાથે પત્નીએ નિખાલસપણે પૂછતા જોતીરાવને આ સમયે દીર્ઘદ્રષ્ટા સાવિત્રી હૈયાધારણા આપતા જે કહે છે,
“હૈયે બળતી અપમાનની આગને ક્રાંતિની મસાલમાં પલટાવી નાખો સ્વામી!...તમારી પીડાના મૂળને પરખો સ્વામી...! અને એના વિચ્છેદ માટે વિનાશને બદલે નિર્માણનો માર્ગ પસંદ કરો.” (પૃ.૯-10)
આ નારીશક્તિના મુખે બોલાયેલા વાક્યો નવા યુગના પગરણ ભરવા પુરતા બને છે. અહીં જોતીરાવની વર્ષોની મૂર્છા તૂટી અને ‘હિંદુ સમાજમાં સામાજિક, ધાર્મિક માળખામાં જે સર્વોચ્ચ સ્થાને બ્રાહ્મણો બિરાજમાન છે તે સ્થાનના પાયા જેટલા બ્રાહ્મણોના જ્ઞાન પર નિર્ભર છે તેથી વિશેષ બ્રાહ્મણોત્તરોના અજ્ઞાન પર નિર્ભર છે.’ આ પરિસ્થિતિને દૂર કરવા માટે જોતીરાવ કમર કસે છે, રસ્તા શોધે છે અને આખરે રસ્તો જાય છે શિક્ષણના પડાવ પરથી, આ સત્ય જ્ઞાત થતા જ કાર્ય શરૂ થાય છે. અન્યાય અને અશિક્ષા વિરુદ્ધની જંગમાં સહાયક બને છે, સગુણાતાઈ અને સાવિત્રી. બંને સહપાઠી બની જોતીરાવ પાસેથી શિક્ષણ ગ્રહણ કરે છે. જે સમાજમાં સ્ત્રી શિક્ષણ મેળવે તો પતિનું મૃત્યુ થાય એ સમાજમાં સાવિત્રી જોડાય છે, તેનો ઉદ્દેશ એક જ છે, ‘સ્વામીની સહયોગિની થવામાં કષ્ટ મળે કે કંટક.. મારે મન તો એ પુષ્પ જ હશે!’ સાવિત્રીના સાથની અડગતા જોઇ જોતીરાવ ‘કશુંક અસાધારણ કરવા જન્મી છો સાવિત્રી’ અને આ રીતે સાવિત્રી જોતીવાર અને બ્રાહ્મણવાદ સામેની લડાઈમાં ભાગ્યવિધાતા બનવાનું નિમિત્ત બને છે. જોતીરાવના મિત્રો સદાશિવ સખારામ અને મોરોપંત સાથે મળી કન્યાશાળા શરૂ કરવા જાય છે ત્યાં તાત્યાસાહેબનો સહકાર મળતા જગ્યાનો પ્રશ્ન હલ થાય છે. આ બ્રાહ્મણ સર્વોપરિતા સામેની જંગમાં સહયોગ આપનારા ઘણા બ્રાહ્મણ છે તેથી જ જોતીરાવ કહે છે, “હું ઘણીવાર કહું છું ને બાપુ... કે બ્રાહ્મણ નહિ...બ્રાહ્મણવાદને હું મારો શત્રુ માનું છું....”(પૃ.૧૯)
જોતીરાવ ભેદભાવ વિરુદ્ધ આંદોલનના પ્રણેતા અને સાવિત્રી નારી મુક્તિના ભાવિ આંદોલનની નાંદી...બને છે.
        કન્યાશાળા શરૂ થાય છે. ધર્મ સંરક્ષકોની મંડળીમાં વિરોધનું વંટોળ શરૂ થાય છે. તેમાં સાવિત્રીએ ઘણું અપમાન, અપશબ્દો અને કાદવ-કીચડનો માર સહન કરવો પડે છે; પરંતું, પતિને પણ કહ્યાં વિના, આ પરિસ્થિતિનો ડર લાગવા છતાં, મનમાં અંધશ્રદ્ધા અને વ્હેમની કુશંકાઓ છતાં મન મક્કમ કરી સામનો કરે છે. અહીં આવતી બાલિકાઓનાં રક્ષણ માટે ઉસ્તાદ લહુજી બુવા અને રણોજી માંગ જવાબદારી નિભાવે છે. કેશવ શિવરામ, અન્ના સહસ્ત્ર બુદ્ધે, કૃષ્ણ શાસ્ત્રી, મોરો પંત જેવાં બ્રાહ્મણો સહયોગ આપે છે. સાવિત્રી ભણવા-ભણાવવાનું કામ સાંભળી લે છે આમ, અંત્યજોના જીવનને યુગોથી ઘેરી વળેલી અંધકારની છાયને દુર કરી જ્ઞાનના દીપક પ્રગટવાનું કાર્ય સાવિત્રી કરે છે. જોતીરાવના પિતા ગોવિંદરાવને બ્રાહ્મણો ધમકાવે છે અને કહે છે, “પાતકનાં રસ્તેથી તારા મૂલગા – વહુને શીઘ્રતમ પરત વાળ...અન્યથા તું અને તારી આવનારી પેઢીઓ અવશ્ય રૈરવ નરકમાં અધિકારી બનશો પણ... તારા પૂર્વજોની સાત પેઢીઓ નરકમાં જશે...આ અધમ કૃત્ય માટે દીકરા-વહું તો અવશ્ય દંડિત થશે, પણ વડિલ તરીકે એને રોકવાના તારા દાયિત્વમાં જો તું ઉણો ઉતર્યો છો તો આ લોકમાં ન નહિ, પરલોકમાંય તું પ્રેત બનીને ભટકીશ... અને એકવાર નાત બહાર ફેંકયો એટલે... માર્યા પછી તારી ઠાઠડીને કાંધ દેનાર ચાર કાંધોતરેય મળશે નહિ હા..!”(પૃ.૩૭-૩૮) આ ડરથી ગોવિંદરાવ દીકર-વહુને આ શિક્ષણકાર્ય બંધ કરવા અથવા ઘરમાંથી બહાર જવા કહે છે. તે જ ક્ષણે જોતીરાવ અને સાવિત્રી ઘર છોડે છે પણ આ જીવનલક્ષ્ય સમુ કાર્ય નહીં. શાળા મિત્રોના સહકાર, સરકારના સહકાર અને સગુણાતાઈની મૂડીમાંથી ફરી શરૂ થાય છે. સ્ત્રી-શિક્ષણના પ્રશંસનીય કાર્ય બદલ જયારે જ્યોતિબા ફુલેનું સન્માન કરવામાં આવ્યું ત્યારે પ્રતિક્રિયામાં કહેલું, “સ્ત્રી શિક્ષાનો વિચાર પણ જે સમયે હવાઈ તુક્કો લાગતો હતો, તે સમયે અનેક અવરોધો અને અડચણો ઝેલીને ખુદ શિક્ષાના પ્રકાશથી જ્વલંત બનીને બીજાનાં જીવનને ઝળહળવવા મથી રહેલી મારી ધર્મપત્ની સાવિત્રી...”(પૃ.૫૭) આમ, સ્ત્રી શિક્ષણની પહેલ સાવિત્રી દ્વારા થાય છે.
        બ્રાહ્મણવાદ સામે બંડ પોકારનાર જોતીરાવ પર ઘણી વાર મૃત્યુનો ભય પણ સતાવે છતાં, પોતાની સૂઝબુઝ, અંગ્રેજી સરકાર સહયોગ અને ‘સત્યશોધક સમાજ’નાં કાર્ય દ્વારા કહેવા ઈચ્છે છે, ‘માનવને મૂલવવા માનવતાથી અન્ય બીજો કોઈ માપદંડ ન હોઇ શકે એવા સામાજિક કાનૂનનું સર્જન આપણું અંતિમ લક્ષ્ય છે...’ જ્યારે સાવિત્રીનું વાક્ય, ‘ઈશ્વર એક છે અને તે બધાને સમાન રીતે ચાહે છે’ તે ‘સત્યશોધક સમાજ’ના સદસ્યો માટે શપથ સમું બને છે.
        આ બધા આંદોલાનો વચ્ચે આ યુગલનું દામ્પત્યજીવન ખુબ સુમેળ ભર્યું છે, પણ દંપતીની એકરૂપતા છતાં સાવિત્રીની માતૃત્વઝંખનાને નિરાસા મળે છે. ઘણા સમય બાદ ને ગોવિંદરાયની પૌત્ર ઝંખના સામે પતિને બીજા લગ્ન માટે પણ અનુમતિ આપે છે ત્યારે જોતીરાવ તેણે કહે છે, ‘ હાડમાંસનાં એક માનવપિંડને જન્મ ન આપી શકવાથી તારી જાતને પીડવાનું છોડ સાવિત્રી. તું તો એક નવા યુગની જન્મદાત્રી છો.’ આ દિશામાં શરૂઆત થાય છે, ‘બાલહત્યા પ્રતિબંધકગૃહ’ની સ્થાપનાથી. બ્રાહ્મણ બાળવિધવા કાશી અવૈધ સંબંધથી જન્મેલાં બે દિવસનાં બાળકને છોડીને ચાલી જતી હોય ત્યારે આંસુથી ખરડાયેલા બાળકનાં ગાલે ચુમી ભરી લેતાં બાળકને અપનાવે છે. તેની પાલક માતા બને છે યશવંતની..
        આ સમાજસુધારક કર્યો બાદ મૃત્યુ પૂર્વે અંતિમ ક્ષણે જોતીરાવ સાવિત્રીને કહે છે, “અરે, પગલી તું તો મારા સારાયે મનોવિશ્વની અધિષ્ઠાત્રિ છે, બલ્કે આ ઉંમરે હું એવો અહેસાસ કરું છું કે હું દેહમાત્ર છું.. આત્મા તું છે. હું કંઠ છું... વાણી તું છે. હું આંખ છું.. દૃષ્ટિ તું છે સાવિત્રી..”(પૃ.૧૪૪) જ્યોતિબા પછી પણ સાવિત્રી તેમના અધૂરા કર્યોને પૂર્ણ કરવાના પ્રયત્નો કરતી રહે છે. ૧૮૯૬માં મુંબઈમાં પ્લેગ ફેલાતા સાવિત્રી અને યશવંત પ્લેગગ્રસ્તોની સેવામાં લાગી જાય છે. તિરસ્કૃત કેમ્પોમાં સેવા કરતા સાવિત્રી પ્લેગમાં સપડાય છે અને મૃત્યુ પૂર્વે યશવંતરાવને ‘જનાચી સેવા હી હરિચી સેવા’ એમ કહી કાયમને માટે આંખો મીચી દે છે.
સાવિત્રી નવલકથામાં નિડર, નિર્ભીક, પરિશ્રમી, મહત્વકાંક્ષી, કામયાબ ગૃહિણી-જીવનસાથી અને જવાબદાર સેવિકા છે. તે વ્યવહારિક જવાબદારી સાથે સફળ શિક્ષિકા, કવિયત્રી અને પાલક માતાની સફળ ભૂમિકા નિભાવે છે. આ ઉપરાંત સાવિત્રીનું મુખ્ય યોગદાન પોતાના પતિને સંક્રાંતિકાળે સાચી દિશા અને મજબૂત મનોબળ પૂરું પડવાનું છે. પોતાની આશંકાઓ અને ડરનો કે પોતાને સહન કરવી પડતી મુશ્કેલીઓ, અપમાન કે અતૃપ્ત સંવેદનાનો અણસાર પણ આપ્યા વિના એક સાચી જીવનસંગીની બને છે. આ સાથે દલિતો સાથેના દુર્વ્યવહાર વિરુદ્ધની જંગના પગરણની નાંદી બને છે.
- હેતલ કિરીટકુમાર ગાંધી

યુધિષ્ઠિરના ‘હું’પણાના મંથનને રજૂ કરતું નાટક : ‘સ્વપ્ન દુ:સ્વપ્ન’

મહાભારત આપણી ભારતીય સંસ્કૃતિનો આદિ ગ્રંથ, મહાકાવ્ય. જયારે પણ મહાભારત મહાકાવ્યમાંથી પસાર થઇએ તો જેટલી વખત તેને ગ્રહણ કરો એટલી વખત તમને એક નવો જ અર્થ મળવાનો જ. મહાભારતની ઘટનાઓ, પ્રસંગો કે પત્રો હોય એક નવા યુગની પ્રતિમૂર્તિરૂપ આપણા માનસ પર પોતાની છાપ છોડી જવાના. મહાભારત એક એવું મહાકાવ્ય છે, જે દરેક યુગે જીવંત છે. એ દરેક યુગમાં પોતાની છબી પ્રસ્તુત કરતું યુગેયુગમાં જીવે છે.
        મહાભારતના ઘટના પ્રસંગો હોય કે પાત્રોના મનોભાવનાને નવા કે પ્રચલિત અર્થ સાથે પ્રસ્તુત કરતી અનેક કૃતિઓ વિવિધ ભાષા-બોલીઓ અને સાહિત્યમાં સમયે સમયે મળતી જ રહી છે. આ મહાભારતના સ્ત્રીપાત્રો કે પછી કૃષ્ણ, અર્જુન કે કર્ણ જેવા પાત્રો સાહિત્યકૃતિઓમાં છાજતું સ્થાન પણ મળ્યું છે. આ દરેક પાત્રમાં એક એક પ્રતિબદ્ધતા સાથે જીવન જીવવાની એક શૈલી આપણને જોવા મળે છે.
        મહાભારતનું જ એક પાત્ર કે, જે પોતાની સત્યનિષ્ઠતા અને ધર્મભાવનાના યુગબળે આખી જિંદગી જીવ્યું છે તે પાત્ર છે યુધિષ્ઠિરનું. આ પ્રકારના એ યુધિષ્ઠિરના મનોમંથન-આંતરમંથનને ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત નાટ્યકાર ચિનુ મોદી ‘સ્વપ્ન દુ:સ્વપ્ન’ નાટક દ્વારા પ્રસ્તુત કરે છે. નાટકનું સ્વરૂપ યુધિષ્ઠિરના પાત્ર માટે જયારે પસંદ કરાયું હશે ત્યારે જાણે આંખ સામે તેના પાત્રની દૃશ્યમાળા ચાલી હશે એવું જીવંત બન્યું છે. ભાવકની આંખ સામે દૃશ્યોની હારમાળા ચાલતી રહે તેવી દૃશ્ય યોજનાઓ અહીં આપણને દેખાય આવે છે. આ દૃશ્ય યોજનામાં મુખ્ય મુદ્દો છે યુધિષ્ઠિરે લડવાનું છે પોતાના ‘હું’ સાથે. જે હંમેશા આપણા અંતરમાં સમાયેલો છે. પોતાનાથી જુદો કરવાનું કોઈ વ્યક્તિ માટે સંભવિત નથી. હા, ધારે તો પોતાના ‘હું’ને પોતાનામાં ઓગળી જરૂર શકે.
        વ્યક્તિ, સામે હોય તેવી બીજી વ્યક્તિ સાથે યુદ્ધ કરી શકે બાહુબળે, દ્વંદ્વ કે વાકયુદ્ધ કરી શકે પણ જયારે પોતાના ‘હું’ સાથે લડવાનું હોય ત્યારે શું થાય ? આ નાટકમાં એક સંવાદ ‘હું’ સાથેનો સુંદર રીતે વણી લીધો છે.
“યુધિષ્ઠિર          :         અરે, તમે તો જીવો છો...
હું                  :         તે તમે છો. ત્યાં સુધી તો હું હોઉં જ ને. કાયા નહીં તો પડછાયા નહીં...
યુધિષ્ઠિર           :         તમે છો કોણ ?
હું                  :         (અટ્ટહાસ્ય કરે છે) આજ સુધી પોતાનું નામ કોઈએ પોતાને પૂછ્યું હોય એવું
બન્યું નથી.”(પૃ.૧૨)
        આમ, પોતાની જાતની થયેલી ઓળખાણ અને પડછાયાના કોઈ અલગ નામ નથી હોતા એવી ભાવના સાથે ‘હું’પણાના પોતે કરેલા પૂર્વસમયના કાર્યોના લેખા-જોખા વખતે યુધિષ્ઠિર જે મનોમંથન અનુભવે છે, તે આ નાટકમાં ચિનુ મોદીએ સુપેરે ઉપસાવ્યું છે.
        નાટક ત્રણ અંકો અને છ દૃશ્યોમાં વહેચાયેલું છે. તેનો આરંભ સૂત્રધાર ગણેશ-સરસ્વતીની સ્તુતિ સાથે કરે છે. સજ્જન અને સન્નારીઓને સંબોધીને સૂત્રધાર કુરુક્ષેત્રના યુદ્ધના છત્રીસ વર્ષ વીતી ગયાની વાત માંડવા જાય છે; પરંતુ, સૂત્રધાર તરત જ, ‘ના, ના— પણ આ કથા ઓછી કહેવા અમે આવ્યા છીએ?’ એમ કહી કથાને બીજી તરફ વાળી દે છે અને પછી દૃશ્ય ખુલે છે, ઇન્દ્રના દરબારમાં. ત્યાં નાટ્યરંભ ચાલી રહ્યો છે અને ત્યાં જ યમરાજ અને ચિત્રગુપ્ત પ્રવેશે છે. પાંડુપુત્રો અને દ્રૌપદીનું આયુષ્ય પૂર્ણ થવામાં છે. જ્યેષ્ઠ પાંડુપુત્ર યુધિષ્ઠિરને સદેહે સ્વર્ગમાં પ્રવેશ આપવા માટે દેવરાજની અનુમતિની તેમને પ્રતિક્ષા છે. દેવરાજ તો અનુમતિ આપવા ઉત્સુક છે; પરંતુ, અગ્નિ, વાયુ અને સૂર્ય દેવો તેમાં પોતાનો વિરોધ નોંધાવે છે. ત્રણેયના મનમાં રહેલા સંશયને દૂર કરવા માટે નારદજી યુધિષ્ઠિર સાથે સંવાદ કરીને જ સમાધાન કરવા જણાવે છે. નાટ્યકાર્યનું મૂળ બીજ જ અહીં રોપાયેલું પ્રત્યક્ષ થાય છે. યુધિષ્ઠિર, યમરાજનો પુત્ર યુધિષ્ઠિર સદેહે સ્વર્ગમાં પ્રવેશવાનો છે; આ ધર્મરાજે આજીવન નિરંતર પોતાના શુદ્ધ આચરણ દ્વારા સદેહે સ્વર્ગમાં પ્રવેશવાની પાત્રતા મેળવી છે, મહાભારતની મૂળ કથાનું અહીં વાત પ્રતિપાદન કરે છે. ઇન્દ્રદેવ અને ધર્મદેવ યમરાજ પણ આ બાબતમાં સંમત છે પણ અગ્નિ-વાયુ-સૂર્ય ત્રિદેવને તેમાં વિરોધ હોવાને કારણે અહીં શરુ થાય છે સ્થિત સંઘર્ષની.
        કોઈપણ નાટકમાં સંઘર્ષનો સમાવેશ ન થાય તો નાટક શિથિલતા તરફ ઝૂકી જાય છે, અહીં આ સંઘર્ષ તો છે દેવો અને મનુષ્ય વચ્ચેનો. હવે આ સંવાદ વ્યવહારમાં નાટ્યદૃષ્ટિએ સ્વપ્નની પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ટેકનિક અહીં કાર્યસાધક પણ બની છે અને કથાબીજ હોવાને કારણે શીર્ષક મેળવવાને અધિકારી પણ બની છે. સ્વપ્નની પ્રયુક્તિનો સુંદર વિનિયોગ અને ત્રિદેવના વિરોધ અને દેવ વિરોધના પ્રશ્નોનું મંથન યુધિષ્ઠિર માટે દુ:સ્વપ્નસમાન બની રહે છે. હવે સ્વપ્નમાં જો પ્રશ્ન ઉદ્ભવ્યો હોય અને તે સંઘર્ષનો ત્યાં જ ઉત્તર મળવાથી સમી જાય તો નાટક ત્યાં જ પૂર્ણ થઇ જાય; પરંતુ, અહીં નાટક આખું સ્વપ્ન દુ:સ્વપ્નની હારમાળામાંથી પસાર થાય છે. ફક્ત નાયકની અંતિમ ક્ષણોમાં જયારે યુધિષ્ઠિર ઝબકીને જાગી જાય, તે સિવાય સ્વપ્ન અને દુ:સ્વપ્નની હારમાળા યુધિષ્ઠિરના મનને ‘હું’ની સાથેના મંથનમાં ઊંડે ઊંડે ઉતરતી જ રહે. સદાયે સ્થિરમતિ યુધિષ્ઠિર(યુદ્ધમાં સ્થિર રહેનાર) સ્વપ્નમાં પસાર થયેલા દુ:સ્વપ્નોથી સંઘર્ષ અને મંથન બંને અનુભવી બહાર નીકળે છે.
        બીજા દૃશ્યમાં ત્રિદેવ યુધિષ્ઠિરને સ્વપ્નમાં પ્રગટ થઇ પોતાના વિરોધના કારણો દર્શાવે છે. તે ત્રણેય દેવનાં સંતાનો મહાભારતની કથા-પાત્રસૃષ્ટિમાં મહત્વનાં સ્થાન ધરાવે છે. વાયુદેવનો પુત્ર ભીમ, સૂર્યદેવનો પુત્ર કર્ણ અને અગ્નિદેવની પુત્રી છે દ્રૌપદી. આ બધા દેવ તેને લગતા પ્રશ્નો યુધિષ્ઠિરને પૂછે છે. સૂર્યદેવ કહે છે કે,
‘અમારા પુત્ર કર્ણને આયુધ રહિત અવસ્થામાં રથચક્રને ભોયમાંથી બહાર કાઢતી વખતે
અર્જુને હણ્યો અને તું મૂંગો રહ્યો ?’(પૃ. ૫)
એવો આક્ષેપ કરી અલોપ થાય છે. ત્યારબાદ વાયુદેવ કહે છે કે,
‘દેહે સશક્ત પણ ભોટપણાંની સીમા સુધી જતા ભોળપણના ભંડાર બલાઢ્યને, ભીમને તમે સૌએ સોગઠું જ લેખ્યો છે...’(પૃ. ૬)
આ પ્રશ્ન કરી વાયુદેવ પણ અલોપ થાય છે અને અંતમાં અગ્નિદેવ કહે છે કે,
‘વસ્તુ સમજીને તમે મારી દીકરીને વહેંચી છે. એને દ્રુતના દાવમાં તમે તમે મૂકી છે...’(પૃ. ૭)
એમ આક્ષેપ કરી અદૃશ્ય થાય છે. યુધિષ્ઠિર ત્રણેયને ‘મને સાંભળો’ એમ વિનંતી કરે છે છતાં ત્રિ-દેવો તેના જવાબ સાંભળ્યાં વિના જ પ્રસ્થાન કરે છે અને યુધિષ્ઠિર આને પોતાની સાથે થયેલા ‘અન્યાય’ તરીકે લેખે છે. આ પ્રકારનું ત્રીદેવોનું યુધિષ્ઠિર સાથેનું વર્તનનો જવાબ વાયુદેવ નાટકમાં આપે છે,
‘હોઠ સાજા હોય તો ઉત્તર ઝાઝા હોય એની મને જાણ છે માટે અલમ્’(પૃ.૬)
        આ પશ્નોથી મૂંઝાયેલા ધર્મરાજ યુધિષ્ઠિરને જોઇને પિતા યમરાજ સહાયભૂત થવા આવે છે અને કહે છે કે, ‘હું તારી સાથે ને સાથે જ હતો પુત્ર!’ એમ કહી વિદુરરૂપે પ્રગટ થાય છે અને પોતાના જન્મના રહસ્યને ખોલે છે. સાથે ત્રિદેવના આગમનનું રહસ્ય પણ ઉજાગર કરે છે. યુધિષ્ઠિરને
‘ઊતરી શકે તો અંદર ઊતર. અકળ અંધકાર અડાબીડ હશે, વત્સ. પણ, લોચન મીંચીશ તો બધું ઉકલશે. તમને પાંડુપુત્રોને માના ઉદરના રક્ષિત અંધકારની ઓળખ જ નહીં હોવાથી, આ અંધકાર અજાણ્યો લાગશે. આમ છતાં પાછા પગે ચાલી નાંખ – જવાય એટલે દૂર-સુદૂર(અટકીને) હવે અમે જઈએ...’(પૃ.૧૦)
આમ, કહીને પોતાને અંતરના ઊંડાણમાં જઈ પોતાના ‘હું’ને મળવાનું, પોતાના અંતરને જાણવાનું’ તેનાથી પરિચિત થવાનું અને સત્ય શોધવાનું કહે છે.
        બીજા અંકના પ્રથમ દૃશ્યમાં યુધિષ્ઠિર, પોતાના ‘હું’ કેવળ પોતનો જ સ્વજન છે, મિત્ર છે એવા ‘હું’ને મળે છે. એ જ ‘હું’ સ્થિર મતિ યુધિષ્ઠિરને નવવધૂ દ્રૌપદીને કુંતામાતાના કહેવાથી વહેંચવાની વાતમાં સહમતિના પ્રશ્નો, દ્રુતમાં રમવાની વાત તથા અર્જુનને મળેલ બાર વર્ષના વનવાસ વિશે તથા યુદ્ધમાં અશ્વત્થામાના મૃત્યુના અર્ધસત્ય એવા નિવેદનમાં પોતાના દ્વારા થયેલા નિર્ણયો પરના પ્રશ્નોના જવાબ આપે છે. ‘હું’ એ ભીતરમાં છુપાયેલો છે. ‘હું’ને ઓગળી નાખીને ‘હું’ પદના ભારથી મુક્ત થઇ હળવા થવા માટેનું આ મનોમંથન અને આખરે ‘હું’ની સન્મુખ થઇ, પોતાની માનવીય નબળાઈઓને સ્વીકારીને, તર્કછળથી શૂન્ય એવા સાચા સ્વરૂપને પ્રત્યક્ષ કરવું એ જ છે ‘આત્મસાક્ષાત્કાર’ અને આ જ ‘સત્યનિષ્ઠતા સત્યધર્મ’ છે.
        ત્યારપછીના દૃશ્ય-૨માં ‘હું’ સાથેના મનોમંથન અને આત્મસાક્ષાત્કાર બાદ ખુલ્લી આંખે કે બંધ આંખે થઇ રહેલા મહામંથન વિશે યુધિષ્ઠિર વિદૂર સાથે પ્રગટ કરે છે, ત્યારે સદેહે સ્વર્ગપ્રવેશ માટે આ વિષનું વાલોવાવું અને સપાટી પણ આવી વિષમુક્ત થવું જરૂરી છે. આમ પણ, સૂર્ય પ્રકાશરૂપે, વાયુ પ્રાણરૂપે, અને અગ્નિ ઉષ્મારૂપે આપણા ભીતરમાં સમાયેલા છે તેથી આ મનોમંથનમાં આ ત્રણેય દ્વારા ભીતરને ઢંઢોળવાનું-સ્વચ્છ કરવાનું માધ્યમ તરફ વિદૂર આંગળી ચીંધીને યુધિષ્ઠિરને જીવન અને આત્માની સન્મુખ જવાનો માર્ગ બતાવે છે. આખરે તો આ ભાવના तत्वमसि  કે तत्सतમાં પરિણમે છે. આ દૃશ્યમાં યમરાજના સૂચન મુજબ યુધિષ્ઠિર વાયુ, અગ્નિ અને સૂર્ય દેવોને આહ્વાહન કરે અને તેમના સવાલોના જવાબ આપી પોતાના મનુષ્ય તરીકેની મર્યાદાને ઉજાગર કરી, મનુષ્ય તરીકેની મર્યાદા સ્વીકારીને તે મુજબના જવાબથી સંતુષ્ટ કરી પોતાના સદેહે સ્વર્ગે જવાનો માર્ગ સુનિશ્ચિત કરે છે.
        અહીં નાટકના બે અંક પૂર્ણ થાય અને ત્રીજો અંક શરૂ થાય છે. ત્યાં દૃશ્ય બદલાય તેની સાથે દ્રૌપદી એક એક કરીને પોતાના પાંચેય પતિ સાથેના સંબંધોનું તીખું સત્ય પ્રસ્તુત કરે છે. નકુલ, સહદેવ, અર્જુન, ભીમ અને અંતમાં યુધિષ્ઠિર. આમ, પાંચ પાંચ પતિ હોવા છતાં આજે કૃષ્ણાને ફક્ત સખા કૃષ્ણની આવશ્ક્યતા રહી. દ્રૌપદી કિરપાણથી પણ વધુ ધારદાર છે, ઝંઝા છે, નિયતિકૃત નિયમરહિતા, અગ્નિની જ્વાળાઓમાંથી જન્મેલી પૃથ્વીપુત્રી છે. નકુલ અને સહદેવને તો આટલા વર્ષે પણ તે કુમાર કહીને જ સંબોધે છે. પાંચ પાંચ પતિ હોવા છતાં કૃષ્ણા દ્રુપદ કન્યા હજી કુંવારી છે. આ વાત અને આખા નાટકમાં એક એક પતિ પાસે ગઈ અને તેમની નબળાઈઓને સામે આયનામાં પ્રકટ કરીને બધા પાંડવોના મનોમંથન અને મર્યાદાઓને ઉજાગર કરતી જણાય છે.
        આમ, દ્રૌપદીના મને તો પાંચેય ભાઈઓ સરખા ‘પાંડુપુત્રો’ જ ઠરે છે. તે તીવ્ર કટાક્ષ દ્વારા પાંચેય ભાઈઓની ભર્ત્સના કરે છે. હવે દ્રૌપદીના આ ઉગ્ર કટાક્ષ ભર્યા વર્તન આગળ યુધિષ્ઠિરની નિંદ્રા તૂટે છે અને તે કહે છે,
‘અમને કોઈ વાતનું સુખ હવે નથી અમારું સત્વ. યુદ્ધવિજય માટે અમે જે ખોઈ દીધું. એ આટલાં વરસો પછી પણ પાછું મળ્યું નથી. અમે ખોઈને જે પામ્યાં એ તો ખૂબ જ તુચ્છ છે અને ખોયું એ મહામૂલું હતું...’(પૃ. ૩૧,૩૨)
આ પ્રકારે કહીને તે હિમાલય પણ જઈ દેહને હિમાધીન કરવાની ઈચ્છા દ્રૌપદીની સામે પ્રગટ કરે છે. ત્યારે દ્રૌપદી તેમની સાથે આવવાની વિનંતી કરે છે ત્યારે યુધિષ્ઠિર તેને કહ્યું,
‘તમે સહેજ ઝાંખી કરજો મનના દર્પણમાં દેવી! તમારાં એકાધિક વિરૂપ બિંબ જોઈ છળી મરશો. હિમાલય શ્વેત છે, કૃષ્ણા એ તમને સમાવી કલિમાગ્રસ્ત થાય? આ પૃથ્વી પર રહી હજુ તમારે તમારા દર્પનું હનન કરવાનું છે. વેરનો અગ્નિ ક્યારેય પ્રજ્વલિત ન થાય એ માટે મથવાનું છે. તમારે માટે હિમાલય દૂર છે, કૃષ્ણા. દેવી હું જાવ છું.’(પૃ. ૩૨)
        આમ, કહીને યુધિષ્ઠિર સ્વપ્નમાં પાંચ પતિઓને કઠોર વચન સંભળાવતી અને કસોટીએ ચઢાવતી દ્રૌપદીને તેના જ સ્વરમાં કઠોર વચન કહી ચાલ્યા જાય છે. શું આ યુધિષ્ઠિરનો આક્રોશ કે દ્રૌપદીના વલણ પ્રત્યેની અકળામણ માત્ર હશે? આ તો  ચિનુ મોદીને અભિપ્રેત હોય તે ખરું! પરંતુ, આમાં મહાભારતની મૂળ કથામાં પાંચ પાંડવો અને દ્રૌપદીના હિમાલય પ્રસ્થાનની વાતથી અલગ કથાવસ્તુ વિકસાવવાનો નાટ્યકારે પ્રયાસ કર્યો લાગે છે.
        એવું બની શકે કે અહીં પણ નાટ્યકારે ત્રિદેવોની જેમ જ યુધિષ્ઠિર પાસે મનુષ્યની મર્યાદાઓના સ્વીકાર અને તેના પ્રતિભાવોનું જગત ઊભું કરવાનો પ્રયાસ કર્યો હોય. તેથી જ યુધિષ્ઠિરની ધર્મરાજ(સ્થિર મતિ)ને તથા મહાભારતના સૌથી સત્યનિષ્ઠ પાત્ર સ્વરૂપે દ્રૌપદીને આપેલા આ કઠોર વચનો બંધબેસતા આપણે ન પણ લાગે!
        આ સમગ્ર નાટકમાંથી પસાર થતા ત્યાં યુધિષ્ઠિરના પાત્રને જે મનોમંથન કરવાની તક મળી છે તથા મહાભારતના દૈવીય પાત્રસૃષ્ટિના સંદર્ભે અને છતાં માનવ તરીકે જન્મ લીધા પછીની માનવ મર્યાદા તે ખૂબ સુંદર રીતે અંકિત કરી છે. અભિનેય ક્ષમતાની દૃષ્ટિએ પણ આ નાટક સ્વપ્નજગત અને ‘હું’ની સાથે આવજો અને નેપથ્યનું સુંદર આયોજન અને સૂઝબૂઝ માંગી લે છે. તેવું સાબિત થાય તેમ છે. માનવ મનના અતલ ઊંડાણને અભિનેય ક્ષમતા દ્વારા પ્રસ્તુત કરવાનું કપરું બની શકે પણ અસંભવ તો કદાપિ નહીં.
        આમ, આ નાટકના પાત્રો ભલે આપણને ઘણા પરિચિત લાગતાં હોય; પરંતુ, તેનું કથાવસ્તુ અને સંવાદો, અનુરૂપ કાવ્યબાની, પાત્રોની ભાવભંગિમાઓ, વાતાવરણમાં આવતા ગંભીર પલટાઓ અને આવરણોને લીધે નાટક લાઘવપૂર્ણ તો બને જ છે.
  
ડૉ. હેતલ કિરીટકુમાર ગાંધી

Wednesday, 7 March 2018

નાટ્યપ્રયુક્તિના પરિપાકરૂપે મળેલું નાટક : ‘વિવેકાનંદ’


ગુજરાતી નાટ્યસાહિત્યને પોતાની કલમથી સમૃદ્ધ કરનાર નાટ્યકાર શ્રી ચિનુ મોદીએ ઐતિહાસિક, પૌરાણિક પાત્રોને લઈને ઘણા નાટકોની રચના કરી છે, આ ઉપરાંત ઘણા કલ્પિત નાટકોની પણ નાટ્યરચનાઓ તેમની પાસેથી મળે છે. ‘નાટક અને હું’માં શ્રી ચિનુ મોદીનું બયાન જ સાબિત કરે છે કે, તેમણે યુવાકાળથી જ જે નાટ્ય પ્રત્યેનો લગાવ હતો તે તેમના અંતિમ શ્વાસ સુધી બરકરાર રાખ્યો હતો. આ નાટ્યપ્રેમને આકંઠ સાબરમતીએ વેગ આપ્યો હતો.
તેમની નાટ્યયાત્રામાં તેમનું થોડું ઓછું પ્રસિદ્ધ ઐતિહાસિક નાટક ‘વિવેકાનંદ’ પણ સામેલ છે. આ નાટકમાં નાટક(રંગભૂમિ)માં પોતાની ભૂમિકારૂપી ફાળો આપતા દિગ્દર્શક અને નટ(મુખ્ય પાત્ર)ની ક્ષમતા, યોગ્યતા અને ભૂમિકાને બખૂબી સમજાવી છે. આ નાટકમાં રંગભૂમિ પર નાટક કેવી રીતે ભજવી શકાય તેની પ્રયુક્તિઓ, નાટક ભજવતા નટનો મનોસંઘર્ષ તથા ભજવાવતા દિગ્દર્શક જેવા લોકોના માનસિક વલણોની સાથે ભારતને મળેલા મહાત્મા સ્વામી વિવેકાનંદ જેવા અતુલ્ય વ્યક્તિત્વના ચોતરફના જીવન પાસાંઓનું સૂક્ષ્મ દૃષ્ટિએ અવલોકન કરવાના પ્રયોજન સાથે નાટકના મુખ્ય પાત્ર ભજવતા નટની લાયકાતના માપદંડને પણ નાટ્યપ્રયુક્તિના સાધન તરીકે સામલે કરી લીધું છે. આ નાટકના સર્જનમાં વપરાતી નાટ્યપ્રયુક્તિઓની ગૂંથણી આ સંશોધનપત્રનો વિષય છે.

ગુજરાતી સાહિત્યને નાટ્યના સાહિત્યપ્રકારની  સમૃદ્ધ કરનાર નાટ્યકાર ચિનુ મોદીએ નાટ્યલેખક તરીકે ઘણા પ્રયોગો કર્યા છે. તેમના નાટકોમાં વ્યક્તિચરિત્ર ઉપસાવતા નાટકોનો પણ સમાવેશ થાય છે; તેમાંનું જ એક નાટક તે વિવેકાનંદ.
            વિવેકાનંદનાટક બે અંકમાં વહેંચાયેલું છે. આ નાટકમાં સ્વામી વિવેકાનંદના સર્વવિદિત પ્રસંગો સાથે તેમના વ્યક્તિત્વના ચારિત્રાત્મક ગુણોને તેમણે પ્રેક્ષક સમક્ષ રજૂ કરવાનો ઉપક્રમ કર્યો છે. અંક એકની શરૂઆતમાં તો ઈન્ટર-વ્યૂ ચાલી રહ્યો છે. જિન્સના લાંબા ઝબ્ભો અને પગમાં ગાંધી ચંપલ પહેરેલો કિશોરકાન્ત દેસાઈ ટેબલની પાછળની ખુરશીમાં બેઠો છે.’[પૃ. 186] એટલે કે ઈન્ટર-વ્યૂ લઈ રહ્યો છે.
            ઈન્ટર-વ્યૂ માટે દિવ્યેશ નવીનચંદ્ર શેલત નામનો યુવક અંદર પ્રવેશે છે. જન્મતારીખ વતન જેવી પ્રાથમિક માહિતી પૂછ્યા બાદ જ કિશોરકાન્ત દેસાઈ તેનું પોતાની નિમા મલ્ટીમીડિયા સેન્ટરમાં સ્વાગત કરે છે. ત્યારબાદ કિશોરકાન્ત પોતાના આગળના વિવેકાનંદઉપરના પ્લે(નાટક)ની અને આ નાટક રંગભૂમિ પર સફળ થાય તો આર્ટ ફિલ્મ બનાવવાની યોજના દિવ્યેશ સમક્ષ મૂકે છે અને તરત જ વિવેકાનંદના નામથી તો પરિચિત છો? એવા પ્રશ્નના જવાબમાં દિવ્યેશ જી, એ દેવાનંદના કઝીન થાય, નહીં?’ આ સાંભળી કિશોરકાન્ત તેને ત્યાંથી જતા રહેવા કહે છે ને કહે છે કે, મેં તમારા શરીર સૌષ્ઠવને જોઈને - એ વિવેકાનંદને મેચ થતું જોઈને - તમને એ રોલ માટે બોલાવેલો. આઈ એમ ઈડિયટ....’[પૃ.187] આ કહી આગળના ઈન્ટર-વ્યૂ ચાલુ રાખે છે.
ત્યારબાદ આ રોલ માટે તંબાકુ ખાતો જુવાન પ્રવેશે છે, તેને તો કિશોરકાન્ત મારે, ખાંસતા, ગુટકા ખાનારા વિવેકાનંદ પ્રેક્ષકોને નથી માથે મારવાના[પૃ.187] એમ કહી કાઢી મૂકે છે. હવે ત્રીજો જુવાન પ્રવેશે ઈન્ટર-વ્યૂ માટે. આ જુવાન આવીને નમસ્તે કરી ભારતીપોતાની અટક બતાવે છે. તે કહે છે કે, હું જન્મથી મને મળેલી જ્ઞાતિ, અટક બધું છોડી ચૂક્યો છું. હું ભારત દેશનો છું અને એથી ભરતી છું વ્યોમેશ ભરતી.’[પૃ.187]
            કિશોરકાન્ત વ્યોમેશ ભારતીના ઉચ્ચારણથી લઈ સ્વામી વિવેકાનંદના જીવન અને વ્યોમેશને કોઈ વ્યસન હોય તો તે વિશેની વાતો થાય છે. વિવેકાનંદ કોણ હતા? તે પ્રશ્નના જવાબમાં વ્યોમેશ કહે છે કે, તેણે સ્વામી વિવેકાનંદના જન્મ સ્થાન કલકત્તાથી માંડી બેલૂર મઠ સુધીની યાત્રા કરી છે. કિશોરકાન્તના વ્યસન અંગેના જવાબમાં વ્યોમેશ કહે છે કે, ‘...વ્યસન મને પોષાય એમ નથી એટલે કે હું મારા શરીરને કોઈકે આપેલું વસ્ત્ર ગણું છું એને હું મેલું ન કરી શકું જર્જરિત ન કરી શકું...’[પૃ.189] આગળ તે કહે છે કે મને વ્યસન છે, પ્રકૃતિ, પુસ્તક અને પરમાત્માનું. કિશોરકાન્ત દિવ્યેશની આ વાતો સાંભળી પ્રભાવિત થઈ વિવેકાનંદના રોલ માટે તેને ફાઈનલ કરે છે. આગળની બેઠકની ચર્ચા કરી છૂટા પડે ત્યાં દ્રશ્ય બદલાય.
હવેનું દ્રશ્ય શરૂ થતા વ્યોમેશ વિવેકાનંદ નાટકની સ્ક્રિપ્ટના પાના ઉથલાવી રહ્યો છે. હવે વાચકને અનુભવ થાય કે આ દિવ્યેશ જ છે. દિવ્યેશ પોતાની જાત સાથે વાત કરતા કહે છે, તું એક્ટર તો ખરો જ . ચમરબંધ ગણાતા કિશોરકાન્ત દેસાઈને તું નથી તે દેખાડી ચકિત કરી નાંખ્યા... બાકી, તું સાલા અઢારે જગબહારો ગુજરાત મશહૂર ભારાડી માણસને પાપી પેટને ખાતર તું વિવેકાનંદનો રોલ મેળવવા વિવેકાનંદનો વેશ ભજવીશ?’[પૃ.189-190]
            આમ, નાસ્તિક, વ્યસની દિવ્યેશ સ્વામી વિવેકાનંદનો રોલ મેળવે છે; પણ, આ બધી બાબતમાં એક જ બાબત સ્વામી વિવેકાનંદ જેવી જણાય છે તે તેનું શરીર સૌષ્ઠવ, હાઈટ, મોં - બોલવાની છટા; તેથી જ તો દિવ્યેશ કલ્પના કરે છે, ભગવા કપડો પ્હેરીશ ને મેઈકઅપ કરાવીશ તો તું અદલ આવો લાગશે – (વિવેકાનંદનો ફોટો બતાવીને)... એટલે મારું વાચિક, મારું આંગિક વિવેકાનંદ જેવું છે તો આહાર્યથી હું વિવેકાનંદ તરીકે ખપી જઈશ પ્રેક્ષકો મને વિવેકાનંદ તરીકે સ્વીકારી લેશે.’[પૃ.190-191]
            હવે આ નાટકમાં શરૂ થાય છે આંતરદ્વંદ્વ... અધ્યાપક ભટ્ટ સાહેબનો અવાજ, બધા વ્યસનથી છૂટ્યા વગર તું અંદરથી વિવેકાનંદ નહીં થઈ શકે, મિત્ર.[પૃ.191] આ સાંભળ્યા પછી દિવ્યેશ નાનપણમાં તેના ગામમાં જોયેલી ‘રામલીલાની વાત વાગોળતા કહે છે કે, સીતા થતાં પુરુષ નટને વિગમાં બીડી પીતા જોયો છે પણ, એ પછી તે સીતા થઈ સ્ટેજ પર જાય પછી આખે આખો બદલાઈ જતો[પૃ.191] ત્યારબાદ નટ ખૂબ જ ભાવપૂર્વક સીતાના વેશમાં ગીત પણ ગાતો હોય. ભટ્ટ સાહેબ દિવ્યેશના શિક્ષક છે. તે એક સવાલ પૂછી બેસે છે કે,
પેલા બીડી પીધા પછી સીતાના
રોલ કરતા નટને સાચો લેખું
કે સાત્વિક અભિનયનો આગ્રહ
રાખતા આપને ? બોલોને સર,
હું શું કરું ?
હું હેમ્લેટ જેમ મુંઝાઇ ગયો છું
હું વિવેકાનંદ થઉં કે ના થઉં ?
To be or not to be ?’[પૃ.192]

આ મનોદ્વંદ્વ વચ્ચે કિશોરકાન્ત દેસાઈ પ્રવેશે છે. ત્યાં જ કિશોરકાન્તના માટે બનેલો વ્યોમેશ તેને કહે છે કે, હું વિવેકાનંદનો રોલ કરવાને યોગ્ય નથી વ્યસનને લીધે... અને પછી કિશોરકાન્ત પ્રશ્ન પૂછે છે કે, ‘તને આટલું મનોમંથન આ રોલે કરાવ્યું એ ઓછું નથી!’ રિહર્સલ માટે બોલાવે છે અને વ્યોમેશ ભરતી આ રોલ સફળ રીતે કરશેએમ કહી નીકળી જાય છે.
            હવે દ્રશ્ય-૩ શરૂ થાય છે વ્યોમેશના મનમાં જાગૃત વિવેકાનંદનો રોલ... ત્યાં વિવેકાનંદને દર્શાવવા સારું ઊઠો, જાગો ધ્યેય સિદ્ધ ના થાય ત્યાં લગ નિંદ્રા ત્યાગોઊઠો, જાગો અને વ્યોમેશ જાગીને વિવેકાનંદની સ્ક્રિપ્ટ વાંચે છે અને હાર્મોનિયમની પેટી કાઢી તરજ બાંધે છે.  પછી તેની મા આવી સૂઈ જવાનું કહી લાઈટ સ્વીચ ઓફ કરી અંધારું કરે ત્યાં દ્રશ્ય પૂરું થાય.
            પછીના દ્રશ્યમાં વિવેકાનંદનો ફોટો વ્યોમેશના હાથમાં છે અને નરેન્દ્રનાથ દત્ત’ (સ્વામી વિવેકાનંદ) જન્મથી લઈ તેમના જીવનની સાધુ થતા પહેલાના ઘટનાક્રમમાં પ્રવેશે છે. ક્યાંય વિવેકાનંદની સ્ક્રિપ્ટ વ્યોમેશ પર હાવી થઈ જાય તો ક્યાં વ્યોમેશ વિવેકાનંદના વ્યક્તિ સાથે પોતાના જીવનના સંસ્મરણો તાજા કરતો જાય. નરેન્દ્ર નાનો હતો ત્યારથી જ શ્રદ્ધાવાળોને વ્યોમેશ અંધશ્રદ્ધાળુ. સ્ક્રિપ્ટ અને સંસ્મરણો વચ્ચે ગોથા ખાતું નાટક એક સાથે બે દ્રશ્ય સમાંતરે ચાલતા હોવાનો વાચકને અહેસાસ થાય. આ દ્રશ્યમાં વ્યોમેશની સ્ક્રિપ્ટ આગળ વધતા પાછળ નેપથ્યમાંથી દિશાસૂચક અવાજ આવતા રહે, સંવાદ ચાલતો રહે, વ્યોમેશને અભિનય પ્રયુક્તિઓ શીખવાડતા ડિરેક્ટર આકાશભાષિત જેમ બોલતા દ્રશ્ય પૂરું થાય ત્યારે આ અવાજની વ્યોમેશને જાણ થાય. ડિરેક્ટર વ્યોમેશના અભિનયની કસોટી કરે છે. વ્યોમેશ-ડિરેક્ટર અને સ્ક્રિપ્ટનો નરેન્દ્ર ત્રણેય સંવાદો વચ્ચે વિવેકાનંદના જીવન પ્રસંગો ઉઘડતા જાય અને નાટક આગળ વધતું રહે. રામકૃષ્ણ પરમહંસ સાથેની નરેન્દ્રની મુલાકાતથી પરમહંસ ધ્યાનસ્થ થાય ત્યાં સુધીના પ્રસંગનું નિરૂપણ કરી નાટકનો પ્રથમ અંક સમાપ્ત થાય.
            બીજા અંકમાં પરમહંસ નરેન્દ્રને ગુરુ બની શિક્ષાની દીક્ષા આપે, માના સાનિધ્યમાં વિવેકનું ચયન કરવા બદલ પરમહંસ તરફથી વિવેકાનંદ નામ મળે અને નરેન્દ્રને પરમહંસ પોતાની સર્વસિદ્ધિઓ આપી વિદાય લે ને સંદેશો આપતા જાય, ‘જે ફરે છે, એ ચરે છે’ – આ અનુસંધાને મા શારદા નરેન્દ્રને કહે છે કે, ફરે તે ચરે...તું કાશ્મીરથી કન્યાકુમારી સુધી પરિભ્રમણ કરજ્ઞાન સંપાદન કર ને છે એ જ્ઞાનને વ્હેંચ [પૃ.204] અને પછી વિવેકાનંદની સંન્યાસીયાત્રા શરૂ થાય. ત્યારબાદ સાધક વિવેકાનંદના જીવનમાં બનતી ઘટનાઓ ભજવાય. આજ જીવન ઝાંખીઓમાં વિવેકાનંદને અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વધર્મનું સંમેલનમાં જવાનું નિમંત્રણ મળે અને એ વિચાર સાથે વિવેકાનંદ કન્યાકુમારી જઈ સાગરની વચ્ચેના ખડક પર ધ્યાનસ્થ થવા જાય, ત્યાં દ્રશ્ય પૂરું થાય અને પછી ખડકની શીલા પર ધ્યાનસ્થ બેઠેલા વિવેકાનંદ ધીમે ધીમે આંખો ખોલે અને જાણે કોઈ દિશાસૂચન કરી રહ્યું હોય એમ કહે,
ચાલ, મનવા ચાલ
સાધુ તો ચલતા ભલા
એને દેશ શું ? પરદેશ શું[પૃ.210]
આ દ્રશ્ય આ વિચાર સાથે પૂરું થાય અને બીજું દ્રશ્ય શરૂ થાય ત્યાં તો પાર્શ્વમાંથી ગીત સંભળાય અને 31 મે, 1893ના રોજ વિવેકાનંદ વિશ્વધર્મ સંમેલનમાં ભાગ લેવા શિકાગો પહોંચે. પછી વિવેકાનંદના દેખાવ અંગેનો પ્રસંગ થઇ દ્રશ્ય પૂરું થાય. ત્યારબાદ 11 સપ્ટેમ્બર, 1893ના વિવેકાનંદ પ્રવચન વિશેનો પ્રસંગ ભજવાય. પછી ડિરેક્ટર વ્યોમેશના બીજા પ્રવાસો વિષે અવગત કરે અને નડિયાદમાં હરિદાસ વિવેકાનંદને મણિલાલના ઘરે લઈ આવે. ત્યાં હરિદાસ વડે સાંભળેલી મણિભાઈની વિગતો અંગે વિવેકાનંદ અહોભાવ વ્યક્ત કરે, તે દ્રશ્ય પૂરું થાય. દ્રશ્ય પૂરું થતા પાર્શ્વમાં ગઝલ સંભળાય છે.
ક્યહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે
ખફા, ખંજર સનમમાં રહમ ઊંડી લપાઈ છે.
ફના કરવું, ફના થવું, ફનામાં સેહ સમાઈ છે
મરીને જીવવાનો મંત્ર દિલબરની દુહાઈ છે.’ [પૃ.213]
આમ, મરીને જીવવાનો મંત્ર આપનાર મણિલાલને અંજલિ આપી નાટ્યકાર ડિરેક્ટરના સ્થાનેથી હવે વિવેકાનંદના ટૂંકા આયુષ્યના અંત તરફ ગતિ કરે.
છેલ્લું દ્રશ્ય ઈ..1904 બેલૂર મઠનું ગોઠવાય. નિવેદિતા તેમની સાથે છે, તે સંવાદમાં સાધવી નિવેદિતાના જીવનનો પણ આછોપાતળો પરિચય મળે અને સ્વામી વિવેકાનંદ માયા છોડી, જગત છોડી ચાલ્યા જાય અને નાટકના અંતે પાર્શ્વમાંથી સ્વામીનો પડઘો સંભળાય ને સંબોધે :
મારા મિત્રો, તમારા એક સગાભાઈ તરીકે
જીવન અને મૃત્યુમાં
તમારા સાથી તરીકે
હું તમને કહેવા માંગું છું
કે
આપણે જોઈએ છે
સામર્થ્ય, સામર્થ્ય
અને હર સમયે સામર્થ્ય [પૃ.214]
અને અંતે તમસો મા જ્યોતિર્ગમયના શ્લોકથી નાટક પૂર્ણ થાય.
        આખા નાટકમાંથી વાચક અને ભાવક તરીકે પસાર થતા અનુભવાય છે કે નાટકનું કથાવસ્તુ સરળ નથી. નાટકના પરિપેક્ષ્યને રંગભૂમિ પર ભજવવું અઘરું છે. આ નાટકમાં ઘણા દ્રશ્યો બદલાય છે. નાટકને વાંચતા ઘણા પ્રશ્નો વાચકના મનમાં ગડમથલ જન્માવે એવા છે; પરંતુ, આજ વસ્તુ રંગભૂમિમાં જો ભજવાઈ તો એ પ્રશ્નો રહેતા જ નથી. જેમકે, ઈન્ટરવ્યૂ સમયે દિવ્યેશ અને વ્યોમેશ એક જ વ્યકિત છે, કે પાછળ ભટ્ટ સાહેબનો ફોટો બોલતો હોય તે વાચકને ખૂબ પાછળથી જાણ થાય; પરંતુ, નાટક જોનાર પ્રેક્ષકને તરત જ ખબર પડી જાય. આજ રીતે વ્યોમેશથી વિવેકાનંદ અને વિવેકાનંદથી વ્યોમેશના અભિનયની અદલાબદલી વાચકનું ધ્યાનભંગ કરતા જણાય છે, જ્યારે અભિનય કરતા નટની અભિનય ક્ષમતાને પ્રેક્ષક તરત જ પામી શકે છે.
        નાટકનું કથાવસ્તુ સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વને ઉજાગર કરવાનું તો છે જ સાથે સાથે આજના યુગના પરિપેક્ષ્યમાં અભિનયકળાની પ્રયુક્તિ, ફ્લેસબેક, નેપથ્યમાંથી આવતો અવાજ, સંગીત તથા રંગભૂમિમાં થતા ગીતોનો ઉપયોગ નાટ્યકારે ખૂબ જ કુશળતાથી આ નાટકમાં વણી લીધો છે. આ સમગ્ર નાટ્યપ્રયુક્તિઓ આ નાટકમાં એવો અનુભવ જરૂર કરાવે કે આ નાટ્યકારનું પ્રયોગાત્મક નાટક છે. નાટકમાં પાત્રો ખૂબ ઓછા છે છતાં પણ નાટકની જરૂરિયાત પ્રમાણેના દ્રશ્યો ઘણા બદલાય છે. જૂની રંગભૂમિમાં જ્યાં સેટ અપ ઊભું કરવાનું હોય ત્યાં આ નાટક ખર્ચાળ સાબિત થાય; પરંતુ, આધુનિક ટેકનજીના ઉપયોગથી પાછળ સ્ટેજના બેકગ્રાઉન્ડમાં ૩D પ્રોજેક્ટર દ્વારા દ્રશ્ય બદલાય તો નાટક ભજવવામાં તથા નાટકના આયોજનમાં સરળતા થઈ શકે. મંચ/ગૂંથણીમાં કે મંચસજ્જામાં કોમ્પ્યૂટરાઈઝ ટેકનજીનો ઉપયોગ વધુ પ્રભાવક રીતે નાટકને પ્રેક્ષક સામે રજૂ કરવામાં ઉપયોગી થઈ શકે તેમ છે.
        આ નાટકનું સૌથી પડકારજનક પાસું હોય તો એ નટ દ્વારા કરાતો અભિનય. અહીં જીવતા જાગતા પાત્રો ઘણા ઓછા છે. કિશોરકાંત, ડિરેક્ટરનું પાત્ર, વિવેકાનંદનું પાત્ર ભજવતા દિવ્યેશ શેલત કે જે વ્યોમેશ ભારતી પણ છે તેને ઉપસાવવા માટે પૂરક તો પાત્રો જ બને છે. આ ઉપરાંત રંગભૂમિ પર કાર્ય કરતા નટોનું વાસ્તવિક અને રંગમંચના વ્યક્તિત્વમાં જોવા મળતા વિરોધાભાસને પણ એક વૈચારિક પ્રશ્નરૂપે નાટ્યકાર દ્વારા મૂકવામાં આવ્યો છે તથા દિવ્યેશના વ્યક્તિમાંથી વ્યોમેશ ભારતીના વ્યક્તિત્વનો વિરોધાભાસ અને તે પછી રંગમંચના વિવેકાનંદનું વ્યક્તિત્વ વચ્ચેનો નટનો વૈચારિક સંઘર્ષ નાટકના કેન્દ્રમાં છે. રામલીલામાં સીતાનું પાત્ર ભજવતો નટ રંગભૂમિ પર સીતાના વ્યક્તિત્વને પ્રદર્શિત કરતો અભિનય કરતો હોય અને એ જ નટ જાહેર-વાસ્તવિક જીવનમાં બીડી પીતો હોય. અહીં સત્ય શું? ખરેખર અભિનય ક્ષમતા પાત્રના વ્યક્તિત્વમાં રહેલા પાસાંઓને અસર કરે? કે પછી અભિનયક્ષમતા મનોદ્વંદ્વનું કારણ હોઈ શકે ?
        આ નાટકમાં ડિરેક્ટરની ભૂમિકા અને નાટકને પ્રેક્ષકો સમક્ષ મૂકતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વગેરેની આયોજનરીતિને પણ વાચક સમક્ષ મૂકી આપી છે. અભિનયક્ષમતા ધરાવતા નટને નાટકના પાત્રના વ્યક્તિત્વ અનુરૂપ તરાસીને અભિનયના નવા આયામને સિદ્ધ કરવાની કળા પણ નાટકના નેપથ્યનો ભાગ છે, જેનો પરિચય આ નાટક કરાવે છે.
        આમ, આખું નાટક નાટ્યકારની લેખનક્ષમતા અને પ્રયોગશીલતાના આયામોને વાચક સમક્ષ કે ભાવક સમક્ષ ખોલી આપે છે, સાથે જ ભારતની એક મહાન વિભૂતિની જીવનયાત્રાની ઝંખીઓને પ્રદર્શિત પણ કરે છે. આ ઉપરાંત આ નાટકમાં રંગભૂમિના વિવેકાનંદના પાત્ર અને વાસ્તવિક જીવનના દિવ્યેશ બંને વચ્ચેના સંઘર્ષને નાટ્યપ્રયુક્તિની તરેહ દ્વારા પ્રદર્શિત કરવામાં વાચક ગૂંચવાડે ચડે એવું પણ ક્યાંક કયાંક બનતું જણાય છે. છતાં, આ પ્રયોગશીલ નાટક નવા નાટ્યલેખકો અને ઉગતા દિગ્દર્શકો માટે પાઠશાળા સમાન તો છે જ. 
ડૉ. હેતલ કિરીટકુમાર ગાંધી